હોમપેજઇન્ડોલોજીભોજશાળાથી બ્રિટિશ મ્યુઝિયમ સુધી: ધારની સરસ્વતી પ્રતિમા લંડન કેવી રીતે પહોંચી, શું...

ભોજશાળાથી બ્રિટિશ મ્યુઝિયમ સુધી: ધારની સરસ્વતી પ્રતિમા લંડન કેવી રીતે પહોંચી, શું છે ઇતિહાસ અને હવે કેમ થઈ રહી છે વાપસીની માંગ

ભારત માટે ભોજશાળાની મૂર્તિ માત્ર એક કળાત્મક શિલ્પ નથી. તે ભારતની જ્ઞાનપરંપરા, સાંસ્કૃતિક સ્મૃતિ અને ઐતિહાસિક ઓળખનું પ્રતિક બની ગઈ છે.

- Advertisement -

મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા મહત્વપૂર્ણ ચુકાદા બાદ ફરી એકવાર ધારની ભોજશાળા અને ત્યાંથી બ્રિટિશ શાસન દરમિયાન ઈંગ્લેન્ડ લઈ જવાયેલી માતા સરસ્વતી કે વાગ્દેવીની પ્રાચીન મૂર્તિ રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હાઇકોર્ટે ભોજશાળાને સરસ્વતી મંદિર તરીકે સ્વીકારતાં માત્ર ASIને સંકુલના સંરક્ષણ અને જાળવણીની સંપૂર્ણ દેખરેખ સોંપવાની જ વાત કરી નથી, પરંતુ સરકારને લંડન સ્થિત બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી સરસ્વતી મૂર્તિને ભારત પરત લાવવા માટે કરવામાં આવેલા પ્રતિનિધિત્વ પર વિચાર કરવા પણ જણાવ્યું છે. આ ટિપ્પણી બાદ ફરી એકવાર એ પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે કે આખરે આ મૂર્તિ ભારતમાંથી લંડન સુધી કેવી રીતે પહોંચી? ભોજશાળાનો મૂળ ઇતિહાસ શું છે? અને ભારત શા માટે હવે આ મૂર્તિની વાપસીની માંગ કરી રહ્યું છે?

સાંસ્કૃતિક વારસા, મધ્યકાલીન આક્રમણો, બ્રિટિશ ઔપનિવેશિક નીતિઓ અને આધુનિક ભારતની વારસા-વાપસીની નીતિ, આ બધું ભેગું થાય ત્યારે ભોજશાળાની સરસ્વતી મૂર્તિનો મુદ્દો માત્ર એક પ્રાચીન શિલ્પનો મુદ્દો રહેતો નથી, પરંતુ ભારતના ઐતિહાસિક ચેતનાનો ભાગ બની જાય છે. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત દ્વારા વિદેશમાંથી અનેક મૂર્તિઓ અને સાંસ્કૃતિક અવશેષો પરત લાવવાના પ્રયાસો સફળ થયા બાદ હવે ભોજશાળાની મૂર્તિને લઈને પણ ચર્ચા વધુ ગંભીર બની રહી છે.

શું છે ભોજશાળા અને કેમ છે મહત્વપૂર્ણ છે?

મધ્ય પ્રદેશના ધાર શહેરમાં આવેલી ભોજશાળાને હિંદુ પરંપરામાં જ્ઞાન, કલા અને વિદ્યાની દેવી સરસ્વતીને સમર્પિત પ્રાચીન મંદિર અને શિક્ષણ કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ઐતિહાસિક ગ્રંથો અનુસાર પરમાર વંશના રાજા ભોજે 11મી સદીમાં આ સંકુલનું નિર્માણ કરાવ્યું હતું. રાજા ભોજ માત્ર શાસક નહોતા, તેઓ સંસ્કૃત સાહિત્ય, જ્યોતિષ, વ્યાકરણ, તત્વજ્ઞાન, શિલ્પ અને શિક્ષણના મોટા સંરક્ષક પણ હતા. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં તેમને એક વિદ્વાન રાજા તરીકે યાદ કરવામાં આવે છે.

- Advertisement -

કહેવાય છે કે તેમના સમયમાં ધાર માત્ર રાજકીય કેન્દ્ર નહોતું, પરંતુ ભારતીય જ્ઞાનપરંપરાનું પણ એક અગત્યનું કેન્દ્ર બની ગયું હતું. ભોજશાળા તે જ જ્ઞાનપરંપરાનું પ્રતિક છે. ઘણા ઐતિહાસિક વર્ણનોમાં તેને સંસ્કૃત શિક્ષણ, શાસ્ત્રીય અભ્યાસ અને દેવી સરસ્વતીની ઉપાસના સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત અહીં માતા સરસ્વતીની ભવ્ય મૂર્તિ સ્થાપિત હતી અને વિદ્યાભ્યાસ સાથે સંકળાયેલ ધાર્મિક વિધિઓ યોજાતી હતી. ભોજશાળાનાં સ્થાપત્યમાં પણ ભારતીય મંદિરશૈલીની અસર સ્પષ્ટપણે જોવા મળે છે. પથ્થરો પરનું નકશીકામ, સ્તંભો પરની રચના, શિલાલેખો અને કળાશૈલીને આધારે એ સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ બાંધકામ પ્રાચીન હિંદુ શૈલીનું હતું અને ત્યાં ભવ્ય સરસ્વતી મંદિર અને શિક્ષણ કેન્દ્ર હતું.

ભોજશાળા વિવાદ

ભોજશાળાને લઈને વર્ષો જૂનો વિવાદ હિંદુ અને મુસ્લિમ પક્ષ વચ્ચે ચાલતો રહ્યો હતો. હિંદુ પક્ષનો દાવો એવો હતો કે આ મૂળ સરસ્વતી મંદિર છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને કમાલ મૌલા મસ્જિદ તરીકે ગણાવતો હતો. ભોજશાળાના સંકુલમાં બંને સમુદાયોના ધાર્મિક દાવાઓને કારણે આ મુદ્દો સમયાંતરે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બનતો રહ્યો છે. વર્ષો સુધી ASI દ્વારા સંકુલનું સંચાલન કરવામાં આવ્યું હતું અને અલગ-અલગ દિવસોમાં અલગ સમુદાયોને નમાજ અને પૂજાની મંજૂરી આપવામાં આવતી હતી. વસંતપંચમીના દિવસે હિંદુ સંગઠનો દ્વારા અહીં પૂજા કરવાની માંગ સતત કરવામાં આવતી રહી હતી.

તાજેતરમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આપેલા ચુકાદામાં ભોજશાળાને સરસ્વતી-વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ હવે એ વિવાદ પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કોર્ટે ASIને સંકુલના સંરક્ષણ માટે સંપૂર્ણ દેખરેખ રાખવા જણાવ્યું હતું અને માતા સરસ્વતી મૂર્તિની વાપસી અંગે કરવામાં આવેલા પ્રતિનિધિત્વ પર વિચાર કરવાની વાત પણ કહી હતી. આ ચુકાદા બાદ ભોજશાળાની મૂર્તિનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો અને દેશભરમાં એ ચર્ચા શરૂ થઈ કે જો ભોજશાળા સરસ્વતી મંદિર હતું તો તેની મૂળ મૂર્તિ હજુ બ્રિટિશ મ્યુઝિયમમાં કેમ છે?

સરસ્વતી મૂર્તિ માત્ર એક શિલ્પ નહીં, એક સંસ્કૃતિનું પ્રતીક

લંડનનાં બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી માતા વાગ્દેવીની આ મૂર્તિને ભોજશાળાની સૌથી મહત્વપૂર્ણ સાંસ્કૃતિક નિશાની માનવામાં આવે છે. માહિતી અનુસાર લગભગ ચાર ફૂટ ઊંચી અને અંદાજે 250 કિલોગ્રામ વજન ધરાવતી આ મૂર્તિ ભારતીય શિલ્પકળાનું અદભૂત ઉદાહરણ છે. મૂર્તિ પર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શિલાલેખો કોતરાયેલા હોવાનું કહેવાય છે. આ શિલાલેખો માત્ર ધાર્મિક મહત્વ ધરાવતા નથી, પરંતુ તે સમયની ભાષા, જ્ઞાનપરંપરા અને કળાશૈલી અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપે છે. ઘણા ઇતિહાસકારો અને કલા નિષ્ણાતો માને છે કે આ મૂર્તિ મધ્યકાલીન ભારતીય શિલ્પકળાના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એક છે.

NDTV સાથે વાતચીત દરમિયાન યુનિવર્સિટી કૉલેજ લંડન સાથે જોડાયેલા આર્ટ હિસ્ટોરિયન ડૉ. વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું કે બ્રિટિશ મ્યુઝિયમ જેવી સંસ્થાઓ અવશેષોનું જતન કરે છે, પરંતુ ભારતીય સાંસ્કૃતિક અને સંસ્કૃત પરંપરાની ઊંડાણપૂર્વક સમજ વિના આ અવશેષોના મૂળ આધ્યાત્મિક અર્થને સંપૂર્ણ રીતે સમજવો મુશ્કેલ બની જાય છે. હિંદુઓ માટે આ મૂર્તિ માત્ર પ્રાચીન અવશેષ નથી, પરંતુ ભારતની જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક છે. ખાસ કરીને દેવી સરસ્વતી જ્ઞાન, સંગીત અને શિક્ષણનાં દેવી તરીકે પૂજાય છે, તેવામાં  ભોજશાળાની મૂર્તિનું ધાર્મિક મહત્વ પણ ઘણું વધી જાય છે.

મધ્યકાલીન ઇસ્લામી આક્રમણો અને ભોજશાળા

ભોજશાળાના ઇતિહાસનો દુઃખદ ભાગ મધ્યકાલીન ઇસ્લામી આક્રમણો સાથે જોડાયેલો છે. ઐતિહાસિક સંદર્ભો અનુસાર 1305માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન ભોજશાળાના મોટાભાગને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિર સંકુલના કેટલાક ભાગોને તોડી પાડવામાં આવ્યા અને પછીના સમયમાં તેના એક ભાગને મસ્જિદ બનાવી દેવાઈ અને એનો મજહબી કામ માટે ઉપયોગ થવા લાગ્યો. ભોજશાળાના મૂળ સ્થાપત્યના અવશેષો આજે પણ ત્યાંનાં સ્તંભો, શિલ્પો અને કળાશૈલીમાં જોવા મળે છે. કેટલાક સંશોધકો માને છે કે સંકુલમાં અનેક શિલ્પાત્મક તત્વો મંદિર સ્થાપત્ય તરફ ઈશારો કરે છે અને હવે તો કોર્ટમાં પણ તે સાબિત થઈ ચૂક્યું છે.

ભારતમાં આવાં અનેક ઐતિહાસિક સ્થળો છે જ્યાં મંદિરને તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી હતી અને આવાં સ્થળોને આજે પણ ઇસ્લામી આક્રમણોના સંદર્ભ સાથે જોવામાં આવે છે. ભોજશાળાનો મુદ્દો પણ એ જ વિશાળ ચર્ચાનો ભાગ બની ગયો છે.

બ્રિટિશ શાસન દરમિયાન મૂર્તિ કેવી રીતે મળી?

ભોજશાળાની સરસ્વતી મૂર્તિનો આગળનો અધ્યાય બ્રિટિશ શાસન સાથે જોડાયેલો છે. 19મી સદીના અંતમાં, ખાસ કરીને 1875 આસપાસ, બ્રિટિશ શાસન દરમિયાન ભોજશાળા વિસ્તારમાં સરવે અને ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમિયાન કાટમાળમાંથી સરસ્વતી માતાની મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ ખૂબ જ સારી સ્થિતિમાં મળી હતી અને બ્રિટિશ અધિકારીઓએ તેના ઐતિહાસિક અને કળાત્મક મૂલ્યને ધ્યાનમાં રાખીને તેને વિશેષ મહત્વ આપ્યું હતું. એવું નથી કે હિંદુઓની આધ્યાત્મિક આસ્થા જોડાયેલી હતી એટલે અંગ્રેજોએ મૂર્તિને મહત્વ આપ્યું હતું. કારણ એ હતું કે મૂર્તિની પ્રાચીનતા અને કળા અદભૂત હતી, એટલે એ મૂર્તિને મહત્વ આપવામાં આવ્યું હતું.

પરંતુ અહીંથી જ વિવાદનો બીજો ભાગ શરૂ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ આ મૂર્તિને ભારતમાંથી બહાર લઈ જવાનો નિર્ણય લીધો અને 1880 આસપાસ એક બ્રિટિશ અધિકારી તેને ઇંગ્લેન્ડ લઈ ગયો હતો. ત્યારથી આ મૂર્તિ બ્રિટિશ મ્યુઝિયમમાં જ છે. આ ઘટના માત્ર ભોજશાળા સુધી સીમિત નથી. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાંથી હજારો પ્રાચીન શિલ્પો, મૂર્તિઓ, પાંડુલિપિઓ અને અન્ય સાંસ્કૃતિક અવશેષો બ્રિટન લઈ જવાયાં હતાં. તેમાંના ઘણાં આજે પણ બ્રિટિશ મ્યુઝિયમ, વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને અન્ય સંસ્થાઓમાં છે.

બ્રિટિશ મ્યુઝિયમમાં આજે પણ છે સરસ્વતી મૂર્તિ

લંડનનું બ્રિટિશ મ્યુઝિયમ વિશ્વનાં સૌથી મોટાં અને જાણીતાં મ્યુઝિયમોમાંનું એક માનવામાં આવે છે. અહીં લાખો ઐતિહાસિક અને સાંસ્કૃતિક અવશેષો રાખવામાં આવ્યા છે, જેમાં ભારત સહિત અનેક દેશોમાંથી લાવવામાં આવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. NDTVના રિપોર્ટમાં ભોજશાળાની સરસ્વતી મૂર્તિના દૃશ્યો અને તેની હાલની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મૂર્તિ હજુ પણ બ્રિટિશ મ્યુઝિયમમાં જાળવી રાખવામાં આવી છે.

આ મુદ્દે વિશ્વભરમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી ઘણી વસ્તુઓ ઔપનિવેશિક સમયમાં લઈ જવાઈ હતી અને તે તેમના મૂળ દેશોને પરત આપવી જોઈએ. ગ્રીસે એલ્ગિન માર્બલ્સનો મુદ્દો ઉઠાવ્યો છે, ઇજિપ્તે પણ પોતાના અવશેષોની વાપસીની માંગ કરી છે અને ભારતે પણ અનેક પ્રાચીન મૂર્તિઓને લઈને વાપસીની માંગ ઉઠાવી છે. ભોજશાળાની સરસ્વતી મૂર્તિ પણ હવે એ જ વૈશ્વિક ચર્ચાનો ભાગ બની રહી છે.

ભારત શા માટે માંગે છે મૂર્તિની વાપસી?

ભોજશાળાની મૂર્તિની વાપસીની માંગ માત્ર ધાર્મિક કારણોથી કરવામાં આવી રહી નથી. તેની પાછળ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને રાષ્ટ્રીય વારસાનો મુદ્દો પણ જોડાયેલો છે. ઔપનિવેશિક સમયમાં ભારતમાંથી બ્રિટિશ લઈ જવાયેલા અવશેષો ભારતના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે અને તેમને પાછા લાવવામાં આવે એ રાષ્ટ્રીય ફરજ પણ છે. ભોજશાળાની મૂર્તિનો મુદ્દો ખાસ કરીને સંવેદનશીલ છે કારણ કે તેને સરસ્વતી મંદિર અને ભારતની જ્ઞાનપરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વિદેશોમાંથી અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો પરત લાવવામાં સફળતા મેળવી છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન સહિતના દેશોમાંથી અનેક ભારતીય મૂર્તિઓ ભારતને પરત સોંપવામાં આવી છે.

2022માં ગ્લાસગો મ્યુઝિયમમાંથી છ ભારતીય અવશેષો પરત મળ્યા હતા. આ પહેલાં પણ ચોલા કાળની મૂર્તિઓ સહિત અનેક પ્રાચીન શિલ્પો ભારત પાછાં આવ્યાં છે. તાજેતરમાં જ નેધરલેન્ડમાંથી પીએમ મોદીની યાત્રા દરમિયાન ચોલ વંશના તામ્રપત્રો પરત આપવામાં આવ્યા છે. આ સફળતાઓ બાદ હવે ભોજશાળાની સરસ્વતી મૂર્તિ અંગે પણ આશા વધી રહી છે. હવે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો ભારત સરકાર સત્તાવાર રીતે બ્રિટિશ સરકાર અથવા બ્રિટિશ મ્યુઝિયમ સમક્ષ દાવો રજૂ કરે તો મૂર્તિની વાપસીની પ્રક્રિયા આગળ વધી શકે છે.

કોર્ટની ટિપ્પણી કેમ મહત્વપૂર્ણ છે?

મધ્ય પ્રદેશ હાઇકોર્ટની તાજેતરની ટિપ્પણીને કારણે આ મુદ્દાને નવી કાનૂની અને રાજકીય માન્યતા મળી છે. કોર્ટએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે દેવી સરસ્વતીની મૂર્તિને ભોજશાળામાં સ્થાપિત કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે અને સરકાર આ મુદ્દે વિચાર કરી શકે છે. આ ટિપ્પણીને કારણે હવે આ મુદ્દો માત્ર સામાજિક અથવા સાંસ્કૃતિક માંગ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે કાનૂની અને પ્રશાસનિક ચર્ચાનો વિષય પણ બની ગયો છે. ઘણા નિષ્ણાતો માને છે કે જો ભારત સરકાર આ મુદ્દે સત્તાવાર પગલાં ભરે તો તે ભારતની સાંસ્કૃતિક વારસા-વાપસીની નીતિમાં એક મહત્વપૂર્ણ અધ્યાય બની શકે છે.

પરત આવી શકે વાગ્દેવીની પ્રતિમા

ભોજશાળાની સરસ્વતી મૂર્તિનો મુદ્દો ભારતના ઔપનિવેશિક ઇતિહાસની વિશાળ ચર્ચા સાથે પણ જોડાયેલો છે. બ્રિટિશ શાસન દરમિયાન માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસો પણ મોટા પ્રમાણમાં ભારતમાંથી બહાર લઈ જવાયો હતો. આજે વિશ્વભરમાં એ ચર્ચા વધી રહી છે કે શું ઔપનિવેશિક સમયમાં લઈ જવાયેલી વસ્તુઓ તેમના મૂળ દેશોને પરત આપવી જોઈએ? પશ્ચિમના મ્યુઝિયમો કહે છે કે તેઓ આ અવશેષોનું સારું સંરક્ષણ કરે છે, જ્યારે મૂળ દેશો દલીલ કરે છે કે આ વસ્તુઓ તેમના સાંસ્કૃતિક અને ઐતિહાસિક અસ્તિત્વનો ભાગ છે.

ભારત માટે ભોજશાળાની મૂર્તિ માત્ર એક કળાત્મક શિલ્પ નથી. તે ભારતની જ્ઞાનપરંપરા, સાંસ્કૃતિક સ્મૃતિ અને ઐતિહાસિક ઓળખનું પ્રતિક બની ગઈ છે. આ કારણોસર જ હાઇકોર્ટના ચુકાદા બાદ આ મુદ્દો ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચામાં આવ્યો છે. હવે નજર એ બાબત પર છે કે શું ભોજશાળાની સરસ્વતી મૂર્તિ ફરી ભારત પરત આવશે?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં