હોમપેજદેશUN સમર્થિત કિમ્બર્લી પ્રોસેસ શું છે, જે 'કોન્ફ્લિક્ટ-બ્લડ ડાયમંડ્સ'ના વેપાર પર લગાવે...

UN સમર્થિત કિમ્બર્લી પ્રોસેસ શું છે, જે ‘કોન્ફ્લિક્ટ-બ્લડ ડાયમંડ્સ’ના વેપાર પર લગાવે છે રોક: ભારતની અધ્યક્ષતાનો અર્થ પણ સમજો

કિમ્બર્લી પ્રોસેસનો મૂળ વિચાર 'બજારને સ્વચ્છ રાખવાનો છે, જેથી રફ ડાયમંડની એ કમાણી, જેણે ક્યારેક આતંકી-સશસ્ત્ર જૂથોને તાકાત આપી હતી, તેને વૈધ અર્થવ્યવસ્થાની બહાર ધકેલી દેવાનો છે. આ વ્યવસ્થા પૂર્ણ નથી, પરંતુ આજે પણ તે રફ ડાયમંડ વેપારમાં સૌથી વ્યાપક વૈશ્વિક સર્ટિફિકેશન-ફ્રેમવર્ક છે.

- Advertisement -

વિશ્વના હીરા વેપારનો એક મોટો હિસ્સો ચમકદાર જ્વેલરી સુધી પહોંચતા પહેલાં ‘રફ ડાયમંડ’ના (કાચા હીરા) રૂપમાં સરહદોની આર-પાર જાય છે. આ જ તે તબક્કો છે જ્યાં ગેરકાયદેસર તસ્કરી, નકલી દસ્તાવેજો અને હિંસા-પ્રાયોજિત નેટવર્ક સૌથી વધુ સક્રિય રહે છે અને આ જ કારણથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ‘કિમ્બર્લી પ્રોસેસ’નો જન્મ થયો છે. ડિસેમ્બર 2025ના અંતમાં કિમ્બર્લી પ્રોસેસની (KP) પ્લેનરીએ 1 જાન્યુઆરી 2026થી ભારતને અધ્યક્ષતા (ચેરપર્સનશિપ) સોંપી છે.

આ પસંદગી માત્ર કૂટનીતિક ઉપલબ્ધિ નથી, તે સીધી રીતે વૈશ્વિક રફ ડાયમંડ સપ્લાય-ચેઇનનું નિરીક્ષણ, નૈતિકતા અને સુરક્ષા સાથે જોડાયેલું પદ છે. કારણ કે ‘કોન્ફ્લિક્ટ/બ્લડ ડાયમંડ’નો અર્થ માત્ર ગેરકાયદેસર ખનન નથી, પરંતુ એ આર્થિક ઇંધણ પણ છે જેનાથી વિદ્રોહ, ગૃહયુદ્ધ, હથિયારોની ખરીદી અને અનેક જગ્યાએ આતંક/હિંસાને તાકાત મળે છે. આ બધી બાબતોને વિગતવાર સમજવી ખૂબ જરૂરી છે. 

કોન્ફ્લિક્ટ ડાયમંડ અને બ્લડ ડાયમંડ શું હોય છે?

સૌથી પહેલા કોન્ફ્લિક્ટ/બ્લડ ડાયમંડ વિશે સમજવું જરૂરી છે, કારણ કે આ સમસ્યાને લઈને જ કિમ્બર્લી પ્રોસેસનો જન્મ થયો હતો. ‘બ્લડ ડાયમંડ’ શબ્દ લોકબોલીમાં તે હીરાઓ માટે વપરાય છે જેનો સંબંધ યુદ્ધ, બર્બર હિંસા, બળજબરીથી મજૂરી કે એવા વિસ્તારોથી હોય જ્યાં હીરાની કમાણી હથિયારો અને સશસ્ત્ર જૂથોને પોષણ આપે છે. તેને ‘કોન્ફ્લિક્ટ ડાયમંડ’ પણ કહેવામાં આવે છે.

- Advertisement -

જોકે, કિમ્બર્લી પ્રોસેસમાં ‘કોન્ફ્લિક્ટ ડાયમંડ’ની વ્યાખ્યા અપેક્ષાકૃત સંકુચિત છે- એવા રફ ડાયમંડ (કાચા હીરા) જે વિદ્રોહી જૂથો (રેબલ મૂવમેન્ટ્સ) કે તેમના સહયોગીઓ દ્વારા માન્ય સરકારોને નબળી પાડવા કે ઉખાડી ફેંકવાના હેતુથી ચાલતા સશસ્ત્ર સંઘર્ષોને નાણાં પૂરા પાડવાં માટે વપરાય. 

સરળ ભાષામાં સમજીએ તો ‘કોન્ફ્લિક્ટ ડાયમંડ’ તે હીરાઓને કહેવામાં આવે છે જેનું ઉત્ખનન કે વેચાણ કોઈ સશસ્ત્ર જૂથ કે વિદ્રોહી તાકાતને આર્થિક સંસાધનો પૂરા પાડે છે, જેનો હેતુ સરકારને અસ્થિર કરીને હિંસામાં વધારો કરવાનું હોય છે. ‘બ્લડ ડાયમંડ’ એ જ ભાવનાત્મક શબ્દ છે જેનો ઉપયોગ મીડિયા અને સામાન્ય જનતામાં વધુ થયો છે. કિમ્બર્લી પ્રોસેસનો હેતુ આવા હીરાઓને આંતરરાષ્ટ્રીય સપ્લાય-ચેઇનથી અલગ કરવાનો છે, જેથી હીરા વેપારની કમાણી કાયદેસર સ્ત્રોતો સુધી મર્યાદિત રહે. 

આફ્રિકા અને કેટલાક અન્ય દેશોમાં અનેક જગ્યાએ જમીનની અંદરથી હીરા નીકળે છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં ત્યાંની ખાણો પર ગેરકાયદેસર રીતે કેટલાક વિદ્રોહી જૂથો કે આતંકીઓ કબ્જો કરી લે છે. આ લોકો હીરા વેચીને બંદૂકો ખરીદે છે, લડાઈ કરે છે, સરકાર વિરુદ્ધ યુદ્ધ ચલાવે છે, સામાન્ય લોકો પર અત્યાચાર કરે છે. આવા હીરાઓને કહેવામાં આવે છે બ્લડ ડાયમંડ કે કોન્ફ્લિક્ટ ડાયમંડ. કારણ કે તેમની પાછળ લોહી અને હિંસા હોય છે. 

શું છે કિમ્બર્લી પ્રોસેસ?- પૃષ્ઠભૂમિ પણ સમજો

કિમ્બર્લી પ્રોસેસ એક ત્રિ-પક્ષીય (ત્રણ પક્ષોવાળી) પહલ છે. સરકારો, આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ અને સિવિલ સોસાયટી મળીને રફ ડાયમંડના માન્ય વેપારમાંથી ‘કોન્ફ્લિક્ટ ડાયમંડ’ને બહાર કાઢવા માટે માપદંડ નક્કી કરે છે. તેને ‘UN-backed’ એટલે યુનાઈટેડ નેશન સમર્થિત કહેવામાં આવે છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ‘ડાયમંડ્સ એન્ડ કોન્ફ્લિક્ટ’ વિષય પર નિયમિત રીતે પ્રસ્તાવ પસાર કરીને કિમ્બર્લી પ્રોસેસ/કોન્ફ્લિક્ટ-ડાયમંડ નિયંત્રણના પ્રયાસોનું સમર્થન કર્યું છે. હાલના વર્ષોમાં પણ મહાસભાએ આ વિષય પર પ્રસ્તાવ અપનાવ્યા છે અને KPની ભૂમિકાને રેખાંકિત કરી છે. 

કિમ્બર્લી પ્રોસેસ એક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાચા હીરાઓનો (રફ ડાયમંડ્સ) આંતરરાષ્ટ્રીય વેપાર હિંસા, ગૃહયુદ્ધ કે સશસ્ત્ર જૂથો-આતંકી જૂથોને વિત્તપોષિત ન કરે. 1990ના અને 2000ના દાયકામાં આફ્રિકાના કેટલાક વિસ્તારોમાંથી નીકળેલા હીરાઓ દ્વારા યુદ્ધ અને મોટાપાયે હિંસામાં વિત્તપોષણના પુરાવા મળ્યા હતા. આ અનુભવોના જવાબમાં સરકારો, ઉદ્યોગ અને નાગરિક સમાજ વચ્ચે વાતચીતથી 2003માં કિમ્બર્લી પ્રોસેસની ઔપચારિક રૂપરેખા બની અને તે પછી તેને UNનું સમર્થન પણ મળ્યું.

1990ના દાયકામાં એન્ગોલા, સીએરા લિયોન અને કેટલાક અન્ય દેશોમાં સશસ્ત્ર જૂથોએ હીરા ખનન અને તેના વેચાણથી મળેલી આવકનો ઉપયોગ યુદ્ધ ચાલુ રાખવા માટે કર્યો હતો. રોબર્ટ ફાઉલર રિપોર્ટ (Fowler Report) અને અન્ય પડકારોએ વિશ્વભરના ઉત્પાદક, વેપારી અને રાજકીય હિતધારકોને એકસાથે ઊભા કરી દીધા હતા. 2003માં કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમની (KPCS) શરૂઆત થઈ અને ત્યારથી તે અનેક વાર્ષિક બેઠકો અને સુધારાઓ દ્વારા ચાલી રહી છે. આ પહલનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે હીરાની ખેપ સાથે એક સરકારી પ્રમાણપત્ર ચલાવવું, જેથી દરેક ખેપનો સ્ત્રોત નિર્ધારણ શક્ય બને અને તે સંઘર્ષ-વિત્તપોષણથી મુક્ત હોય. 

કિમ્બર્લી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે?

કિમ્બર્લી પ્રોસેસનું એન્જિન Kimberley Process Certification Scheme (KPCS) છે. આ 2003થી લાગુ છે અને મૂળ લક્ષ્ય એ જ છે કે રફ ડાયમંડની દરેક આંતરરાષ્ટ્રીય ખેપ ‘KP-compliant’ હોય. તેનો કામ કરવાનો સિદ્ધાંત ખૂબ સીધો પરંતુ કઠોર છે. કોઈ પણ ભાગીદાર દેશમાંથી રફ ડાયમંડની નિકાસ ત્યારે જ વૈધ માનવામાં આવશે જ્યારે તે ફોર્જરી-રેઝિસ્ટન્ટ Kimberley Process Certificate સાથે હોય અને તે ખેપ ટેમ્પર-રેઝિસ્ટન્ટ સીલ્ડ કન્ટેનરમાં પેક કરેલી હોય. આયાત કરનાર દેશ પણ એ જ પ્રમાણપત્ર/સીલના આધારે ખેપ સ્વીકાર કરે છે અને KPCSનો મૂળ નિયમ એ છે કે આ સર્ટિફિકેટ ધરવતા હોય એવા દેશો જ હીરાનો ઉદ્યોગ કરી શકે છે.

આ વ્યવસ્થા ‘કાયદેસર સપ્લાય-ચેઇન’ બનાવે છે. જો કોઈ દેશ આ માપદંડ લાગુ ન કરે કે તેની વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવે તો તેના રફ ડાયમંડને વૈશ્વિક વૈધ બજારમાંથી બહાર કરી શકાય છે. આજે KPમાં 60 Participants છે, જે 86 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે (EU એક Participant તરીકે ગણાય છે). તેનો અર્થ એ છે કે રફ ડાયમંડ વેપારનો મોટો હિસ્સો આ જ ‘સર્ટિફિકેટ-ગેટ’માંથી પસાર થાય છે. 

માની લો કે કોઈ દેશ બીજા દેશને કાચો હીરો મોકલવા માંગે છે. હવે નિયમ એ છે કે, તે હીરા સાથે એક ખાસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, તે સર્ટિફિકેટ પર લખેલું હોય છે કે આ હીરો કોઈ લડાઈમાંથી નથી આવ્યો, કોઈ હથિયારબંધ જૂથે નથી કાઢ્યો, સરકારના નિયમો મુજબ કાઢવામાં આવ્યો છે. જો સર્ટિફિકેટ ન હોય તો બીજો દેશ તે હીરાને લેવાથી ઇનકાર કરી દેશે, એ હીરો વિશ્વના મોટા બજારોમાં વેચાઈ જ નહીં શકે, એટલે ખોટી રીતે કાઢેલો હીરો બેકાર થઈ જાય છે. 

આતંકવાદ/કટ્ટરવાદને પ્રોત્સાહન મળતું બંધ થયું

કોન્ફ્લિક્ટ ડાયમંડની સમસ્યાનું મૂળ એ હતું કે રફ ડાયમંડ અત્યંત મૂલ્યવાન, નાના અને સરળતાથી તસ્કરી યોગ્ય સંસાધન છે. 1990–2000ના દાયકામાં આફ્રિકાના અનેક વિસ્તારોમાં વિદ્રોહી જૂથોએ ખાણો/આલુવિયલ ડાયમંડ (નદી-રેતમાંથી નીકળતા) પર નિયંત્રણ મેળવીને હથિયારો ખરીદ્યાં, નેટવર્ક ચલાવ્યાં અને હિંસાને લાંબી ખેંચી. આ લિંકને તોડવા માટે જ આંતરરાષ્ટ્રીય દબાણ બન્યું અને પછી KPCS અસ્તિત્વમાં આવ્યું.

KPCSએ ‘હિંસાને વિત્તપોષણ’ આપતી એ સપ્લાય-ચેઇન પર પર પ્રહાર કર્યો, જે રફ ડાયમંડને માન્ય વૈશ્વિક બજાર સુધી પહોંચાડતી હતી. આયાતક દેશો અને મુખ્ય ટ્રેડિંગ હબ્સે નિયમ બનાવી દીધા કે KP સર્ટિફિકેટ વગર રફ ડાયમંડ સ્વીકારવામાં નહીં આવે, ત્યારે આતંકીઓ-હિંસક તત્વોના ડાયમંડ માન્ય બજારમાં આવતા બંધ થવા લાગ્યા.

આ બધા નિયમો લાગુ કરાયા બાદ થયું એવું કે, વિદ્રોહી-આતંકી જૂથોના હીરા વેચાવાના બંધ થઈ ગયા, તેમને પૈસા મળવાના ઓછા થઈ ગયા, હથિયારો ખરીદવા મુશ્કેલ થઈ ગયા. સરળ શબ્દોમાં કહીએ તો પૈસા બંધ થયા અને હિંસાની ઘટનાઓ પણ નબળી પડી. જોકે, એક હકીકત એ પણ છે કે કિમ્બર્લી પ્રોસેસ દરેક સમસ્યાનો પૂર્ણ ઉકેલ નથી, પરંતુ તેણે હીરાઓથી થતી સૌથી ખતરનાક ફંડિંગ પર મોટો અંકુશ લગાવ્યો છે. 

ભારત માટે શું લાભ?

ભારતનો લાભ ત્રણ મુદ્દામાં સમજીએ. પહેલો મુદ્દો આર્થિક છે. ભારત ડાયમંડ વેલ્યુ-ચેઇનમાં (ખાસ કરીને કટિંગ-પોલિશિંગ અને ટ્રેડમાં) વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, સુરત જેવું મોટું હબ દેશમાં છે. તેથી રફ ડાયમંડ વેપારની વૈધતા, વિશ્વાસ અને અનુપાલન-માપદંડોમાં ભારતની ભાગીદારી સીધી તેના ઉદ્યોગ-હિતો સાથે જોડાયેલી છે. KP ચેર બનવાનો અર્થ એ છે કે ભારત તે વર્ષની પ્રાથમિકતાઓ, એજન્ડા અને સુધારા-સંબંધી ચર્ચાઓને દિશા આપવાની ભૂમિકામાં હશે.

બીજો મુદ્દો કૂટનીતિક છે. ‘કોન્ફ્લિક્ટ રિસોર્સ’નો વિષય સુરક્ષા, અવૈધ વિત્તપોષણ, સીમા-પાર અપરાધ અને સંઘર્ષ-પ્રબંધન જેવા ક્ષેત્રો સાથે જોડાયેલો છે. UN મહાસભાના પ્રસ્તાવોમાં પણ એ રેખાંકિત થતું રહ્યું છે કે ડાયમંડ-વેપારને પારદર્શી બનાવવો સંઘર્ષ-નિવારણ અને શાંતિ-સ્થાપનાના વ્યાપક પ્રયાસો સાથે જોડાયેલ છે. આવા સંદર્ભમાં અધ્યક્ષતા ભારતની વૈશ્વિક શાસનમાં (global governance) હાજરીને મજબૂત કરે છે.

ત્રીજો મુદ્દો ‘નેરેટિવ અને માપદંડ-નિર્માણ’નો (standard-setting) છે. આજે જ્વેલરી બજારમાં ગ્રાહકો ‘એથિકલ સોર્સિંગ’ પર સવાલો પૂછે છે. KPના ચેર બનવાથી ભારતને આ તક મળે છે કે તે વૈધ સપ્લાય-ચેઇન, સર્ટિફિકેશન લઈને પોતાની સંસ્થાગત વિશ્વસનીયતાને આગળ રાખી શકે અને સાથે KPની મર્યાદાઓ/સુધારાઓ પર થતી ચર્ચામાં સંતુલિત ભૂમિકા ભજવી શકે. 

સરળ શબ્દોમાં કહીએ તો ભારતને આ અધ્યક્ષતાથી ત્રણ મોટા ફાયદા થશે. પહેલો, આર્થિક ફાયદો. ભારત વિશ્વમાં હીરાઓને કાપવા અને ઘસવાનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત નિયમ બનાવવાની ખુરશી પર છે તો તેનો ઉદ્યોગ વધુ મજબૂત થશે. બીજો, આંતરરાષ્ટ્રીય સન્માન. આ દર્શાવે છે કે વિશ્વ ભારત પર ભરોસો કરે છે. ત્રીજો, નીતિ બનાવવાની તાકાત. ભારત હીરા વેપારને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને પારદર્શી કેવી રીતે બનાવવો તે નક્કી કરવામાં ભૂમિકા ભજવી શકશે. 

કિમ્બર્લી પ્રોસેસનો મૂળ વિચાર ‘બજારને સ્વચ્છ રાખવાનો છે, જેથી રફ ડાયમંડની એ કમાણી, જેણે ક્યારેક આતંકી-સશસ્ત્ર જૂથોને તાકાત આપી હતી, તેને વૈધ અર્થવ્યવસ્થાની બહાર ધકેલી દેવાનો છે. આ વ્યવસ્થા પૂર્ણ નથી, પરંતુ આજે પણ તે રફ ડાયમંડ વેપારમાં સૌથી વ્યાપક વૈશ્વિક સર્ટિફિકેશન-ફ્રેમવર્ક છે. ભારતનું 1 જાન્યુઆરી 2026થી KP ચેર બનવું સરકારના ઔપચારિક વક્તવ્ય મુજબ, આ જ ફ્રેમવર્કમાં ભારતને નેતૃત્વ-ભૂમિકા સોંપવાનો સંકેત છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં