31 ઑક્ટોબર, 2025ના રોજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર એકતાનગર ખાતે વડા પ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પુષ્પ અર્પણ કરીને તેમણે એક વિશેષ કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે એકતાનગરમાં ભારતના પ્રાચીન રજવાડાઓ અને તેમના એકીકરણની ભવ્યતા દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે. આ ભવ્ય મ્યુઝિયમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની નજીક જ બનાવવામાં આવશે, જેથી સરદાર પટેલના પ્રયાસોની સાથે દેશને પોતાના રાજ્ય અર્પણ કરનારા રાજવીઓની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી શકાય.
રજવાડાના વારસાને જીવંત કરતા આ મ્યુઝિયમને ‘મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના 562 રજવાડાઓના સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરીને સરદાર પટેલના એકીકરણના કાર્યને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. વડા પ્રધાને કહ્યું હતું કે ભારતના રજવાડાઓ અને સરદાર પટેલે અશક્ય લાગતું કામ શક્ય કરી બતાવ્યું અને આ મ્યુઝિયમ તેમના વિઝનને નવું જીવન આપશે.
એકતાનગરમાં બનશે મ્યુઝિયમ
મ્યુઝિયમના સ્થળની વાત કરવામાં આવે તો તેને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની બાજુમાં જ બનાવવાની યોજના ઘડવામાં આવી છે. આ સ્થળ નર્મદા નદીના કિનારે આવેલું છે અને સરદાર સરોવર ડેમની નજીક છે. મ્યુઝિયમ લગભગ 5 એકર જમીન પર ફેલાયેલું હશે અને એકતાનગરના વિકાસના ભાગરૂપે તેને બનાવવામાં આવશે. આ વિસ્તારમાં પહેલાંથી જ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી અને અન્ય પ્રોજેક્ટ્સ છે. વડોદરા એરપોર્ટથી તેનું અંતર માત્ર 90 કિમી છે.
મ્યુઝિયમની વાસ્તુકલા પણ ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્યોને પ્રતિબિંબિત કરશે, જેમાં રાજવી બગીચાઓથી પ્રેરિત ગાર્ડન, ફુવારા અને જળાશયોનો સમાવેશ કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ એક ઇન્ટરેક્ટિવ લર્નિંગ ગેલરી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને ઈન્સ્ટોલેશન અને પ્રાયોગિક શિક્ષણ દ્વારા ઇતિહાસનું રસપાન કરવાની તક આપશે.
ચાર થીમેટિક ગેલરીઓ
મ્યુઝિયમમાં ચાર મુખ્ય ગેલરીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં રજવાડાઓનો ઇતિહાસ અને તેમની કથાઓને જીવંત સ્વરૂપ આપવામાં આવશે. સહેલાણીઓને પણ તેના કારણે આનંદ અને ગર્વની અનુભૂતિ થઈ શકશે. ચાર ગેલરીઓ નીચે મુજબ હશે.
1- રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા: આ ગેલરીમાં 562 રજવાડાઓના મહેલો, વસ્ત્રો, હથિયારો, રત્નો, કલાકૃતિઓ અને રાજસિંહાસનોનો સમાવેશ કરવામાં આવશે. જૂનાગઢ, હૈદરાબાદ અને મૈસૂર જેવા રાજ્યોની વસ્તુઓ પણ અહીં જોવા મળશે. રજવાડાના ત્યાગ અને બલિદાનની વાતો પણ સાથે ગૂંથવામાં આવશે.
2- ધ સ્ટોરી ઑફ ઇન્ડિયન ઇન્ટિગ્રેશન: આ ગેલરીમાં 1947 પછીના દસ્તાવેજો, સરદાર પટેલના પત્રો, સંધિઓ અને એકીકરણની વાતચીતોનું પ્રદર્શન કરવામાં આવશે.
3- હૉલ ઑફ યુનિટી: આ ગેલરીમાં દરેક રજવાડાના ચિહ્નો, નિશાન, ધ્વજ અને રાજસિંહાસનોનું એક સાથે પ્રદર્શન કરવામાં આવશે.
4- વ્યૂઇંગ ડેક: આ ગેલરી હેઠળ મ્યુઝિયમની ટોચથી 153 મીટર ઊંચાઈએથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા નદીનું પેનોરેમિક દ્રશ્ય માણી શકાશે.
આ ઉપરાંત VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ટેકનોલોજી દ્વારા પ્રવાસીઓ રજવાડાઓના રાજસી મહેલોમાં વર્ચ્યુઅલ વોક કરી શકશે. ઑડિયો-વિઝ્યુઅલ શો અને ઇન્ટરેક્ટિવ એક્સિબિટ્સ પણ હશે.
367 કરોડમાં નિર્માણ અને અત્યાધુનિક સુવિધાઓ
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹367 કરોડ છે. આ રકમ કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ફાળવવામાં આવશે. ખર્ચમાં ઇમારતનું નિર્માણ, ટેક્નોલોજિકલ સુવિધાઓ, પ્રદર્શનો અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. આ રોકાણથી નર્મદા જિલ્લામાં રોજગારી અને ટુરિઝમને પણ વેગ મળશે. તે સિવાય પ્રવાસીઓ માટે આધુનિક અને સાંસ્કૃતિક સુવિધાઓ પણ મ્યુઝિયમમાં વિકસાવવામાં આવશે. જે નીચે મુજબ હશે.
મ્યુઝિયમ કાફે- આ કાફેમાં રજવાડાઓની પરંપરાગત વાનગીઓ જેમ કે રાજસ્થાનની દાલ-બાટી, ગુજરાતી ઊંધિયું, મૈસૂર પાક જેવી વાનગીઓ મળી શકશે.
ઇન્ટરેક્ટિવ ઝોન- ટચસ્ક્રીન, 3D મોડલ્સ, ઑડિયો ગાઈડ્સની (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત) સુવિધાઓ પણ પ્રવાસીઓને આરામથી મળી શકશે.
એક્સેસિબિલિટી- આ ઉપરાંત વ્હીલચેર-ફ્રેન્ડલી પથ્થરો, રેમ્પ્સ, બ્રેઇલ સાઈનેજ અને ફેમિલી-ફ્રેન્ડલી વાતાવરણ પણ ઊભું કરવામાં આવશે.
આ સુવિધાઓથી મ્યુઝિયમ વિદ્યાર્થીઓ, પરિવારો અને ઇતિહાસપ્રેમીઓ માટે આદર્શ બની શકે છે. જોકે, આ મ્યુઝિયમ ક્યારે ખુલ્લુ મુકાશે તે વિશેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ 2027-28 સુધીમાં મ્યુઝિયમ પૂર્ણ થવાની ધારણા છે.
મ્યુઝિયમમાં 1700થી લઈને 1950 સુધીના રાજવી પરિવારોના અને રજવાડાના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે, સાથે જ સરદાર પટેલની ભૂમિકા પણ દર્શાવવામાં આવશે. એકીકરણ વખતે રજવાડાઓએ સરકારને જે દસ્તાવેજો આપ્યા હતા, એ ઓરિજિનલ દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ હશે.
વધુમાં આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચરનું કામ રતનજીવ બાટલી બોય નામની કંપની કરશે. જ્યારે મ્યુઝિયમમાં કન્ટેન્ટનો પ્રોજેક્ટ બકુલ રાજ મહેતા & એસોસિએટ્સને સોંપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું કામ ini ડિઝાઇન સ્ટુડિયોને આપવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, તે સરદાર પટેલના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નનું જીવંત પ્રતીક અને રજવાડાઓના મહાન ત્યાગને દર્શાવતું સ્થળ છે. 1947માં 562 રજવાડાઓને ભારતીય યુનિયનમાં જોડવાની પ્રક્રિયા કેવી રીતે થઈ, તે વિશેની માહિતી પણ અહીંથી મળી શકશે. વડા પ્રધાને જણાવ્યું છે કે, “આ મ્યુઝિયમ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરશે અને યુવાનોને ઇતિહાસનું જ્ઞાન આપશે.”


