હોમપેજદેશ₹53 લાખ કરોડની બ્લુપ્રિન્ટ, મૂડીગત રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભરતા: 'વિકસિત ભારત-2047'નો રોડમેપ...

₹53 લાખ કરોડની બ્લુપ્રિન્ટ, મૂડીગત રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભરતા: ‘વિકસિત ભારત-2047’નો રોડમેપ છે મોદી સરકારનું બજેટ- વિશ્લેષણ

આ ‘ખર્ચ’નું નહીં, પણ ‘રોકાણ’નું બજેટ છે, જે ભારતને માત્ર તેજીથી વધતી અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ એક સશક્ત, આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ લઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ બજેટ 'વિકસિત ભારત-2047'નો રોડમેપ છે.

- Advertisement -

મોદી સરકારનાં કેન્દ્રીય બજેટ 2026માં મહત્વાકાંક્ષી પરંતુ નાણાકીય બાબતોનો ગંભીર રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. આ બજેટમાં સરકારે ખર્ચ, ટેક્સેશન, ઉધાર અને ડેફિસિટ ઘટાડવા અંગે મોટા આંકડા રજૂ કર્યા છે. સતત ઉચ્ચ આર્થિક વિકાસને ગતિ આપવા, લોકોને કેન્દ્રમાં રાખીને વિકાસને પ્રાથમિકતા આપવા અને માળખાગત સુધારાઓ પર ભાર મૂકવાના ઉદ્દેશ્યથી તૈયાર આ બજેટમાં વર્ષ 2026-27 માટે કુલ ખર્ચ ₹53,47,315 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ‘યુવા શક્તિ-પ્રેરિત બજેટ’ તરીકે રજૂ કરાયેલા આ બજેટમાં ગરીબો, વંચિતો અને પછાત વર્ગો પર ફોકસ કરવાનો ‘સંકલ્પ’ દેખાય છે અને તે ‘સબકા સાથ, સબકા વિકાસ’ની કલ્પનાને અનુરૂપ પણ છે.

કર્તવ્ય ભવનમાં તૈયાર કરાયેલ આ બજેટ 2026 ત્રણ મુખ્ય ‘કર્તવ્યો’ પર આધારિત છે. પ્રથમ, ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક અસ્થિરતા સામે મજબૂતી વધારીને આર્થિક વૃદ્ધિને તેજ કરવી અને તેને જાળવી રાખવી. બીજું, લોકોની ક્ષમતાઓનું નિર્માણ કરીને તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અને તેમને ભારતની સમૃદ્ધિના સક્રિય ભાગીદાર બનાવવા. ત્રીજું, દરેક પરિવાર, સમુદાય, વિસ્તાર અને ક્ષેત્ર માટે સંસાધનો, સુવિધાઓ અને તકો સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરવી. 

આવા સમયમાં જ્યારે વૈશ્વિક અર્થતંત્ર યુદ્ધ, સપ્લાય ચેઇન સંકટ, મોંઘવારી અને મંદીની આશંકાઓ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, તેવામાં ભારતે વિકાસ અને નાણાકીય અનુશાસન બંનેને સાથે લઈને ચાલવાનો માર્ગ પસંદ કર્યો છે. આ બજેટ એક વાત સ્પષ્ટ કરે છે કે સરકાર અલ્પકાલીન લોકપ્રિયતા અથવા ચૂંટણીલક્ષી મફતખોરીને બદલે દીર્ઘકાલીન આર્થિક મજબૂતી પર દાવ લગાવી રહી છે.  સરકારે 2026-27 માટે કુલ ખર્ચ ₹53.47 લાખ કરોડનો અંદાજ મૂક્યો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો સરકારી ખર્ચ છે. પરંતુ આ ખર્ચ સબસિડી વહેંચવામાં નહીં, પરંતુ ઉત્પાદન ક્ષમતા વધારવામાં લગાવવામાં આવી રહ્યો છે. આ જ આ બજેટની શક્તિ પણ છે. 

- Advertisement -

મૂડીગત ખર્ચમાં રેકોર્ડ વધારો: ભવિષ્યના ભારત પર રોકાણ

આ બજેટની સૌથી મોટી વિશેષતા છે મૂડીગત ખર્ચ પર અસાધારણ ભાર. સરકારે ₹12.2 લાખ કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર નક્કી કર્યો છે. આ રકમ જ રસ્તાઓ, રેલવે, બંદરો, લોજિસ્ટિક્સ કોરિડોર, ઊર્જા પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક માળખા પર ખર્ચાશે. છેલ્લા એક દાયકાની તુલના કરીએ તો ભારતનો કેપેક્સ અનેક ગણો વધ્યો છે. અગાઉ જ્યાં સરકારો આવક ખર્ચ અને સબસિડી પર વધુ આધારિત હતી, ત્યાં હવે મોદી સરકાર સંપત્તિઓ ઊભી કરવા પર ધ્યાન આપી રહી છે. સીધી ભાષામાં કહીએ તો આજનો રસ્તો, કાલનો ઉદ્યોગ છે, આજની ફેક્ટરી, કાલની નોકરી છે. 

છેલ્લા દાયકાનાં બજેટ્સ સાથે તુલના કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે કેપેક્સ સતત વધારવામાં આવ્યો છે. સરકારની દલીલ એ છે કે આવક ખર્ચ અલ્પકાલીન રાહત આપે છે, જ્યારે મૂડીગત ખર્ચ અર્થતંત્રની ઉત્પાદક ક્ષમતાને કાયમી રીતે વધારે છે. ઉચ્ચ કેપેક્સનો સીધો સંબંધ ખાનગી રોકાણ, રોજગાર અને ઉત્પાદન વિસ્તાર સાથે છે. આ જ કારણ છે કે બજેટમાં મૂડીગત ખર્ચને પ્રાથમિકતા આપવામાં આવી છે. 

GDP અને વિકાસ

બજેટમાં ભારતની અર્થવ્યવસ્થા અંગે સરકારનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે. 2026-27 માટે GDPનો અંદાજ લગભગ ₹393 લાખ કરોડ રાખવામાં આવ્યો છે, જે ગત વર્ષની તુલનામાં લગભગ 10% વૃદ્ધિ દર્શાવે છે. લગભગ 7%ના વિકાસ દરનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી તેજ છે. અમેરિકા, યુરોપ અને ચીન પણ ધીમી વૃદ્ધિમાં ફરી રહ્યા છે, ત્યારે ભારતનો આ અંદાજ ભારતની સ્થિતિ અને આર્થિક મજબૂતી દર્શાવે છે. આ અંદાજ સરકારની તે રણનીતિને દર્શાવે છે જેમાં માળખાગત સુવિધા, ઉત્પાદન અને ઘરેલું માંગને સમાંતર રીતે વધારવામાં આવી રહી છે. 

રાજકોષીય અનુશાસન

આટલો મોટો ખર્ચ કરવા છતાં સરકારે નાણાકીય શિસ્ત છોડી નથી. ફિસ્કલ ડેફિસિટને GDPના 4.3% સુધી મર્યાદિત રાખવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મહામારી દરમિયાન ડેફિસિટ 9%થી વધુ ગયું હતું. હવે દર વર્ષે તેને સતત ઘટાડવામાં આવી રહ્યું છે.

  • રાજકોષીય ખાધ: ₹16.96 લાખ કરોડ
  • રાજસ્વ ખાધ: ₹5.92 લાખ કરોડ (1.5%)
  • પ્રાથમિક ખાધ: ₹2.92 લાખ કરોડ

આ આંકડા દર્શાવે છે કે સરકાર ઉધાર લઈને મફત યોજનાઓ ચલાવી રહી નથી, પરંતુ નિયંત્રિત વિકાસ કરી રહી છે. Debt-to-GDP Ratio (ડેટ-ટુ-જીડીપી રેશિયો) પણ ઘટીને 55.6% પર લાવવામાં આવી રહ્યો છે અને લક્ષ્ય છે કે 2030 સુધીમાં તેને 50%ની આસપાસ લાવી શકાય. આ કોઈપણ જવાબદાર અર્થવ્યવસ્થાની નિશાની છે. 

સરકારની આવકનું માળખું પણ વ્યાપક બન્યું છે. મહેસૂલ પ્રાપ્તિઓ લગભગ ₹35.33 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. જેમાં ₹28.67 લાખ કરોડ ટેક્સ મહેસૂલ અને ₹6.66 લાખ કરોડ નોન-ટેક્સ મહેસૂલનો સમાવેશ થાય છે. આવકવેરામાંથી લગભગ ₹10.8 લાખ કરોડ અને કોર્પોરેટ ટેક્સમાંથી ₹9.9 લાખ કરોડ આવવાની અપેક્ષા છે. આ સંકેત છે કે ઔપચારિક અર્થતંત્રનો દાયરો વધ્યો છે અને ઉદ્યોગ તેમજ આવક બંનેમાં વૃદ્ધિ થઈ રહી છે. વધતો ટેક્સ સંગ્રહ એ પણ દર્શાવે છે કે આર્થિક પ્રવૃત્તિમાં ગતિ જળવાઈ રહી છે. 

સરકારી ખર્ચનું વિભાજન પણ રસપ્રદ છે. લગભગ 22% રકમ રાજ્યોના હિસ્સામાં જાય છે, જ્યારે 20% વ્યાજ ચુકવણીમાં ખર્ચાય છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે પરિવહન અને માળખાગત સુવિધાઓ પર રક્ષાથી પણ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરિવહન: ₹5.99 લાખ કરોડ, રક્ષા: ₹5.95 લાખ કરોડ, એટલે કે સરકાર સમજે છે કે મજબૂત અર્થતંત્ર જ મજબૂત રાષ્ટ્રની અસલી તાકાત છે. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ માટે ₹2.73 લાખ કરોડ, કૃષિ માટે ₹1.63 લાખ કરોડ, શિક્ષણ માટે ₹1.39 લાખ કરોડ અને આરોગ્ય માટે ₹1.05 લાખ કરોડની જોગવાઈ છે, જે સંતુલિત વિકાસનું મોડલ દર્શાવે છે. 

ખેડૂતો માટે નવું મોડેલ અને MSME ઉદ્યોગ

કૃષિ ક્ષેત્રમાં પણ સરકારે જૂના રાજકારણથી અલગ માર્ગ અપનાવ્યો છે. લૉન માફી કે રોકડ સહાયને બદલે દલહન મિશન, કપાસ ઉત્પાદકતા મિશન, ભંડારણ તથા સિંચાઈ સુધારા અને ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹3 લાખથી ₹5 લાખ સુધી વધારવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની રણનીતિ છે. સરકાર માને છે- આવક વધારો પણ બીજા પરની નિર્ભરતા નહીં. આ દૃષ્ટિકોણ કૃષિને ઉપભોગ આધારિત સહાયમાંથી હટાવીને ઉત્પાદન આધારિત મોડલ તરફ લઈ જાય છે. 

MSMEની વાત કરીએ તો દેશના કુલ નિકાસનો લગભગ 45% ભાગ MSME ક્ષેત્રમાંથી આવે છે અને રોજગાર પણ ઘણો મળે છે. આ જ કારણે સરકારે ₹10,000 કરોડનું SME ગ્રોથ ફંડ, વધેલી ક્રેડિટ ગેરંટી અને સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઑફ ફંડ્સની વ્યવસ્થા કરી છે. આ સાથે સેમિકન્ડક્ટર મિશન 2.0, બાયોફાર્મા શક્તિ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, કેમિકલ પાર્ક, રેર અર્થ મેગ્નેટ્સ અને કોરિડોર, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ અને રક્ષા ઉત્પાદન જેવી યોજનાઓ ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવી છે. આ નિર્ણયથી એટલું તો સમજી શકાય છે કે નીતિનું કેન્દ્ર રોજગાર અને નિકાસ આધારિત વિકાસ છે. આ સ્પષ્ટ સંદેશ છે કે નોકરીઓ સરકાર નહીં, ઉદ્યોગ પેદા કરશે અને સરકાર ઉદ્યોગને મજબૂત કરી રહી છે. 

આત્મનિર્ભર ભારત અને કૌશલ

સેમિકન્ડક્ટર મિશન 2.0, બાયોફાર્મા શક્તિ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, કેમિકલ પાર્ક, રક્ષા ઉત્પાદન, રેર અર્થ મટિરિયલ આ બધા ક્ષેત્રો પર વિશેષ રોકાણ દર્શાવે છે કે ભારત હવે આયાત પર નિર્ભર રહેવા માંગતુ નથી. આ માત્ર આર્થિક નહીં, રાષ્ટ્રીય સુરક્ષાનો પણ મુદ્દો છે. આત્મનિર્ભરતા હવે નારો નથી, નીતિ બની ચૂકી છે. 



સર્વિસ સેક્ટરમાં મેડિકલ વેલ્યુ ટૂરિઝમ હબ, એલાઇડ હેલ્થ પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર, 1.5 લાખ મલ્ટી-સ્કિલ્ડ કેરગિવર્સની તાલીમ, આયુષ સંસ્થાન, ડિઝાઇન અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શિક્ષણને રોજગાર સાથે જોડતી પહેલો સામેલ છે. AI લેબ, સ્કિલ સેન્ટર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોષણ યોજનાઓ, શિક્ષણ વિસ્તાર, આ બધું ભવિષ્યના કાર્યબળને તૈયાર કરવા માટે છે. સરકાર મફત પૈસા આપી રહી નથી, પરંતુ લોકોને સક્ષમ બનાવી રહી છે. આ જ વાસ્તવિક સશક્તિકરણ છે. ટૂંકમાં સરકાર ઉદ્યોગની સાથે-સાથે કૌશલ્ય આધારિત માનવ મૂડીને પણ સમાન મહત્વ આપી રહી છે. 

આખા બજેટને એકસાથે જોઈએ તો સ્પષ્ટ થાય છે કે આ બજેટ તાત્કાલિક તાળીઓ કે અલ્પકાલીન લોભામણી રાહત માટે નહીં, પરંતુ દીર્ઘકાલીન આર્થિક ક્ષમતા નિર્માણ માટે તૈયાર કરવામાં આવ્યું છે. કુલ ખર્ચનું મોટું કદ, રેકોર્ડ મૂડીગત રોકાણ, ઘટતું રાજકોષીય ખાધ, મજબૂત ટેક્સ સંગ્રહ અને રાજ્યોને સંસાધનોનાં હસ્તાંતરણથી સમજી શકાય છે કે સરકાર ખર્ચ-આધારિત મોડલથી આગળ વધીને ઉત્પાદન અને રોકાણ-આધારિત અર્થતંત્ર તરફ નિર્ણાયક પગલાં ભરી રહી છે.

આ બજેટનો ભાર ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉદ્યોગ, ઉત્પાદન, કૃષિ ઉત્પાદકતા અને કૌશલ્ય વિકાસ પર છે, જે મળીને સંરચનાત્મક વિકાસનો મજબૂત આધાર બનાવે છે. આ ‘ખર્ચ’નું નહીં, પણ ‘રોકાણ’નું બજેટ છે, જે ભારતને માત્ર તેજીથી વધતી અર્થવ્યવસ્થા જ નહીં, પરંતુ એક સશક્ત, આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ લઈ જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ બજેટ ‘વિકસિત ભારત-2047’નો રોડમેપ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં