વડોદરામાં (Vadodra) પુલ ધરાશાયી થયાની ઘટના બાદથી સરકાર પર ધાક માંડીને બેઠેલા મેઇનસ્ટ્રીમ મીડિયાએ (Mainstream media) ફેક ન્યૂઝ (Fake News) ફેલાવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ વખતે મીડિયાએ જૂનાગઢમાં (Junagadh) બ્રિજ (Bridge) તૂટી પડ્યો હોવાના સમાચાર છાપ્યા છે. મોટાભાગના સમાચાર આઉટલેટે રિપોર્ટિંગ કર્યું છે કે, જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડ્યો છે. વધુમાં આ ઘટનાને વડોદરા બ્રિજ દુર્ઘટના સાથે પણ જોડવામાં આવી રહી છે. ફેક ન્યૂઝનો મારો ચાલ્યા બાદ તંત્રએ પોતે આ મામલે સ્પષ્ટતા આપવી પડી છે.

વાસ્તવમાં ગુજરાત સમાચાર, ABP, સંદેશ, દિવ્ય ભાસ્કર અને ઝી ન્યૂઝ જેવી મીડિયા સંસ્થાઓએ આ ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે અને પુલ તૂટી પડ્યો હોવાનું તૂત ફેલાવ્યું છે. સાથે આ ઘટનાને વડોદરા સાથે સરખાવીને લોકોને ગુમરાહ કરી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મીડિયાએ તો એવું છાપ્યું છે કે, પુલ તૂટવાથી ઘણા લોકો પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ જૂનાગઢના કલેકટરે સ્પષ્ટતા પણ આપી છે.
‘પુલ તૂટ્યો નથી, તોડાયો છે’ – જિલ્લા કલેક્ટર
મેઇનસ્ટ્રીમ મીડિયાએ જુઠ્ઠાણું ચલાવ્યા બાદ જૂનાગઢના કલેકટરે સ્પષ્ટતા આપવી પડી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા એક પોસ્ટ લખી છે અને સાથે બ્રિજના ફોટા પણ શેર કર્યાં છે. તેમણે લખ્યું છે કે, “માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી, સલામતી માટે તોડાયો છે.” તેમણે વધુમાં કહ્યું છે કે, આજક-આંત્રોલી ગામ નજીક પુલનો સ્લેબ ઉતારતી વખતે એક ભાગ પડી ગયો હતો. જે હેઠળ કોઈ જાનહાનિ નથી થઈ અને કામ કરતા લોકોને કોઈપણ પ્રકારની ઇજા પણ નથી થઈ.
? માંગરોળ નજીક જર્જરિત પુલ તૂટ્યો નથી, સલામતી માટે તોડાયો છે.
— Collector Junagadh (@collectorjunag) July 15, 2025
? આજક–આંત્રોલી ગામ નજીકના પુલનો સ્લેબ ઉતારતી વખતે એક ભાગ પડી ગયો
? કોઈ જાનહાની કે ઈજા થઈ નથી
? માંગરોળ નજીકના પુલનું નિરીક્ષણ બાદ તેને તોડવાની કામગીરી કરવામાં આવી હતી.@CMOGuj @RaghavjiPatel @JayantiRavi pic.twitter.com/UcwND5fnD0
તેમણે એવું પણ કહ્યું છે કે, માંગરોળ નજીકના પુલનું નિરીક્ષણ કર્યાં બાદ તેને તોડવા માટેની કામગીરી કરવામાં આવી હતી. કલેકટરના X એકાઉન્ટમા બ્રિજ તોડાયાના એક દિવસ પહેલાંની પોસ્ટ પણ જોવા મળી રહી છે. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, R&B પંચાયત અને રાજય, NHAI, કોર્પોરેશન, પ્રાંત અધિકારીઓ અને ચીફ ઓફિસર સાથે જિલ્લામાં આવેલા બ્રિજ/પુલની હાલની સ્થિતિ અને રોડ-રસ્તા રિપેરિંગ અન્વયે રિવ્યુ કરી જરૂરી કામગીરી કરવા માટેની સૂચના અપાઈ છે.
આજરોજ R&B પંચાયત અને રાજ્ય, NHAI, કોર્પોરેશન, પ્રાંત અધિકારીશ્રીઓ તથા ચીફ ઓફિસરશ્રીઓ સાથે જિલ્લામાં આવેલ બ્રિજ/પુલની હાલની સ્થિતિ અને રોડ રસ્તા રીપેરીંગ/પેચવર્ક અન્વયે રિવ્યૂ કરી જરૂર જણાયે તેમના સમારકામ માટે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા.@CMOGuj pic.twitter.com/cvq0mQRyGU
— Collector Junagadh (@collectorjunag) July 14, 2025
તે સિવાય જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના (પંચાયત) કાર્યકારી ઇજનેર અભિષેક ગોહિલે પણ સત્તાવાર નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા નિરીક્ષણ બાદ તે પુલને જર્જરિત જાહેર કરવામાં આવ્યો હતો. સ્લેબ અસુરક્ષિત જણાતા બ્રેકર મશીન દ્વારા તેને તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી દરમિયાન સ્લેબનો એક ભાગ તૂટ્યો હતો. આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.
વધુમાં મીડિયાએ એવા તૂત પણ ચલાવ્યા હતા કે, બ્રિજ તૂટી પડવાથી એક વાહન પાણીમાં ખાબકી ગયું છે. જોકે, તે JCB બ્રેકર મશીન હતું, જે ત્યાં પુલને તોડવા માટેનું કામ કરી રહ્યું હતું. તે સિવાય કલેકટર અનિલ રાણાવસિયાએ પણ ફરીથી દાવો કર્યો હતો કે, માંગરોળ નજીકનો પુલ અચાનક તૂટી પડવાનો કેસ નહોતો, પરંતુ આયોજનબદ્ધ રીતે તોડી પાડવામાં આવ્યો હતો.


