Thursday, April 2, 2026
More
    Home Blog Page 423

    જવાબદારી રાજ્ય સરકારની, પણ હસ્તક્ષેપ કરે વડાપ્રધાન: દિલ્હીમાં પાણીની સમસ્યાનું સમાધાન ન લાવી શકનાર AAPના જળમંત્રી આતિશીએ PMને પત્ર લખ્યો, અનશન કરવાની ચીમકી!

    રાજધાની દિલ્હી છેલ્લા ઘણા દિવસોથી પાણીની સમસ્યા વેઠી રહ્યું છે અને મામલો કોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે, પરંતુ સત્તાધારી આમ આદમી પાર્ટીની સરકાર અને તેના નેતાઓને કોઇ નક્કર કામો કરવામાં રસ હોય તેમ જણાઇ રહ્યું નથી. તેના કરતાં તેમની પ્રિય પ્રવૃત્તિ પ્રેસ કૉન્ફરન્સ કરવામાં જ તેઓ વ્યસ્ત છે, જેથી લોકોને લાગે કે તેઓ કશુંક કરી રહ્યા છે. પણ હકીકત એ છે કે આટલા દિવસો થયા હોવા છતાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. હવે દિલ્હીનાં મંત્રી આતિશીએ નવું નાટક શોધી કાઢ્યું છે. 

    આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ સમસ્યાનું સમાધાન લાવવા માટે કહ્યું છે, જ્યારે હકીકત એ છે કે આ વિષય રાજ્યનો છે, તેમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની જરૂર જ પડતી નથી. આતિશી આટલેથી અટક્યાં નથી અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વડાપ્રધાન હસ્તક્ષેપ કરીને યોગ્ય ઉકેલ ન લાવે તો તેઓ અનશન પર ઉતરી જશે! આ બધું વળી તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને જનતાને જણાવ્યું છે. 

    આતિશીએ પત્રમાં લખ્યું છે કે, દેશના ઘણા ભાગોમાં ગરમી પડી રહી છે અને દિલ્હીમાં પણ છેલ્લાં 100 વર્ષમાં જેટલી ગરમી નથી પડી એટલી આ વર્ષે પડી છે. જેના કારણે દિલ્હીના લોકોને વધુ પાણીની જરૂર છે અને હાલ તંગી પડી રહી છે. આમ તો તેઓ જ જળમંત્રી છે, પરંતુ આતિશીએ વડાપ્રધાનને સામો પ્રશ્ન કર્યો છે કે આખરે દિલ્હીમાં પાણીની તંગી કેમ પડી રહી છે? ત્યારબાદ આંકડાઓ ટાંકીને દાવો કર્યો છે કે પાડોશી હરિયાણા સરકારે દિલ્હીનું પાણી રોકી દીધું છે. આવા દાવા તેઓ દર વર્ષે કરતા રહે છે. 

    કોઇ પણ સમસ્યા આવે એટલે પાડોશી રાજ્યો (તેમાં એક શરત છે- ભાજપશાસિત રાજ્યો જ) પર દોષ નાખી દેવાની આમ આદમી પાર્ટીને જૂની આદત છે. આ વખતે પણ તેમણે હરિયાણા પર ઠીકરું ફોડ્યું છે અને પાણી ન આપવાના આરોપ લગાવ્યા છે. આતિશીએ પત્રમાં વડાપ્રધાનને સંબોધીને કહ્યું કે, તેઓ દિલ્હીના 28 લાખ લોકોને પાણી અપાવે. 

    આગળ લખ્યું કે, મારા દરેક સંભવ પ્રયાસ બાદ પણ હરિયાના સરકાર દિલ્હીને પાણી આપી રહી નથી અને હવે ટીપા-ટીપા માટે તરસતા દિલ્હીને મારાથી જોવાતું નથી. હું હાથ જોડીને તમને વિનંતિ કરું છું કે આ મામલામાં હસ્તક્ષેપ કરો અને હરિયાણા સરકાર પાસેથી દિલ્હીના લોકોને પાણી અપાવો. 

    સાથે તેમણે આગળ લખ્યું છે કે, પાણી ન મળવાની સ્થિતિમાં 21 જૂનથી મારે સત્યાગ્રહ કરવો પડશે અને અનિશ્ચિતકાળ સુધી અનશન પર બેસવું પડશે. સાથે પોતે બહુ ક્રાંતિકારી પગલાં ભરવા જઈ રહ્યાં હોય તેમ ઉમેર્યું છે કે મારા શરીરને ભલે ગમે તેટલું કષ્ટ પડે, પણ દિલ્હીના લોકોનું કષ્ટ હું જોઈ શકતી નથી. 

    રાજ્ય સરકારના વિષયો પણ વડાપ્રધાને જોવાના હોય તો રાજ્યની સરકાર શું કરી રહી છે?

    અહીં પ્રશ્ન એ છે કે પાણીનો મુદ્દો રાજ્ય સરકાર હેઠળ આવે છે કે કેન્દ્ર સરકાર હેઠળ. જવાબ છે- રાજ્ય સરકાર હેઠળ. તો તેમાં ચૂંટાયેલી સરકારની જવાબદારી બને છે કે તેઓ તેનું સમાધાન લાવે. પાડોશી રાજ્યોની જ્યાં સુધી વાત છે, તો તેનો ઉકેલ પણ રાજ્યોએ જ મળીને લાવવાનો હોય છે. તેમાં વડાપ્રધાન કે તેમની સરકારને વચ્ચે લાવવાનો સ્પષ્ટ આશય રાજકારણનો જ દેખાય છે. 

    દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. કાયદો-વ્યવસ્થાથી માંડીને અમુક બાબતો કેન્દ્ર હસ્તક જ રહે છે. આ સ્થિતિમાં દિલ્હી પાસે શિક્ષણ, આરોગ્ય, પાણી વગેરે જેવી અમુક બાબતોનું જ સંચાલન કરવાનું રહે છે. પરંતુ તે પણ તેઓ કરી શકતા નથી. દરેક સીઝનમાં દિલ્હીમાં એક નવી સમસ્યા ઊભેલી હોય છે અને આ દરેક સમસ્યા માટે તેઓ કોઇને કોઇ પર દોષ નાખતા જોવા મળે છે. દર સમસ્યા માટે AAPને પાડોશી રાજ્યો કે કેન્દ્ર સરકાર, દોષ નાખવા માટે ખભો મળી જ રહે છે. સ્થિતિ આ વર્ષે પણ બદલાઈ નથી. 

    સુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે ₹10 લાખની લાંચ માંગ્યાની ACBમાં નોંધાઈ ફરિયાદ: પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે CCTV સહિતના પુરાવા રજૂ કર્યા

    સુરત આમ આદમી પાર્ટીના (AAPના) બે કોર્પોરેટરો સામે ₹10 લાખની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ સુરત ACBમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો છે કે, સુરતના AAPના કોર્પોરેટરો જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયાએ તેમની પાસેથી ₹10 લાખની લાંચ માંગી છે. આ સાથે ફરિયાદમાં સુરત મહાનગરપાલિકાના એક અધિકારીની પણ આ મામલે સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    બુધવારે (19 જૂન, 2024) પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટર હિતેશ સવાણીએ સુરત ACB ખાતે લાંચની ફરિયાદ નોંધાવી છે. તેમણે સુરતના AAPના કોર્પોરેટરો જિતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા પર ₹10 લાખની લાંચ માંગ્યાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે, AAPના બંને કોર્પોરેટરોએ પહેલાં ₹11 લાખની માંગણી કરી હતી, પરંતુ ત્યારબાદ સમજાવટના આધારે ₹10 લાખની માંગણી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે ACBને ઓડિયો રેકોર્ડીંગ, પેનડ્રાઇવ, CCTV ફૂટેજ સહિતના પુરાવા પણ આપ્યા છે.

    આ સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી પણ લાંચ લેવાની કોર્પોરેટરોની આ ટોળકી સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે, SMCના અધિકારી આ મામલે વારંવાર સમાધાન કરવા માટેનું કહી રહ્યા છે. હાલ ACBએ આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, AAPના બંને કોન્ટ્રાકટરોએ જ્યાં પે એન્ડ પાર્ક ચાલી રહ્યું છે, તે સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં અનેક ગેરરીતિઓ પકડી પાડી હોવાનું કહીને કોન્ટ્રાકટર પાસેથી લાંચની માંગણી કરી હતી. પહેલાં 11 લાખની માંગણી કરી હતી અને ત્યારબાદ 10 લાખની રકમ સાથે સમાધાન કરવામાં આવ્યું હતું.

    ફરિયાદમાં વધુમાં કહેવાયું છે કે, કોન્ટ્રાકટર જ્યારે લાંચ મામલે પતાવટ માટે ગયા હતા, ત્યારે બધાના મોબાઈલ પણ બહાર મુકાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમણે પહેલાંથી ઇલેક્ટ્રોનિક રેકોર્ડીંગ માટેની વ્યવસ્થા કરી હતી. તે સમગ્ર ઘટનાક્રમનું રેકોર્ડીંગ તેમની પાસે હોવાનો તેમણે દાવો કર્યો છે. ફરિયાદ મળ્યા બાદ તરત જ ACBના અધિકારીઓએ આ દિશામાં તપાસ હાથ ધરી દીધી છે. જો તમામ આરોપો સાચા ઠરશે તો આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    વડાપ્રધાન મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન, વિદેશ મંત્રી સહિતના અનેક નેતાઓ હાજર: પહેલાં પ્રાચીન વિશ્વવિદ્યાલયના અવશેષોનું કર્યું હતું નિરીક્ષણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના નાલંદામાં એક ઐતિહાસિક કાર્ય આરંભ્યુ છે. તેમણે નાલંદા વિશ્વવિદ્યાલયના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને અન્ય નેતાઓ પણ હાજર હતા. નાલંદામાં વિશાળ કાર્યક્રમ હેઠળ આ ઐતિહાસિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત હતા. ઘણા દેશોના રાજદૂતો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રીઓ પણ નાલંદા પહોંચ્યા હતા.

    બુધવારે (19 જૂન, 2024) વડાપ્રધાન મોદી બિહારના પ્રવાસ પર છે. તેઓ વારાણસીમાં રાત્રિરોકાણ કરીને વહેલી સવારે બિહાર જવા માટે નીકળ્યા હતા. બિહાર પહોંચીને તેઓ સીધા રાજગીર માટે રવાના થયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ ઐતિહાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ વડાપ્રધાને કેમ્પસમાં એક વૃક્ષ પણ રોપ્યુ છે. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની નજીક જ આ ભવ્ય કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશ્વવિદ્યાલયની મદદથી બૌદ્ધ ધર્મમાં આસ્થા રાખતા દેશો જેવા કે, શ્રીલંકા, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, વિયતનામ, લાઓસ, કમ્બોડિયા અને જાપાનમાં ભારત પ્રત્યે તેવો જ સદભાવ બનાવવાનો પ્રયાસ થશે જેવો પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય કાળમાં હતો.

    ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકારનો પ્રયાસ નવી નાલંદા વિશ્વવિદ્યાલયને 21મી સદીમાં તે સ્થાન અપાવવાનો છે, જે પહેલાં પહેલાં તેને હાંસલ હતું. નવું કેમ્પસ સરકારનો તે હેતુ દર્શાવે છે કે, સરકાર નાલંદાને શિક્ષણક્ષેત્રના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માંગે છે. વર્ષ 2010માં કાયદો બનાવીને ભારત સરકારે નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી, પરંતુ હમણાં સુધી અભ્યાસ અસ્થાયી કેમ્પસમાં ચાલી રહ્યો હતો.

    નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન પહેલાં પ્રાચીન નાલંદાના ખંડેરનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે અવશેષોને ઊંડાણપૂર્વક જોયા હતા. તેમણે લગભગ 15 મિનિટ સુધી પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો જોયા હતા. ત્યારબાદ તેમણે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયના નકશાનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેમણે મહિલા ગાઈડ પાસેથી પ્રાચીન વિશ્વવિદ્યાલય અને વિશ્વમાં તેના પ્રભાવ વિશેની માહિતી પણ મેળવી હતી. નોંધનીય છે કે, પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય બૌદ્ધ અને હિંદુ ધર્મના શિક્ષણનો મુખ્ય સ્ત્રોત હતો. તક્ષશિલા વિશ્વવિદ્યાલય અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પણ ભણતા હતા. ઇસ્લામિક આક્રાંતાઓએ આ ધરોહરનો નાશ કર્યો હતો.

    ‘કુરાન કે મુસ્લિમો સામે કંઈ વાંધાજનક નથી’: ફિલ્મ ‘હમારે બારહ’ જોયા પછી બોમ્બે હાઈકોર્ટનું નિવેદન, નજીવા ફેરફારો પછી રિલીઝને આપી શકે છે મંજૂરી

    મંગળવારે (18મી જૂન), બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે બેન્ચે અભિનેતા અન્નુ કપૂર અભિનીત ‘હમારે બારહ’ ફિલ્મ જોઈ અને તેમાં કુરાન અથવા મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક મળ્યું નથી. ખંડપીઠે અવલોકન કર્યું કે આ ફિલ્મ હકીકતમાં મહિલાઓના ઉત્થાનનો ઉદ્દેશ્ય છે અને બતાવે છે કે લોકોએ મૌલાનાને આંધળી રીતે અનુસરવું જોઈએ નહીં પરંતુ તેમના દિમાગને વાપરવું જોઈએ. તેણે ઉમેર્યું હતું કે મૂવીમાં કંઈ વાંધાજનક નથી અને ભારતીય જનતા એટલી ભોળી કે મૂર્ખ નથી.

    જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેંચ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કુરાનમાં એક આયાત ‘આયત 223’ ના ખોટા અર્થઘટનને કારણે મૂવીમાં પરિણીત મુસ્લિમ મહિલાઓના જીવનને સ્વતંત્ર અધિકારોની અભાવ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.

    તે વધુમાં જણાવે છે કે ટ્રેલરમાં સંવાદો અને વિઝ્યુઅલ્સનો સમાવેશ થાય છે જે તેમના અનુસાર ઇસ્લામિક આસ્થા અને ભારતમાં વિવાહિત મુસ્લિમ મહિલાઓને અપમાનજનક છે.

    ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ફિલ્મનું પ્રથમ ટ્રેલર વાંધાજનક હતું, પરંતુ તેને હટાવી દેવામાં આવ્યું છે અને ફિલ્મમાંથી આવા તમામ વાંધાજનક દ્રશ્યો કાઢી નાખવામાં આવ્યા છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે તે હકીકતમાં એક ‘વિચારશીલ મૂવી’ છે અને તે પ્રકારની નથી જ્યાં પ્રેક્ષકો ‘તેમના મગજને ઘરે રાખવા’ અને માત્ર તેનો આનંદ માણે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

    હાઈકોર્ટે કહ્યું, “આ ફિલ્મ હકીકતમાં મહિલાઓના ઉત્થાન માટે છે. મૂવીમાં એક મૌલાના કુરાનનું ખોટું અર્થઘટન કરી રહ્યો છે અને હકીકતમાં એક મુસ્લિમ વ્યક્તિ દ્રશ્યમાં તેનો વિરોધ કરે છે. તેથી આ દર્શાવે છે કે લોકોએ તેમનું મન લગાવવું જોઈએ અને આવા મૌલાનાઓને આંધળાપણે અનુસરવું જોઈએ નહીં.”

    નોંધનીય છે કે ખંડપીઠના આ અવતરણો બાદ એવી આશા જતાવવામાં આવી રહી છે કે હાઈકોર્ટ જલ્દી આ ફિલ્મને રિલીઝ માટે પરમીશન આપી દેશે.

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી, નકલી દસ્તાવેજો બનાવીને NTA પર લગાવ્યા હતા જુઠા આરોપ: પ્રિયંકા ગાંધીએ તેનો જ વિડીયો કર્યો હતો શેર

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલે NTA વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન તેની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. NTA દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોનું નિરીક્ષણ કર્યા બાદ હાઇકોર્ટને જાણ થઈ કે, આયુષી પટેલે બનાવટી રીતે નકલી દસ્તાવેજના આધારે અરજી દાખલ કરી હતી. તેણે નકલી દસ્તાવેજો બનાવીને NTA પર ખોટા આરોપ લગાવ્યા હતા. આ જ આયુષી પટેલે 2 વર્ષ પહેલાં કોરોનાકાળ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે, તેણે કોરોનાની વેક્સિન શોધી કાઢી છે. જોકે, ત્યારે પણ તે જુઠ્ઠી સાબિત થઈ હતી. હવે તેનો NTA પર આરોપ લગાવતો વિડીયો શેર કરીને પ્રિયંકા ગાંધી પણ મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે પણ આયુષી પટેલના જૂઠને ફેલાવ્યું હતું. ભાજપે હવે પ્રિયંકા ગાંધીને સાર્વજનિક રીતે માફી માંગવા માટે કહ્યું છે.

    લખનૌની NEET વિદ્યાર્થિની આયુષી પટેલની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેણે નકલી દસ્તાવેજો બનાવીને NTA પર આરોપ લગાવ્યા હતા. વિદ્યાર્થિની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ તેને ફાટેલી OMR શીટ મોકલી હતી અને તેનું રિઝલ્ટ પણ જાહેર નહોતું કર્યું. સુનાવણી દરમિયાન કોર્ટે NTAને તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે કહ્યું હતું. જ્યારે એજન્સી તરફથી કોર્ટમાં ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા તો કોર્ટે આયુષીની પિટિશન ફગાવી દીધી. કારણ કે તેના તમામ દસ્તાવેજો નકલી સાબિત થયા હતા. વાસ્તવમાં તેને 720 માર્કસમાંથી માત્ર 355 આવ્યા હતા.

    પ્રિયંકા ગાંધીએ પણ તેનો વિડીયો કર્યો હતો શેર

    લખનૌની રહેવાસી આયુષી પટેલનું કહેવું હતું કે, પહેલાં NTAએ તેનું રિઝલ્ટ અટકાવી દીધું હતું. ત્યાર પછી જ્યારે તેણે મેઇલ કર્યો તો કારણ તરીકે NTAએ ફાટેલી OMR શીટ તેને મેઇલ કરી દીધી. આયુષીએ આ મામલે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પોસ્ટ કરી દીધો હતો. તેણે વિડીયોમાં દાવો કર્યો કે, તેને 700થી વધુ માર્કસ મળે તેમ હતા. પરંતુ તેનું રિઝલ્ટ જ જાહેર ન કરાયું અને એજન્સીએ કહ્યું કે, તેની OMR શીટ ફાટેલી હતી તેથી આવું કરવામાં આવ્યું. વિડીયોમાં આયુષીએ એવો પણ દાવો કર્યો કે, આ OMR શીટ જાણીજોઇને ફાડવામાં આવી હોય શકે છે. અંતે તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેનો સાથ આપવાની અપીલ કરી હતી.

    ત્યારબાદ સોશિયલ મીડિયામાં આખો વિવાદ ઊભો થયો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સત્યની તપાસ કર્યા વગર તેના વિડીયોને શેર કરી દીધો અને સરકાર અને એજન્સીની ખોદણી કરવાનું શરૂ કરી દીધું. જોકે, NTA ત્યારે પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે, તેમના તરફથી તે વિદ્યાર્થિનીને કોઈપણ પ્રકારનો મેઇલ કરવામાં નથી આવ્યો. ત્યારબાદ પણ આયુષી પટેલે કાયદાકીય લડાઈ લડવા માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી હતી.

    હાઇકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંઘ ચૌહાણની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મંગળવારે (18 જૂન) સુનાવણી દરમિયાન, જ્યારે NTAના એડવોકેટે અગાઉના આદેશો પર અરજદારના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા, ત્યારે જાણવા મળ્યું કે અરજી સાથે દાખલ કરાયેલા દસ્તાવેજો નકલી છે. અરજીનો રજીસ્ટ્રેશન નંબર જે અરજદાર પોતાનો હોવાનો દાવો કરી રહી હતી તે પણ ખોટો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું કે, નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અરજી દાખલ કરવામાં આવી હતી, તેથી અધિકારીઓને આ મામલે કાયદાકીય પગલાં લેવાથી રોકી શકાય નહીં. આ ટિપ્પણી સાથે કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ મામલે NTAને ખૂલી કાર્યવાહી માટેની પણ છૂટ આપવામાં આવે છે.

    હવે જ્યારે સત્ય દેશની સામે આવી ગયું ત્યારે ભાજપે પણ પ્રિયંકા ગાંધી વાડ્રાને આડેહાથ લીધા છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ X પર વિડીયો પોસ્ટ કરીને પ્રિયંકા ગાંધીને જૂઠ ફેલાવવા પર માફી માંગવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, “સોશિયલ મીડિયા પર કોઈ એક શબ્દ પણ લખી દે તો કોંગ્રેસના લોકો તેમના વિરુદ્ધ FIR કરાવી દેતા હોય છે. અહીં તો પ્રિયંકા ગાંધીએ જ આવડું મોટું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે?”

    500 વર્ષ પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ પુનઃ સ્થાપિત થયા બાદ જૈન સમાજના ધરણાં પૂર્ણ: હર્ષ સંઘવી સાથે બેઠક બાદ સરકારે જૈનોની તમામ માંગણીઓ સ્વીકારી

    પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ હટાવી દેવાતાં રાજ્યભરમાં ભારે વિરોધ થવા લાગ્યો હતો. દેશના મોટા ભાગના જૈનો પાવાગઢ પહોંચ્યા હતા અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જૈન સમાજની માંગણી હતી કે, હટાવી દેવાયેલી મૂર્તિઓ ફરીથી તે જ જગ્યા પર સ્થાપિત થાય અને સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને તે જગ્યા જૈન સમાજને સુપરત કરે. જેના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં જૈન આગેવાનોની મિટિંગ થઈ હતી અને તમામ માંગણી સ્વીકારાતા આખરે જૈન સમાજના ધરણાં પૂર્ણ થયા હતા.

    પાવાગઢ ખાતેથી તીર્થંકરોની મૂર્તિઓ હટાવવા મામલે જૈન સમાજ વિરોધમાં ઉતર્યો હતો. દરમિયાન મંગળવારે (18 જૂન) મોડી રાત્રે જૈન સમાજના પ્રતિનિધિમંડળ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ થઈ હતી. જૈન આચાર્ય દ્વારા મિટિંગ પૂર્ણ થયા બાદ સમાજ જોગ સંદેશ આપવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, જૈન સમાજના અગ્રણી આગેવાનો અને પ્રતિનિધિમંડળે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે. મૂર્તિઓના પુનઃ સ્થાપનનું કાર્ય પણ પૂર્ણતા તરફ છે. આ સાથે એવું પણ કહેવાયું કે, સરકારે જૈન સમાજની માંગણી સ્વીકારી છે. તેથી હવે આ આંદોલન મોકૂફ રાખવામાં આવે છે અને ધરણાં પૂર્ણ કરવામાં આવે છે.

    ‘ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસો અમે ખુશ છીએ’- જૈન આચાર્ય

    જૈન આચાર્ય જિન પ્રેમ મ.સાએ જણાવ્યું હતું કે, “રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી અમે ખુશ છીએ. તેમના પ્રયાસ અંતિમ સફળતાને સ્પર્શે તેવો અમારો આશીર્વાદ છે. કોઈપણ મીડિયા અફવા ન ફેલાવે. આજની ગાંધીનગરની કૉન્ફરન્સ પણ ખૂબ મહત્વપૂર્ણ અને યોગ્ય કાર્ય કરનારી બની છે. હાલના તબક્કે સંતોષકારક રીતે કાર્ય આગળ વધી રહ્યું છે. તેથી ધરણાં પૂર્ણ કરવામાં આવે છે અને આંદોલન મોકૂફ રાખવામાં આવે છે.

    નોંધનીય છે કે, પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને ફરીથી તે જ જગ્યા પર સ્થાપિત કરવાનું કાર્યું અંત ભણી છે. ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે, જિલ્લા DM યુદ્ધના ધોરણે આ કાર્યવાહી કરે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. જેના પગલે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને FIR પણ નોંધવામાં આવી હતી.

    શું હતો વિવાદ?

    આ વિવાદની શરૂઆત રવિવારના (16 જૂન) રોજ થઈ હતી. રવિવારે પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને  પાવાગઢ મંદિર ટ્રસ્ટે તોડી નાખી હતી. મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓને સારી સુવિધા આપવા માટે વિકાસકાર્ય કરી રહ્યું હતું. જે અંતર્ગત તેમણે મૂર્તિઓને મૂળ સ્થાન પરથી હટાવી દીધી અને ખંડિત કરી દીધી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.  વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો હતો. જૈન સમાજની માંગ હતી કે, આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

    પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જીર્ણોદ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.” જોકે, હવે જૈન આચાર્ય દ્વારા ધરણાં પૂર્ણ કરીને આંદોલન મોકૂફ રાખવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે.

    ત્રીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર બાબા વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા મોદી: આ પહેલા કર્યું વિશાળ જનસભાને સંબોધન, ખેડૂતોને આપી ભેટ અને કરી ગંગા આરતી

    સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર પીએમ મોદીએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા. તે પહેલા તેમણે ગંગા મૈયાનું પૂજન કરીને લગભગ એક કલાક સુધી ગંગા આરતીનો લાહવો લીધો. આરતી દરમિયાન પીએમ મોદી ભાવવિભોર જોવા મળ્યા હતા. દેવ દર્શન પહેલા વડાપ્રધાન મોદીએ વારાણસીમાં વિશાળ જનમેદનીને પણ સંબોધી હતી.

    મળતી માહિતી અનુસાર સતત ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ પ્રથમવાર બાબા વિશ્વનાથના દરબારમાં દર્શન કર્યા હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બાબાના ધામમાં પહોંચ્યા છે. બાબાના દરબારમાં વડાપ્રધાન મોદીએ ષોડશોપચાર વિધિથી બાબા વિશ્વનાથની પૂજા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબાના દરબારથી દર્શન સંપ્પન કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા નિર્માણધીન સિગારા સ્ટેડીયમ જઈને તેનું નિરીક્ષણ કર્યું હતું.

    ગંગા મૈયાની પૂજા-આરતી કરી

    આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશાશ્વમેગ ઘાટ પર જઈને ગંગા મૈયાનું પૂજન કર્યું હતું. પૂજન કર્યા બાદ લગભગ એક કલાક સુધી પીએમ મોદી ગંગા મૈયાની આરતીમાં પણ હાજર રહ્યા હતા. આ પાંચમી વખત છે કે પીએમ મોદી ગંગા મૈયાની આરતીમાં હાજર હોય. આરતી દરમિયાન તેઓ એકદમ ભાવવિભોર જોવા મળ્યા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરતી સાથે ચાલી રહેલા ભજન પણ ગણગણતા નજરે પડ્યા હતા.

    ગંગા આરતી બાદ વડાપ્રધાન મોદીનું સન્માન કરવામાં આવ્યું હતી. તેમને રુદ્રાક્ષની માળા, પેંડાનો પ્રસાદ અને મા ગંગાનું પ્રતિક ચિહ્ન આપવામાં આવ્યું હતી. વડાપ્રધાન મોદીને ભવ્ય ગંગા આરતીનો ફોટો પણ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો.

    ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર વારાણસીની જનતાને સંબોધી

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેદ્ર મોદીના ત્રીજી વાર પીએમ બન્યા બાદ વારાણસીનો આ પ્રથમ પ્રવાસ છે. તેમણે તમામ કાર્યક્રમો પહેલા પોતાના સંસદીય ક્ષેત્રની વિશાળ જનમેદનીને સંબોધી હતી. આ જનસભામાં વડાપ્રધાન મોદીએ 9.27 કરોડ ખેડૂતોને સન્માન નિધિના 17માં હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયા અને સ્વ-સહાય જૂથોની 30,000 મહિલાઓને ‘કૃષિ સખી’ના પ્રમાણપત્રોના રૂપમાં ‘ભેટ’ આપવામાં આવી હતી. ખેડૂત સંમેલન તરીકે રાજાતાલાબ નજીક મહેંદીગંજ મડાઇ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે દેશે અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે, આ વખતે ઇતિહાસ રચાયો છે. લોકશાહી દેશોમાં ભાગ્યે જ જોવા મળ્યું છે કે ચૂંટાયેલી સરકાર ત્રીજી વખત પાછી ફરી હોય. 60 વર્ષ પહેલા ભારતમાં આવું થયું હતું અને ભારતના લોકોએ તે ફરી કરી બતાવ્યું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, “આપણી માતાઓ અને બહેનો અહીં આટલી મોટી સંખ્યામાં હાજર છે. માતા અને બહેનો વિના ખેતીની કલ્પના કરવી અશક્ય છે. એટલે હવે ખેતીને નવી દિશા આપવામાં માતા-બહેનોની ભૂમિકાનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. નમો ડ્રોન દીદીની જેમ કૃષિ સખી કાર્યક્રમ પણ આવો જ એક પ્રયાસ છે. અમે બહેનોને આશા વર્કર તરીકે કામ કરતી જોઈ છે. આપણે બેંક સખીઓના રૂપમાં ડિજિટલ ઈન્ડિયાનું નિર્માણ કરવામાં બહેનોની ભૂમિકા જોઈ છે. હવે આપણે જોઈશું કે કૃષિ સખીના રૂપમાં ખેતીને એક નવી તાકાત મળી રહી છે. આજે 30 હજારથી વધુ હેલ્પ ગ્રૂપને કૃષિ સખી તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. હવે આ યોજના 12 રાજ્યોમાં શરૂ થઈ છે. આવનારા સમયમાં દેશભરમાં હજારો સમૂહોને તેની સાથે જોડવામાં આવશે. આ અભિયાનથી 3 કરોડ કરોડપતિ દીદીઓ બનાવવામાં પણ મદદ મળશે.”

    ઘરે માછલીઘર રીપેર કરવા આવેલા મોહસીન ખાન પઠાણે વડોદરાની હિંદુ વિધવાનો દેહ ચૂંથ્યો: પરણિત આરોપીએ CCTV કેમેરા સામે કપડાં ઉતરાવ્યા

    થોડા સમય પહેલા અમદાવાદ અને ધાનેરામાં હિંદુ યુવતીઓ બળાત્કારનો ભોગ બની તેને ગણતરીના જ દિવસો થયા છે, ત્યાં જ વડોદરામાં હિંદુ વિધવા મહિલા પર મોહસીન ખાન પઠાણે બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પીડિતાના ઘરે માછલીઘર રીપેર કરવા આવ્યો હતો. દરમિયાન પોતાની વાતોમાં ફસાવીને તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

    મળતી માહિતી અનુસાર લગભગ 2 વર્ષ પહેલા પીડિત હિંદુ મહિલાના પતિનું અવસાન થઇ ગયું હતું. દરમિયાન તેના ઘરમાં રહેલા માછલી ઘરમાં કોઈ ખરાબી આવતા પાણીગેટ પાસે આયુર્વેદિક ત્રણ રસ્તા નજીકની રહેમાની પાર્ક સોસાયટીમાં રહેતા મોહસીન ખાન પઠાણને રીપેરીંગ માટે બોલાવ્યો હતો. રીપેરીંગ દરમિયાન મોહસીન જાણી ગયો હતો કે મહિલાના પતિનું મૃત્યુ થઇ ગયું છે અને તે એકલવાયું જીવન ગુજરી રહી છે.

    માછલીઘર રીપેર કરવાના બહાને ઘરે આવ-જા શરૂ કરી

    ત્યાર બાદ મોહસીન માછલીઘર સર્વિસ કરવાના બહાને અવારનવાર પીડિતાના ઘરે આવવા લાગ્યો. થોડી મુલાકાતોમાં જ તેણે મહિલાને પોતાની વાતોમાં ફસાવી લીધી અને તેની એકલતાનો લાભ લઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. લગભગ વર્ષ 2021થી મોહસીન પીડિતા સાથે બળાત્કાર ગુજરી રહ્યો છે. પીડિતાએ વિરોધ કરતા તેણે તેને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વિશે કહેશે તો તેને જાનથી મારી નાંખશે.

    CCTV સામે નિર્વસ્ત્ર કરી

    પીડિતની આબરૂ લૂંટીને મોહસીનને સંતોષ ન થતા તેણે તેને શારીરિક સાથે માનસિક ત્રાસ આપવાનું પણ શરૂ કરી દીધું. મહિલાએ સિક્યુરીટી માટે ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. મોહસીન ધાક-ધમકીઓ આપીને તેને CCTV કેમેરા સામે નિર્વસ્ત્ર થવાનું કહેતો અને જો પીડિતા ના પાડે તો તેને ધમકાવતો હતો. મહત્વની વાત તો તે છે કે મોહસીનના પહેલાથી જ નિકાહ થઈ ચૂક્યા છે, તેના ઘરમાં પણ આ બળાત્કારની વાત ખબર હતી અને તેની બેગમ સાથે તેને આ મામલે અવારનવાર ઝઘડો પણ થતો.

    તાજેતરમાં મોહસીનનો ત્રાસ એ હદે વધી ગયો હતો કે પીડિતા તેનાથી છુટકારો મેળવવા પોલીસ પાસે પહોંચી હતી. જોકે પહેલા મોહસીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના કારણે તે ફરિયાદ કરતા ડરતી હતી, પરંતુ અંતે તેણે હિંમત કરીને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તરત હરકતમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

    વડોદરામાં હિંદુ વિધવા પર બળાત્કાર ગુજારવા મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફતેગંજ પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસ બાદ આરોપી મોહસીન વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ કોર્ટે આરોપીને જેલમાં ધકેલી દીધો છે.

    મુઘલ શાસનમાં રજવાડાઓ પર થતા અમાનવીય અત્યાચાર… આક્રાંતાઓ સાથે બાથ ભીડવા એકલા અડીખમ હતા મેવાડી મહારાણા પ્રતાપ: હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર જાણો વીરોનો એ અમર ઇતિહાસ​

    ભારતની મહાન ભૂમિએ અનેક વીરોને જન્મ આપ્યો છે. જ્યારે-જ્યારે અધર્મ વધતો રહ્યો છે, ત્યારે-ત્યારે દેશની ધરતીએ એક મહાપુરુષને જન્મ આપ્યો છે. ગુજરાતમાં એક દુહો પ્રાચીનકાળથી પ્રચલિત છે. ‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર’ દુહામાં જનની (માતા)ને સંબોધીને માર્મિક કટાક્ષ કરવામાં આવ્યો છે. માતાને કહેવામાં આવ્યું છે કે, હે જનની, તારે જો જન્મ આપવો જ હોય તો કોઈ ભક્ત, દાતાર કે શૂરવીરને જન્મ આપજે અને આવું ના થાય તો વાંઝણી રહેજે. પરંતુ કાયરને જન્મ ના આપતી. આ પંક્તિઓ સીધી રીતે ભારતના સન્યાસીઓ અને વીરોના કીર્તિમાન ઇતિહાસની સાક્ષી પૂરે છે. એવા જ એક વીર હતા મહારાણા પ્રતાપ. હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર આપણે તેમની વીરતા અને મહાનતાને સમજવા પ્રયાસ કરીશું.

    18 જૂન, 1576ના રોજ મેવાડના શાસક મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ શરૂ થયું હતું. તેથી દર વર્ષે ભારતના મહાન સપૂત મહારાણા પ્રતાપની વીરતા અને સાહસને યાદ કરવા માટે 18 જૂનને હલ્દીઘાટી યુદ્ધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હલ્દીઘાટીના યુદ્ધનું વર્ણન તત્કાલીન ચારણી સાહિત્યોમાં થયું છે. ડાબેરી ઇતિહાસકારોના કારણે આજે પાઠ્યપુસ્ત્કોમાં મહારાણા પ્રતાપની હાર દર્શાવવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં મહારાણા પ્રતાપ ક્યારેય હાર્યા નહોતા. આજે હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર મહારાણા પ્રતાપના શૌર્ય અને પરાક્રમને નમન કરીને આપણે યુદ્ધનો ઇતિહાસ અને મહત્વ વિશે ચર્ચા કરીશું.

    મહારાણા પ્રતાપનો જન્મ અને રાજ્યાભિષેક

    મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢના કિલ્લામાં હિંદુ પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ સુદ તૃતીયાના દિવસે થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ તારીખ 9 મે, 1540ના રોજ મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. મહારાણા પ્રતાપ રાણા ઉદય સિંઘના સૌથી મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ જયવંતાબાઈ હતું. રાણા ઉદય સિંઘ તેમના પ્રથમ પુત્રના જન્મ પછી જયવંતાભાઈથી અલગ થઈ ગયા હતા. ઉદય સિંઘ સૌથી નાની રાની ધીરબાઈ પ્રત્યે વધુ ઝુકાવ ધરાવતા હતા. આથી મહારાણા પ્રતાપના બદલે, તેમણે ધીરબાઈના પુત્ર જગમાલ સિંઘને તેમના યુવરાજ તરીકે જાહેર કર્યા હતા. જોકે, મહારાણા પ્રતાપની કુશળતા જોઈને મોટા ભાગના સિસોદિયા રાજપૂતો તેમને ગાદી માટે લાયક અને સમર્થ માનતા હતા.

    કુંભલગઢ કિલ્લો

    મહારાણા પ્રતાપના રાજ્યાભિષેક પાછળ પણ રોચક ઘટના છે. ઇતિહાસકારો કહે છે કે, ધીરબાઈ હંમેશા રાણા ઉદય સિંઘને પ્રતાપ અને જયવંતાબાઈ વિરુદ્ધ ભડકાવવાના પ્રયાસ કરતાં હતા. જગમાલને ઉદય સિંઘે મેવાડના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા હતા. જ્યારે રાણા ઉદય સિંઘનું અવસાન થયું ત્યારે મેવાડના સામંતો અને જનતાએ સ્મશાનમાં મહારાણા પ્રતાપને જોયા. તેમણે પ્રતાપને સ્મશાનમાં હાજર રહેવાનું કારણ પૂછ્યું. કારણ કે, નિયમ મુજબ રાજગાદી ખાલી ન રહે એ માટે જેનો રાજ્યાભિષેક થવાનો હોય એ સૌથી મોટા પુત્રએ પિતાના અગ્નિસંસ્કારમાં હાજરી ન આપવાની હોય. રાણા પ્રતાપે કહ્યું કે, ‘ભાઈ જગમાલનો રાજ્યાભિષેક થાય તેવો પિતાજીનો આદેશ હતો.’ મેવાડની સામાન્ય જનતા અને મેવાડના હિતેચ્છુ સામંતોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે સ્મશાનમાં આવેલા મહાદેવ મંદિરના ચબૂતરા પાસે બેસાડીને મહારાણા પ્રતાપનું રાજતિલક કર્યું હતું.

    ત્યારબાદ મહારાણા પ્રતાપનો એક વર્ષ બાદ વિધિવત રાજ્યાભિષેક થયો હતો. બીજી તરફ દિલ્હીમાં મુઘલ બાદશાહ અકબરની તાકાત વધી રહી હતી. ભારતના લગભગ તમામ રાજાઓને તેણે નમાવી દીધા હતા અને હવે તેની નજર હતી મેવાડ પર. આમ જોવા જઈએ તો મુઘલો અને મેવાડના સિસોદિયા રાજાઓ વચ્ચે ત્રણ પેઢીનો વેર હતો. મેવાડના સિસોદિયા સરદારો જાણતા હતા કે, અકબરની આંખો મેવાડ પર મંડાયેલી છે. આવી સ્થિતિમાં મહારાણા પ્રતાપ જ મેવાડની સ્વતંત્રતાને જીવતી રાખી શકે તેમ છે.

    હલ્દીઘાટીનું યુદ્ધ અને મહારાણા પ્રતાપની વીરતા

    મુઘલ બાદશાહ અકબર ખૂબ જ ચાલાક હતો. તેણે યુદ્ધ કરીને તથા હિંદુઓ સાથે સંબંધો સ્થાપિત કરીને અનેક રાજ્યોને પોતાના શાસન હેઠળ લાવી દીધા હતા. ભારતના તમામ રજવાડાઓ અકબરને આધીન થઈ ગયા હતા. તે રજવાડાઓમાં પણ હવે અકબરના નામથી શાસન ચાલવા લાગ્યું હતું, હિંદુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા. તમામ રજવાડાઓ ભારે અત્યાચાર અને સંતાપ ભોગવી રહ્યા હતા. આખા ભારતને તાબા હેઠળ લેવાનું અકબરનું સપનું હતું. તેણે ભારતના બધા જ રાજ્યો પર શાસન સ્થાપિત કરી દીધું હતું. પરંતુ નાનકડું મેવાડ રાજ્ય તેની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતું.

    અકબરે અનેક પ્રયાસો કર્યા પણ રાણા પ્રતાપ ક્યારેય ઝૂક્યા નહીં. અન્ય રાજાઓ કરતાં રાણા પ્રતાપ જુદી માટીના હતા. દેશના બધા રજવાડાઓ અકબરનું આધિપત્ય સ્વીકારી લીધું, પરંતુ મહારાણા પ્રતાપ અડીખમ હતા. અકબરે 1573થી 1575ની વચ્ચે મહારાણા પ્રતાપ પાસે ત્રણ દૂતો મોકલ્યા, રાજા માન સિંઘ, તેમના પિતા રાજા ભગવંત દાસ અને રાજા ટોડરમલ. ત્રણેય હિંદુ દૂતોએ મહારાણા પ્રતાપને અકબરના શાસન હેઠળ જોડાવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ મહારાણા પ્રતાપ સ્વતંત્રતા અને સ્વાભિમાનના આદિ હતા. આ ત્રણેય સેનાધિકારીઓ મહારાણાને ડગાવી શક્યા નહીં. મહારાણા પ્રતાપ હંમેશા કહેતા કે, “હું જીવું છું, ત્યાં સુધી મેવાડ ક્યારેય મુઘલોના તાબા હેઠળ નહીં જાય.”

    તમામ પ્રયાસો કર્યા બાદ અકબર પાસે હવે યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મહારાણા પ્રતાપે સત્તા સંભાળ્યાના ચાર વર્ષ પછી, આખરે મુઘલ અને મેવાડ સેના હલ્દીઘાટીમાં સામસામે આવી. અકબર દિલ્હીથી અજમેર આવ્યો. તેણે મહારાણા પ્રતાપ સાથે યુદ્ધ લડવા માટે માન સિંઘના નેતૃત્વમાં મોટી સેના મોકલી. સેનાની સંખ્યાની દ્રષ્ટિએ મહારાણા પ્રતાપની સ્થિતિ નબળી હતી. એવું કહેવાય છે કે, બંને સેનાઓ વચ્ચેનો ગુણોત્તર 1:4 હતો. એટલે કે મેવાડનો એક સૈનિક અને મુઘલોના 4 સૈનિક. મહારાણા પ્રતાપે સેનાને હાંકલ કરી હતી કે, એક રાજપૂત 4 મુઘલોને મારશે. જ્યાં સુધી 4ને નહીં મારે ત્યાં સુધી પોતે પણ નહીં મરે.

    48 જૂન, 1576ના દિવસે હલ્દીઘાટીની પીળી માટી રક્તરંજિત હતી. જય એકલિંગજીનો ગગનભેદી નાદ સંભળાતો હતો. એક તરફ હતી સ્વતંત્રતા અને બીજી તરફ હતી સત્તાલાલસા. રણભૂમિમાં મહારાણા પ્રતાપની તલવાર ચીભડા ચીરતી હોય તેમ દુશ્મનોના માથા ધડથી અલગ કરી રહી હતી. મેવાડનું માથું કોઇની આગળ ઝૂકવા નહીં દેવાની એ સ્વાભિમાની વીરે પ્રતિજ્ઞા લીધી હતી. સ્વતંત્રતા માટે તેને મૃત્યુ પણ મંજૂર હતું. તેને માથું ટટ્ટ્રાર અને ઊંચું રાખવું ગમતું હતું. મહારાણા પ્રતાપ અને ચેતકની જુગલબંધીએ મુઘલોની સેનામાં ભયાનક દ્રશ્યો ઊભા કર્યા હતા. મહારાણા પ્રતાપ એક-એક કરીને મુઘલોને ઊભા ચીરી રહ્યા હતા. મહારાણાની સેના સાથે ભીલોની સેના પણ મુઘલોના માથા વાઢી રહી હતી.

    મહારાણા પ્રતાપ યુદ્ધ (ફોટો: Abp)

    યુદ્ધના પ્રથમ ચરણમાં લાગ્યું કે, અકબરની આખી સેનાને એકલા મહારાણા પ્રતાપ ત્રાહિમામ પોકારાવી રહ્યા હતા. જાણે સાક્ષાત મહાદેવ એકલિંગજી રૌદ્ર રૂપમાં હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા હોય, તેવું એ દ્રશ્ય હતું. મહારાણાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો. નિશસ્ત્ર મુઘલ પર વાર કરવાની તેમની આદત નહોતી. તેથી નિશસ્ત્ર મુઘલોને તેઓ પોતે તલવાર આપતા હતા અને તેમના પર કાળ બનીને વરસી પડતાં હતા. પ્રારંભિક યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેના અકબરની વિશાળ સેના પર જીતી ગઈ હતી. અકબરની સેનાને તેની પ્રથમ સફળતા ત્યારે મળી જ્યારે મહારાણા પ્રતાપના મુખ્ય હાથીનો મહાવત અકબરની સેનાના એક તીર વડે માર્યો ગયો.

    અકબરના સૈન્યનો એક મહાવત તે હાથી પર બેસ્યો અને તેને મુઘલ સેના તરફ લઈ ગયો હતો. આ દરમિયાન મહારાણા પ્રતાપ પોતાના ઘોડા ‘ચેતક’ પર સવાર થઈને હાથી પર સવાર માન સિંઘની સામે આવ્યા. મહારાણા પ્રતાપે ભાલા વડે માન સિંઘ પર હુમલો કર્યો. મહારાણા પ્રતાપના ચેતક ઘોડાએ માન સિંઘના હાથીના માથા પર પગ ઠેરવી દીધા. જેથી મહારાણા પ્રતાપે ઘોડા પરથી ભાલાનો ઘા મારીને હાથીના મહાવતને ચીરી નાખ્યો હતો. આ હુમલામાં માન સિંઘનો મહાવત માર્યો ગયો અને હાથી ગભરાઈને ભાગવા લાગ્યો. માન સિંઘના હાથીની થડ સાથે બાંધેલી તલવારથી ચેતકનો એક પગ ચિરાઈ ગયો હતો. તેમ છતાં નિર્ભય ચેતક મહારાણા પ્રત્યેની વફાદારી ન ભૂલ્યો. માન સિંઘને સંકટમાં જોઈને મુઘલ સૈનિકોએ મહારાણા પ્રતાપને ઘેરી લીધા.

    મહારાણા પ્રતાપના લશ્કરી સલાહકારોએ તેમને દબાણ કર્યું કે વ્યૂહરચના તરીકે, તેમણે અહીંથી ચાલ્યા જવું જોઈએ, જેથી તેઓ ફરીથી લડી શકે. મુઘલ સૈનિકોની આંખમાં ધૂળ નાખવા માટે માનસિંહ ઝાલા મેવાડની શાહી છત્રછાયા હેઠળ યુદ્ધમાં કૂદી પડ્યા. છત્રી જોઈને મુઘલ સૈનિકોએ વિચાર્યું કે મહારાણા પ્રતાપ હજુ યુદ્ધ લડી રહ્યા છે. જ્યારે તેઓ પોતાના ચેતક ઘોડા પર સવાર થઈને યુદ્ધભૂમિમાંથી નીકળી ગયા હતા. યુદ્ધભૂમિથી થોડે દૂર, લોહીથી લથબથ ચેતક એક લાંબી ખાઈને પાર કરવા કૂદી પડ્યો. સામે પાર પડતાની સાથે જ ચેતકે પ્રાણ ગુમાવ્યા. તેણે પોતાના સ્વામીને સુરક્ષિત સ્થળે ખસેડીને જ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. ઇતિહાસમાં ચેતક એકમાત્ર એવો ઘોડો છે, જેના પર રાજસ્થાની અને ગુજરાતીમાં હજારો લોકગીતો લખાયા છે. આજેપણ લોકો ચેતકની સ્વામીભક્તિ અને વીરતાને યાદ કરતાં હોય છે.

    મહારાણા પ્રતાપ અને ચેતક (ફોટો: AtGallery)

    દેશના પ્રાણીઓની સ્વામીભક્તિ પણ કેવી અતૂટ હતી. આજે પણ આપણી આંખ સામે ચેતકનું નામ તરવરે છે. પોતાના સ્વામી માટે યુદ્ધમાં પ્રાણ ગુમાવનાર ચેતક મહારાણા પ્રતાપનો શ્વેતવર્ણી ઘોડો હતો. ચેતક કાઠિયાવાડી નસ્લનો અશ્વ હતો. તેનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે.) માનવામાં આવે છે. ચેતક અને નેતક નામના બે કાઠિયાવાડી ઘોડાઓ ગુજરાતના ખોડગામના દંતી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપ અને તેમના ભાઈ શક્તિ સિંઘને રજૂ કરવામાં આવ્યા હતા. મહારાણા પ્રતાપે બંને અશ્વની પરીક્ષા કરી હતી, ત્યારબાદ નેતક મૃત્યુ પામ્યો હતો અને તેમણે ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો હતો. મહારાણા ચેતકને પોતાના પુત્ર કરતાં પણ વધુ પ્રેમ કરતાં હતા. હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર ચેતકનું મૃત્યુ થયું હતું. આ યુદ્ધ એક દિવસ ચાલ્યું હતું અને તેમાં લગભગ 17,000 સૈનિકો વીરગતિ પામ્યા હતા. આજે પણ હલ્દીઘાટી મેદાનની તે જમીન લાલ રંગે રંગાયેલી છે.

    કોણ જીત્યું? અકબર કે મહારાણા પ્રતાપ?

    આપણાં દેશના ઇતિહાસ સાથે સૌથી વધુ છેડછાડ જે-તે સમયના ડાબેરી અને લિબરલ ઇતિહાસકારો દ્વારા કરવામાં આવી હતી. જેમાં વારંવાર મુઘલોના પરાક્રમ અને હિંદુ રાજાઓનું અપમાન જોવા મળ્યું છે અને દુર્ભાગ્યે આજેપણ પાઠ્યપુસ્ત્કોમાં આપણને આ જ વસ્તુઓ ભણાવવામાં આવે છે. મહારાણા પ્રતાપના ઇતિહાસમાં પણ વામપંથી ઇતિહાસકારો બસ આવું જ કૃત્ય કર્યું છે. કેટલાક ડાબેરી ઇતિહાસકારો કહે છે કે, હલ્દીઘાટીના આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. જોકે, આ યુદ્ધમાંથી બહાર નીકળવું એ મહારાણા પ્રતાપની વ્યૂહરચનાનો એક ભાગ હતો. બીજી તરફ કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે, હલ્દીઘાટીના આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો વિજય થયો હતો. ઇતિહાસકારોએ આ માટે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા હતા.

    ઇતિહાસકારો કહે છે કે, યુદ્ધ પછી જ્યારે મુઘલ સેનાપતિ માન સિંઘ અકબરના દરબારમાં પહોંચ્યો ત્યારે ગુસ્સે ભરાયેલા અકબરે તેના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા. એટલે કે, માન સિંઘ અકબરના દરબારમાં ન આવી શક્યો. જો માન સિંઘ વિજયી બનીને હલ્દીઘાટી પહોંચ્યો હોત તો અકબરે તેને ઈનામ આપ્યું હોત. પરંતુ, તેણે માન સિંઘના દરબારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજો પુરાવો એ છે કે, મહારાણા પ્રતાપે હલ્દીઘાટીના યુદ્ધ પછી પણ જમીન પટ્ટા આપવાનું ચાલુ રાખ્યું હતું. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે એક પરાજિત શાસકે જમીન પટ્ટા કેવી રીતે જારી કર્યા? હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર મહારાણા પ્રતાપને આ જ કારણથી યાદ કરવામાં આવે છે.

    સૌથી મહત્વનો પુરાવો તો એ છે કે, અકબરનો ઉદ્દેશ્ય હતો મહારાણાને મુઘલ દરબારમાં જીવિત કે મૃત લઈ આવવા. એમને કેદ કરવા. તેમને ગુલામ બનાવવા. પરંતુ અકબર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહોતો. જ્યારે અકબર પોતાના મૂળ હેતુમાં જ સફળ નહોતો થયો તો કેવી રીતે કહી શકાય કે, હલ્દીઘાટીના યુદ્ધમાં મુઘલોની જીત થઈ હતી? જ્યારે મહારાણા પ્રતાપનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, તેઓ જીવતેજીવ હંમેશા સ્વતંત્ર રહેશે. તેમણે અંતિમ શ્વાસ સુધી તેમનો આ ઉદ્દેશ્ય અમર રાખ્યો હતો. તેવામાં એ સ્પષ્ટ થઈ જાય છે કે, હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ વિજય થયા હતા. આજે હલ્દીઘાટી યુદ્ધ દિવસ પર આપણે મહારાણા પ્રતાપ સહિત તે તમામ મહાપુરુષો અને વીરોને નમન કરીએ છીએ.

    ઘર લૂંટ્યા, દુકાનો ફૂંકી, હત્યાની ધમકી, પશ્ચિમ બંગાળના TMCના ધારાસભ્યો-કોર્પોરેટરો ગોતી-ગોતીને મારી રહ્યા છે: પરિવારો સાથે કાર્યાલયમાં રહેવા મજબૂર બન્યા ભાજપ કાર્યકર્તાઓ

    પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી ભાજપના કાર્યકરો વિરુદ્ધ થયેલી હિંસાની તપાસ માટે પાર્ટીએ એક સમિતિની રચના કરી છે. સમિતિમાં સામેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લવ દેબ અને ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે સાઉથ 24 પરગણા જિલ્લામાં પીડિતોની મુલાકાત લીધી હતી. પટના સાહિબથી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે દરેક જગ્યાએ એક જ વાત સામે આવી છે – જો તમે ભાજપ માટે કામ કરશો, તો તમને ફટકારવામાં આવશે, ગામમાં નહીં જઈ શકો, તમારી પત્ની અને માતા-પિતા સાથે હિંસા કરવામાં આવશે.

    રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પૂછ્યું છે કે આ જ તમારી સરકાર છે? તેમણે કહ્યું કે મહિલાઓને પણ બક્ષવામાં નથી આવી રહી. તેમણે માહિતી આપી હતી કે તાજેતરમાં જ ટીએમસીના ગુંડાઓએ કૂચબિહારમાં એક દલિત યુવતી સાથે બર્બરતા આચરી છે, તેઓ પીડિતાને પણ મળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર પીડિતો રડી રહ્યા છે, આ ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને શરમ આવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે પીડિતોએ પોલીસ સામે પ્રામાણિકપણે તેમની પીડા વ્યક્ત કરી હતી.

    તેમણે ચેતવણી આપી હતી કે જો પશ્ચિમ બંગાળ પોલીસે પીડિતો પર કેસ કર્યો, તો રાષ્ટ્રીય સ્તરે ભાજપ તેને ખૂબ ગંભીરતાથી લેશે. તેમણે કહ્યું હતું કે, જો પોલીસ દ્વારા તેમના પર કોઇ દબાણ કરવામાં આવશે તો તે સ્વીકારવામાં નહીં આવે. કોલકાતાના 6, મુરલીધર રોડ સ્થિત ભાજપ કાર્યાલયમાં 150થી વધુ કાર્યકર્તાઓ છુપાયા છે. પોતાનો જીવ બચાવવા માટે તેઓ પરિવાર સાથે અહીં જ સુવે છે, અહીં જ જમે છે. તે બધા જ 10 જૂનથી અહીં છે. મોટાભાગના દક્ષિણ અને ઉત્તર 24 પરગણાના છે.

    દૈનિક ભાસ્કર સાથે વાત કરતા ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે તેમના ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યા, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી, પાર્ટી કાર્યાલય તોડી નાંખવામાં આવ્યું, કાર્યકર્તાઓના ઘરોને તાળાં લગાવી દેવામાં આવ્યા. દક્ષિણ 24 પરગણાના 6, મરલીધર રોડ અને બારીપુરમાં ભાજપના 170 કાર્યકરો રહે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હિંસાની 500થી વધુ ઘટનાઓ સામે આવી છે. જ્યારે 6000થી વધુ લોકો ઘાયલ થયા છે.

    કોલકાતાના બેલિયાઘાટાની રહેવાસી ભાજપ કાર્યકર્તા રીટા રઝાકના પતિની 2021માં થયેલી હિંસા દરમિયાન હત્યા કરવામાં આવી હતી. તેઓ 2015માં ભાજપમાં જોડાયા હતા. નાકાડાલા હાઇસ્કૂલના બૂથ નંબર 170માં તેમને પાર્ટી દ્વારા ચૂંટણી એજન્ટ બનાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે માત્ર પોલીસ જ નહીં, પરંતુ કેન્દ્રીય દળો પણ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકારનું કહ્યું કરે છે. રીટાના ઘરમાં રાખેલા અનાજ અને દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા છે, તેમ છતાં તેઓ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના કાર્યકરોને બચાવવા વિનંતી કરે છે.

    ભાજપના કાર્યાલયોને આગ ચાંપવામાં આવી રહી છે. કોલકાતાના ભવાનીપોરમાં એક કાર્યકર્તાની દુકાન પર હુમલો કરવામાં આવ્યો હતો. દુકાનમાં રહેલો તમામ સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. પીડિત રવિ સાહાએ જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર ભાજપના કાર્યકરોને શોધીને માર મારતા હતા. પોલીસ સ્ટેશનમાં આરોપીઓના બદલે ભાજપના કાર્યકરો પર આરોપ લગાવવામાં આવે છે. ભાગ્યા બાદ ભાજપ કાર્યાલયમાં આવેલા ઈસ્લામ મોલ્લાહનું કહેવું છે કે ટીએમસીના બ્લોક ચેરમેન અયુબ હસન ગુંડો છે, તેણે તેની અનેક વીઘા જમીન પર કબજો કરી લીધો છે. તેમનું ઘર, શાળા, કપડાંની દુકાન – બધું જ ઉજ્જડ કરી દેવામાં આવ્યું છે.

    સાથે જ એક કાર્યકર્તાએ કહ્યું કે, કેનિંગપુરથી ટીએમસી ધારાસભ્ય શૌકત મોલાએ રાશન, પાણી અને વીજળી બંધ કરવાની સાથે ઘરમાં ઘૂસીને ભાજપના કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમને ધમકીભર્યા ફોન કોલ્સ આવે છે. વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલ સી.વી. બોઝનીમુલાકાત લીધી હતી અને તેમને પરિસ્થિતિથી માહિતગાર કર્યા છે. આ કોઈ પ્રથમ વાર નથી કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા કરવમાં આવી હોય, પંચાયતથી લઈને વિધાનસભા તેમજ લોકસભા જેવી તમામ ચૂંટણીઓમાં અહીં ભીષણ હિંસા થાય જ છે.