Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકારણને નરેશ પટેલની ના: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે છેવટે રાજકારણમાં પડવાનું પડતું...

    રાજકારણને નરેશ પટેલની ના: ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે છેવટે રાજકારણમાં પડવાનું પડતું મુક્યું

    દિવસો અને મહિનાઓ સુધી અટકળો ચલાવ્યા બાદ છેવટે ખોડલધામના ચીફ નરેશ પટેલે રાજકારણમાં ઝંપલાવવાનો ઇનકાર કર્યો છે, આ માટે તેમણે વડીલોની લાગણીને કારણ બતાવ્યું છે.

    - Advertisement -

    છેલ્લા ચારેક મહિનાથી ચાલતી અટકળોનો નરેશ પટેલે અંત આણ્યો છે. આજે ખોડલધામ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા તેમણે પોતે રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી છે. તેમણે વડીલોની ચિંતાને માન આપી કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે તેમણે ખોડલધામના વિવિધ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે કામ કરશે તેમ કહ્યું હતું.

    ખોડલધામ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા નરેશ પટેલે કહ્યું કે, કોરોનાકાળમાં સરદાર સાહેબ અને અન્ય નેતાઓને વાંચ્યા બાદ મને લાગ્યું કે રાજકારણમાં જઈને પણ ઘણી સેવા થઇ શકે. જ્યારે આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી એવી હતી કે સમાજને પણ પૂછવું જોઈએ. જે માટે દરેક સમાજની વચ્ચે જઈ સરવે કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, વડીલોને આ બાબતની ચિંતા છે. તેમણે કહ્યું કે, હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં તો એક જ પાર્ટીનો થઇ જાઉં અને બધા સમાજ વચ્ચે કામ ન કરી શકું. જેથી રાજકારણમાં જોડાવાનો મારો નિર્ણય મોકૂફ રાખવામાં આવે છે.

    નરેશ પટેલના નિર્ણય મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, “તેઓ સક્ષમ વ્યક્તિ છે. તેમણે સમાજ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ એવું વારંવાર કહ્યું પણ હતું. સમાજ સાથે ચર્ચા કર્યા પછી અભિપ્રાયને ધ્યાને રાખીને આજે કોઈ પાર્ટીમાં ન જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે, જે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.”

    - Advertisement -

    ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી નરેશ પટેલ આડકતરી રીતે પણ સામેલ રહ્યા જ છે પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ફેબ્રુઆરીમાં રાજકારણમાં જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. જે બાદ તેમણે કહ્યું હતું કે સમાજમાં સરવે કર્યા બાદ તેઓ નિર્ણય જાહેર કરશે. જોકે, એ મુદત આગળ વધતી ગઈ અને લગભગ સો કરતા વધુ દિવસોની અટકળો, ચર્ચાઓ, બેઠકો બાદ તેમણે રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.

    વચ્ચે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો પૂરજોશથી શરૂ થઇ હતી અને એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જોડાશે. પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાની ભલામણ પણ નરેશ પટેલે જ પાર્ટી સમક્ષ કરી હોવાનું કહેવાય છે. જોકે, પ્રશાંત કિશોરે કોંગ્રેસને ના પાડી દીધા બાદ નરેશ પટેલનું કોકડું પણ ગૂંચવાયું હતું.

    આ સમયગાળા દરમિયાન નરેશ પટેલ ભાજપ-કોંગ્રેસ તમામ પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક કરતા કે કાર્યક્રમોમાં ભાગ લેતા દેખાયા હતા. કેટલીક બેઠકો બંધબારણે પણ થઇ હતી. જોકે, તેમાં કોઈ ઠોસ પરિણામો મળ્યાં ન હતાં. બીજી તરફ, નરેશ પટેલ રોજ સમાચારનો મુદ્દો બનતા રહ્યા. પણ હવે આખરે નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય અને સમાજનાં કામો ચાલુ રાખશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં