હોમપેજરાજકારણ'કોર્ટે કેજરીવાલને તમામ ગુનાઓમાં નિર્દોષ જાહેર કર્યા': 'ઈમાનદારી'ના બણગાં ફૂંકી ખોટા દાવા...

‘કોર્ટે કેજરીવાલને તમામ ગુનાઓમાં નિર્દોષ જાહેર કર્યા’: ‘ઈમાનદારી’ના બણગાં ફૂંકી ખોટા દાવા કરવા લાગ્યા AAP નેતાઓ-સમર્થકો, અહીં વાંચો હકીકત

આમાં જનતાનું નુકસાન થાય છે, કારણ કે સામાન્ય નાગરિક પાસે એટલો સમય નથી કે તે દરેક સમાચારની કાનૂની પરતો ખોલે. તે માત્ર શીર્ષક વાંચે છે અને માની લે છે કે 'અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા.' આ જ આ પ્રોપેગેન્ડાનો લક્ષ્ય છે, ન્યાય નહીં, નેરેટિવ. 

- Advertisement -

સોશિયલ મીડિયા પર ફરી એક વખત  જૂની રમત શરૂ કરી દેવામાં આવી છે. અધૂરા સમાચાર, અડધું સત્ય અને પૂર્ણ પ્રોપેગેન્ડા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (AAP) સમર્થકો અને પાર્ટીના કેટલાક નેતાઓએ એ નેરેટિવ ફેલાવવાનો શરૂ કરી દીધો છે કે દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ દાવાને એવી રીતે વેચવામાં આવી રહ્યો છે જાણે દિલ્હી લિકર પોલિસી સ્કેમ અને મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને અદાલત તરફથી ક્લીનચીટ મળી ગઈ હોય, જાણે બધું જ સમાપ્ત થઈ ગયું હોય અને હવે ભાજપ ‘ખોટા આરોપ’ લગાવીને કેજરીવાલને બદનામ કરી રહ્યો હોય. 

આ જુઠ્ઠાણું આગળ વધારવામાં ‘મીડિયા’ના કેટલાક પેજ અને હેન્ડલ પણ સક્રિય દેખાયા છે, જેમાં ‘નિર્ભય ન્યુઝ’ જેવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ લોકોનું કામ સમાચાર આપવાનું નથી, પરંતુ ‘પાર્ટી-વિશેષ’ માટે માહોલ બનાવવાનું છે. શીર્ષકો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે સામાન્ય માણસ વાંચતાં જ માની લે કે ‘કેજરીવાલ નિર્દોષ સાબિત થઈ ગયા.’ 

પરંતુ હકીકત એ છે કે કેજરીવાલને દારૂ કૌભાંડ કે મની લોન્ડરિંગ કેસમાં અદાલતે ‘નિર્દોષ’ જાહેર કર્યા નથી. જે ચુકાદાને ‘નિર્દોષ’ કહીને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તે એક અલગ અને તકનીકી કેસ છે, જેનો સંબંધ ED દ્વારા મોકલવામાં આવેલા સમન (સમન્સ) સાથે છે, નહીં કે તે મોટા કૌભાંડ સાથે જેના કારણે આખો વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ આખો મામલો સમજવો જરૂરી છે, કારણ કે આ માત્ર ‘ખોટી માહિતી’ નથી, પરંતુ જાણીજોઈને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

- Advertisement -

AAP ગુજરાત, નેતાઓ-સમર્થકો અને મીડિયાનો ખોટો દાવો

AAP ગુજરાતના અધિકૃત X હેન્ડલ પરથી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ED દ્વારા કરવામાં આવેલા ખોટા કેસોમાં આજે દિલ્હી કોર્ટે અરવિંદ કેજરીવાલને નિર્દોષ જાહેર કરી દીધા છે.” પોસ્ટની ભાષા અને ટોન એવાં છે કે જાણે અદાલતે કેજરીવાલને કોઈ મોટા કૌભાંડમાંથી મુક્ત કરી દીધા હોય.

આ જ પ્રોપગેન્ડાને આગળ વધારીને પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ પણ ડમરી ઉડાવી છે. પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ આવો જ દાવો કર્યો છે કે કેજરીવાલને ‘તમામ ગુનાઓ’માંથી નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમણે તો વિડીયોમાં એવા પણ બણગાં ફૂંક્યા છે કે ‘દુનિયામાં જો કેજરીવાલ ઈમાનદાર નથી તો કોઈ ઈમાનદાર નથી.” તેમણે ‘સત્યમેવ જયતે’ સાથે સુફિયાણી વાતો કરી છે અને ભાજપ પર માછલાં ધોવાનાં શરૂ કર્યાં છે કે ભાજપે ભ્રષ્ટ્રાચાર, દારૂ, નાણાકીય ગેરરીતિ અને એવા અઢળક આરોપો લગાવ્યા, પણ કોર્ટે કેજરીવાલને ‘તમામ ગુનાઓમાં નિર્દોષ જાહેર કરી દીધા.’

આ જ ક્રમમાં ગુજરાત AAPના ગૌરી દેસાઈ અને AAP પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ વિડીયો બનાવી-બનાવીને કેજરીવાલને ‘નિર્દોષ’ જાહેર કરી દીધા છે અને ‘કટ્ટર ઈમાનદાર’નું સ્વઘોષિત ટેગ પકડાવી દીધું છે. ગૌરીએ તો એવું પણ કહ્યું કે, “EDના આરોપો ખોટા સાબિત થયા છે.” આગળ ‘સત્ય પરેશાન થઈ શકે, પરાજિત નહીં’ જેવી સુફિયાણી વાતો પણ કરવામાં આવી છે.

હવે સવાલ એ છે કે શું વાસ્તવમાં અદાલતે કેજરીવાલને ‘તમામ ગુનાઓ’માંથી નિર્દોષ જાહેર કર્યા છે? જવાબ છે — ના. આવી ડાહી-ડાહી વાતો કરીને લોકોનું સોફ્ટ બ્રેઇનવૉશ કરવા માટે ‘જવાબદાર અને સમર્પિત’ મીડિયા પણ ઊણું નથી ઉતર્યું. તેમાં સૌથી મોખરે છે ‘નિર્ભય ન્યુઝ’. ‘નિર્ભય ન્યુઝે’ જે હેડલાઇન ચલાવી તેમાં સીધું વાક્ય છે કે “દિલ્હી કોર્ટે કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા” અને તેના આધારે AAP નેતા ચૈતર વસાવાનાં નિવેદનને જોડવામાં આવ્યું.

આ પેંતરા ફેલાવવાની જૂની રીત છે. પે’લા ખોટો નિષ્કર્ષ ઠોકી દો, પછી કોઈ નેતાની પ્રતિક્રિયા બતાવીને તેને ‘સમાચાર’ બનાવી દો. આવી હેડલાઇન સામાન્ય માણસના મગજમાં એક જ વાત બેસાડી દે છે — કેજરીવાલ ‘બચી ગયા’, ‘બેદાગ-નિર્દોષ થઈ ગયા’, ‘ક્લીનચીટ મળી ગઈ.’ જ્યારે અદાલતનો ચુકાદો તે મોટા કેસ પર છે જ નહીં, જે આ જમાત પ્રચાર કરી રહી છે. 

શું છે હકીકત?

જે ચુકાદાને ‘નિર્દોષ’ કહીને પ્રોપગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે, તે મુખ્ય રીતે EDના સમન (સમન્સ) સાથે જોડાયેલા કેસો પર છે. એટલે કે EDએ કેજરીવાલને કેટલાક સમન્સ મોકલ્યા હતા અને આરોપ એ હતો કે કેજરીવાલે તે સમન્સને ગંભીરતાથી ન લીધા/તેમને અવગણ્યા. આ જ વાતને લઈને અદાલતમાં કેસ ચાલ્યો.

હવે અદાલતે તે સમન્સવાળા કેસમાં રાહત આપી છે, પરંતુ આ રાહત કોઈ કૌભાંડના આરોપોમાંથી મુક્તિ નથી. આ રાહત એક પ્રક્રિયાગત/તકનીકી પાસા પર આધારિત છે, એટલે કે સમન્સની પ્રક્રિયા, સર્વિસ, વૈધતા અને સંબંધિત કાનૂની મુદ્દાઓ પર. સીધી ભાષામાં કહીએ તો આ કૌભાંડમાં નિર્દોષ થવાનો ચુકાદો નથી, પરંતુ ‘સમન્સ પ્રક્રિયા’વાળા કેસમાં રાહત છે.

આ એવું જ છે જેમ કે કોઈ વ્યક્તિ મુખ્ય કેસમાં આરોપી હોય, પરંતુ કોઈ અલગ કેસમાં તેને રાહત મળી જાય અને સમર્થકો તેને ‘બધા આરોપોમાંથી મુક્ત’ કહીને જશ્ન મનાવવા લાગે. આ જશ્ન નથી, પરંતુ જનતાને ઉંધા ચશ્મા પહેરાવવા જેવું છે.

તો શું લિકર પોલિસી/મની લોન્ડરિંગ કેસ પૂરો થઈ ગયો? બિલકુલ નહીં.

આ વાત જેટલી સ્પષ્ટ છે, એટલી જ પાર્ટીના પ્રચારકો દ્વારા છુપાવવામાં આવી રહી છે કે દિલ્હી દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસ અલગ છે અને તેમની કાનૂની પ્રક્રિયા ચાલુ છે. AAP સમર્થકો જે રીતે ‘નિર્દોષ’ શબ્દ ઉછાળી રહ્યા છે, તેનાથી લોકોને એવું લાગે છે કે અદાલતે દારૂ નીતિ કેસમાં પણ કેજરીવાલને ક્લીનચીટ આપી દીધી છે. જ્યારે એવું બિલકુલ થયું નથી.

અંતિમ અને મૂળ હકીકત એ છે કે કેજરીવાલને દારૂ કેસમાં કોઈ રાહત નથી મળી, મની લોન્ડરિંગ કેસ ચાલુ જ છે, બાકીના ગંભીર કેસો પણ ચાલુ છે અને જે રાહત મળી છે તે માત્ર EDના સમનવાળા કેસમાં જ છે અને તેનું હવે કોઈ ઔચિન્તય પણ નથી રહ્યું. કારણ કે કેજરીવાલ તો સમન્સ અવગણી-અવગણીને તિહાડ જેલની હવા પણ ખાઈ આવ્યા છે અને જામીન પર બહાર પણ નીકળ્યા છે. એટલે હવે સમન્સ જેવી ક્ષુલ્લક બાબતોનું કોઈ ઔચિન્તય રહેતું નથી. વાસ્તવિકતા એ છે કે કેજરીવાલ પર હાલ પણ લિકર પોલિસી સ્કેમ, મની લોન્ડરિંગ જેવા ગંભીર કેસોમાં ટ્રાયલ ચાલી રહી છે અને કોર્ટે તેમાં કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.

આ પહેલી વખત નથી કે AAPએ કોઈ કાનૂની ઘટનાક્રમને ‘સત્યની જીત’ અને ‘ક્લીનચીટ’ રીતે રજૂ કરી હોય. પાર્ટીનાં રાજકારણની એક સ્થાયી પેટર્ન રહી છે 1. તપાસ એજન્સી પર હુમલો, 2. દરેક કાર્યવાહીને ‘રાજકીય બદલો’ બતાવવો, 3. તકનીકી રાહતને ‘નિર્દોષ સાબિત’ કરવી, 4. સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર નેરેટિવ ઠોકવો, 5. મીડિયા પેજોમાંથી હેડલાઇન ચલાવવી.

આમાં જનતાનું નુકસાન થાય છે, કારણ કે સામાન્ય નાગરિક પાસે એટલો સમય નથી કે તે દરેક સમાચારની કાનૂની પરતો ખોલે. તે માત્ર શીર્ષક વાંચે છે અને માની લે છે કે ‘અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા.’ આ જ આ પ્રોપેગેન્ડાનો લક્ષ્ય છે, ન્યાય નહીં, નેરેટિવ. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં