Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશમોદી સરકારના GST રિફૉર્મની મધ્યમવર્ગ પર શું અસર થશે: જીવનજરૂરિયાતની કઈ વસ્તુઓ...

    મોદી સરકારના GST રિફૉર્મની મધ્યમવર્ગ પર શું અસર થશે: જીવનજરૂરિયાતની કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી?– સમજો

    આ GST રિફૉર્મથી ગ્રાહકોની ખરીદશક્તિમાં વધારો થશે, કારણ કે રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘી, નમકીન, ટૂથપેસ્ટ અને સિમેન્ટ સસ્તા થશે. તેનાથી સરેરાશ પરિવારનો માસિક ખર્ચ ઘટશે અને ખાસ કરીને મધ્યમવર્ગના જૂથોને ફાયદો થશે.

    - Advertisement -

    મોદી સરકારે (Modi Government) હવે GST વ્યવસ્થામાં મોટો બદલાવ કર્યો છે. બુધવારે (3 સપ્ટેમ્બર) દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં સર્વાનુમતે દેશભરમાં માત્ર બે જ ટેક્સ સ્લેબ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સુધારો 22 સપ્ટેમ્બરના રોજથી લાગુ થશે. અસ્તિત્વમાં રહેલા બે સ્લેબમાં 5% સ્લેબ અને 18%નો સમાવેશ થાય છે. એટલે મોટાભાગની બધી જ ચીજવસ્તુઓ આ બે સ્લેબમાં જોડવામાં આવશે. પહેલાં GSTમાં 0%, 5%, 12%, 18% અને 28% સ્લેબ હતા. જેમાંથી હવે માત્ર 5% અને 18% જ અસ્તિત્વમાં રહેશે.

    તે સિવાય લક્ઝુરિયસ અને હાનિકારક વસ્તુઓ માટે 40%નો સ્પેશ્યલ સ્લેબ રજૂ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે, જીવનરક્ષક દવાઓ, આરોગ્ય તથા જીવન વીમા પોલિસીઓ અને ઘણી શૈક્ષણિક સામગ્રી પરથી GST સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે. આ સુધારો મધ્યમવર્ગીય પરિવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પણ 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી આ બાબતની જાહેરાત કરી હતી અને સામાન્ય પરિવારોને દિવાળીની વિશેષ ભેટ આપવાની વાત કરી હતી.

    કઈ ચીજવસ્તુઓ થશે સસ્તી? 

    GST કાઉન્સિલના નિર્ણય અનુસાર 99% વસ્તુઓ જે 12%ના સ્લેબમાં હતી, તે હવે 5% સ્લેબમાં સામેલ કરવામાં આવી છે. તે સિવાય 90% વસ્તુઓ 28% સ્લેબમાં હતી, તે હવે 18% સ્લેબમાં ખસેડવામાં આવી છે. આ સુધારાથી રોજિંદા ઉપયોગની અનેક વસ્તુઓના ભાવ ઘટ્યા છે. નીચે કેટલીક વસ્તુઓની યાદી દર્શાવવામાં આવી છે. 

    - Advertisement -

    ખાદ્ય ચીજવસ્તુઓ

    ઘી, માખણ અને ચીઝ- આ તમામ વસ્તુઓને પહેલાં 12%ના સ્લેબમાં રાખવામાં આવી હતી, જે હવે ત્યાંથી હટાવીને 5%ના સ્લેબમાં મૂકવામાં આવી છે. PIB અનુસાર, તેનાથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારમાં રસોઈના ખર્ચ ઘટશે. 

    નમકીન, ભુજિયા અને ઇન્સ્ટન્ટ નુડલ્સ- આ ઉત્પાદનો પરથી પણ GST 12% કે 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. 

    ચોકલેટ અને કોફી- ચોકલેટ પર GST 28%થી ઘટીને 18% અને કોફી પર 12%થી ઘટીને 5% થયો છે. જેના કારણે રોજિંદા પીણાં સસ્તાં થયાં છે. 

    ભારતીય બ્રેડ (રોટલી, ચપાતી, પરોઠા)- આ તમામ વસ્તુઓ પરથી 5% GST હટાવીને નીલ રેટ લાગુ કરવામાં આવ્યો છે, જે દરેક ઘર માટે સૌથી મોટી રાહત છે. એટલે કે, હવે રોટલી, ચપાતી જેવી જીવનજરૂરી વસ્તુઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં. 

    ઘરેલુ ઉપયોગની ચીજવસ્તુઓ

    ટેલિવિઝન (32 ઇંચ સુધી)- નાના ટેલિવિઝન પર GST 28% ઘટીને 18% થયો છે. જે મધ્યમ અને નીચલી આવક ધરાવતા પરિવારો માટે મનોરંજનને સુલભ અને સરળ બનાવશે. 

    એર કન્ડિશનર (1.5 ટન સુધી) અને ફ્રિજ (300 લિટર સુધી)- આ બંને પર GST 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે.

    સિલાઈ મશીન, નાનું વોશિંગ મશીન અને પ્રેશર કુકર- આ વસ્તુઓ પરથી GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને ગૃહિણીઓ અને નાના મધ્યમવર્ગના પરિવારો માટે ફાયદાકારક છે. 

    સિમેન્ટ- સિમેન્ટ પર GST 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેના કારણે બાંધકામ અને હાઉસિંગ વધુ સસ્તું થઈ જશે. 

    અન્ય દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ

    શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ અને ડિટર્જન્ટ- આ તમામ ચીજવસ્તુઓ પર GST 28%થી ઘટાડીને 18% અથવા 5% સુધી કરવામાં આવ્યો છે. 

    સાયકલ અને પગરખાં (500 રૂપિયા સુધીના)- આ બંને વસ્તુઓ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ વિસ્તારો અને ઓછી આવક ધરાવતાં જૂથો માટે રાહતરૂપ છે. 

    ખેતી અને MSMEને લગતી વસ્તુઓ

    ખાતર અને ટ્રેક્ટરના સ્પેરપાર્ટસ્- કૃષિક્ષેત્રની આ વસ્તુઓ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જે ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. 

    હસ્તકળા ઉત્પાદનો- હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જે નાના કારીગરો અને MSMEને પ્રોત્સાહન આપશે. 

    કઈ ચીજવસ્તુઓ થશે મોંઘી? 

    GST કાઉન્સિલના સુધારા અનુસાર, લક્ઝરી અને હાનિકારક ગણાતી વસ્તુઓ પર 40%નો સ્પેશિયલ ડિમેરિટ સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. જોકે, તેની અસર ધનિકો પર પડશે. નોંધનીય છે કે, તમાકુના ઉત્પાદનો (જેમ કે, પાન મસાલા, ગુટખા, સિગારેટ, બીડી અને ગુજરાતમાં ખવાતા માવા) પર હાલના દરો અને કમ્પેન્સેશન સેસ ચાલુ રહેશે, જ્યાં સુધી લોન અને વ્યાજની જવાબદારીઓ પૂરી ન થાય. નીચે મોંઘી થતી વસ્તુઓની યાદી દર્શાવવામાં આવી છે. 

    દારૂ અને તમાકુની બનાવટો- દારૂ, સિગારેટ, ગુટખા, પાન મસાલા, માવા અને ઝરદા પર GST 28%થી વધીને 40% થશે (કમ્પેન્સેશન સેસની જવાબદારીઓ પૂરી થયા પછી). આ સુધારાનો હેતુ જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ ભાવમાં નોંધપાત્ર વધારો થશે. 

    લક્ઝરી વાહનો- 2000 CCથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી કાર અને 350 CCથી વધુ ક્ષમતા ધરાવતી બાઇકો પર GST 28%થી વધીને 40% કરવામાં આવ્યો છે. જેના કારણે વૈભવી વસ્તુઓ ખરીદનારાઓએ વધુ ટેક્સ ચૂકવવો પડશે. 

    ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ- 32 ઇંચથી મોટા ટેલિવિઝનો, હાઇ-એન્ડ સ્માર્ટફોન (50 હજાર રૂપિયાથી વધુના) અને લક્ઝરી એપ્લાયન્સિસ (જેમ કે રોબોટિક વેક્યૂમ ક્લીનર) પર GST 28%થી વધારીને 40% કરવામાં આવ્યો છે. 

    સૌંદર્ય પ્રસાધનો અને લક્ઝરી ગુડ્સ- હાઇ-એન્ડ કોસ્મેટિક્સ, મોંઘાં પરફ્યુમ અને લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ પર GST 28%થી વધારીને 40% કરવામાં આવ્યો છે. 

    ઓનલાઈન ગેમિંગ- ઓનલાઈન ગેમિંગને ડિમેરિટ ગુડ તરીકે રિ-ક્લાસિફાય કરવામાં આવ્યું છે અને તેના પર 40% GST લાગુ કરવામાં આવ્યો છે. જે ગેમિંગ ઉદ્યોગ અને ગેમર્સને વધુ અસર કરશે. 

    આ GST રિફૉર્મથી ગ્રાહકોની ખરીદશક્તિમાં વધારો થશે, કારણ કે રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ઘી, નમકીન, ટૂથપેસ્ટ અને સિમેન્ટ સસ્તા થશે. તેનાથી સરેરાશ પરિવારનો માસિક ખર્ચ ઘટશે અને ખાસ કરીને મધ્યમવર્ગના જૂથોને ફાયદો થશે. SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ રિફૉર્મથી વપરાશમાં ₹5,31,000 કરોડનો (GDPના 1.6%) વધારો થઈ શકે છે, જે અર્થતંત્રને વેગ આપશે.

    બીજી તરફ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GSTથી સરકારની આવક વધશે, જેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે થઈ શકે છે. જોકે, લક્ઝરી ગુડ્સના ઉદ્યોગોને ટૂંકાગાળામાં વેચાણમાં ઘટાડાનો સામનો કરવો પડી શકે છે. સરકાર અનુસાર, આ રિફૉર્મથી MSME અને નાના વેપારીઓને સરળ ટેક્સ પાલન અને ઓછા દરોનો લાભ મળશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં