Sunday, October 6, 2024
More
    હોમપેજઇન્ડોલોજીવિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓ પૈકીની એક છે હિન્દી, 14 સપ્ટેમ્બરે બની...

    વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓ પૈકીની એક છે હિન્દી, 14 સપ્ટેમ્બરે બની હતી ભારતની અધિકારિક ભાષા: જાણો કેમ મનાવાય છે ‘હિન્દી દિવસ’

    હિન્દીની ઉત્પત્તિ પણ વિશ્વની અન્ય ભાષાઓની જેમ જ સંસ્કૃતમાંથી જ થઈ છે. સંસ્કૃતની જેમ હિન્દી પણ દેવનાગરી લિપિમાં જ લખવામાં આવે છે. ભારતના ઉત્તર ભારતના રાજ્યોમાં હિન્દી ભાષા વધારે પ્રમાણમાં બોલાય છે.

    - Advertisement -

    ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમ જોવા જઈએ તો વિશ્વમાં લગભગ 7,000થી વધારે ભાષાઓ બોલાય છે. પરંતુ, તેમાંની ત્રણ ભાષાઓ એવી છે જે સૌથી વધુ બોલાય છે અને તેમાં એક ભારતીય ભાષા હિન્દી પણ છે. હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. 14 સપ્ટેમ્બરે જ હિન્દીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેથી ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય ‘હિન્દી દિવસ’ મનાવવામાં આવે છે.

    ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ દેશની રાષ્ટ્રીય ભાષા નક્કી કરવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારે આ અંગે ખૂબ ચર્ચા વિચારણા કર્યા બાદ, દેશમાં વસતા દરેક વર્ગ, સંસ્કૃતિ અને સંપ્રદાયના લોકોને ધ્યાનમાં રાખી હિન્દીને ભારતની આધિકારિક ભાષા તરીકે સ્વીકારવાનું નક્કી થયું હતું. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભામાં હિન્દીને દેશની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 અનુસાર દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી ભાષાને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી.

    1949માં હિન્દીની સત્તાવાર ભાષા તરીકેની સ્વીકાર્યતા બાદ 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરે ‘હિન્દી દિવસ’ ઉજવવામાં આવે છે. હિન્દી ભાષાના મહત્વને સમજવા અને પોતાની ભાષાને પ્રોત્સાહન આપવા માટે થઇને આ એક દિવસની ઉજવણી ખૂબ ખાસ બની જાય છે. આ દિવસનો હેતુ હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને લોકોને તેના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. યુવાનોમાં હિન્દી પ્રત્યેનો ઝોક વધારવા માટે શાળા-કોલેજોમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. તથા હિન્દી ભાષાના સાહિત્યમાં વિશેષ પ્રદાન કરનારને આ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાજભાષા પુરસ્કાર આપવામાં આવે છે.

    - Advertisement -

    હિન્દીની આધિકારિક ભાષા બનવા સુધીની સફર…

    સ્વતંત્રતાની લડત દરમિયાન એકતાના પ્રતીક તરીકે લડવૈયાઓએ હિન્દી ભાષાને સ્વીકારી હતી. સ્વતંત્રતા પહેલાં જ એવો વિચાર ચાલી રહ્યો હતો કે, દેશની એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ જેનાથી દેશ એક તાંતણે બંધાઈ શકે. પરંતુ તે સમયે ઉત્તર ભારત સિવાય પશ્ચિમ ભારતમાં જ લોકો હિન્દી સરળતાથી સમજી શકતા હતા. પરંતુ ઈશાન ભારત અને દક્ષિણ ભારતના લોકો માટે હિન્દી અજાણી પડતી હતી. તેથી જ સ્વતંત્રતા પછી તરત હિન્દીને રાષ્ટ્રીય ભાષા જાહેર કરાઇ નહોતી.

    દક્ષિણ ભારતમાં ઘણાં ઠેકાણે હિન્દીની જગ્યાએ અંગ્રેજીનો સત્તાવાર સ્વીકાર કરવાની ભલામણો કરી હતી, પરંતુ અંગ્રેજી ભાષાના મૂળ ભારતના નહોતા. ભારતની રાષ્ટ્રભાષા એ જ હોય શકે જેના મૂળ ભારતમાં હોય, અને હિન્દીના મૂળ દેવોની ભાષા સંસ્કૃતમાં રહેલા છે. પરંતુ વિરોધના કારણે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરતા પહેલાં બંધારણ સભાના સભ્યોએ ઘણી બધી ચર્ચાઓ કરી હતી. જોકે, તેમ છતાં વિવાદ વધુ વકરતા હિન્દીને રાષ્ટ્રભાષાના સ્થાને ભારતની આધિકારિક ભાષા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું હતું. નોંધવા જેવું છે કે, ભારતની કોઈ રાષ્ટ્રભાષા નથી, હિન્દી આધિકારિક ભાષાઓ પૈકીની એક છે.

    જોકે, હિન્દીનો સત્તાવાર ભાષા તરીકે સ્વીકાર થયા બાદ પણ અમુક ઠેકાણે વિરોધ થયો હતો. તમિલનાડુમાં જાન્યુઆરી 1965માં ભાષાના મુદ્દે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આથી કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરીને હિન્દી ઉપરાંત અંગ્રેજીને પણ ભારતની સત્તાવાર ભાષા તરીકેનો દરજ્જો આપ્યો હતો. ઉપરાંત બંધારણના આઠમા શેડ્યુલમાં કુલ 22 ભાષાઓને આધિકારિક ભાષા તરીકેની માન્યતા પણ આપવામાં આવી હતી. જેમાંની એક ગુજરાતી પણ છે.

    ઉલ્લેખનીય બાબત છે કે, 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં પ્રથમ વખત મોહનદાસ ગાંધીએ હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવા માટેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હિન્દી જ લોકભાષા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીનો પ્રથમ વખત ઉપયોગ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કર્યો હતો. 1977માં જયારે વાજપેયી ભારતના વિદેશમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું.

    અહીં મહત્વની બાબત એ છે કે, ભારતીયો ભાષાને પણ માતાનો દરજ્જો આપે છે. ત્યારે ભારત માટે હિન્દી માત્ર એક ભાષા નથી, પરંતુ દેશના સાંસ્કૃતિક વારસા અને એકતાનું પ્રતીક પણ છે. હિન્દીની ઉત્પત્તિ પણ વિશ્વની અન્ય ભાષાઓની જેમ જ સંસ્કૃતમાંથી જ થઈ છે. સંસ્કૃતની જેમ હિન્દી પણ દેવનાગરી લિપિમાં જ લખવામાં આવે છે. ભારતના ઉત્તર ભારતના રાજ્યોમાં હિન્દી ભાષા વધારે પ્રમાણમાં બોલાય છે. જોકે, સાહિત્યની ભાષા તરીકે હિન્દીનો ઉપયોગ 12મી સદીથી થતો આવ્યો છે.

    હિન્દીની વિશેષતા

    હિન્દી બીજી ભારતીય ભાષાઓથી પ્રાદેશિક દૃષ્ટિએ અલગ તરી આવે છે. હિન્દી કોઈ એક જ પ્રદેશની ભાષા નથી, તે બહુક્ષેત્રીય ભાષા તરીકે વિકસી છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સુધી તે વિસ્તરેલી છે. એવી જ રીતે દરેક પ્રદેશ કે ક્ષેત્રમાં એક ભાષા પ્રમુખ હોય છે, પણ હિન્દી અનેક ભાષાઓ અને બોલીઓના સમુચ્ચયરૂપ છે. આ સમુચ્ચયમાં રાજસ્થાની, વ્રજ, અવધી, મૈથિલી, બુંદેલખંડી, ખડી બોલી સહિતની 49 બોલીઓ હિન્દી ભાષા હેઠળ આવે છે.

    વિશ્વમાં બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા સ્થાને

    વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં હિન્દી ત્રીજા સ્થાને છે (હિન્દી રેન્કિંગ વર્લ્ડવાઇડ). નોંધનીય છે કે, પહેલા નંબર પર અંગ્રેજી અને બીજા નંબર પર ચીનમાં બોલાતી મેન્ડરિન ભાષા છે. સમગ્ર વિશ્વમાં લગભગ 60.88 કરોડ લોકો તેમની માતૃભાષા તરીકે હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ઘણા વિદેશી સોશિયલ મીડિયા ઇન્ફ્યુલન્સર્સ પણ હિન્દીથી પ્રભાવિત છે અને ઘણા તો હિન્દી ભાષા પ્રત્યેના પ્રેમના કારણે ભારતમાં પણ આવી ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં