ચાળીસ વર્ષ જૂનો શાહબાનો કેસ ફરી એક વખત એક ફિલ્મના કારણે ચર્ચામાં છે. યામી ગૌતમ અને ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ શુક્રવારે (7 નવેમ્બર) સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ આ બહુચર્ચિત શાહબાનો કેસ પર આધારિત છે. ફિલ્મ પોતે પણ અલગ કારણે ચર્ચામાં છે. શાહબાનોની પુત્રીએ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે, માતાની ઓળખનો ઉપયોગ કરવા માટે કોઈ પરવાનગી ન લેવામાં આવી હોવાની દલીલ સાથે.
એક 62 વર્ષીય મુસ્લિમ મહિલાના વિવાહિત જીવનના નાનકડા વિવાદનો મુદ્દો આગળ જતાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને પછીથી તુષ્ટિકરણમાં ડૂબેલી તત્કાલીન રાજીવ ગાંધી સરકારે કોર્ટનો ચુકાદો જ પલટાવી દીધો હતો. આજે પણ મુસ્લિમ પર્સનલ લૉ, ટ્રિપલ તલાક કે પછી યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલે ત્યારે શાહબાનો કેસ યાદ કરવામાં આવે છે. થોડું વિગતે સમજીએ કે આ સમગ્ર મુદ્દો શું હતો.
પૃષ્ઠભૂમિ
શાહબાનો બેગમ ઇન્દોરની એક મહિલા, જે એડવોકેટ મોહમ્મદ અહેમદ ખાન સાથે પરણી હતી. 1978માં નિકાહનાં 43 વર્ષ બાદ પતિએ તેને ટ્રિપલ તલાક સાથે તલાક આપી દીધા. તલાક પછી થોડા મહિનાઓ સુધી ભરણપોષણ આપ્યું અને પછી સદંતર બંધ કરી દીધું.
1973માં શાહબાનોએ CrPCની કલમ 125 હેઠળ કોર્ટમાં એક અરજી દાખલ કરી. આ કલમ હેઠળ પતિ પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે. ‘પત્ની’ની વ્યાખ્યામાં છૂટાછેડા મેળવેલી પત્ની પણ આવી જાય, પણ શરત એટલી કે તેણે ફરી લગ્ન કર્યાં હોવાં ન જોઈએ.
આ કેસમાં અહમદ ખાને દલીલ એવી આપી કે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ તેઓ તલાક બાદ માત્ર ત્રણ જ મહિના સુધી ભરણપોષણ આપવા માટે બંધાયેલા છે. આ સમયગાળા દરમિયાન પોતે ભરણપોષણ આપ્યું હતું, પરંતુ હવે કાયદો તેમને બાધ્ય કરી શકે નહીં અને આગળ કોઈ રકમ ચૂકવવા માટે આદેશ કરી શકાય નહીં.
જોકે તેમ છતાં સ્થાનિક કોર્ટે ખાનને મહિનાના ₹25 રૂપિયા શાહબાનોને ચૂકવવા માટે આદેશ કર્યો હતો. પછીથી અપીલ કરવામાં આવી તો મધ્ય પ્રદેશ હાઇકોર્ટે રકમ વધારીને 179.20 પ્રતિ માસ કરી આપી. પછીથી અહમદ ખાને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
જાણીતો શાહબાનો કેસ આ જ છે. આખરે 23 એપ્રિલ, 1985ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ચુકાદો આપીને અહમદ ખાનની અપીલ ફગાવી દીધી અને હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો. આ પાંચ જજોની બેન્ચનું નેતૃત્વ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ વાય. વી ચંદ્રચૂડ કરી રહ્યા હતા. પચાસમા મુખ્ય ન્યાયાધીશ પદેથી ગત વર્ષે નિવૃત્ત થયેલા ડી. વાય ચંદ્રચૂડના તેઓ પિતા થાય.
ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે CrPC 125 એક સેક્યુલર જોગવાઈ છે અને કોઈ પણ ધર્મ, મજહબ, પંથની વ્યક્તિને એ લાગુ પડે છે. આ જોગવાઈ કોઈ પણ નિરાધાર ન રહે તે સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી હતી અને મુસ્લિમ મહિલાઓને તેમાંથી બાકાત રાખવાનો કોઈ અર્થ નથી. કોર્ટે કહ્યું કે જો મુસ્લિમ મહિલા પોતે પગભર ન હોય તો પતિ પાસેથી ત્રણ મહિનાના સમયગાળા બાદ પણ મેન્ટેનન્સ માગી શકે છે. તેનો તેને અધિકાર છે.
કોર્ટે CrPC 125 અને મુસ્લિમ પર્સનલ લૉ વચ્ચે કોઈ ‘કન્ફ્લિક્ટ’ હોવાનું નકારી દીધું હતું. આ જ ચુકાદામાં કોર્ટે બંધારણના આર્ટિકલ 44 પર સરકારો કશું ન કરતી હોવાનું તથ્ય ઉમેરીને નિરાશ પણ વ્યક્ત કરી હતી. આ બંધારણનો આર્ટિકલ 44 જ રાજ્ય સરકારોને સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિર્દેશ આપે છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજીમાં જેને ‘લેન્ડમાર્ક જજમેન્ટ’ કહેવાય એ પ્રકારનો હતો, કારણ કે તેનાથી ભવિષ્યમાં પણ આવા કેસો પર અસર પડવાની હતી. એટલે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ સહિત અનેક મુસ્લિમ સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો અને મજહબી ઓળખ પર હુમલો થયો હોવાનું કહીને પર્સનલ લૉમાં હસ્તક્ષેપ કરવામાં આવતો હોવાનું ચલાવ્યું. દેશભરમાં પ્રદર્શનો પણ કર્યાં અને રસ્તા પર ટોળાં ઉતર્યાં.
પહેલાં સમર્થનમાં હતા રાજીવ, મુસ્લિમ સંગઠનોના દબાણને તાબે થઈને પલટાવી દીધો હતો ચુકાદો
તે વખતે કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી. એક રસપ્રદ હકીકત એ પણ છે કે શરૂઆતમાં વડા પ્રધાન રાજીવ ગાંધીએ ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમની સરકારે સંસદમાં પણ બચાવ કર્યો હતો અને તેમાં અગ્રિમ હરોળમાં હતા તત્કાલીન મંત્રી આરિફ મોહમ્મદ ખાન. પરંતુ પછીથી મુસ્લિમ સંગઠનોએ રાજીવ ગાંધી પર દબાણ બનાવવા માંડ્યું અને તેઓ તાબે થઈ પણ ગયા.
શરૂઆતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો ત્યારે મે, 1985માં લોકસભામાં એક પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવ્યું અને મામલો પહોંચ્યો સંસદ સુધી. બિલ ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના એક સાંસદે રજૂ કર્યું હતું અને તેમાં જોગવાઈ એવી હતી કે CrPC 125માંથી મુસ્લિમોને બાકાત કરવામાં આવે. આ બિલ પર સરકાર તરફથી શું જવાબ રજૂ કરવો તે માટે એક બેઠક પણ મળી હતી, જેમાં આરિફ મોહમ્મદ ખાને સુપ્રીમના ચુકાદાની તરફેણમાં અમુક મુદ્દાઓ કહ્યા, જે બચાવ માટે સરકાર પક્ષે જબરદસ્ત રીતે કામ કરી શકે તેમ હતા. તેમણે કુરાનની અમુક આયાતો પણ કહી સંભળાવી.
આ બધું સાંભળીને રાજીવ ગાંધીએ સ્વયં આરિફ મોહમ્મદ ખાનને સંસદમાં આ મુદ્દા પર બોલવા કહ્યું પણ ખાનનું કહેવું હતું કે તેમણે અત્યાર સુધી આ બાબતે મૌન એટલા માટે સેવ્યું હતું કારણ કે સરકાર શું વિચારી રહી છે અને ખાસ કરીને રાજીવ શું વિચારે છે એ બાબતે પોતે અસમંજસમાં હતા.
અહીં રાજીવ ગાંધીએ એમ કહ્યાનું કહેવાય છે કે, ‘નો, નો, વી કેનનોટ એગ્રી વ્હૉટ ધીસ પીપલ આર સેઇંગ.’ અર્થાત્, આ લોકો જે કંઈ કહી રહ્યા છે તેની સાથે સહમત થઈ શકાય એમ જ નથી. આ લોકો એટલે કોણ? સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરનાર મુસ્લિમો. પછીથી તેમણે સ્વયં આરિફ મોહમ્મદ ખાનને સંસદમાં બોલવા માટે કહ્યું.
પછીથી આરિફ મોહમ્મદ ખાને લોકસભામાં ભાષણ પણ આપ્યું, ચુકાદાનો બચાવ પણ કર્યો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો એક પત્ર આવ્યો હતો. એ પત્ર વડા પ્રધાન રાજીવ ગાંધીનો હતો. તેમણે તેમને શુભકામનાઓ પાઠવી હતી. પણ આરિફ મોહમ્મદ ખાનના આ ભાષણ પછી રાજીવ પર દબાણ વધવા માંડ્યું.
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને અન્ય સંગઠનોએ ઠેકઠેકાણે બેઠકો કરી, પ્રદર્શનો કર્યાં. કોંગ્રેસમાંથી જ કટ્ટરપંથી નેતાઓએ આરિફ મોહમ્મદ ખાનનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. બયાનો આવવા માંડ્યાં. જોકે પછીથી પણ એક વિદેશ યાત્રા દરમિયાન આરિફ મોહમ્મદ ખાન સાથેની વાતચીતમાં રાજીવ ગાંધીએ અગાઉના સ્ટેન્ડ પર અડગ રહેતાં કહ્યું હતું કે મુસ્લિમ સંગઠનો સાથે સમજૂતી કરવાનો કોઈ સવાલ જ નથી. પરંતુ એક હકીકત એ પણ હતી કે તે જે સમયે સરકાર અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વચ્ચે વાટાઘાટો શરૂ થઈ ગઈ હતી.
એક તરફ રાજીવ ગાંધી પોતે કોઈ વલણ પર અડગ રહી શકતા ન હતા અને બીજી તરફ મુસ્લિમ સંગઠનો, પાર્ટીના મુસ્લિમ નેતાઓ તરફથી દબાણ વધી રહ્યું હતું. પાર્ટીમાં અને સરકારમાં ફાંટા પડી ગયા હતા અને રાજીવ ગાંધી આ સમસ્યાનું સમાધાન શોધી શકે એવી સ્થિતિ ન હતી. ડિસેમ્બર 1985માં જ અમુક પેટાચૂંટણીઓ થઈ, જેમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું અને બીજી તરફ અમુક ઈન્ટેલિજન્સ રિપોર્ટ પણ મળ્યા હતા કે મુસ્લિમ સમુદાય રાજીવથી નારાજ છે.
આખરે સંગઠનોએ રાજીવ ગાંધી સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો કે એક બિલ લાવીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટાવી દેવામાં આવે. અત્યાર સુધી અલગ વલણ ધરાવતા રાજીવ ગાંધીએ યુ-ટર્ન લઈ લીધો અને બિલ માટે સહમતિ આપી દીધી. પછીથી કાયદા મંત્રી અશોક કુમાર સેનને કહીને બિલ તૈયાર કરવા આદેશ પણ આપી દીધા. તેના માટે પર્સનલ લૉની મદદ લેવા પણ કહી દેવામાં આવ્યું. આખરે બહુ ટૂંકા સમયમાં બિલ તૈયાર થઈ ગયું.
બિલ એ રીતે તૈયાર કરવામાં આવ્યું કે મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈઓ સાથે ક્યાંય વિસંગતતા ન આવે. જોગવાઈ એવી હતી કે મુસ્લિમ મહિલા તલાક બાદ એક રિઝનબેલ રકમ મેળવવાની હકદાર રહે, પણ એ ત્રણ મહિનાના સમયગાળા સુધી જ. ત્યારબાદ કોઈ રકમ આપવાની ન રહે.
બિલ પસાર થયું, એક્ટ બની ગયો અને રાજીવ સરકારે સુપ્રીમ કોર્ટનો એક લેન્ડમાર્ક જજમેન્ટ પલટાવી દીધો. માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ માટે. આ કાયદો હતો મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986.)
બીજી તરફ, આરિફ મોહમ્મદ ખાનને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા. પછીથી તેમણે સરકાર અને કોંગ્રેસ પાર્ટી બંને છોડી દીધાં. આજે તેઓ બિહારના રાજ્યપાલ છે. વર્ષો સુધી કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપી.
સુપ્રીમ કોર્ટમાં ફરી પડકારાયો હતો કાયદો
કાયદો અમલમાં આવ્યા બાદ તરત તેની બંધારણીય યોગ્યતાને કોર્ટમાં પડકારવામાં આવી હતી. તેમાં અરજદાર એ જ ડેનિયલ લતીફી હતા, જેમણે શાહબાનો તરફથી અગાઉનો કેસ લાગ્યો હતો. 2001માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ સમક્ષ આ કેસ આવ્યો. કોર્ટે આખરે કાયદો તો બહાલ કર્યો, પણ અર્થઘટન એવી રીતે કર્યું કે મુસ્લિમ મહિલાઓના હકો પણ યથાવત રહે.
કોર્ટે કહ્યું કે સેક્શન 3(1)(a) હેઠળ કહેવામાં આવ્યું છે કે પતિએ પહેલા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ‘રીઝનેબલ’ અને ‘ફેર’ રકમ ચૂકવવાની રહે. તેનો અર્થ એ થાય કે પતિએ આ સમયગાળા દરમિયાન એક જ વખતે એટલી રકમ ચૂકવી દેવી જેથી મહિલા આગળનું જીવન કે પછી આગલાં નિકાહ સુધી જીવનનિર્વાહ કરી શકે.
2019માં આખરે નરેન્દ્ર મોદી સરકારે ટ્રિપલ તલાક નાબૂદ કરતો કાયદો પસાર કર્યો. જોકે પછી પણ એક પ્રશ્ન યથાવત હતો કે 1986ના કાયદા બાદ CrPC 125 મુસ્લિમ મહિલાઓ માટે લાગુ પડશે કે નહીં. તેનો જવાબ સુપ્રીમ કોર્ટે 2024માં એક કેસમાં આપ્યો, જ્યારે બે જજોની બેન્ચે ઠેરવ્યું હતું કે 1986નો કાયદો CrPC 125 હેઠળ ભરણપોષણ મેળવવાથી મુસ્લિમ મહિલાઓને રોકતો નથી.
(લેખમાં રાજીવ ગાંધી સરકાર કઈ રીતે બિલ લાવી હતી એ એપિસોડની અમુક માહિતી પત્રકાર નીરજા ચૌધરીનાં 2024માં આવેલા પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’માંથી મેળવવામાં આવી છે.)


