તાજેતરમાં દેશમાં ઉત્તરાખંડમાં બનેલી એક ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે અને લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાએ વંશીય ભેદભાવ એટલે કે રેસિઝમના મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. ઘટના એવી છે કે ત્રિપુરાના 24 વર્ષીય એમબીએ વિદ્યાર્થી એન્જલ ચકમા પર કેટલાક આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો વંશીય ભેદભાવના કારણે થયો હોવાના આરોપ લાગી રહ્યા છે.
નોંધનીય છે કે હુમલા બાદ 17 દિવસ સુધી એન્જલ હોસ્પિટલમાં રહ્યો અને પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને 5ની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત મુખ્ય આરોપીને શોધવા માટે ઇનામ પણ જાહેર કર્યું છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આમાં કોઈ વંશીય ભેદભાવનો પુરાવો મળ્યો નથી. વધુમાં પોલીસની દલીલ છે કે મુખ્ય આરોપી નેપાળનો છે અને અન્ય એક આરોપી મણિપુરનો છે, તેવામાં વંશીય ભેદભાવ હોય શકે નહીં.
શું હતો સમગ્ર મામલો?
એન્જલ ચકમા ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના નંદનનગરનો રહેવાસી હતો અને દેહરાદૂનની જિજ્ઞાસા યુનિવર્સિટીમાં એમબીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. 9 ડિસેમ્બરની સાંજે તે અને તેનો તેના ભાઈ માઇકલ સેલાકુઈમાં કરિયાણુ ખરીદવા ગયા હતા. ત્યાં આરોપી સુરજ ખવાસ (મણિપુરનો રહેવાસી) તેના બાળકના જન્મદિવસની પાર્ટી મનાવતો હતો. જૂથમાંથી કેટલાક લોકો નશામાં હતા. આરોપ એવા લાગ્યા છે કે આ લોકોએ ચકમા ભાઈઓને રેસિયલ સ્લર્સથી ટાર્ગેટ કર્યા. એન્જલે વાંધો ઉઠાવતાં ઝઘડો વધ્યો અને જૂથે તેમના પર છરી અને કડાથી હુમલો કર્યો હતો. બાદમાં 26 ડિસેમ્બરના રોજ એન્જલનું મોત થઈ ગયું હતું.
આરોપીઓમાં કુલ 6 વ્યક્તિઓ સામેલ છે. જેમાં સુરજ ખવાસ (મણિપુર), યજ્ઞ અવસ્થી (નેપાળી, મુખ્ય આરોપી), અવિનાશ નેગી, સુમિત કુમાર, શૌર્ય, આયુષ બદોની અને બે સગીરોનો સમાવેશ થાય છે. આ મામલે કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં 2 સગીરોને જુવેનાઇલ હોમમાં મોકલી દેવાયા છે. નેપાળ ભાગી ગયેલ યજ્ઞ અવસ્થીના માથે ₹25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે છરા વડે હુમલો થયો હતો તે છરો પણ પોલીસે રિકવર કરી લીધો છે અને હત્યાની કલમ ઉમેરી છે.
બીજી તરફ મૃતકનો ભાઈ જે તેની સાથે હતો તેણે પોલીસને જણાવ્યું હતું કે તે અને તેનો ભાઈ એન્જલ ચકમા સાંજે 6થી 7 વાગ્યાની આસપાસ કરિયાણાની ખરીદી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ બજારમાં પહોંચ્યા ત્યારે બાઇક અને સ્કૂટર પર સવાર યુવાનોનું એક જૂથ તેમની પાસે આવ્યું. તેઓ બંને ભાઈઓ વિશે ટિપ્પણીઓ કરવા લાગ્યા. માઇકલે કહ્યું કે તેઓ અમને સતત ચાઇનીઝ, ચિંકી અને મોમોઝ કહીને ચીડવતા હતા.
માઇકલે આગળ કહ્યું કે,” તેઓ વારંવાર આવું બોલી રહ્યા હતા. શરૂઆતમાં અમે તેમને ઇગ્નોર કર્યા. પણ છતાંય એ લોકો ન રોકાયા ત્યારે અમે પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે? ત્યારે તેમણે મને મારવાનું શરૂ કર્યું. આ જોઈને એન્જલ તરત જ વચ્ચે પડ્યો ત્યારે એ લોકો મને છોડીને એન્જલને મારવા લાગ્યા. મેં તેમને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ એ લોકો વારાફરથી અમને મારતા રહ્યા.”
એન્જલના પિતા અને પરિવારના આરોપ
એન્જલના પિતા તરુણ પ્રસાદ ચકમા BSFમાં ફરજ બજાવે છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે કે ઉત્તરાખંડ પોલીસે શરૂઆતમાં FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “તેઓ FIR નોંધાવવા માંગતા હતા, પરંતુ પોલીસે ઇનકાર કર્યો અને તેને નાની વાત કહી. માત્ર અમે ત્યાં પહોંચ્યા પછી કેસ નોંધાયો.” તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસે CCTV ફૂટેજ જોયા પછી પણ તેને ગંભીરતાથી લીધું નહીં.
#WATCH | Machhmara, North Tripura | On the death of his son Angel Chakma, a student from Tripura, in Dehradun, father Tarun Prasad Chakma says, "… I don't want what happened to my child to happen to anyone else… I received a call from my younger son about the attack at… pic.twitter.com/t1w4eFwoGf
— ANI (@ANI) December 29, 2025
તરુણ પ્રસાદે કહ્યું, “મેં મારા બાળકને ક્રિટિકલ કન્ડિશનમાં જોયો. તેનો ડાબો હાથ અને પગ પેરાલાઇઝ્ડ હતો કારણ કે પીઠમાં બે વાર છરી મારવામાં આવી હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું.” તેમણે નોર્થઈસ્ટના લોકો સામે થતા વંશીય હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “અમારા બાળકો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં કામ કે અભ્યાસ માટે જાય છે, તેમની સાથે આવું વર્તન ન થવું જોઈએ. અમે પણ ભારતીય છીએ. સરકારને વિનંતી છે કે બધાને સમાનતા મળે.”
#WATCH | Machmara, North Tripura | On the death of his son Angel Chakma, a student from Tripura, in Dehradun, father Tarun Prasad Chakma says, "Our children from the Northeast go to various places like Delhi, Mumbai, Bengaluru to work or study, they should not be treated so… pic.twitter.com/8w6RqXi9Eq
— ANI (@ANI) December 29, 2025
તેમણે ANI સાથેની વાતચીતમાં આ બાબતો કહી. તેમણે કહ્યું કે છેક 12 ડિસેમ્બરે FIR નોંધાઈ હતી અને 14 ડિસેમ્બરે એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમ ઉમેરાઈ હતી. આ ઉપરાંત એન્જલ ચકમાના મામાએ પણ એ જ આરોપ લગાવતા કહ્યું છે કે, “જ્યારે છોકરાઓ શરૂઆતમાં ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે માઇકલ બાઇક પરથી ઉતર્યો અને તેમને કહ્યું કે અમે પણ ભારતીય છીએ, તમે અમને ચાઈનીઝ કેમ કહી રહ્યા છો?” પરંતુ તેમણે કઈ સાંભળ્યું નહીં.”
તેમણે વધુમાં કહ્યું કે તેમણે એન્જલ અને માઇકલને ન માત્ર લાકડીઓથી માર્યા પણ એન્જલના પેટમાં પણ છરી મારી. તેમણે આરોપ લગાવ્યો છે કે આરોપીઓ એન્જલની ગરદન સંપૂર્ણપણે ફાટી ન ગઈ ત્યાં સુધી લાકડીથી મારતા રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે એન્જલ ઘાયલ થયો તેનું લોહી વહી રહ્યું હતું છતાં પણ આરોપીઓ તેને મારતા રહ્યા અને ગરદન પર લાગેલા જીવલેણ ફટકાથી માથામાં લોહી જામ થઈ ગયું હતું.
ઉત્તરાખંડના CMએ કરી એન્જલના પિતા સાથે વાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ એન્જલના પિતા તરુણ પ્રસાદ ચકમા સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. CM ધામીએ કહ્યું હતું કે, “અમે તમારી સાથે છીએ અને જે પણ મદદ થઈ શકે તે કરીશું.”
આ સિવાય ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ પણ ધામી સાથે ફોન પર વાત કરી અને પૂર્ણ તપાસ તથા ન્યાયની ખાતરી મેળવી છે.
Spoke with Hon’ble Chief Minister of Uttarakhand @pushkardhami Ji, regarding the tragic incident involving our student Angel Chakma, a resident of Nandanagar, Debram Thakur Para, who was brutally assaulted by a group of miscreants in Dehradun on 9th December and later he expires…
— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) December 27, 2025
ધામી સરકારે તબીબી મદદ અને સંપૂર્ણ સારવારનું વચન આપ્યું
ઉત્તરાખંડ સરકારે પીડિત પરિવારને તાત્કાલિક નાણાકીય સહાય આપી છે. એન્જલ ચકમાના પિતા તરુણ પ્રસાદ ચકમાને સ્કેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ સ્કેડ્યુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટીઝ) એક્ટ, 1989 અને પ્રોટેક્શન ઑફ સિવિલ રાઇટ્સ એક્ટ, 1955 હેઠળ પ્રથમ હપ્તા તરીકે ₹4,12,500ની સહાય મંજૂર કરી અને જારી કરી છે. આ ઉપરાંત, પરિવારને તમામ સંભવિત મદદ આપવાની ખાતરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આરોપીઓની ધરપકડ સાથે અસરકારક પગલાં લેવામાં આવશે જેથી તેમને કડકમાં કડક સજા મળે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ત્રિપુરામાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો
બીજી તરફ એન્જલના મૃત્યુ પછી ત્રિપુરામાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. અગરતલામાં ત્રિપુરા ચકમા સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ટિપ્રા ઇન્ડિજિનસ સ્ટુડન્ટ્સ ફેડરેશન દ્વારા કેન્ડલ-લાઇટ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં એન્જલની યાદમાં લોકોએ ભાગ લીધો હતો. સ્ટુડન્ટ્સ એસોસિએશનના નેતાઓએ નોર્થ-ઈસ્ટના વિદ્યાર્થીઓ અને યુવાનો સામે થતા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી અને નોર્થ-ઈસ્ટના લોકો સામે થતી અપમાનજનક ટિપ્પણીઓ અને હેટ ક્રાઇમ વિરુદ્ધ કડક કાયદા અમલમાં લાવવાની અપીલ કરી હતી.
આ સિવાય તેમણે ચેતવણી આપી કે આવી ઘટનાઓ ગંભીર પરિણામો લાવી શકે છે. આ સિવાય અસોસિએશની આરોપીઓને કડક સજા અને પરિવારને ત્રિપુરા તથા ઉત્તરાખંડ સરકાર તરફથી વળતર આપવાની માંગ સાથે મુખ્યમંત્રી માણિક સાહાને મેમોરેન્ડમ આપવાની યોજના છે.
આસામના CM હિમંતા બિસ્વા સરમાનું નિવેદન
આ ઘટનાનો આસામના CM હિમંતા બિસ્વા સરમાએ પણ વિરોધ કર્યો છે. તેમણે ઘટનાની નિંદા કરતા X પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, દેહરાદૂનમાં ક્રૂર જાતિગત દુર્વ્યવહાર બાદ ત્રિપુરાના એન્જલ ચકમાનું દુ:ખદ મૃત્યુ હૃદયદ્રાવક અને અસ્વીકાર્ય છે.”
The tragic death of Anjel Chakma from Tripura following brutal racial abuse in Dehradun is heartbreaking and unacceptable.
— Himanta Biswa Sarma (@himantabiswa) December 28, 2025
I urge the Hon’ble Chief Minister of Uttarakhand, @pushkardhami to ensure strict action against the culprits so that justice is served.
My deepest…
તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીને ચકમાને ન્યાય અપાવવા માટે વિનંતી કરી હતી. આ સિવાય મૃતક એન્જલના પરિવાર પ્રત્યે પણ સંવેદનાઓ વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વ્યક્ત કર્યું દુઃખ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ ચકમાની હત્યા પર ગહન દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ અને રેસિયલ હુમલો ગણાવી છે અને નોર્થ-ઈસ્ટના લોકોમાં રોષ હોવાનું જણાવ્યું છે. રિજિજુએ રેસિઝમને સમાજની મોટી બીમારી ગણાવીને કહ્યું કે, “કોઈને ચાઇનીઝ કે ચિંકી કહેવું એ એક ક રોગ છે.” તેમણે કહ્યું, “ધર્મ, પ્રદેશ, પૃષ્ઠભૂમિ કે જાતિના આધારે રેસિયલ સ્લર્સ કે અપમાન… આવી વસ્તુઓ વિરુદ્ધ આપણે બધાએ એકસાથે આવવું જોઈએ. આને માત્ર નોર્થ-ઈસ્ટની બાબત ન ગણવી જોઈએ. આ તમામ ભારતીયોને અસર કરે છે અને બધા ભારતીયોએ આ અંગે ચિંતિત થવું જોઈએ.”
રિજિજુએ દિલ્હી પોલીસની સ્પેશિયલ પોલીસ યુનિટ ફોર નોર્થ-ઈસ્ટ રિજનની પ્રશંસા કરી, જે 2014માં અરુણાચલના વિદ્યાર્થી નિડો તાનિયાની હત્યા પછી બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું, “દિલ્હીમાં હવે સ્થિતિ સુધરી છે. આ સ્પેશિયલ યુનિટ બન્યા પછી ઘટનાઓ ઘટી છે. નોર્થ-ઈસ્ટના લોકો માટે ફરિયાદ કરવી કે મદદ માંગવી સરળ બની છે.” તેમણે અન્ય રાજ્યોમાં પણ SPUNER જેવા યુનિટની આવશ્યકતાની માંગ કરી છે.
પોલીસે રેસિયલ એંગલ નકાર્યો
આ ઘટનામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે રેસિયલ એન્ગલને નકારી કાઢ્યો. પોલીસનું કહેવું છે કે આરોપીઓમાં જ એક મણિપુરની વ્યક્તિ છે તેથી વંશીય ભેદભાવનો કોઈ એન્ગલ નથી. દેહરાદૂન SSP અજય સિંઘે સ્પષ્ટપણે કહ્યું કે આ ઘટના રેસિયલ હુમલાની નથી. તેમણે કહ્યું, “આને રેસિસ્ટ કોમેન્ટની કેટેગરીમાં ગણી શકાય નહીં, કારણ કે ઘટનામાં સામેલ એક યુવક પણ પીડિતના ક્ષેત્રનો રહેવાસી છે.”
તેમણે કહ્યું કે મુખ્ય આરોપી સુરજ ખવાસ મણિપુરનો છે, જે નોર્થ-ઈસ્ટનો જ ભાગ છે, તેથી રેસિયલ મોટિવ હોય શકે નહીં. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં રેસિયલ ટિપ્પણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. FIRમાં પણ રેસિયલ આરોપોનો કોઈ ઉલ્લેખ નથી. સોશિયલ મીડિયા પર રેસિયલ ડિસ્ક્રિમિનેશન સાથે જોડવાની પોસ્ટ્સ આવી છે, પરંતુ તપાસમાં આવા કોઈ પુરાવા નથી મળ્યા. ઘટનાના દિવસથી (9 ડિસેમ્બર) મૃત્યુ સુધી (26 ડિસેમ્બર) કોઈએ પોલીસ કે મીડિયા સમક્ષ રેસિયલ એબ્યુઝની ફરિયાદ કરી નથી.
ટિપ્પણીઓ ‘મજાકમાં’ હતી: પોલીસનું સ્પષ્ટીકરણ
SSP અજય સિંઘે કહ્યું કે ટિપ્પણીઓ મજાકમાં (in jest) જૂથમાં વચ્ચે થઈ રહી હતી. તેમણે જણાવ્યું, “ગ્રુપના લોકો એકબીજા સાથે બેઠા હતા અને તેમની વચ્ચે કેટલીક કમેન્ટ્સ થઈ રહી હતી. તેનાથી એવી ગેરસમજ થઈ કે આ કમેન્ટ્સ પીડિતો પર કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે આ આ ગેરસમજણમાંથી જ ઝઘડો થયો. પોલીસે વધુમાં કહ્યું કે નોર્થ-ઈસ્ટના એક આરોપીએ પોતે પૂછપરછમાં કબૂલ્યું કે ટિપ્પણીઓ કોઈના તરફ નિર્દેશિત નહોતી, માત્ર મજાકમાં થઈ રહી હતી.
તેમણે જણાવ્યું કે આરોપીઓ અને પીડિતો એકબીજાને અગાઉથી ઓળખતા નહોતા, તેથી કોઈ જૂની દુશ્મની નહોતી. આરોપી સુરજ ખવાસ (મણિપુર) પોતાના બાળકના જન્મદિવસની પાર્ટી મનાવતો હતો, જ્યાં મિત્રો વચ્ચે મજાક થઈ રહી હતી. આ કમેન્ટ્સ એન્જલ અને તેના ભાઈ માઇકલે અપમાનજનક ગણી અને વાંધો ઉઠાવ્યો, જે ઝઘડામાં ફેરવાયો.
FIRમાં વિલંબના આરોપોનો ઇનકાર
SSP અજય સિંઘે મૃતકના પરિવારે લગાવેલા FIRમાં વિલંબના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ઘટના 9 ડિસેમ્બરે બની અને ફરિયાદ 24 કલાકમાં જ નોંધાઈ હતી. તેમણે જણાવ્યું કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક છે. પોલીસે જણાવ્યું કે 6 આરોપીઓમાંથી 5ની ધરપકડ થઈ છે 2 સગીરને જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે નેપાળી મૂળના ફરાર આરોપી પર ₹25,000નું ઇનામ છે. આ સિવાય CCTV ફૂટેજ, ડિજિટલ પુરાવા અને સ્થાનિકોના નિવેદનો એકઠા કરાયા છે. તપાસ ચાલુ છે અને કોઈ નવા પુરાવા મળશે તો તેને રેકોર્ડ પર મૂકાશે. પોલીસે ખાતરી આપી કે તપાસ વગર ભેદભાવે થઈ રહી છે અને તમામ આરોપીઓને કાયદા અનુસાર સજા થશે.


