અમદાવાદના રખિયાલ (Rakhial) વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાત્રે તલવાર, દંડા સહિતના ઘાતક હથિયારો સાથે મુસ્લિમોના એક ટોળાએ (Muslim Mob) સલમાનખાન નામક વ્યક્તિના ઘર પર હુમલો (Attack on House) કરી દીધો હતો. આ મામલે પોલીસે ફરિયાદી સલમાનની ફરિયાદના આધારે FIR નોંધી હતી. પોલીસે એક સગીર સહિત કુલ 7 લોકોની ધરપકડ (Police Arrested) કરી જાહેરમાં માફી મંગાવીને સરઘસ કાઢ્યું હતું.
રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR અનુસાર સલમાનખાન કામીલખાન પઠાણ 14 એપ્રિલની રાત્રે 8:30 આસપાસ શકીલ ચોક, મોમીન મસ્જિદ પાસે એક નિકાહની દાવતમાં ગયો હતો. જ્યાંથી પરત ફરતા અજીમ તોફીક સિદ્દીકીના માણસોએ જૂની અદાવતના પગલે તેના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ઑપઇઇન્ડિયા પાસે ઉપલબ્ધ FIRની નકલમાં ઉલ્લેખ છે કે આ હુમલાના કારણે સલમાનને ઈજા પહોંચી હતી.
ઘર પર પણ કરી દીધો હુમલો
જોકે, સલમાન ખાન તેનો બચાવ કરીને અજિત મિલ વિસ્તારમાં આવેલ તેના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ આ ટોળું તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચી ગયું હતું. આ ટોળાના હાથમાં લાકડી-ડંડા ચાકુ અને તલવાર જેવા ઘાતક હથિયારો હતા. ટોળાએ તેના ઘરના દરવાજા પર હુમલો કરી દીધો, બીભત્સ ગાળો આપી અને તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદી સલમાને જણાવ્યા અનુસાર આ હુમલામાં તેના ઘરના સરસામાનને કુલ 20,000નું નુકસાન થયું હતું. જોકે તેના પરિવારના સભ્યોને કોઈ જાનહાનિ થઈ નહોતી. આ મામલે સલમાન ખાને ફહીમ તોફીક સિદ્દીકી, અફવાન અજીમ સિદ્દીકી, કલીમ તોફીક સિદ્દીકી, આમિર, અજીમ તૌફીક સિદ્દીકી, જાવેદ નિયાદખાન પઠાણ, અદનાન અજીમ સિદ્દીકી સામે નામ જોગ અને અન્ય 6 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
7 આરોપીઓની ધરપકડ
સલમાન ખાનની ફરિયાદના આધારે રખિયાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (1), 189 (2), 189 (4), 191 (1), 191 (2), 191 (3), 190, 296 (b), 324 (4), 351 (3) અને 125 (b) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 (1) અંતર્ગત ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે એક સગીર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ રખિયાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે PI બી.જી. ચેતરીયાએ જણાવ્યું હતું કે, “ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી જ એક આરોપીની ધરપકડ કરી હતી અને બીજા આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમને પોલીસે ઝડપી પાડ્યા હતા.”
– અમદાવાદના રખિયાલમાં મારામારીનો મુદ્દો
— Gujarat First (@GujaratFirst) April 15, 2025
– પોલીસે આરોપીને સાથે રાખી કર્યુ રિકન્સ્ટ્રક્શન
– રાત્રે સામાજિક પ્રસંગમાં બે ગ્રુપના માણસોએ કરી હતી ધમાલ
– અજિત મિલ રેસિડેન્સી પાસે તલવારો અને લાકડીઓ વડે કર્યો
હતો હુમલો
– એક વર્ષ પહેલા મકાન બાબતે થઇ હતી માથાકૂટ
– બે પરિવારની અંગત… pic.twitter.com/xXoub6LapO
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 1 સગીર છે અને બાકીના પુખ્તવયના છે. આ આરોપીઓને આવતીકાલે (16 એપ્રિલ) કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ સિવાય વિડીયોના આધારે અજાણ્યા આરોપીની શોધખોળ ચાલી રહી છે, તેમની પણ ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે.”
પોલીસે ઑપઇન્ડિયાને આપેલી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંજુમ સિદ્દિકી, અસરફ અદાદતખાન પઠાણ, અમર અંજુમ સિદ્દિકી, કાલિમ તોફીક સિદ્દિકી, અજીમ તોફીક સિદ્દિકી અને પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવીને તેમનું સરઘસ કાઢ્યું હતું. જેનો વિડીયો પણ સામે આવ્યો હતો.