Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતસુરેન્દ્રનગરમાં ₹1500 કરોડનું જમીન કૌભાંડ: નાયબ મામલતદારની ધરપકડ, કલેક્ટર અને અન્યો તપાસના...

    સુરેન્દ્રનગરમાં ₹1500 કરોડનું જમીન કૌભાંડ: નાયબ મામલતદારની ધરપકડ, કલેક્ટર અને અન્યો તપાસના ઘેરામાં– શું છે સમગ્ર મામલો

    આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે 2015 બેચના IAS અધિકારી અને તત્કાલિન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર (ડેપ્યુટી મામલતદાર) ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી, કલેક્ટરના પર્સનલ એસિસ્ટન્ટ (PA) રવિરાજસિંહ ઝાલા, કલેક્ટર કચેરીમાં ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક હાઇકોર્ટના વકીલનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના નોન-એગ્રીકલ્ચરલ (NA) રૂપાંતરણ અને લેન્ડ યુઝ ચેન્જ (CLU) માટેની અરજીઓને ઝડપી મંજૂરી આપવા અથવા વિલંબ ન કરવા માટે વ્યવસ્થિત રીતે લાંચ લેવાના આરોપ સાથે ₹1,500 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ (ED) તપાસ હાથ ધરી છે, જેના આધારે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) પણ FIR નોંધી છે. આ મામલો 23 ડિસેમ્બર 2025ના રોજ EDના દરોડાથી શરૂ થયો અને તેમાં જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓની સંડોવણી સામે આવી છે.

    આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે 2015 બેચના IAS અધિકારી અને તત્કાલિન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર (ડેપ્યુટી મામલતદાર) ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી, કલેક્ટરના પર્સનલ એસિસ્ટન્ટ (PA) રવિરાજસિંહ ઝાલા, કલેક્ટર કચેરીમાં ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક હાઇકોર્ટના વકીલનો સમાવેશ થાય છે.

    2015 બેચના IAS અધિકારી અને તત્કાલિન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ રાજેન્દ્ર પટેલ પર ભ્રષ્ટાચારના આરોપો છે અને EDની તપાસ બાદ તેમને તાત્કાલિક 23 ડિસેમ્બર 2025ના રોજ પોસ્ટિંગ વગર બદલી કરવામાં આવી છે. આ સિવાય નાયબ મામલતદાર મોરી પાસે જમીન NA રૂપાંતરણની અરજીઓની ટાઇટલ વેરિફિકેશન અને પ્રોસેસિંગની સત્તા હતી. તેઓ મુખ્ય આરોપી છે અને EDએ તેમની ધરપકડ કરી છે.

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો

    આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર જમીનના રૂપાંતરણની (Change of Land Use – CLU) અરજીઓ છે, જે સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ ઓર્ડિનેન્સ, 1949 હેઠળ આવે છે. આરોપ છે કે અરજદારો પાસેથી અરજીઓને ઝડપી મંજૂરી આપવા અથવા વિલંબ ન કરવા માટે લાંચ લેવામાં આવતી હતી.

    લાંચ સ્ક્વેર મીટરના આધારે લેવામાં આવતી હતી, જેમાં દરેક સ્ક્વેર મીટર માટે ₹10ના દરે ગણતરી કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, 2,61,732 સ્ક્વેર મીટર જમીન માટે ₹26,17,320ની લાંચ. એકંદરે આ કૌભાંડ કરોડો રૂપિયાનું હોવાનું અનુમાન છે અને કેટલાક અહેવાલોમાં ₹1 કરોડથી વધુનો ઉલ્લેખ છે.

    નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી ₹67.50 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે, જેને તેમણે પોતે લાંચની રકમ તરીકે સ્વીકારી છે. આ ઉપરાંત લાંચના હિસાબની વિગતવાર યાદીઓ, સરવે નંબર પ્રમાણે જમીનના વિસ્તાર, દલાલોનાં નામ, ખાનગી કંપનીઓ (ખાસ કરીને સોલાર કંપનીઓ)નાં નામ અને વૉટ્સએપ ચેટ્સમાં નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે. કલેક્ટરના બંગલામાંથી આશરે 100થી વધુ ફાઇલો અને 50થી વધુ જમીન રેકોર્ડ શીટ્સ જપ્ત કરવામાં આવી છે.

    આ શીટ્સને કુંડળી તરીકે ઓળખવામાં આવી રહી છે. આમાં ‘પરચુરણ’ અને ’65-B’ જેવા હેડ હેઠળની રકમોની નોંધ હતી. કેટલાક કેસમાં સોલાર પ્લાન્ટ માટે જમીન ફાળવણીમાં પણ ભ્રષ્ટાચારના આરોપ છે. અહેવાલ મુજબ નાયબ મામલતદાર મોરી સીધી અથવા દલાલો દ્વારા લાંચ એકત્ર કરતા હતા.

    ED અને ACBની કાર્યવાહી

    23 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે ચંદ્રસિંહ મોરીના ઘરે અને કલેક્ટરના બંગલામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મોરીની પૂછપરછમાં તેમણે લાંચની વિગતો આપી હતી. EDએ PMLA (Prevention of Money Laundering Act) હેઠળ ECIR નોંધી અને મોરીને ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને 1 જાન્યુઆરી 2026 સુધી ED કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

    EDની ફરિયાદના આધારે 23 ડિસેમ્બર 2025ના રોજ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, તેમના PA ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કાયદા હેઠળ FIR નોંધવામાં આવી છે. હાલ આ મામલે ACB અને EDની તપાસ ચાલુ છે. સામે આવ્યું છે કે અધિકારીઓ તેમના ઘરે લઈ જઈને પણ ઘણી ફાઈલો અંગે નિર્ણયો લેતા હતા.

    બીજી તરફ, દરોડા બાદ કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે એવું પણ સામે આવ્યું છે કે કલેક્ટરે સુરેન્દ્રનગરમાં તેમના કાર્યકાળ દરમિયાન લગભગ 250થી વધુ બંદૂકોના લાયસન્સ મંજૂર કર્યાં હતાં. જેમાં એક લાયસન્સ માટે તેમણે 5 લાખની રકમ લાંચ તરીકે લીધી હતી. આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. હવે ED બાદ ACBની ટીમ દ્વારા સમગ્ર કૌભાંડની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ કેસમાં જમીનના રૂપાંતરણમાં ફોર્જરી, ફાઇલોનું મેનિપ્યુલેશન અને દલાલોની સાંઠગાંઠના પુરાવા મળ્યા છે. આ કૌભાંડને કારણે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મોટું ભ્રષ્ટાચારનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે અને તપાસમાં વધુ નામો સામે આવી શકે છે. આ મામલો હજુ તપાસના તબક્કામાં છે અને વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં