Thursday, May 2, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘G20ના 2 દિવસના કાર્યક્રમ માટે સરકાર 400 કરોડના ખર્ચે ખરીદશે 50 કાર’:...

    ‘G20ના 2 દિવસના કાર્યક્રમ માટે સરકાર 400 કરોડના ખર્ચે ખરીદશે 50 કાર’: સોશિયલ મીડિયા પર દાવો, TMC સાંસદે શૅર કર્યા સમાચાર- અહીં જાણો શું છે સત્ય 

    TMC સાંસદ સાકેત ગોખલેએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે મોદી સરકાર G20 સમિટ માટે 400 કરોડ રૂપિયા ખર્ચીને 50 બુલેટપ્રૂફ કાર ખરીદી રહી છે. 

    - Advertisement -

    આગામી મહિને પાટનગર દિલ્હીમાં G20 સમિટ યોજાનાર છે ત્યારે તેને લઈને હાલ સરકારી સ્તરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની વચ્ચે TMC સાંસદ સાકેત ગોખલેએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે મોદી સરકાર G20 સમિટ માટે 400 કરોડ રૂપિયા ખર્ચીને 50 બુલેટપ્રૂફ કાર ખરીદી રહી છે. 

    સાકેત ગોખલેએ કે ટ્વિટ કર્યું હતું, જેમાં DNAના એક રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો હતો. જેના આધારે તેમણે લખ્યું કે, ‘2024ની ચૂંટણી પહેલાં 2 દિવસની પીઆર ઇવેન્ટ (G20) માટે મોદી સરકાર 400 કરોડ રૂપિયા ખર્ચીને 50 આર્મડ કાર ખરીદવા જઈ રહી છે. સાથે એવો પણ પ્રશ્ન કર્યો કે, આખરે 2 દિવસ માટે ઉપયોગમાં લેવામાં આવનાર કાર માટે 400 કરોડનો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે? 

    સાકેત ગોખલેએ એમ પણ લખ્યું કે, જે કારો ઉપલબ્ધ છે તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોત કે ભાડેથી લઇ લીધી હોત તો આટલો બધો ખર્ચ ન થાત પરંતુ પીએમ મોદી G20માં ભાગ લેવા આવનાર મહેમાનો સામે પ્રભાવ પાડી શકે અને ઈલેક્શન પીઆર કરી શકે તે માટે ટેક્સપેયરોના 400 કરોડ ખર્ચવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    ગોખલેએ આ દાવા કરવા માટે જે રિપોર્ટનો આધાર લીધો હતો, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર G20 સમિટ માટે 400 કરોડના ખર્ચે 50 બુલેટપ્રૂફ ઑડી કાર ખરીદી રહી છે. આ રિપોર્ટમાં હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલનો આધાર લેવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી પોલીસના એક વરિષ્ઠ ‘પોલીસ અધિકારી’ને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે કેદ્રીય ગૃહ મંત્રાલયે જર્મનીથી આ કાર ખરીદી છે. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં ખર્ચ જણાવવામાં આવ્યો ન હતો. પરંતુ DNAએ પોતાના રિપોર્ટમાં આ 400 કરોડના ખર્ચની વાત કહી હતી.

    હવે જાણીએ કે સત્ય શું છે. 

    ખરેખર ભારત સરકાર કોઈ નવી કાર ખરીદી રહી નથી કે ન કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં સરકારે G20માં ભાગ લેવા માટે આવનાર નેતાઓની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કુલ 20 બુલેટપ્રૂફ ઑડી કાર લીઝ પર લીધી છે, જેનો ખર્ચ 18 કરોડ જેટલો આવશે. જે નેતાઓ મુલાકાતે આવનાર છે તેમના માટે બુલેટપ્રૂફ કારની વ્યવસ્થા કરવી એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે અને એ ફરજિયાત પાળવો જ પડે છે. સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આ બાબતની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. 

    જેથી સરકાર 400 કરોડના ખર્ચે 50 નવી કાર ખરીદી રહી હોવાના દાવામાં કોઈ સત્ય નથી અને સદંતર ખોટો છે. PIBએ ફેક્ટચેક કર્યા બાદ DNAએ રિપોર્ટ અપડેટ કરી દીધો હતો અને લખ્યું કે, ધ્યાન દોરવામાં આવ્યા બાદ અમુક બાબતો હટાવી દેવામાં આવી છે. રિપોર્ટની હેડલાઈન પણ બદલી નાખવામાં આવી હતી.

    જોકે, સાકેત ગોખલેએ ફેક ન્યૂઝ ફેલાવ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ પણ વડાપ્રધાનની મોરબી મુલાકાત વખતે 30 કરોડનો ખર્ચ કર્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો. જોકે, ઑપઇન્ડિયાએ ફેક્ટચેક કરતાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં