વિશ્વના સૌથી વિકસિત દેશ અમેરિકાના (USA) બીજા સૌથી મોટા રાજ્ય ટેક્સાસમાં (Texas) પૂરનો (Flood) પ્રકોપ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પરિવારજનોની નજર સામે પરિવારના સભ્યો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. વિનાશકારી પૂરે ટેક્સાસમાં ભારે તબાહી મચાવી છે અને અનેક શહેરો ધમરોળી નાખ્યાં છે. સેંકડો ઇમારતો ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ ઘટનાને લઈને સરકારી કામગીરીની નિષ્ક્રિયતા પણ વળગીને આંખે આવી છે. તાજેતરની માહિતી અનુસાર, આ વિનાશક પૂરના કારણે 50થી વધુ લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો લાપતા છે.
વિગતે વાત કરીએ તો જુલાઈ 4-5, 2025ના રોજ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગુઆડાલુપે નદીમાં વિનાશક પૂર આવ્યું છે. આ ઘટનાએ કેર કાઉન્ટી, ટ્રેવિસ કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક તબાહી મચાવી છે. થોડા કલાકોમાં 18થી 20 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે નદીનું જળસ્તર ઝડપથી વધ્યું, જેમાં હન્ટ વિસ્તારમાં ગુઆડાલુપે નદી 29 ફૂટ (8.8 મીટર) સુધી વધી ગઈ. આ ઘટનાને ‘ફ્લેશ ફ્લડ એલી’ તરીકે ઓળખાતા વિસ્તારની ભૂગોળે વધુ ગંભીર બનાવી, જ્યાં ચૂનાના પથ્થરની ટેકરીઓ પાણીને ઝડપથી નદીઓમાં લઈ જાય છે.
કેટલું થયું નુકસાન?
પૂરની ઘટનાએ ટેક્સાસના હિલ કન્ટ્રી વિસ્તારમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. અનેક ઘરો-ઇમારતો, વાહનો, પુલો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. કેરવિલમાં ગુઆડાલુપે નદીના કિનારે આવેલાં ઘણાં મકાનો અને મોબાઈલ હોમ્સ પાણીમાં તણાઈ ગયાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. કેમ્પ મિસ્ટિક, એક ખ્રિસ્તી ગર્લ્સ સમર કેમ્પ પણ પ્રભાવિત થયો છે, જ્યાં કેબિનની અંદર સુધી પાણી ઘૂસી ગયાં હતાં અને ઘણી ઇમારતોની દિવાલો પણ ધરાશાયી થઈ હતી.
કેરવિલ, હન્ટ, અને કમ્ફર્ટ જેવા શહેરોમાં વ્યવસાયો અને સમુદાયોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીની સેવાઓ ખોરવાઈ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. નદીના કિનારે વૃક્ષો પણ ઉખડી ગયાં છે અને કચરો અને વાહનો નદીના પ્રવાહમાં તણાઈ ગયાં, જેનાથી પર્યાવરણીય સંકટનો પડકાર પણ વધ્યો છે. અનેક દુકાનો અને વ્યાવસાયિક એકમો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયાં છે.
મૃત્યુઆંક અને લાપતા લોકો
આ લેખ લખાય છે ત્યાર સુધીના સમાચાર અનુસાર, પૂરના કારણે થયેલા મૃત્યુ અને લાપતા લોકોની સંખ્યા ઘણી વધી રહી છે. વિવિધ સ્રોતો અનુસાર, ઓછામાં ઓછા 43થી 52 લોકોનાં મૃત્યુ નોંધાયાં છે. કેર કાઉન્ટીમાં 28 પુખ્ત અને 15 બાળકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે ટ્રેવિસ કાઉન્ટીમાં 4 અને કેન્ડલ કાઉન્ટીમાં 1 મૃત્યુ નોંધાયું છે. ટોમ ગ્રીન કાઉન્ટીમાં એક 62 વર્ષની મહિલા, તાન્યા બર્વિકનું મૃત્યુ થયું છે, જેનું વાહન પૂરના પાણીમાં ડૂબી ગયું હતું.
વધુમાં ઓછામાં ઓછા 27 લોકો, મોટાભાગે કેમ્પ મિસ્ટિકની યુવતીઓ, લાપતા છે. આ ઉપરાંત, ટ્રેવિસ કાઉન્ટીમાં 13 અને બર્નેટ કાઉન્ટીમાં 6 લોકો લાપતા હોવાનું નોંધાયું છે. 99 વર્ષ જૂના ખ્રિસ્તી ગર્લ્સ સમર કેમ્પ, જેને કેમ્પ મિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે, તેમાં 700 છોકરીઓ હાજર હતી. આ કેમ્પમાંથી ઓછામાં ઓછી 27 છોકરીઓ લાપતા છે, અને ચાર છોકરીઓ, રેની સ્માજસ્ટ્રલા, જેની હન્ટ, સારાહ માર્શ, અને લીલા બોનરના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
રાહત અને બચાવકાર્ય
ટેક્સાસના સ્થાનિક, રાજ્ય અને ફેડરલ અધિકારીઓએ ઝડપી અને વ્યાપક બચાવ કાર્યવાહી શરૂ કરી છે. રેસ્ક્યુ ઑપરેશનમાં હમણાં સુધીમાં 850થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં 160થી વધુને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા છે. 14 હેલિકોપ્ટર, 12 ડ્રોન અને 9 બચાવ ટીમો સહિત 1000થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. યુ.એસ. કોસ્ટ ગાર્ડે 223 લોકોને બચાવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કેરવિલમાં કેલવરી ટેમ્પલ ચર્ચ અને ઇંગ્રામ એલિમેન્ટ્રી સ્કૂલ ખાતે રિયુનિફિકેશન સેન્ટર્સ સ્થાપવામાં આવ્યા છે, જ્યાં પરિવારો તેમના લાપતા સભ્યોને શોધી રહ્યા છે. રેડ ક્રોસ પણ આ પ્રયાસોમાં મદદ કરી રહ્યું છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે ફેડરલ ડિઝાસ્ટર ડિક્લેરેશનની વિનંતી કરી હતી, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી છે. તેનાથી ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) દ્વારા રાહત ઝડપથી પહોંચાડવામાં આવી રહી છે. તે સિવાય કેરવિલમાં નોટ્રે ડેમ ચર્ચ ખાતે કેથોલિક ચેરિટીઝે ખોરાક, કપડાં અને પાણીનું વિતરણ કર્યું છે. બચાવ ટીમો રાત્રે પણ ઇન્ફ્રારેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શોધખોળ ચાલુ રાખી રહી છે.
પૂરનાં કારણો
આ વિનાશક પૂરના કારણો વિશે હજુ સુધી કોઈ આધિકારિક માહિતી સામે આવી નથી. પરંતુ, ઇન્ટરનેશનલ મીડિયામાં આ વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં આટલી હદે તબાહી થવા પાછળ અનેક કારણોની ચર્ચા કરવામાં આવી રહી છે. ઘણા અહેવાલોમાં પૂરના કારણો વિશેની વાત કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.
અસામાન્ય ભારે વરસાદ – માત્ર 24 કલાકમાં 18થી 20 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો, જે આ વિસ્તાર માટે ‘સદીમાં એક વખત બનતી ઘટના’ ગણાય છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, આ વરસાદ ગલ્ફ ઓફ મેક્સિકોમાંથી આવેલા ભેજવાળા વાતાવરણને કારણે થયો હતો. વધુમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, આ વરસાદ ‘Training Thunderstorms’ નામની હવામાનની સ્થિતિના કારણે પડ્યો છે, જેમાં સતત એક જગ્યાએ જ વાદળોનો ઘેરાવો થાય છે અને સતત વરસાદ વરસતો રહે છે.
ભૂગોળ – ટેક્સાસ હિલ કન્ટ્રીની ચૂનાના પથ્થરની ટેકરીઓ અને ઢોળાવો પાણીને ઝડપથી નદીઓમાં લઈ જાય છે, જેનાથી ફ્લેશ ફ્લડનું જોખમ વધે છે. ગુઆડાલુપે નદીના ઉત્તર અને દક્ષિણ ફોર્કનું સંગમ હન્ટ ખાતે થાય છે, જેના કારણે પાણીનો પ્રવાહ વધુ તીવ્ર બન્યો છે. તે સિવાય આસપાસના વિસ્તારોની નદીઓ પણ 7 ફૂટથી સીધી 29 ફૂટ સુધી વધી ગઈ હતી, જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી.
વોર્નિંગ સિસ્ટમની ખામી – નેશનલ વેધર સર્વિસે જુલાઈ 3ના રોજ ફ્લડ વોચ જારી કરી હતી, પરંતુ વરસાદની તીવ્રતા અંદાજ કરતાં વધુ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમની પાસે પૂરની ચેતવણી આપવા માટે પૂરતી સિસ્ટમ નથી અને ઘણા રહેવાસીઓને ચેતવણી મળી પણ ન હતી. જેના કારણે ભારે જાનહાનિ નોંધાઈ છે.
જળવાયુ પરિવર્તન – વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવસર્જિત ઉત્સર્જનના કારણે વાતાવરણ ગરમ થવાથી આવી તીવ્ર વરસાદની ઘટનાઓ વધી રહી છે, જે ભવિષ્યમાં આવા પૂરનું જોખમ વધારશે. છેલ્લા 50 વર્ષોમાં ટેક્સાસમાં આવી ઘટનાઓ 30થી 40 ટકા સુધી વધી છે.
અનિયંત્રિત શહેરીકરણ – વધુ એક કારણ અનિયંત્રિત શહેરીકરણ પણ છે. આ વિસ્તારોમાં અનેક કેમ્પ્સ્, રિસોર્ટ્સ, ઇમારતો અને રસ્તાઓ નદી કિનારે અથવા તો પૂર સંભવિત વિસ્તારોમાં બન્યા છે. માટી અને જંગલની જગ્યાએ હવે આ સ્થળોએ માત્ર કોન્ક્રીટ અને સિમેન્ટ જોવા મળી રહી છે, જેના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરી શકતું નથી અને પૂરના સ્વરૂપે વિનાશ વેરે છે. તે સિવાય પૂરતી ડ્રેનેજ સિસ્ટમ અને વોર્નિંગ સિસ્ટમનો અભાવ પણ હતો.
સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા – સ્થાનિક અધિકારીઓ, ખાસ કરીને કેર કાઉન્ટીના જજ રોબ કેલી, પર નિષ્ક્રિયતાનો આરોપ લાગ્યો છે. કારણ કે ઘણા સમર કેમ્પ્સને સમયસર ખાલી કરવાની સૂચના આપવામાં આવી ન હતી. નેશનલ વેધર સર્વિસની ચેતવણીઓને પણ અપૂરતી ગણાવવામાં આવી હતી અને ટ્રમ્પ શાસન હેઠળ NWSના બજેટ કાપને લઈને પણ સવાલો ઉઠ્યા છે. વધુમાં નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે શનિવાર અને રવિવારે વધુ 2થી 10 ઇંચ વરસાદ પડી શકે છે, જેનાથી પૂરનું જોખમ યથાવત છે. 60 લાખ લોકો હજુ પણ ફ્લડવૉચ હેઠળ છે અને તંત્રની તૈયારીઓ નબળી છે.