Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમ32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ: કેટલાક તો...

    32 વર્ષ બાદ અજમેર સેક્સ સ્કેન્ડલના 6 દોષિતોને આજીવન કેદ: કેટલાક તો વિદેશમાં ફરાર, જાણો શું છે તે બહુચર્ચિત કેસ, જેમાં દરગાહના ખાદિમો અને કોંગ્રેસ નેતાઓ પણ હતા ગુનેગાર

    અજમેર સેક્સ સ્કેન્ડલ કેસ 1992ના દાયકામાં સામે આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ 23 જૂન, 2001ના રોજ દાખલ કરવામાં આવી હતી. POCSO કોર્ટમાં પણ આ કેસની સુનાવણી ચાલી રહી હતી. રાજસ્થાનના અજમેરમાં 1992માં ઘટેલી આ ઘટના આખા દેશ માટે ગંભીર હતી. અજમેરમાં તે સમયે 100થી વધુ યુવતીઓ સાથે ન માત્ર બળાત્કાર થયા હતા, પરંતુ તેમની ન્યુડ તસવીરો પણ ફેલાવી દેવામાં આવી હતી.

    - Advertisement -

    1992ના અજમેર સેક્સ સ્કેન્ડલ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ રંજન સિંઘે 6 ગુનેગારોને સજા સંભળાવી છે. આ તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને દરેકને ₹5 લાખ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 32 વર્ષ જૂના અજમેર સેક્સ સ્કેન્ડલમાં 6 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 1992ના આ પ્રકરણને ભારતના કાળા અધ્યાયો પૈકીનો એક ગણવામાં આવે છે. આ કેસમાં અજમેરના દરગાહના ખાદિમો અને કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. આખા દેશમાં આ સેક્સ સ્કેન્ડલ કેસના પડઘા પડ્યા હતા અને એક આખું રેકેટ દેશની સામે આવ્યું હતું.

    આ કેસમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્જન, સલીમ ચિશ્તી, ઇકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાજસ્થાનના અજમેર સ્થિત સ્પેશિયલ કોર્ટમાં આ કેસ અંગેની સુનાવણી ચાલી રહી હતી. ઇકબાલ ભાટીને એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીથી અજમેર લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક દોષિતને તબિયત ઠીક ન હોવાના કારણે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. હવે અજમેર સેક્સ સ્કેન્ડલ કેસ મામલે કોર્ટે 6 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી દીધી છે. બાકીના કેટલાક કેસમાંથી છૂટી ગયા છે તો અન્ય કેટલાક વિદેશ પણ ભાગી ગયા છે.

    શું હતો આ કેસ?

    અજમેર સેક્સ સ્કેન્ડલ કેસ 1992ના દાયકામાં સામે આવ્યો હતો. આ કેસમાં ચાર્જશીટ 23 જૂન, 2001ના રોજ દાખલ કરવામાં આવી હતી. POCSO કોર્ટમાં પણ આ કેસની સુનાવણી ચાલી રહી હતી. રાજસ્થાનના અજમેરમાં 1992માં ઘટેલી આ ઘટના આખા દેશ માટે ગંભીર હતી. અજમેરમાં તે સમયે 100થી વધુ યુવતીઓ સાથે ન માત્ર બળાત્કાર થયા હતા, પરંતુ તેમની ન્યુડ તસવીરો પણ ફેલાવી દેવામાં આવી હતી. આ ઘટના બાદ કેટલીક યુવતીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી. આ ઘટના બાદથી અજમેરની યુવતીઓના લગ્ન થવા પણ બંધ થઈ ગયા હતા. આ કેસમાં દરગાહના ખાદિમો અને કોંગ્રેસના નેતાઓનો હાથ હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    એક આરોપી તો હાલ સુધી ફરાર છે, જેની હજુ સુધી ભાળ મળી શકી નથી. આ ઘટનાની શરૂઆત એક બિઝનેસમેનના પુત્ર સાથે કુકર્મ કરવાથી થઈ હતી. તેના પર કુકર્મ આચર્યા બાદ તેના નગ્ન અવસ્થામાં ફોટો પણ પાડી લેવામાં આવ્યા હતા. તે જ તસવીરોથી તેને બ્લેકમેઇલ કરીને તેની ગર્લફ્રેન્ડને ત્યાં લાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડને પોલ્ટ્રી ફાર્મ પર બોલાવીને તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની પણ તસવીરો ખેંચવામાં આવી હતી. તેની ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કર્યા બાદ તેની અશ્લીલ તસવીરો ઉતારવામાં આવી હતી અને તે યુવતીને બ્લેકમેઇલ કરીને પોતાની સહેલીઓને પણ ત્યાં લાવવાનું કહેવામાં આવ્યું હતું.

    પછી આ સિલસીઓ યથાવત રહ્યો હતો. એક પછી એક યુવતી પર બળાત્કાર કરવો, ન્યુડ ફોટા પાડવા, બ્લેકમેઇલ કરીને તેની બહેનો/સહેલીઓને લાવવાનું કહેવું અને તે યુવતીઓ સાથે પણ તે જ ઘૃણાસ્પદ કૃત્યો કરવા – આ ચેઇન સિસ્ટમમાં 100થી વધુ યુવતીઓ સાથે શરમજનક કૃત્યો કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગની હિંદુ હતી. આરોપીઓએ એક લેબમાં તસવીરો ઉતારવા માટે આપી હતી, તેમાંથી કેટલાક કર્મચારીઓએ તસવીરો સર્કુલેટ કરી દીધી હતી, જેની ઝેરોક્ષ કોપી ઘણા લોકોને વેચવામાં આવી હતી અને ત્યારબાદ પણ તે યુવતીઓને બ્લેકમેઇલ કરીને તેનું યૌન શોષણ કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. આ ઘટના બાદ અનેક યુવતીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

    કોર્ટની કાર્યવાહી

    આ કેસમાં પ્રથમ ટ્રાયલ 18 આરોપીઓ પર હાથ ધરવામાં આવી હતી – જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ફારૂક ચિશ્તી, ઉપપ્રમુખ નફીસ ચિશ્તી, જોઈન્ટ સેક્રેટરી અનવર ચિશ્તી, ઈકબાલ ભાટી, કૈલાશ સોની, સલીમ, સોહેલ ગની, ઝમીર હુસૈન, અલ્માસ મહારાજ, ઇશરત અલી, પરવેઝ અંસારી, મોઇઝુલ્લાહ ઉર્ફે પુતન અલ્હાબાદી, નસીમ ઉર્ફે ટાર્જન, કલર લેબ મેનેજર હરીશ ડોલાની, કલર લેબના માલિક મહેશ લોદાની, લેબ ડેવલપર બબલી, ડ્રાઇવર શમ્શૂ ઉર્ફે મારાડોના અને નેતા ઝૌર ચિશ્તીનો સમાવેશ થાય છે.

    તેમાંથી 5 શખ્સો સજા ભોગવી ચૂક્યા છે, જ્યારે 6ને હવે સજા કરવામાં આવી છે. ઇશરત અલી, અનવર ચિશ્તી, મોઇઝુલ્લાહ ઉર્ફે પુતન અલ્હાબાદી અને શમશુદ્દીન ઉર્ફે મારાડોનાની આજીવન કેદને સુપ્રીમ કોર્ટે 10 વર્ષની જેલમાં ફેરવી હતી. તેમને 2003માં સજા સંભળાવવામાં આવી હતી, હાલમાં તમામને મુક્ત કરવામાં આવ્યા છે. પરવેઝ અંસારી, મહેશ લોદાની, હરીશ તોલાની અને કૈલાશ સોનીને 1998માં નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. પુરુષોત્તમ ઉર્ફે બબલીએ 1994માં જ આત્મહત્યા કરી લીધી હતી.

    ફારુક ચિશ્તીને 2007માં આજીવન કેદની સજા થઈ હતી, પરંતુ 2013માં તેને છોડી દેવામાં આવ્યો હતો. અલ્માસ મહારાજ સામે રેડ કોર્નર નોટિસ જારી છે, તે વિદેશ ભાગી ગયો છે. ત્રાસથી કંટાળીને છ યુવતીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતની સરકારે આ કેસની તપાસ CB-CIDને સોંપી હતી. 32 વર્ષ પછી પણ આ કેસમાં યોગ્ય ન્યાય મળી શક્યો નથી. પોલીસે આ કેસમાં આરોપીઓ સામે અલગ-અલગ ચાર્જશીટ રજૂ કરી હતી. 7 આરોપીઓએ તો ઘટનાના 11 વર્ષ બાદ 2003માં આત્મસમર્પણ કર્યું હતું.

    આ કેસમાં 16 પીડિતાઓ કોર્ટમાં હાજર થઈ હતી. અત્યાર સુધીમાં તેમાંથી ઘણી તો દાદી પણ બની ગઈ છે. ઘણી પીડિતાઓએ પછીથી સામાજિક કારણોસર પીછેહઠ કરી હતી. તત્કાલિન DIG ઓમેન્દ્ર ભારદ્વાજે તપાસ કર્યા વિના યુવતીઓના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા હતા, જેના પર કોર્ટે વાંધો વ્યક્ત કર્યો હતો અને સરકારને તેમની સામે પણ તપાસ કરવા કહ્યું હતું. સોહેલ ગનીની તો 2018માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી ટ્રાયલ અટકાવવામાં આવી હતી અને ફરીથી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 104 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે.

    ઘટનાને ઉજાગર કરનારા પત્રકારની થઈ હતી હત્યા

    1992માં જ્યારે અજમેરમાં શાળાની વિદ્યાર્થિનીઓ સાથે બળાત્કાર અને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો, ત્યારે સાપ્તાહિક અખબાર ‘લહરોં કી બરખા’ ચલાવતા મદન સિંહે આ મુદ્દાને મોટા પાયે ઉઠાવ્યો હતો. આ કારણોસર તેમને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી હતી. પરંતુ, બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.

    મદન સિંહ પર શ્રીનગર રોડ પર હુમલો થયો હતો. ઘાયલ થયા બાદ તેમને અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને હોસ્પિટલના વોર્ડમાં જ ગોળી મારી દેવામાં આવી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. તેમણે આ પીડિતાઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ મોટા પાયે અવાજ ઉઠાવ્યો હતો અને પત્રકાર તરીકેની સેવા આપીને આ ઘટનાને ઉજાગર કરી હતી. લગભગ 30 વર્ષ પછી, 7 જાન્યુઆરી, 2023ના રોજ, આ દિવંગત પત્રકારના બે પુત્રોએ એક શખ્સને ગોળીઓથી ધરબી દીધો હતો. બંને યુવાનોએ બૂમો પાડીને કહ્યું હતું કે, તેમણે તેમના પિતાના મૃત્યુનો બદલો લઈ લીધો છે.

    અજમેર સેક્સ સ્કેન્ડ કેસ પર બની છે ફિલ્મ

    જુલાઈ 2023માં આ ઘટના પર આધારિત ફિલ્મ ‘Ajmer 92’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુમિત સિંઘ, મનોજ જોશી, કરણ વર્મા, રાજેશ શર્મા, ઝરીના વહાબ અને શાલિની કપૂર મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મ પુષ્પેન્દ્ર સિંઘ, જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ અને સૂરજપાલ પાઠકે લખી છે. ફિલ્મના ડાયરેક્ટર પુષ્પેન્દ્ર સિંઘ છે. જ્યારે ઉમેશ કુમાર તિવારી અને કરણ વર્માએ મળીને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ઇસ્લામી ભીડે આ ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અજમેર દરગાહ સાથે જોડાયેલા ઘણા ખાદિમો આજે પણ સુધર્યા નથી, જ્યારે પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ ના નારા લગાવવામાં આવ્યા હતા અને ઉદયપુરમાં કન્હૈયા લાલ તેલીનું ગળું કાપવામાં આવ્યું હતું, ત્યારે આ જ હત્યાકાંડ મામલે ગૌહર ચિશ્તીની ધરપકડ કરવામાં આવી હતી. એ જ રીતે સલમાન ચિશ્તીએ નુપુર શર્માની હત્યા માટે લોકોને ભડકાવ્યા હતા. 1992ના અજમેર રેપ કેસમાં મોટાભાગની પીડિતાઓ શાળા અને કોલેજ જતી વિદ્યાર્થીનીઓ હતી.

    તે સમયે અજમેરમાં 350થી વધુ અખબારો અને સામયિકો હતા અને આ અજમેર સેક્સ સ્કેન્ડલ કેસના પીડિતોનો સાથ આપવાના બદલે ઘણા સ્થાનિક મીડિયાકર્મીઓ તેમના પરિવારોને બ્લેકમેઇલ પણ કરતા હતા. પછીથી આ કેસ પર ટીવી મીડિયામાં શોથી લઈને પુસ્તકો પણ લખવામાં આવી હતી, પરંતુ એક વસ્તુ આજ સુધી ક્યાંય જોવા મળી નથી , તે છે ન્યાય. જો પોલીસે તે સમયે આ કેસમાં આરોપીઓ પર કડક કાર્યવાહી કરી હોત તો કદાચ તેમને આજે ફાંસીની સજા પણ થઈ શકી હોત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં