Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતસોમનાથથી દ્વારકા-ચંડોળા સુધી ફર્યું બુલડોઝર: હર્ષ સંઘવીની ઇચ્છાશક્તિથી 4 વર્ષમાં હટી અનેક...

    સોમનાથથી દ્વારકા-ચંડોળા સુધી ફર્યું બુલડોઝર: હર્ષ સંઘવીની ઇચ્છાશક્તિથી 4 વર્ષમાં હટી અનેક ગેરકાયદે દરગાહ-મસ્જિદો, ₹2100 કરોડની સરકારી જમીન મુક્ત

    તમામ કાર્યવાહીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ તેની પાછળ ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી અને હાલના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો હાથ રહેલો છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપેલો હતો કે ‘ઢીલું પડવાનું નથી.’

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદે દરગાહો, મસ્જિદો અને અન્ય ઢાંચાઓ પર બુલડોઝર એક્શનની કાર્યવાહી વેગ પકડી રહી છે. આ કાર્યવાહીઓનો મુખ્ય હેતુ સરકારી જમીનો અને પ્રાચીન મંદિરોની આસપાસના વિસ્તારોમાં થયેલા અતિક્રમણને દૂર કરવાનો છે. માર્ચ 2025 સુધીમાં રાજ્યમાં ₹2,100 કરોડથી વધુ કિંમતની જમીન ગેરકાયદે અતિક્રમણ હટાવીને મુક્ત કરાવવામાં આવી છે, જ્યારે 12,000થી વધુ ગેરકાયદે ઢાંચાઓ તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીઓમાં ગેરકાયદે મસ્જિદો અને દરગાહો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે, જેના વિઝ્યુલ્સ પણ સામે આવ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ રાજ્યના ગૃહમંત્રી અને હાલના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઈચ્છાશક્તિ છે, જેમણે કોઈપણ ડર વગર આ કાર્યવાહીઓને આગળ વધારી અને તેમના વિડીયો પણ જાહેર કર્યા છે.

    મોરબીમાં મણિ મંદિર પર અતિક્રમણ

    ગુજરાતનું પ્રખ્યાત શહેર મોરબી, જે તેના ટાઈલ્સ અને બિઝનેસ માઈન્ડસેટ માટે જાણીતું છે, ત્યાં મણિમંદિર નામનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં અનેક હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. દાયકાઓ સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ ધીમે-ધીમે મંદિરની બાજુમાં એક ગેરકાયદે દરગાહ ઊભી થઈ ગઈ. જ્યારે હિંદુ સમુદાયે વાંધો ઉઠાવ્યો તો મુસ્લિમ સમુદાયે તેને દૂર કરવાનો ઇન્કાર કર્યો અને ભીડ ભેગી કરીને ધમકી આપવા લાગ્યા હતા.

    ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને છેવટે ડિસેમ્બર 2025માં હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો, જે બાદ આ ગેરકાયદે દરગાહને તોડી પાડવામાં આવી. આ ઘટના પછી મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ આ કાર્યવાહીને અટકાવી શક્યા નહીં. આ માત્ર એક ઉદાહરણ છે. કોણ જાણે કેટલી ગેરકાયદે દરગાહો અને મઝારો ગુજરાતમાં છેલ્લા દશકોમાં ઉભી કરી દેવામાં આવી છે. આવા અતિક્રમણો મોરબીના મણિમંદિરથી લઈને દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર સ્થળો સુધી પહોંચી ગયાં હતાં. જોકે, રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરીને તેમને દૂર કર્યા છે.

    - Advertisement -

    દ્વારકામાં બુલડોઝર એક્શનની શરૂઆત

    દ્વારકામાં છેલ્લા કેટલાક દશકોમાં અધધધ ગેરકાયદે ઢાંચાઓ ઉભા થઈ ગયા હતા. રાજ્ય સરકારના ધ્યાને આ વાત આવતા કાર્યવાહી કરવાનો નિણર્ય લેવામાં આવ્યો. આ કાર્યવાહીની શરૂઆત ઑક્ટોબર 2022માં બેટ દ્વારકાથી થઈ. ત્યાં ત્રણ દિવસ સુધી અનેક સ્થળો પર બુલડોઝર ફર્યા, જ્યાં ગેરકાયદે મઝારો અને અન્ય ઢાંચા તોડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં 55,000 ચોરસ ફૂટ જમીન મુક્ત કરાવવામાં આવી હતી. આટલું જ નહીં જે લોકો પાસેથી જમીન ખાલી કરાવવામાં આવી તેમાં કેટલાકનું ડ્રગ્સ અને અન્ય અપરાધી પ્રવૃત્તિઓ સાથે જોડાણ હોવાનું જાણવા મળ્યું હતું.

    માર્ચ 2023માં દ્વારકામાં ફરી એક વખત મોટી કાર્યવાહી થઈ હતી. આ વખતે પાંચ દિવસ સુધી ચાલેલા મેગા ડિમોલિશનમાં 10 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન મુક્ત કરાવવામાં આવી હતી. અહીં ગેરકાયદે મસ્જિદો, મજારો અને 200થી વધુ રહેણાંક મિલકતો તોડી પાડવામાં આવી હતી. આ વિસ્તાર દેશની દરિયાઈ સરહદ પર આવેલો હોવાથી આ અતિક્રમણ વધુ ચિંતાજનક હતું. દ્વારકાધીશ મંદિરની આસપાસ અતિક્રમણથી હિંદુ ભક્તોને પણ મુશ્કેલી પડી શકે તેમ હતું, પરંતુ સરકારી કાર્યવાહીના પગલે આ ચિંતાઓ દૂર થઈ હતી.

    સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ પર પણ અતિક્રમણ

    માત્ર મોરબી અને દ્વારકા જ નહીં પણ સોમનાથમાં પણ અતિક્રમણના મામલા સામે આવી ચૂક્યા છે. વર્ષ 2024થી અહીંયા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. સામે આવ્યું હતું કે સોમનાથ મહાદેવના મંદિરની નજીકની જ એક દરગાહ, એક કબ્રસ્તાન અને એક ગેરકાયદે મસ્જિદ ઉભી કરી દેવામાં આવી હતી. જ્યારે ગુજરાત સરકારના ધ્યાને આ વાત આવી ત્યારે વર્ષ 2024માં કડક કાર્યવાહી કરવામાં આવી અને અતિક્રમણ કરીને ઉભા કરાયેલ તમામ બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.

    અહીં પણ દર વખતની જેમ એ જ પેર્ટનમાં વિરોધ કરવા માટે મુસ્લિમોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને તોફાન કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે આ વખતે પોલીસ પૂરતા બંદોબસ્ત સાથે આવી હતી અને ઘટનાસ્થળેથી જ પોલીસે 70 લોકોની ધરપકડ કરી લીધી હતી. આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ થઈ છે, પરંતુ રાજ્ય સરકારે કાર્યવાહી અટકાવી નથી.

    અમદાવાદના ચંડોળા તળાવ પર મેગા ઑપરેશન

    સોમનાથ, દ્વારકા અને મોરબી જેવા રૂલર એરિયામાં જ નહીં પણ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોએ હજારો ગેરકાયદે મકાનો બનાવ્યાં હતાં. એપ્રિલ 2025માં અહીં મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં હજારો પોલીસ કર્મચારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી એક મહિના સુધી ચાલી હતી.

    આ કાર્યવાહી દરમિયાન 12,000થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદે મસ્જિદો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. 11 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર મુક્ત કરવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ કાર્યવાહી બાદ નીકળેલા કાટમાળને દૂર કરવામાં 100 ટ્રકો લાગ્યા હતા અને તેમ છતાં દિવસો નીકળી ગયા હતા.

    નોંધનીય છે કે ચંડોળામાં મોટાભાગે રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હતા. આંકડાઓ અનુસાર ગુજરાત પોલીસે 2025માં 250 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 207 તો માત્ર ચંડોળા વિસ્તારના હતા. ઑપરેશન દરમિયાન 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કથિત હ્યુમન રાઈટ્સવાળાઓ અને લિબરલોએ આ કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી, પરંતુ સરકારે મજબૂતીથી દલીલો રજૂ કરી હોવાથી તેમને સફળતા મળી નહોતી.

    હર્ષ સંઘવીની ભૂમિકા અને ઈચ્છાશક્તિ

    આ તમામ કાર્યવાહીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ તેની પાછળ ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી અને હાલના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો હાથ રહેલો છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપેલો હતો કે ‘ઢીલું પડવાનું નથી.’ આ સિવાય તેઓ સતત કાર્યવાહીના વિડીયો પણ જારી કરતા હતા. સોમનાથ હોય, દ્વારકા હોય, મોરબી હોય કે ચંડોળા હોય, દરેક કાર્યવાહીના વિડીયો તેઓ પોતે શેર કરતા હતા અને જનતાને કાર્યવાહીથી સતત અપડેટ રાખતા હતા.

    હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલો અને વિરોધ છતાં તેમણે પુરાવાઓ સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, “આ કાર્યવાહી બંધ નહીં થાય.” ‘રાજકીય રીતે સાચા રહેવાનો ડોળ કર્યા વિના, ધર્મનિરપેક્ષતાના નામે ચૂપ રહ્યા વિના અને વૉટબેન્કના ડરથી ખચકાયા વિના તેમણે સતત આ કાર્યવાહી ચાલુ રાખી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ છે અને આગામી સમયમાં પણ અતિક્રમણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.

    આ કાર્યવાહીઓએ ગુજરાતમાં ગેરકાયદે અતિક્રમણોને મોટો ઝટકો આપ્યો છે. દ્વારકા, સોમનાથ, મણિમંદિર જેવા પવિત્ર સ્થળોની સુરક્ષા અને સરકારી જમીનની મુક્તિમાં આ એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય. ભવિષ્યમાં આવી કાર્યવાહીઓ અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે કે નહીં, તે સમય જ કહેશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે – ગુજરાતમાં ગેરકાયદે અતિક્રમણો સામે ઈચ્છાશક્તિ સાથે કાર્યવાહી થઈ છે અને તેનું નેતૃત્વ હર્ષ સંઘવીએ કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં