Saturday, September 7, 2024
More
    હોમપેજગુજરાત500 વર્ષ પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ પુનઃ સ્થાપિત થયા બાદ જૈન સમાજના ધરણાં...

    500 વર્ષ પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ પુનઃ સ્થાપિત થયા બાદ જૈન સમાજના ધરણાં પૂર્ણ: હર્ષ સંઘવી સાથે બેઠક બાદ સરકારે જૈનોની તમામ માંગણીઓ સ્વીકારી

    જૈન આચાર્ય જિન પ્રેમ મ.સાએ જણાવ્યું હતું કે, "રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી અમે ખુશ છીએ. તેમના પ્રયાસ અંતિમ સફળતાને સ્પર્શે તેવો અમારો આશીર્વાદ છે. કોઈપણ મીડિયા અફવા ન ફેલાવે. આજની ગાંધીનગરની કૉન્ફરન્સ પણ ખૂબ મહત્વપૂર્ણ અને યોગ્ય કાર્ય કરનારી બની છે."

    - Advertisement -

    પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ હટાવી દેવાતાં રાજ્યભરમાં ભારે વિરોધ થવા લાગ્યો હતો. દેશના મોટા ભાગના જૈનો પાવાગઢ પહોંચ્યા હતા અને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જૈન સમાજની માંગણી હતી કે, હટાવી દેવાયેલી મૂર્તિઓ ફરીથી તે જ જગ્યા પર સ્થાપિત થાય અને સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને તે જગ્યા જૈન સમાજને સુપરત કરે. જેના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં જૈન આગેવાનોની મિટિંગ થઈ હતી અને તમામ માંગણી સ્વીકારાતા આખરે જૈન સમાજના ધરણાં પૂર્ણ થયા હતા.

    પાવાગઢ ખાતેથી તીર્થંકરોની મૂર્તિઓ હટાવવા મામલે જૈન સમાજ વિરોધમાં ઉતર્યો હતો. દરમિયાન મંગળવારે (18 જૂન) મોડી રાત્રે જૈન સમાજના પ્રતિનિધિમંડળ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ થઈ હતી. જૈન આચાર્ય દ્વારા મિટિંગ પૂર્ણ થયા બાદ સમાજ જોગ સંદેશ આપવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, જૈન સમાજના અગ્રણી આગેવાનો અને પ્રતિનિધિમંડળે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે. મૂર્તિઓના પુનઃ સ્થાપનનું કાર્ય પણ પૂર્ણતા તરફ છે. આ સાથે એવું પણ કહેવાયું કે, સરકારે જૈન સમાજની માંગણી સ્વીકારી છે. તેથી હવે આ આંદોલન મોકૂફ રાખવામાં આવે છે અને ધરણાં પૂર્ણ કરવામાં આવે છે.

    ‘ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસો અમે ખુશ છીએ’- જૈન આચાર્ય

    જૈન આચાર્ય જિન પ્રેમ મ.સાએ જણાવ્યું હતું કે, “રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પ્રયાસોથી અમે ખુશ છીએ. તેમના પ્રયાસ અંતિમ સફળતાને સ્પર્શે તેવો અમારો આશીર્વાદ છે. કોઈપણ મીડિયા અફવા ન ફેલાવે. આજની ગાંધીનગરની કૉન્ફરન્સ પણ ખૂબ મહત્વપૂર્ણ અને યોગ્ય કાર્ય કરનારી બની છે. હાલના તબક્કે સંતોષકારક રીતે કાર્ય આગળ વધી રહ્યું છે. તેથી ધરણાં પૂર્ણ કરવામાં આવે છે અને આંદોલન મોકૂફ રાખવામાં આવે છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને ફરીથી તે જ જગ્યા પર સ્થાપિત કરવાનું કાર્યું અંત ભણી છે. ગૃહ રાજ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે, જિલ્લા DM યુદ્ધના ધોરણે આ કાર્યવાહી કરે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ આ મામલે કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. જેના પગલે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને FIR પણ નોંધવામાં આવી હતી.

    શું હતો વિવાદ?

    આ વિવાદની શરૂઆત રવિવારના (16 જૂન) રોજ થઈ હતી. રવિવારે પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને  પાવાગઢ મંદિર ટ્રસ્ટે તોડી નાખી હતી. મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓને સારી સુવિધા આપવા માટે વિકાસકાર્ય કરી રહ્યું હતું. જે અંતર્ગત તેમણે મૂર્તિઓને મૂળ સ્થાન પરથી હટાવી દીધી અને ખંડિત કરી દીધી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.  વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો હતો. જૈન સમાજની માંગ હતી કે, આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

    પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જીર્ણોદ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.” જોકે, હવે જૈન આચાર્ય દ્વારા ધરણાં પૂર્ણ કરીને આંદોલન મોકૂફ રાખવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં