Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું ગુજરાત કોંગ્રેસના કાર્યાલયનું નામ બદલીને 'હજ હાઉસ' કરી દેવામાં આવ્યું છે?...

    શું ગુજરાત કોંગ્રેસના કાર્યાલયનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દેવામાં આવ્યું છે? જગદીશ ઠાકોરના વિવાદિત નિવેદન બાદ બજરંગ દળનો દાવો

    'દેશની તિજોરી પર પહેલો હક લઘુમતીઓનો' કહીને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ફસાયા. બજરંગ દળે કોંગ્રેસ ઓફિસે જઈને વિરોધ કર્યો હતો અને પાર્ટી બહાર પોસ્ટરો ચોંટાડ્યાં હતાં.

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ‘દેશના સંસાધનો પર પહેલો હક લઘુમતીઓનો છે’ તેવું નિવેદન આપ્યાં બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ ભાજપે તો વિરોધ કર્યો જ પરંતુ હવે હિંદુ સંગઠનો પણ મેદાને આવ્યાં છે. ગુરુવારે સાંજે બજરંગ દળ કાર્યકરો અમદાવાદ કોંગ્રેસની ઓફિસે પહોંચી ગયા હતા અને પાર્ટીનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી નાંખ્યું હતું. 

    અમદાવાદમાં બજરંગ દળ કાર્યકર્તાઓએ કોંગ્રેસની ઓફિસે જઈને પોસ્ટર ચોંટાડ્યાં હતાં. આ પોસ્ટરોમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની તસ્વીર જોવા મળે છે અને બાજુમાં લખવામાં આવ્યું છે કે, ‘ખાસ નોંધ: નામ બદલેલ છે. આજથી આ કાર્યાલયનું નામ ‘ગુજરાત કોંગ્રેસ સમિતિ’થી બદલીને ‘હજ હાઉસ’ રાખવામાં આવે છે.’

    આ ઉપરાંત, પાર્ટીની ઓફિસ બહાર લગાવવામાં આવેલ પોસ્ટરો પર કાળી શાહી લગાવવામાં આવી હતી. પાર્ટી ઓફિસ બહાર ‘સદભાવના સંમેલન’નું એક બેનર હતું અને અન્ય એક બેનરમાં નવા નિમાયેલા કાર્યકારી પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બેનરોમાં કોંગ્રેસ નેતાઓની તસ્વીરો પર કાળી શાહી લગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સદભાવના સંમેલનમાં જ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. 

    - Advertisement -

    સદભાવના સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મંચ પરથી ભાષણ કરતાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના લઘુમતીઓ અંગેના નિવેદનને લઈને કહ્યું હતું કે, તેઓ આજે પણ એ જ વિચારધારામાં માને છે. તેમણે કહ્યું હતું કે, “ડંકાની ચોટ પર આ દેશના વડાપ્રધાન (મનમોહન સિંહ) કહેતા હતા કે હિંદુસ્તાનની તિજોરી ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. આ દેશનો કોંગ્રેસનો વડાપ્રધાન ડંકાની ચોટ ઉપર બોલતો હતો. એ બોલવાથી કેટલું નુકસાન થયું એ પણ કોંગ્રેસ જાણે છે.”

    આ ઉપરાંત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે મુસ્લિમોને અપીલ કરીને કહ્યું હતું કે, તેઓ જો કોંગ્રેસની સરકાર બનાવવાનું નક્કી કરી દે તો કોંગ્રેસની સરકાર બનતાંની સાથે જ તેમને મકાનો આપવામાં આવશે. જગદીશ ઠાકોરે કહ્યું હતું, અમદાવાદમાં જ્યાં-જ્યાં લઘુમતી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી છે, જેમની હાલત ખરાબ છે તે વિસ્તારોના નામો લખો અને નક્કી કરો કે કોંગ્રેસની સરકાર લાવીએ અને એક વર્ષમાં 10 માળની બિલ્ડીંગમાં રૂમ રસોડા સાથેના મકાનો કોંગ્રેસ આપશે.”

    જગદીશ ઠાકોરના આ નિવેદન બાદ રાજ્યભરમાંથી ભાજપ અને અન્ય હિંદુ સંગઠનોએ તેમનો વિરોધ કર્યો હતો તો બીજી તરફ તેમની જ પાર્ટીએ કિનારો કરી લીધો હતો. વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય સુખરામ રાઠવાએ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું હતું કે, “દેશની તિજોરી ઉપર કોઈ એક કોમનો હક હોય તેવું હું પોતે માનતો નથી, બધાનો જ હક છે. જોકે, તેમણે એ નિવેદન કયા સંજોગોમાં આપ્યું એ જાણવું જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં