શનિવાર, 22 ફેબ્રુઆરીના રોજ પૂર્વી ફ્રાન્સમાં (France) ચાકુ વડે હુમલાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલો કરનાર વ્યક્તિએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા લગાવતા હુમલા કર્યા હતા. આ હુમલાને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emanuel Macron) એક ‘ઇસ્લામિક આતંકવાદી હુમલો’ (Islamic Terrorist Attack) ગણાવ્યો હતો. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય ત્રણ અધિકારીઓને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું.
અહેવાલ અનુસાર આ હુમલો ફ્રાન્સના મુલહાઉસ શહેર ખાતે 22 ફેબ્રુઆરીની સાંજે લગભગ 4:00 વાગ્યા આસપાસ થયો હતો. આ શહેર જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની નજીક આવેલું છે. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી નિકોલસ હેઇટ્ઝે AFPને જણાવ્યા અનુસાર આ હુમલો 37 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિએ કર્યો હતો જેનું નામ ટેરર પ્રિવેન્શન વોચલિસ્ટમાં (FSPRT) સામેલ છે.
આ મામલાની તપાસ કરી રહેલ ફ્રાન્સના નેશનલ એન્ટી-ટેરર પ્રોસિક્યુટર્સ યુનિટએ (PNAT) જણાવ્યું હતું કે શંકાસ્પદે પહેલા મ્યુનિસિપલ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો અને ‘અલ્લાહુ અકબર’નો સુત્રોચ્ચાર કર્યો. પ્રત્યક્ષદર્શીઓએ પુષ્ટિ પણ કરી હતી કે શંકાસ્પદ વ્યક્તિ વારંવાર આવા નારા લગાવતો હતો જેનો ઉપયોગ મુસ્લિમો તેમના ધર્મનો પ્રચાર કરવા માટે કરે છે.
આ ‘આતંકવાદી હુમલો નહીં’ પણ, ‘ઈસ્લામિક આતંકવાદી હુમલો’- મેક્રોન
PNATએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલાને રોકવાનો પ્રયાસ કરનાર એક નાગરિક રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુલહાઉસના ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, ઘાયલ વ્યક્તિ 69 વર્ષનો પોર્ટુગીઝ નાગરિક હતો. આ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આ ઘટના ‘આતંકવાદી હુમલો’ હતી, ખાસ કરીને ‘ઇસ્લામિક આતંકવાદી હુમલો’. મેક્રોને કહ્યું કે સરકાર ‘અમારી ધરતી પરથી આતંકવાદને નાબૂદ કરવા માટે દરેક પ્રકારના પગલા લેવા’ કટિબદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે FSPRT વોચલિસ્ટ ‘આતંકવાદી’ કટ્ટરપંથને રોકવાના ઉદ્દેશ્યથી વિવિધ અધિકારીઓ પાસેથી વ્યક્તિઓનો ડેટા એકત્રિત કરે છે. તેની શરૂઆત 2015માં ચાર્લી હેબ્દો મેગેઝિનના કાર્યાલય અને એક યહૂદી સુપરમાર્કેટ પર થયેલા ઘાતક હુમલાઓ બાદ કરવામાં આવી હતી. હેઇટ્ઝે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા એક પોલીસ અધિકારીને કેરોટિડ આર્ટરીમાં, જ્યારે બીજાને છાતીમાં ઈજા થઈ હતી.
આ ઘટના સામે આવ્યા બાદ ઘટનાસ્થળે બેકઅપ તરીકે લશ્કરી ટુકડીઓ મોકલવામાં આવી હતી અને ફોરેન્સિક ટીમે પુરાવા શોધવાનું શરૂ કરી દીધું હતું. યુનિયનના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલ્જેરિયામાં જન્મેલા શંકાસ્પદને ન્યાયિક દેખરેખ અને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યો છે તેમજ ફ્રાન્સમાંથી હકાલપટ્ટીનો આદેશ આપવામાં આવ્યો છે.
મુલહાઉસના મેયર મિશેલ લુટ્ઝે ફેસબુક પર લખ્યું હતું કે, “આમારા શહેર પર આતંકે કબજો જમાવી દીધો છે,” તેમણે કહ્યું કે, “આ ઘટનાની તપાસ આતંકવાદી હુમલા તરીકે કરવામાં આવી રહી છે, પરંતુ તેની પુષ્ટિ ન્યાયતંત્ર દ્વારા થવી જોઈએ.”