8 એપ્રિલ, 2025ના રોજ ભારત સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની (PMMY) શરૂઆતના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. એટલે મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના (Pradhan Mantri Mudra Yojana), જેનો પ્રારંભ 8 એપ્રિલ, 2015ના રોજ થયો હતો, નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ સ્વરોજગારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના (PIB) એક તાજેતરના અહેવાલ મુજબ, આ યોજનાએ દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવ્યા છે.
વડાપ્રધાન મોદીએ (PM Modi) આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તે તમામ લોકોને અભિનંદન આપ્યા છે, જેમનું જીવન આ યોજનાના કારણે બદલાયું છે. તેમણે કહ્યું છે કે, માત્ર એક દાયકામાં આ યોજનાએ મોટું પરિવર્તન આણ્યું છે અને વર્ષોથી જે લોકો તરફ કોઈ જોતું નહોતું, તેમને આજે મજબૂત કર્યા છે.
Today, as we mark, #10YearsOfMUDRA, I would like to congratulate all those whose lives have been transformed thanks to this scheme. Over this decade, Mudra Yojana has turned several dreams into reality, empowering people who were previously overlooked with the financial support… pic.twitter.com/GIwtjLhoxe
— Narendra Modi (@narendramodi) April 8, 2025
વધુમાં વડાપ્રધાને પોતાના આવાસ પર આ યોજનાના લાભાર્થીઓને બોલાવ્યા છે અને તેમની યાત્રા વિશે દુનિયાને અવગત કરાવી છે. મુદ્રા યોજનાના દેશભરમાં જેટલા લાભાર્થીઓ છે, તેમાંથી અમુક મુખ્ય લાભાર્થીઓને પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન સાથે સંવાદ કરવાનો અવસર આપવામાં આવ્યો છે.
યોજનાનો ઉદ્દેશ્ય અને મહત્વ
PMMYનો મુખ્ય હેતુ છે ‘અનફંડેડને ફંડિંગ’ કરવું. એટલે કે, જે લઘુ ઉદ્યોગો અને સ્વરોજગારીને પરંપરાગત બેન્કિંગ સિસ્ટમથી લોન મેળવવામાં મુશ્કેલી પડે છે. તેમને આર્થિક સહાય પૂરી પાડવી અને તેમના વ્યવસાયને વિકસાવવા માટે સરકારી મદદ પૂરી પાડવી. આજે દેશમાં 100થી વધુ યુનિકોર્ન સ્થપાઈ ગયા છે. યુનિકોર્ન મોટી કંપનીઓને કહે છે. જે કરોડોનો વ્યાપાર અને ઉત્પાદન કરતા હોય.
મુદ્રા યોજના હેઠળ બાળકોને ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે કિશોરોને ₹5 લાખ સુધીની લોન આપવા માટેની યોજના બનાવવામાં આવી છે. તે સિવાય કિશોર સિવાયના તરુણો અને અન્ય લોકોને ₹10 લાખ સુધીની સરકારી સહાય આપવામાં આવી રહી છે. તેનાથી લોકોને તેનો નાનો ઉદ્યોગ વિકસાવવા માટે મદદ મળી શકે છે.
52 કરોડથી વધુ લોન, કુલ રકમ ₹32 લાખ કરોડને પાર
પીએમ મુદ્રા યોજના ભારતના નાના ઉદ્યમીઓ અને સ્વરોજગારીઓ માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજના હેઠળ બિન-કોર્પોરેટ, બિન-કૃષિ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ₹10 લાખ સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. 8 એપ્રિલ, 2025 સુધીમાં, આ યોજના હેઠળ 52 કરોડથી વધુ લોન આપવામાં આવી છે, જેની કુલ રકમ ₹32.61 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે આ યોજનાએ દેશના લઘુ ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ યોજનાની સૌથી મોટી સફળતા એ છે કે તેના 70% લાભાર્થીઓ મહિલાઓ છે. આનાથી દેશમાં મહિલા સશક્તિકરણને નવું બળ મળ્યું છે. ગામડાંઓ અને નાના શહેરોમાં રહેતી મહિલાઓએ આ યોજના દ્વારા પોતાના નાના વ્યવસાયો જેમ કે સિલાઈ, હેન્ડીક્રાફ્ટ, ખાદ્ય ઉત્પાદન અને રિટેલ શોપ શરૂ કર્યા છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
એક દાયકાની સિદ્ધિ
2015થી 2025 સુધીના સમયગાળા દરમિયાન મુદ્રા યોજના હેઠળ કુલ ₹52 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે. જેનું કુલ મૂલ્ય ₹32 લાખ કરોડ છે. આ કારણે દેશભરમાં નાણાં ઉદ્યોગો અને સ્વરોજગારીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના ખૂબ લાભદાયી સાબિત થઈ છે. કારણ કે, કુલ લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો 68% છે. એટલે કે, લગભગ 70% મહિલાઓને આ લાભ મળ્યા છે.
તેનાથી સાબિત થાય છે કે, મહિલા ઉદ્યોગસાહસિકોને આર્થિક સ્વતંત્રતા મેળવવા માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આજે આપણે જોઈ પણ શકીએ છીએ કે, મહિલાઓ પોતાના પગ પર ઊભી રહીને કરોડોની કંપનીઓને સરળતાથી ચલાવી રહી છે અને અન્ય લોકોને રોજગાર પણ આપી રહી છે.
આ યોજનાએ ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. ઉદાહરણ તરીકે, એક નાના ગામમાં રહેતી મહિલા, જેણે શિશુ લોન લઈને સિલાઈનો વ્યવસાય શરૂ કર્યો, તે આજે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે અને બીજી મહિલાઓને પણ રોજગાર આપી રહી છે. આવા અસંખ્ય ઉદાહરણો દર્શાવે છે કે આ યોજના દેશના આર્થિક માળખાને મજબૂત કરવામાં સફળ રહી છે.
આ ઉપરાંત, યોજનાએ બેંકિંગ સેવાઓને ગામડાંઓ સુધી પહોંચાડવામાં પણ મદદ કરી છે. લોનની સરળ પ્રક્રિયા અને ઓછા વ્યાજદરે લોકોને નાણાકીય સંસ્થાઓ પર વિશ્વાસ વધાર્યો છે. આનાથી નાણાકીય સમાવેશનું સ્તર પણ ઊંચું થયું છે.
MSME ક્ષેત્રમાં વૃદ્ધિ
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના (SBI) રિપોર્ટ અનુસાર, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને (MSME) આપવામાં આવેલી લોંમાં નોંધપાત્ર વધારો થયો છે. 2013-14માં MSME લોન ₹8.51 લાખ કરોડ હતી. જે 2023-24માં વધીને ₹27.25 લાખ કરોડ થઈ ગઈ છે અને 2024-25માં તે ₹30 લાખ કરોડને પાર થઈ શકે તેની પૂર્ણ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ બધા કારણોથી સાબિત થાય છે કે, મોદી સરકારે એક દાયકામાં નાના ઉદ્યોગો માટેનો આર્થિક માહોલ વધુ મજબૂત બનાવી દીધો છે.

કુલ બેન્ક ધિરાણમાં MSME ધિરાણનો હિસ્સો નાણાકીય વર્ષ વર્ષ 2014માં 15.8 ટકા હતો, જે હવે 2024માં વધીને 20 ટકા થઈ ગયો છે. જે ભારતીય અર્થતંત્રમાં તેની વધતી ભૂમિકા પણ દર્શાવે છે. આ વિસ્તરણે નાના નગરો અને ગ્રામ્ય વિસ્તારોના ધંધાઓને નાણાકીય સહાય મેળવવા માટેની પ્રતિબદ્ધતા આપી છે.
અનુસૂચિત જાતિ-જનજાતિને વધુ લાભ
મુદ્રા યોજના હેઠળના 50% ખાતાઓ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના ઉદ્યોગસાહસિકો ધરાવે છે. જે દર્શાવે છે કે, આ યોજના સામાજિક ન્યાય અને સમાનતાને પણ ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. આર્થિક વિકાસમાં તમામ વર્ગોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનાવવાની એક તક પણ આપવામાં આવી છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે દેશના તમામ લોકોને આત્મનિર્ભર બનાવવા માટેની મજબૂત યોજના પાર પાડી છે.

મોદી સરકારની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની નીતિ આ યોજનામાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ યોજના સિવાય અન્ય તમામ યોજનાઓમાં પણ વંચિત અને સામાજિક-આર્થિક પછાત સમુદાયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે, આજે ભારત એવા સ્થાન પર પહોંચી ગયું છે કે, વિશ્વ તેને અવગણી શકશે નહીં.
યોજનાના લાભો
પીએમ મુદ્રા યોજનાના લાભો બહુવિધ છે. સૌથી મોટો લાભ એ છે કે તે કોલેટરલ-ફ્રી લોન પૂરી પાડે છે, જેનાથી નાના ઉદ્યમીઓને જામીનગીરીની ચિંતા કર્યા વિના નાણાં મેળવવાની સુવિધા મળે છે. આ યોજનાએ ખાસ કરીને યુવાનોને પોતાના સ્ટાર્ટઅપ્સ અને નવા વ્યવસાયો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
આ યોજનાનો બીજો મોટો લાભ એ છે કે તે સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરે છે. નાના વેપારીઓ, જેમ કે શાકભાજી વેચનારા, ચા-નાસ્તાની દુકાન ચલાવનારા કે હેર સલૂન ચલાવનારાઓએ આ લોનનો ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને વિસ્તાર્યા છે. આનાથી ગામડાંઓ અને નાના શહેરોમાં આર્થિક વિકાસનો નવો યુગ શરૂ થયો છે.
મહિલાઓ માટે આ યોજના ખાસ કરીને ફાયદાકારક રહી છે. તેમને આર્થિક સ્વતંત્રતા મળવાથી પરિવારની આવકમાં વધારો થયો છે અને સામાજિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત, આ યોજનાએ સમાજના નીચલા વર્ગો, જેમ કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને પણ આર્થિક મજબૂતી આપી છે.
પીએમ મુદ્રા યોજના ભારતના આર્થિક અને સામાજિક વિકાસનું એક મજબૂત સાધન બની છે. તેની સફળતા એ હકીકતમાં રહેલી છે કે તેણે કરોડો લોકોના સપનાઓને હકીકતમાં બદલવામાં મદદ કરી છે. 10 વર્ષની આ યાત્રામાં, આ યોજનાએ નાના ઉદ્યોગો અને સ્વરોજગારીઓને માત્ર આર્થિક સહાય જ નથી આપી, પરંતુ તેમને સ્વાવલંબી અને સશક્ત બનાવવાનું કામ પણ કર્યું છે. ભવિષ્યમાં પણ આ યોજના દેશના આર્થિક વિકાસનો આધારસ્તંભ બની રહેશે અને ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવામાં મદદ કરશે.