પંજાબના લુધિયાણામાં તાજેતરમાં એક ટીવી ચર્ચાને લઈને ખૂબ હોબાળો થઈ રહ્યો છે. જાણીતી ન્યુઝ ચેનલ આજ તકનાં એન્કર અંજના ઓમ કશ્યપ પર મહર્ષિ વાલ્મીકિ વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે. વાલ્મીકિ સમાજના એક સંગઠને આ અંગે ફરિયાદ નોંધાવી, જેના પછી પોલીસે FIR દાખલ કરી છે.
આ મામલો માત્ર મીડિયાની જવાબદારી પર જ સવાલો ઉભા કરી રહ્યો નથી, પરંતુ સદીઓ જૂની એક લોકકથાને પણ ફરીથી ચર્ચામાં લાવી રહ્યો છે. શું ખરેખર મહર્ષિ વાલ્મીકિ પહેલાં ડાકુ હતા? કે આ ફક્ત એક કાલ્પનિક કથા છે? તો પહેલાં આ તાજા વિવાદને સમજીએ અને પછી તે લોકકથાની ઊંડાઈમાં જઈએ, જે આજે પણ ચર્ચાનો વિષય બની છે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
આ મામલો 7 ઑક્ટોબર, 2025ના રોજ શરૂ થયો હતો. અંજના ઓમ કશ્યપ તેમના શો ‘બ્લેક એન્ડ વ્હાઈટ’માં એક ચર્ચા કરી રહ્યાં હતાં. ચર્ચાનો વિષય હતો પવિત્રતા અને પરિવર્તન. એન્કરે ઉદાહરણ તરીકે મહર્ષિ વાલ્મીકિની જાણીતી કથાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વાલ્મીકિનું જૂનું નામ રત્નાકર હતું, જેઓ ડાકુ હતા. તેઓ લોકોને લૂંટતા હતા, પરંતુ નારદ મુનિને મળ્યા પછી તેમનું જીવન બદલાઈ ગયું.
એક ક્ષણની ચેતનાએ તેમને રામભક્ત બનાવ્યા અને તેઓ રામાયણના રચયિતા બન્યા. અંજનાએ આ ઘટનાને સકારાત્મક ગણાવી અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિ બદલાઈ શકે છે, ભલે તે ગમે તેટલી મોટી પાપી કેમ ન હોય. પરંતુ આ વાત વાલ્મીકિ સમાજને ખટકી ગઈ. સંગઠનનું કહેવું છે કે વાલ્મીકિને ડાકુ કહેવું એ તેમનું અપમાન છે. તેઓ તો આદિકવિ છે, બ્રહ્માના પૌત્ર છે, જેમણે રામાયણ લખી. આવી વાતો સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
યશપાલ નામના નેતાએ FIRની માંગ કરી છે અને જો એમ નહીં થાય તો તેઓ રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરશે તેવી ચેતવણી આપી છે. સંગઠનના મુખ્ય સંયોજક વિજય દાનવ આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબ સરકારના દલિત વિકાસ બોર્ડના અધ્યક્ષ પણ છે. તેમણે કહ્યું છે કે, “વાલ્મીકિજી અમારા ભગવાન છે. તેમની કથાને તોડી-મરોડીને રજૂ કરશો તો અમને સહન નહીં થાય. અંજના ઓમ કશ્યપની તાત્કાલિક ધરપકડ થાય અને તે જાહેરમાં માફી માંગે.”
લુધિયાણામાં સમાજના લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો છે. અંજનાના ફોટા પર જૂતાં-ચપ્પલ ફેંકવામાં આવ્યા, જૂતાની માળા પહેરાવવામાં આવી હતી. ઓછામાં ઓછા 13 દલિત અને SC સંગઠનોએ પણ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો) અને એસસી/એસટી એક્ટની કલમ 3(1)(v) (સમુદાયના આદરણીય વ્યક્તિનું અપમાન) હેઠળ FIR નોંધી છે.
આ કેસની તપાસ ડીએસપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે અને ફાઈલ પોલીસ કમિશનરને મોકલવામાં આવી છે. કમિશનર સ્વાપન શર્માએ કહ્યું છે કે, “અમે કાનૂની સલાહ લીધી છે. તપાસ ચાલુ છે.” FIRમાં અંજના ઉપરાંત ગ્રૂપ ચેરમેન અને એડિટર-ઈન-ચીફ અરૂણ પુરી અને કંપની લિવિંગ મીડિયા ઇન્ડિયા લિમિટેડનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.
આ વિવાદ મીડિયાની સ્વતંત્રતા અને સમુદાયની સંવેદનશીલતા વચ્ચેની રેખાને અસ્પષ્ટ કરી રહ્યો છે. એક તરફ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો બીજી તરફ ધાર્મિક આસ્થા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 2022માં આવા જ એક કેસમાં FIR રદ કરી હતી, જ્યાં કોઈએ વાલ્મીકિને ડાકુ કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે મહાપુરુષો મનુષ્યમાંથી દેવતા બન્યા, આ આપણી સંસ્કૃતિનો ભાગ છે. પરંતુ અહીં મામલો એસસી/એસટી એક્ટનો છે, તેથી કેસ આગળ વધી રહ્યો છે.
અંજનાએ કહેલી કથા ક્યાંથી આવી?
હવે સવાલ એ છે કે અંજનાએ જે કથા કહી, તે ક્યાંથી આવી? આ કોઈ નવી વાત નથી. આ સદીઓ જૂની લોકકથા છે, જે વાલ્મીકિ જયંતી પર દર વર્ષે સંભળાય છે. પરંતુ વિદ્વાનો કહે છે કે આ કથા રામાયણના મૂળ ગ્રંથ સાથે મેળ ખાતી નથી. મહર્ષિ વાલ્મીકિને ડાકુ ગણાવનારી આ કથા આઠમી સદી પછી પ્રચલિત થઈ અને તેમાં રત્નાકર અને અગ્નિશર્મા જેવા નામ અલગ-અલગ છે.
લોકકથામાં વાલ્મીકિની કથા
લોકકથાઓની દુનિયામાં વાલ્મીકિની કથા સૌથી પ્રેરણાદાયી ગણાય છે. રામાયણ દરેક ઘરમાં છે – રામ-સીતાની કથા, રાવણ વધ, લંકાદહન. પરંતુ તેના રચયિતા મહર્ષિ વાલ્મીકિ વિશે જે પ્રચલિત કથા છે, તે કહે છે કે તેઓ પહેલાં એક ક્રૂર ડાકુ હતા. તેમનું નામ રત્નાકર હતું. જંગલમાં રહેતા, રાહદારીઓને લૂંટતા, મારતા-કાપતા. પરિવાર માટે આ બધું કરતા. પરંતુ એક દિવસ ભગવાનની કૃપા થઈ અને તેઓ ઋષિ બન્યા.
જોકે વિદ્વાનોનું કહેવું છે કે આ એક પ્રચલિત લોકકથા છે, જે પુરાણોમાં પછીથી ઉમેરાઈ. વાસ્તવિક વાલ્મીકિ તો બ્રાહ્મણ કુળમાં જન્મેલા, બ્રહ્માના પૌત્ર હતા. તેમણે ક્યારેય પાપ નહોતું કર્યું.
રામાયણથી સમજીએ વાલ્મીકિ વિશે
વાલ્મીકિ રામાયણ સંસ્કૃતનું પ્રથમ મહાકાવ્ય છે, આદિકાવ્ય છે. તેમાં સાત કાંડ છે – બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ અને ઉત્તર. વાલ્મીકિએ જાતે લખ્યું કે તેઓ પ્રચેતા મુનિના દસમા પુત્ર છે. ઉત્તરકાંડમાં રામ દરબારમાં તેઓ કહે છે – “હે રામ! હું પ્રચેતાનો પુત્ર છું. મન, કર્મ, વચનથી ક્યારેય પાપ નથી કર્યું.”
પ્રચેતા બ્રહ્માના માનસ પુત્ર હતા. તો વાલ્મીકિ બ્રહ્માના પૌત્ર. તેઓ જન્મથી જ જ્ઞાની, બ્રાહ્મણ હતા. તમસા નદીના કિનારે તેમણે રામાયણ રચી હતી. એક ક્રૌંચ પક્ષીને શિકારીએ માર્યું ત્યારે દુઃખથી ‘મરા’ શબ્દ નીકળ્યો, જેનો સંસ્કૃતમાં અર્થ શોક એવો થાય છે. બ્રહ્માએ કહ્યું – આ જ શબ્દથી કાવ્ય રચો. ડાકુની કથાનો રામાયણમાં ઉલ્લેખ નથી.
વાલ્મીકિની ડાકુની કથા ક્યાંથી આવી?
આ ડાકુની કથા સૌથી વધુ ‘સ્કંદ પુરાણ’માં મળે છે, જે આઠમી સદીની આસપાસ લખાયેલુ હોવાનું મનાય છે. પુરાણોમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા છે. દલિત સાહિત્યના વિદ્વાન ઓમપ્રકાશ વાલ્મીકિ તેમનાં પુસ્તક ‘સફાઈ દેવતા’માં કહે છે – આ કથા તાર્કિક નથી. છઠ્ઠી સદી પહેલાંના કોઈ ગ્રંથમાં વાલ્મીકિને ડાકુ નથી કહેવાયા. તેઓ એક ક્રાંતિકારી ઋષિ હતા.
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પણ માન્યું છે કે વાલ્મીકિ ડાકુ નહોતા. ડૉ. મંજુલા સહદેવના સંશોધનમાં પણ આ જ બહાર આવ્યું છે. લીલાધર શર્મા ‘પર્વતીય’ના ‘ભારતીય સંસ્કૃતિ કોષ’માં લખ્યું છે કે વાલ્મીકિના ભાઈ ઋષિ ભૃગુ હતા. બંને જ્ઞાની હતા. ડાકુ વાલ્મીકિ અલગ હતા. કેટલીક કથાઓમાં અંગુલિમાલને (બુદ્ધ કાળનો ડાકુ) પણ વાલ્મીકિ ગણાવી દેવાયો. એકંદરે, વાલ્મીકિ સાથે જોડાયેલી લોકકથાઓમાં ઘણો ફેરફાર થયો છે.
અગ્નિશર્મા ડાકુની પ્રચલિત કથા
એક વર્ઝનમાં વાલ્મીકિનું નામ અગ્નિશર્મા હતું. તેઓ બ્રાહ્મણ હતા, પરંતુ પરિવારનું પેટ ભરવા જંગલમાં ગયા. એવામાં દુકાળ પડ્યો, તેમનો પરિવાર ભૂખ્યો હતો. જંગલમાં ડાકુઓની સંગત થઈ. અગ્નિશર્મા ડાકુ બની ગયા અને લોકોને લૂંટવા લાગ્યા. એક દિવસ સપ્તર્ષિ આવ્યા. તેમણે રોક્યા. અત્રિ મુનિએ પૂછ્યું – પરિવાર માટે લૂંટો છો, શું તેઓ તમારા પાપમાં ભાગીદાર થશે? તેમણે પરિવારને પૂછ્યું પણ પરિવારે ઇનકાર કરતા તેઓ ઋષિ પાસે પરત ફર્યા.
ઋષિઓએ તેમને ‘રામ’ મંત્ર આપ્યો. પરંતુ અગ્નિશર્મા ઉલટું બોલતા હતા, તેથી ‘મરા-મરા’ જપવાનું કહ્યું. તેમણે ભીષણ તપસ્યા કરી. આ દરમિયાન તેમના શરીર પર ઉધઈએ રાફડો બનાવી દીધો. સંસ્કૃતમાં આને વલ્મીક કહે છે. તેથી ઋષિઓએ તેમનું નામ વાલ્મીકિ રાખ્યું. તેમણે શિવની ભક્તિ કરી અને પછી રામાયણ રચી. આ કથા ‘ભક્તમાલ’માં છે, જે 1585માં નાભાદાસે લખી હતી.
રત્નાકર ડાકુની કથા
બીજા વર્ઝનમાં પણ એવું જ છે. આ કથામાં માત્ર નામ બદલાઈને રત્નાકર થઈ ગયું હતું. કથા એવી છે કે એક ભીલ સ્ત્રીએ બાળપણમાં જ રત્નાકરનું અપહરણ કર્યું હતું, તેઓ ભીલ પરિવારમાં જ મોટા થયા અને ડાકુ બન્યા. નારદ મુનિ આ ડાકુને મળ્યા અને રામનામ જપવા માટે તેમને તૈયાર કર્યા, પરંતુ રત્નાકર અશિક્ષિત હતા, તેથી તેઓ ‘રામ’ ન બોલી શક્યા. આવામાં તેમણે ‘મરા-મરા’ના જાપ શરૂ કરી દીધા હતા, ઝડપથી બોલાતા તે ‘રામ’ શબ્દમાં પરિવર્તિત થયું. આ કથા તુલસીદાસે રામચરિતમાનસમાં ઉલ્લેખી છે, જેમાં કહેવાયું છે કે– “ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકિ ભએ બ્રહ્મ સમાના.” પરંતુ તુલસી 16મી સદીના છે, મૂળ રામાયણથી ઘણા પછી. અધ્યાત્મ રામાયણ, કૃતિવાસ રામાયણમાં પણ આવી કથાઓ છે, પરંતુ તે પછીની છે.
આ કથા ક્યારથી પ્રચલિત છે?
આ કથા આઠમી સદીથી પ્રચલિત થઈ, જે સ્કંદ પુરાણમાં વિકસિત સ્વરૂપે છે. તૈત્તિરીય સંહિતામાં વાલ્મીકિનો ઉલ્લેખ ત્રણ વખત થયો, પરંતુ કવિ તરીકે. મહાભારતમાં પણ કવિનો જ ઉલ્લેખ છે. ઓમપ્રકાશ કહે છે કે વાલ્મીકિ નામ પ્રચલિત છે, રત્નાકરની કથા પણ, પરંતુ ડાકુ અલગ હતા.
આ કથા 8મી સદી પછી ફેલાઈ કારણ કે પુરાણોમાં ઉમેરાઈ. રત્નાકર કદાચ કોઈ લોકનાયક હતા, જે પછી વાલ્મીકિ સાથે જોડાઈ ગયા. અગ્નિશર્મા બ્રાહ્મણ કુળના હતા, ડાકુની સંગતમાં ફસાયા. બંને અલગ હતા, પરંતુ કથાઓ ભેળવી દેવાઈ. આજે ટીવી પર આ દેખાડવું સરળ છે. અંજનાનો શો આ જ કથા પર હતો, જે એડિટ થઈને વાયરલ થયો.
વાલ્મીકિની પૂજા
મહર્ષિ વાલ્મીકિની પૂજા મંદિરોમાં થાય છે. દેશમાં જ નહીં, વિદેશોમાં પણ. પંજાબ સહિત ઉત્તર ભારતમાં તેમનાં અસંખ્ય મંદિરો છે, જ્યાં તેમની પૂજા થાય છે. વાલ્મીકિ જયંતી પર આ વિવાદ વધુ ગાઢ બન્યો. સમાજ આંદોલનની તૈયારીમાં છે. આ ચર્ચા લાંબી ચાલશે. હાલ તપાસ ચાલુ છે. હવે એ જોવું રહ્યું કે આ મામલે કોર્ટ શું કહે છે.
આ આર્ટીકલ મૂળ હિન્દીમાં શ્રવણ શુક્લ દ્વારા લખાયેલો છે. મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.


