Thursday, April 2, 2026
More
    Home Blog Page 424

    વડોદરા એરપોર્ટને મળ્યો બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ: CISF અને પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું, એક કારમાં મળી આવ્યું શંકાસ્પદ ડિવાઇસ

    વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ એરપોર્ટ ઓથોરીટીને મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઓથોરીટીને મેઇલ મળ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. ધમકીના પગલે સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા છે. CIFS અને પોલીસની ટીમો હાલ તપાસ કરી રહી છે. એરપોર્ટની અંદર અને બહાર તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ડિવાઇસ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.

    મંગળવારે (18 જૂન) બપોરે વડોદરા એરપોર્ટ ઓથોરીટીને એક ધમકીભર્યો મેઇલ મળી આવ્યો હતો. જેમાં વડોદરા એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરીટીએ સ્થાનિક પોલીસને ઘટના વિશે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ધોરણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને ભારે માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

    હરણી પોલીસની ટીમ સહિત અનેક તપાસ એજન્સીઓ પણ ચેકિંગમાં લાગી ગઈ છે. એરપોર્ટ પર આવી રહેલા અને બહાર નીકળતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. CIFSના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટ બહાર જઈ રહેલી અને અંદર પ્રવેશતી તમામ કારોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એક કારમાં શંકાસ્પદ ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવ્યું છે. તેથી કારને અંદર પ્રવેશ આપતા અટકાવી દેવાઈ છે. હાલ પોલીસ સહિતની ટીમો આ મામલે તપાસ કરી રહી છે.

    આ પહેલાં પણ અનેક સ્થળોને મળી ચૂકી છે ધમકી

    આ કોઈ પહેલીવાર નથી કે, એરપોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. આ પહેલાં અનેક સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તાજેતરમાં જ અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે પહેલાં સુરતના એક મોલને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ચૂંટણી પહેલાંથી બૉમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. થોડા દિવસો પહેલાં જ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી ટિશ્યૂ પેપર દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

    દિલ્હીની શાળાઓને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદથી સતત દેશભરમાં બૉમ્બની ધમકીઓ મળી રહી છે. તપાસ કર્યા બાદ ત્યાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળતો નથી. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને ધમકી મળી હતી. ત્યારબાદ જયપુરની પણ કેટલીક શાળાઓને ધમકી આપવામાં આવી હતી. તે પહેલાં RBIને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉપરાંત અયોધ્યા રામ મંદિરને પણ અનેકવાર બૉમ્બની ધમકીઓ મળી હતી.

    ‘મારું ચરિત્ર હરણ થયું, મને મળવાનો સમય આપો’: AAP સાંસદ સ્વાતિ માલીવાલે INDI ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો, કહ્યું- મને જોઈએ છે ન્યાય

    દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલના નજીકના વિભવ કુમાર પર આમ આદમી પાર્ટીના સાંસદ અને મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આરોપો બાદથી વિભવ જેલના સળિયા ગણી રહ્યો છે. તો બીજી તરફ હવે સ્વાતિ માલીવાલે INDI ગઠબંધનના અનેક મોટા નેતાઓને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નેતાઓ પાસે મુલાકાત માટેનો સમય માંગ્યો છે.

    સ્વાતિ માંલીવાલે રાહુલ ગાંધી, શરદ પવાર સહિત INDI ગઠબંધનના લગભગ તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે તેમણે 8 વર્ષ સુધી DCW (દિલ્હી મહિલા આયોગ)ની અધ્યક્ષતા કરી છે. દરમિયાન તેમણે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના 1.7 લાખ કેસોની સુનાવણી કરી છે. સ્વાતિ લખે છે કે, “દુર્ભાગ્યપૂર્ણ રીતે સાંસદ બન્યા બાદ 13 મેના રોજ મુખ્યમંત્રી કેજરીવાલના PAએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસ ફરિયાદ કરવાનું પગલું ઉઠાવ્યું પરંતુ આવી સ્થિતિમાં મારી જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ મને મદદ કરવાની જગ્યાએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કરી દીધું.”

    સ્વાતિએ આ તમામ બાબતો પોતાના X હેન્ડલ પર લખી હતી. તેમણે લખ્યું કે, “મેં કોઈની સામે નમતું જોખ્યા વગર મહિલા આયોગને એક ઉંચાઈ પર ઉભું કર્યું. પરંતુ બહુ દુઃખની વાત છે કે મને મુખ્યમંત્રી આવાસ પર માર મારવામાં આવ્યો અને બાદમાં મારું ચરિત્રહરણ કરવામાં આવ્યું. મેં INDI ગઠબંધનના તમામ મોટા નેતાઓને પત્ર લખીને તેમની પાસે મળવાનો સમય માંગ્યો છે.” નોંધનીય છે કે NCP પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સ્વાતિ માલીવાલે પત્ર લખ્યો છે.

    સ્વાતિ માલીવાલનો આરોપ છે કે ગત 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસમાં અરવિંદ કેજરીવાલના નજીકના વ્યક્તિ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે આ દરમિયાન તેમણે અભદ્ર શબ્દોમાં ગાળો પણ ભાંડી હતી. ઘટના બાદ તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ગુનો દાખલ થયા બાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમણે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને 2 વાર ફગાવી દેવામાં આવી છે. બીજી તરફ દિલ્હી પોલીસે આ આખી ઘટનાની તપાસ માટે SITની પણ રચના કરી છે.

    હૈદરાબાદની બે બહાદુર હિંદુ મહિલાઓએ બકરીદના દિવસે ગૌવંશ ભરેલા ટ્રક રોકી કર્યો વિરોધ, હજારોના મુસ્લિમ ટોળાં સાથે ભીડી બાથ: ભાજપ નેતા માધવી લતાએ કર્યું સન્માન

    બકરીદના દિવસે હૈદરાબાદમાં ગૌવંશ ભરેલા ટ્રક રોકીને તેનો વિરોધ કરનાર બે હિંદુ મહિલાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બંને મહિલાઓ હજારોના મુસ્લિમ ટોળાં વચ્ચે ગૌવંશ ભરેલા ટ્રક સામે વિરોધ કરી રહી છે. આ ઘટનાને લઈને હજારો મુસ્લિમોનો ટોળું પણ ત્યાં ઘસી આવ્યું હતું. પરંતુ બંને હિંદુ મહિલાઓએ ગૌવંશ ભરેલા ટ્રકને આગળ જતાં અટકાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હૈદરાબાદથી ભાજપના લોકસભા ઉમેદવાર રહેલા માધવી લતાએ બંને હિંદુ મહિલાઓનું સન્માન કર્યું હતું અને તેમની પ્રશંસા કરી હતી.

    સોમવારે (17 જૂન) હૈદરાબાદમાં સ્થિત માલકપેટ વિસ્તારમાં આ ઘટના બનાવા પામી હતી. અહીં બે હિંદુ મહિલાઓએ ગૌવંશ ભરેલા ટ્રક અટકાવ્યા હતા અને ગૌવંશને બચાવ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વિડીયોમાં બંને બહાદુર મહિલાઓને હજારોના મુસ્લિમ ટોળાં સામે બાથ ભીડતી જોઈ શકાય છે. હિંમત સાથે બંને મહિલાઓ ટ્રક પર ચડી ગઈ હતી અને મુસ્લિમોના ટોળાં વચ્ચે પણ તેમણે ગૌવંશને બચાવી લીધા હતા.

    વિડીયોમાં બંને હિંદુ મહિલાઓને મુસ્લિમો સાથે બોલાચાલી કરતી જોઈ શકાય છે. હજારોની સંખ્યામાં એકઠા થયેલા મુસ્લિમ ટોળાંએ પણ જોર-જોરથી બોલવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં બંને મહિલાઓ ટ્રક આગળથી ખસી નહોતી. ત્યારબાદ એક મહિલા ટ્રકના બોનેટ પર ચડીને બેસી ગઈ હતી અને ટ્રકને આગળ વધતાં જ અટકાવી દીધા હતા. મુસ્લિમ વ્યક્તિઓએ મહિલાઓને પકડવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાઓની બહાદુરી જોતાં કોઈ આગળ આવી શક્યા નહોતા. ટ્રક પર ચડેલી મહિલા મુસ્લિમ ટોળાંને કહી રહી હતી કે, “મને મારીને આગળ વધો.”

    માધવી લતાએ બહાદુર મહિલાઓનું કર્યું સન્માન

    આ ઘટના બાદ ભાજપ નેતા અને હૈદરાબાદથી ભાજપના લોકસભા ઉમેદવાર રહેલા માધવી લતાએ બંને મહિલાઓનું સન્માન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી હતી. તેમના ઓફિશિયલ X હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, “આજે માલકપેટ વિસ્તારની સાહસી ખેડૂત બહેનો શ્રીવનિતા મૈથિલી અને સુનિતાએ શ્રીમતી માધવી લતાની મુલાકાત કરી. માધવી લતાજીને માલકપેટમાં ગાયોની હત્યા રોકવામાં તેમના સમર્થનની વિનંતી કરી હતી. શ્રીમતી કે. માધવી લતાજીએ તેમને પૂર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું અને તેમની બહાદુરી અને શક્તિની પ્રશંસા કરી.”

    પોસ્ટમાં વધુમાં લખાયું છે કે, “બહાદુર બહેનો સાથે BJYM અધ્યક્ષ ચૌકી રેવંત, ચૌકી પ્રશાંત, ચૌકી અરવિંદ, એમ. પ્રવીણ અને ચૌકી સાઈનાથ પણ ઉપસ્થિત હતા. શ્રીમતી કે. માધવી લતાએ તેમના સામૂહિક પ્રયાસો અને તેમના ઉદ્દેશ્ય પ્રત્યેના સમર્પણની સરાહના કરી હતી અને તમામનું સન્માન કર્યું હતું.”

    માધવી લતાના ઓફિશિયલ X હેન્ડલ પરથી અન્ય એક પોસ્ટ પણ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, “શ્રીમતી કે. માધવી લતાજીએ માલકપેટમાં ગાયોની રક્ષામાં સરાહનીય પ્રયાસ બદલ બહાદુર ગૌરક્ષક બહેનો, શ્રીવનિતા મૈથિલી અને સુનિતાને સન્માનિત કરી છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, ગૌરક્ષા દેશની રક્ષા કરવા સમાન છે. તેમણે નારીશક્તિ આંદોલન માટે સમર્થન પણ વ્યક્ત કર્યું અને છેલ્લા શ્વાસ સુધી આ મુદ્દા પર તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.”

    ઈટલી નજીક દરિયામાં 2 બોટ પલટાઈ: 11ના મોત, અનેક લાપતા; સવાર હતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશી નાગરિકો

    ઈટલી પાસેના સમુદ્રમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. માહિતી મળી રહી છે કે દરિયામાં એક સાથે 2 બોટ પલટી મારી ગઈ છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે જયારે 60થી વધુ લોકો દરિયામાં લાપતા છે. આશંકા જતાવવામાં આવી રહી છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એક બોટને બચાવવા ઈટાલીયન કોસ્ટગાર્ડ તો બીજી દુર્ઘટનાગ્રસ્ત બોટમાં સવાર લોકોને બચાવવા એક માલવાહક જહાજે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.

    મળતી માહિતી અનુસાર બંને પેસેન્જર બોટ હતી અને ટેકનિકલ ખામીના કારણે આખી દુર્ઘટના ઘટી છે. પ્રથમ ઘટનામાં ભૂમધ્ય સાગરમાં ઈટલીના કોસ્ટગાર્ડ યુનિટ દ્વારા મોડે સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. તો બીજી તરફ તેનાથી દક્ષિણ દિશામાં અંદાજેન 200 કિલોમીટર દૂર પલટી ગયેલી બોટમાં સવાર લોકોને એક મર્ચેન્ટ શીપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા. શીપે પહેલા કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો અને બાદમાં બચાવ અભિયાન ચલાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને ઓપરેશનમાં કેટલાક લોકોને જીવિત બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાક લોકો દરિયામાં લાપતા છે. અત્યાર સુધી 11 મૃતદેહ મળી આવ્યા છે.

    મીડિયા રીપોર્ટ અનુસાર દુર્ઘટનામાં કૂલ 66 લોકો દરિયામાં લાપતા થયા છે. લાપતા લોકોમાં 26 સગીર વયના બાળકો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ બોટ તુર્કીથી રવાના થઈ હતી અને તેમાં ઈરાન, સીરીયા, ઈરાક, અને અફઘાનિસ્તાનના નાગરિકો સવાર હતા. ઈટાલીયન અધિકારીઓના જણાવ્યા અનુસાર દુર્ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    આ દુર્ઘટનાના થોડા સમય પહેલા ઈટલીના દક્ષિણ ભાગમાં લૈમ્પેડુસા દ્વીપથી થોડે દૂર માલ્ટા પાસે અન્ય એક બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેમાં સવાર 51 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ બોટમાં મોટાભાગે પાકિસ્તાન, બાંગ્લાદેશ સીરીયન નાગરિકો સવાર હતા. ઈટાલીયન ગૃહમંત્રાલય દ્વારા આ બોટને લૈમ્પેડુસા ખાતે ડોક (લાંગરવા)ના આદેશ આપવામાં આવ્યા હતા. આ બોટમાં સવાર 10 લોકોના મૃત્યુ થયા છે.

    બકરીદના દિવસે અચાનક તૂટી પડી દિલ્હીની 200 વર્ષ જૂની સંગેમરમર મસ્જિદ: જમીન ખસવાથી ધડામ દઈને થઈ જમીનદોસ્ત, આસપાસના મકાનો ખાલી કરાયા

    સોમવારે (17 જૂન) દેશભરના મુસ્લિમ સમુદાયના લોકો બકરીદનો તહેવાર ઉજવી રહ્યા હતા. અનેક જગ્યાએ જાહેર કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તો અનેક જગ્યાએ મસ્જિદમાં નમાજ પઢીને ઈદ ઉજવવાની તૈયારી હતી. તેવામાં બકરીદના દિવસે જ દિલ્હીની 200 વર્ષ જૂની સંગેમરમર મસ્જિદ અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. કહેવાય રહ્યું છે કે, દુર્ઘટના સમયે મસ્જિદ સંપૂર્ણપણે ખાલી હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ. હાલ આસપાસના તમામ મકાનોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે.

    બકરીદના દિવસે દિલ્હીની સંગેમરમર મસ્જિદ અચાનક તૂટી પડી હતી. ચૂડીવાલા વિસ્તારમાં આવેલી આ મસ્જિદ લગભગ 200 વર્ષ જૂની હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, દિલ્હીના ચૂડીવાલા વિસ્તારમાં અચાનક જમીન ખસવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણ થઈ કે, દિલ્હી પ્રસિદ્ધ સંગેમરમર મસ્જિદ જમીન ખસવાના કારણે તૂટી પડી છે. આ ઘટના સોમવારે બપોરે લગભગ પોણા ત્રણ કલાક આસપાસ બનવા પામી હતી.

    પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું છે કે, જૂની દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં એક મસ્જિદની દીવાલો પર તિરાડો દેખાઈ આવી હતી. તેની કેટલીક મિનિટ બાદ જ તે આખી મસ્જિદ તૂટી પડી હતી. તેમણે કહ્યું કે, બપોરના સમયે ઘટેલી આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. મસ્જિદ પડે તે પહેલાં જ તેને ખાલી કરાવી નાખવામાં આવી હતી. મસ્જિદની દીવાલો પર તિરાડો દેખાવાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની બે ગાડીઓની મદદથી આખી મસ્જિદને ખાલી કરી દેવામાં આવી હતી. પોલીસે વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી અને આસપાસના મકાનો ખાલી કરાવી દીધા હતા. ત્યારબાદ અચાનક મસ્જિદ તૂટી પડી હતી.

    સ્થાનિક લોકોનો દાવો છે કે, જમીન ખસ્યા બાદ જ મસ્જિદ તૂટી પડી હતી. જોકે, પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ આ ઘટનાની તપાસ કરશે. દિલ્હી મહાનગરપાલિકાના એક અધિકારી અનુસાર, મસ્જિદનો પાયો નબળો હોવાથી આવું થયું છે. 25 વર્ષે પહેલાં તે મસ્જિદનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જૂની આ મસ્જિદ તૂટી પડતાં આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. પોલીસ, ફાયર અને વીજળી વિભાગની અનેક ટીમો ઘટનાસ્થળ પર હાજર હતી.

    બાબા વિશ્વનાથના દર્શન, ગંગા આરતી અને પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો: ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર જશે વારાણસી પ્રવાસ પર

    લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે (18 જૂન) પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. વારાણસીને પોતાની કાશી ગણાવતા વડાપ્રધાન મોદી વારાણસીમાં જ રાત્રિરોકાણ કરશે. વારાણસીમાં તેઓ મહેંદીગંજમાં પીએમ-કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરશે અને સાથે જ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થશે. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કૃષિ મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ પણ હાજર રહેશે.

    ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર વારાણસી જઈ રહ્યા છે. તેમના વારાણસી પ્રવાસની રૂપરેખાની વાત કરવામાં આવે તો તેઓ મંગળવારે (18 જૂન) લગભગ 3:30 કલાકે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા મહેંદીગંજ જનસભા સ્થળ સુધી જશે. મહેંદીગંજમાં તેઓ પીએમ-કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે અને પીએમ-કિસાન સન્માન યોજનાનો 17મો હપ્તો વિતરીત કરશે. નોંધનીય છે કે, શપથગ્રહણ સમારોહના એક દિવસ બાદ 10 જૂનના રોજ વડાપ્રધાન મોદીને કિસાન સન્માન યોજનાના 17માં હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કરીને તેને મંજૂરી આપી હતી. હવે તેઓ 17મો હપ્તો વિતરીત કરશે. દરમિયાન જ DTB દ્વારા 20 હજાર કરોડની કિસાન સન્માન નિધિ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ સ્વયં સહાયતા સમૂહની 30 હજાર મહિલાઓને ‘કૃષિ સખી’ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    આ દરમિયાન જ વડાપ્રધાન મોદી ખેડૂતો સાથે સંવાદ કરશે અને તેમના ઉત્પાદનોના નિરીક્ષણ માટે સ્ટોલ પર જશે. તેઓ 21 પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત પણ કરશે. ત્યારબાદ તેઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. તે સાથે જ તેઓ દશાશ્વમેઘ ઘાટ પર મા ગંગાના દર્શન કરશે અને ગંગા આરતીમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી રાત્રિરોકાણ પણ વારાણસીમાં જ કરશે, ત્યારબાદ બુધવારે (19 જૂન) તેઓ બિહારના નાલંદા જવા માટે રવાના થશે.

    નોંધનીય છે કે, PM મોદીના સ્વાગત માટે કાશીના લોકો પણ ભાજપના કાર્યકરો સાથે તૈયારીમાં જોતરાઈ ગયા છે. ભાજપના કાર્યકરો લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ મેહદીગંજ ગ્રામસભા સ્થળ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરશે. પોલીસ લાઇનથી દશાશ્વમેધ ઘાટ અને વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 સુધીના સમગ્ર યાત્રા રૂટ પર કાશીની જનતાની સાથે સાથે ભાજપના કાર્યકરો શંખનાદ, ઢોલ, નગારા, ડમરુ અને ગુલાબના ફૂલોની વર્ષા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરશે.

    પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ ખંડિત કરવા મામલે FIR દાખલ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

    પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં તેનો વિરોધ થયો હતો. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલા લઈને મૂર્તિઓને ફરીથી મૂળ સ્થાન પર સ્થાપિત કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા અને તે અનુસાર કામ પણ ચાલુ થઈ ગયું હતું. ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે પાવાગઢમાં જૈન સમુદાયની લાગણી દુભાય તેવી આ હરકત વિરુદ્ધ FIR નોંધી દેવામાં આવી છે.

    ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી હતી. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પાવાગઢમાં જૈન સમાજની લાગણી દુભાય તે પ્રકારની ઘટનામાં આપવામાં આવેલી ફરિયાદને ધ્યાને રાખીને FIR દાખલ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આ મામલે આખું વહીવટી તંત્ર ફરીયાદી બન્યું છે અને વહીવટી તંત્ર દ્વારા જ કાયદાકીય કાર્યવાહી માટે FIR નોંધવામાં આવી છે.

    શું છે વિવાદ?

    આ વિવાદની શરૂઆત રવિવારના (16 જૂન) રોજ થઈ હતી. રવિવારે પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે તોડી નાખી હતી. મંદિર ટ્રસ્ટ યાત્રાળુઓને સારી સુવિધા આપવા માટે વિકાસકાર્ય કરી રહ્યું હતું. જે અંતર્ગત તેમણે મૂર્તિઓને મૂળ સ્થાન પરથી હટાવી દીધી અને ખંડિત કરી દીધી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

    વડોદરા, સુરત સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પાવાગઢ પહોંચ્યા હતા. પાવાગઢ નિજ મંદિર જવાના જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા વિવાદ સર્જાયો છે. જૈન સમાજની એક જ માંગ છે કે, આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

    પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ જૈન સમાજ લાલઘુમ થઈ ગયો હતો. આ મામલે મોડી રાત્રે જૈન સમાજના લોકોએ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જૈન સમાજના જીન પ્રેમ વિજયજી મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, “પાવાગઢની ઘટનાનો અમે વિરોધ કરીએ છે. જૈન સમાજ દ્વારા સરકાર સામે બે માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે અને જે જગ્યાએ દેરાસરમાં આ ઘટના બની છે ત્યાં જિર્ણોધ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપરત કરવામાં આવે.”

    ન રસ્તાઓ પર પઢવામાં આવી નમાજ, ન તો પ્રતિબંધિત પશુઓની કુર્બાની…: બકરીદ પર શાંતિમય રહ્યું આખું યુપી, યોગી આદિત્યનાથે કડક કાર્યવાહીની આપી હતી ચેતવણી

    સોમવારે (17 જૂન) મુસ્લિમ સમાજે બકરીદ તહેવારની ઉજવણી કરી હતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં બકરીદ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. કારણ કે, ભૂતકાળમાં બકરીદ પર હિંસા, પ્રતિબંધિત પશુઓની કુર્બાની અને રસ્તાઓ પર નમાજ જેવી ઘણી ઘટનાઓ બનવા પામતી હતી. પરંતુ યોગી આદિત્યનાથની કડક ચેતવણી બાદ એકદમ શાંતિમય રીતે બકરીદનો તહેવાર પૂર્ણ થયો છે. બકરીદ પર આ વખતે ન તો રસ્તાઓ પર નમાજ પઢવામાં આવી અને ન તો પ્રતિબંધિત પશુઓની કુર્બાની અપાઈ. સાથે જ હિંસાની એક પણ ઘટના સામે આવી નથી.

    17 જૂનના રોજ બકરીદ પર ઉત્તર પ્રદેશમાં CM યોગી આદિત્યનાથની કડક ચેતવણી અને આહ્વાન પર કોઈપણ જગ્યાએ વાહનવ્યવહાર ખોરવીને રસ્તાઓ પર નમાજ પઢવામાં આવી નથી. મુસ્લિમ મૌલાનાનોએ પણ મુખ્યમંત્રીના કડક આદેશનું પાલન કર્યું હતું અને તેમનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે ઈદની નમાજ મસ્જિદ અને અન્ય પારંપરિક સ્થળોએ યોજવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં મસ્જિદ અને ઈદગાહમાં જગ્યા ન હોવાથી લોકોએ અલગ-અલગ શિફ્ટમાં નમાજ પઢી હતી. આ પહેલાંની ઈદ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

    આ સાથે જ યુપીમાં સુરક્ષાને લઈને પણ વ્યવસ્થિત તૈયારી કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું તો જમીન પર ભારે સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે ઈદના એક દિવસ પહેલાં જ ફ્લેગમાર્ચ કાઢીને લોકોને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું અને સરકારના નિયમોને પાળવા માટેની અપીલ કરી હતી. તેથી આખા રાજ્યમાં ક્યાંય પણ રસ્તાઓ પર નમાજ, હિંસા અને પ્રતિબંધિત પશુઓની કુર્બાની જેવી ઘટનાઓ જોવા મળી નહોતી.

    નોંધનીય છે કે, પહેલાં રાજ્યના દરેક શહેરમાં લાખો લોકો રસ્તાઓ અને અન્ય સ્થળો પર નમાજ પઢવા માટે આવતા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આહ્વાનનું પરિણામ એ છે કે, રાજ્યના દરેક જિલ્લામાં મસ્જિદો/ઇદગાહોમાં શાંતિપૂર્ણ રીતે નમાજ પઢીને દેશભરમાં એક નવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રવિવારે ગંગા દશેરા, સોમવારે ઈદ-ઉલ-અઝહા અને મંગળવારે જ્યેષ્ઠ મહિનાના શુભ અવસરને કારણે રાજ્ય પોલીસ વિભાગ પણ ખાસ કરીને એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. આ જ કારણ હતું કે, ઘણા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલા વિવાદનો ડર પણ પાયાવિહોણો સાબિત થયો હતો. રાજ્યના તમામ 75 જિલ્લામાંથી તહેવારની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે.

    યોગી આદિત્યનાથે આપી હતી કડક ચેતવણી

    ઉલ્લેખનીય છે કે, ગુરુવારે (13 જૂન) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને બકરીદના તહેવારની તૈયારીઓ કરવા સૂચના આપી હતી. તેમજ અધિકારીઓને જ્યાં નમાજ અદા કરવામાં આવે છે અને કુર્બાની આપવામાં આવે છે તે સ્થળોની કાળજી લેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈ નવી પરંપરા ન શરૂ થવી જોઈએ. જો કોઇપણ પ્રકારની અવ્યવસ્થા જણાશે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બકરીદ પરની તૈયારીઓ અંગે ચર્ચા કરતા CM યોગીએ કહ્યું હતું કે, રસ્તાઓ પર નમાજ નહીં પઢવા દેવાય અને પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરવામાં આવશે તો કડક કાર્યવાહી પણ થશે.

    મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, “16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરીદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં મંગળ પર્વ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇ મહિનામાં મોહરમ અને કંવર યાત્રા જેવા પવિત્ર કાર્યક્રમો યોજાનાર છે. સ્વાભાવિક રીતે આ સમય કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર અને પ્રશાસનને 24 કલાક એક્ટિવ મોડમાં રહેવાની જરૂર છે.” તેમની આ અપીલ અને કડક ચેતવણીના પરિણામે રાજ્યમાં શાંતિમય રીતે બકરીદ તહેવાર ઉજવાયો હતો.

    રાહુલ ગાંધીએ વાયનાડ છોડ્યું, રાયબરેલીથી રહેશે સાંસદ: પ્રિયંકા ગાંધી વાડ્રાના ભાગે આવી બેઠક, પહેલીવાર લડશે લોકસભા ચૂંટણી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. ત્યારે હવે તેમણે યુપીના રાયબરેલીથી સાંસદ રહેવાનું નક્કી કરીને વાયનાડ સીટ છોડી દીધી છે. વાયનાડની ખાલી પડેલી બેઠક પર હવે પેટા ચૂંટણી કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષે પ્રિયંકા ગાંધી વાડ્રા અહીંથી પ્રથમવાર લોકસભા લડશે. તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારે મીડિયા સામે માહિતી આપી હતી.

    મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “રાયબરેલી અને વાયનાડના લોકો સાથે મારું દિલથી જોડાણ છે. મારા માટે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડથી ચૂંટણી લડશે પરંતુ હું પણ આવતો-જતો રહીશ. અમે વાયનાડને આપેલા વચનો પૂરા કરીશું. રાયબરેલી સાથે મારા દિલના સંબંધ છે. વાયનાડના લોકોને લાગે છે કે તેમની પાસે બે સાંસદ છે – એક મારી બહેન છે અને બીજો હું છું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે, હું વાયનાડના દરેક વ્યક્તિને પ્રેમ કરું છું.” નોંધનીય છે કે વાયનાડમાં IUML (ઇન્ડીયન યુનિયન મુસ્લિમ લીગ) કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપે છે અને ત્યાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ સારી એવી છે.

    બીજી તરફ પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, “હું વાયનાડનું પ્રતિનિધિત્વ કરવા બદલ ખુશ છું. હું રાહુલની ગેરહાજરી નહીં સાલવા દઉં. હું સખત મહેનત કરીશ અને એક સારા પ્રતિનિધિ બનીને તમામને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો જૂનો સંબંધ છે અને તેને તોડી શકાય નહીં. હું રાયબરેલીમાં પોતાના ભાઈની મદદ કરીશ અને અમે બંને વાયનાડ અને રાયબરેલીમાં હાજર રહીશું.”

    રાયબરેલીથી રાહુલ ગાંધી 3.90 લાખ મતોના અંતરથી જીત્યા હતા. તેમને 6.87 લાખ મત મળ્યા હતા તો ભાજપના દિનેશ પ્રતિસિંહને 2.97 લાખ મત મળ્યા હતા. રાયબરેલી બેઠક પર નહેરુ-ગાંધી પરિવાર 13 વખત જીતી ચૂક્યો છે. ઈન્દિરા ગાંધી અહીંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમના પતિ ફિરોઝ ગાંધી પણ બે વાર જીત્યા હતા. સોનિયા ગાંધી અહીંથી સતત 5 વખત જીત્યા હતા. આ બેઠક 1999થી કોંગ્રેસના કબજામાં છે.

    વાયનાડની વાત કરીએ તો ત્યાં રાહુલ ગાંધી 3.64 લાખ મતોના અંતરથી જીત્યા છે. ગત વખતે તેઓ અહીંથી 4.31 લાખ મતોથી જીત્યા હતા. સીપીઆઈના ઉમેદવાર એની રાજાને રાહુલ ગાંધીની સામે 2.83 લાખ મત મળ્યા હતા. ભાજપના કે સુરેન્દ્રન 1.41 લાખ મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડશે. વાયનાડ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી લગભગ 30 ટકા છે અને તેમનું સમર્થન કોંગ્રેસને વિજય અપાવે છે.

    ‘અંતે પોપને મળ્યો ભગવાન સાથે મુલાકાત કરવાનો મોકો’: કોંગ્રેસે પહેલા ખ્રિસ્તીઓની ઠેકડી ઉડાડી, બાદમાં માંગી માફી; પીએમ મોદી સાથેની મુલાકાત બદલ છલકાવી હતી ઘૃણા

    તાજેતરમાં ઈટલી ખાતે યોજાયેલી G7 સમિટમાં વડાપ્રધાન નરેદ્ર મોદીએ ખ્રિસ્તીઓના સહુથી મોટા પાદરી પોપ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ હંમેશા પીએમ મોદીના વિરોધમાં લાગેલિ કોંગ્રેસે આ મામલે પણ પીએમને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે પહેલા ખ્રિસ્તીઓના સહુથી મોટા પાદરીને લઈને અપમાનજનક પોસ્ટ કરી અને બાદમાં માફી માંગી છે. તેમણે વડાપ્રધાન મોદીને ભગવાન કહીને પોપની મજાક ઉડાવી હતી. ત્યારે 16 જૂન 2024ના રોજ કોંગ્રેસને આ મામલે માફી માંગવી પડી છે.

    વાસ્તવમાં પોપને લઈને કેરળ કોંગ્રેસે મજાક ઉડાવી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અંતે પોપને ભગવાનની મુલાકાત કરવાનો મોકો મળી ગયો.” તેમની આવી હરકત બાદ માફી માંગતા કેરળ કોંગ્રેસે લખ્યું કે, “આ દેશની જનતા જાણે છે કે, કોઈ પણ ધર્મ, ધર્મગુરુઓ અને મૂર્તિનું અપમાન કરવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરા નથી. કોંગ્રેસ એક એવી ચળવળ છે જે તમામ ધર્મો અને આસ્થાઓને એક સાથે જોડે છે અને લોકોને એક સૌહાર્દના માહોલમાં આગળ વધારે છે.”

    કોંગ્રેસે કહ્યું છે કે તેમનો કોઈ પણ કાર્યકર્તા પોપનું અપમાન કરવાનું વિચારી પણ ન શકે. બીજી તરફ વડાપ્રધાન મોદીના અપમાનને લઈને કોંગ્રેસે કહ્યું છે કે તેમને પીએમ મોદીનો મજાક ઉડાવવામાં કોઈ જ તકલીફ નથી કારણકે તેમણે પોતાને ભગવાન ગણાવ્યા હતા.

    કોંગ્રેસે લખ્યું હતું કે, “કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા પોપનું અપમાન કરવાનું દૂર દૂર સુધી વિચારી પણ ન શકે, જેમને વિશ્વભરના ખ્રિસ્તીઓ પૂજ્ય માને છે. જોકે, કોંગ્રેસને પીએમ મોદીનો મજાક બનાવવામાં કોઈ જ તકલીફ નથી. તેઓ પોતે પોતાને ભગવાન ગણાવીને આ દેશના આસ્તિકોનું અપમાન કરે છે.”

    કેરળ કોંગ્રેસે આ પછી પોતાની વિવાદાસ્પદ પોસ્ટને લઈને ભાજપની આલોચનાને ખોટી ઠેરવી. તેમણે લખ્યું, “આ રીતે તે લોકો મોદી અને તેમના સાથી સુરેન્દ્રનની સાંપ્રદાયિક માનસિકતાને સમજી શકશે, જે નરેન્દ્ર મોદીના રાજનૈતિક રમતને અપમાન રૂપમાં ચિત્રિત કરી રહ્યા છે.”

    આટલું ઓછું હતું તે કોંગ્રેસે આ આખા મુદ્દાને અવળા માર્ગે દોરી જવા માટે તેને મણીપુર સાથે જોડી દીધો. તેમણે લખ્યું કે, “સુરેન્દ્રન અને તેમના સહયોગી ખ્રિસ્તીઓને તેવા લોકોના સમૂહના રૂપે નીચું દેખાડવા માંગે છે કે જેમાં કોઈ આત્મસન્માન નથી. જો ખ્રિસ્તી સમુદાય પ્રત્યે સાચો પ્રેમ હોય તો મોદી અને તેમના સાથી મણીપુરમાં તેમના પ્રાર્થના સ્થળોને સળગાવવા પર ચુપ ન રહ્યા હોત. પહેલા તેમણે ખ્રિસ્તીઓની બિનશરતી માફી માંગવી જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે, કેરળ ભાજપના અધ્યક્ષ કે સુરેન્દ્રને રવિવારે (16 જૂન, 2024) આરોપ લગાવ્યો હતો કે કેરળ કોંગ્રેસ X હેન્ડલ ‘કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ’ અથવા ‘શહેરી નક્સલવાદીઓ’ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમણે રાષ્ટ્રવાદી નેતાઓ પર અપમાનજનક પોસ્ટ્સ પોસ્ટ કર્યા પછી હવે પોપ અને ખ્રિસ્તી સમુદાયની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.

    આ તમામ નિવેદન આપ્યા બાદ કેરળ કોંગ્રેસે માફીનો ઉલ્લેખ કર્યો. પાર્ટીએ કહ્યું, “જો આ પોસ્ટથી ખ્રિસ્તીઓને કોઈ ભાવનાત્મક અથવા માનસિક પીડા થઈ હોય, તો અમે બિનશરતી માફી માંગીએ છીએ.” કેરળ કોંગ્રેસે રવિવારે એક X પોસ્ટ શેર કર્યા બાદ આ સમગ્ર મામલાની શરૂઆત થઈ હતી, તેમાં પીએમ મોદીની એક તસવીર સામેલ હતી, જેમાં તેઓ કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ પાદરી પોપ સાથે વાતચીત કરી રહ્યા હતા.

    પોપ ફ્રાન્સિસ સાથેની નરેન્દ્ર મોદીની તસવીર કેરળ કોંગ્રેસ દ્વારા ઠેકડી ઉડાડતી પોસ્ટમાં મૂકવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું કે, “આખરે, પોપને ભગવાનને મળવાનો મોકો મળી ગયો.” આ લખતી વખતે કોંગ્રેસ ભૂલી ગઈ કે તેણે પીએમ મોદીની તુલના જીસસ સાથે કરી હતી, કારણ કે પોપના ગોડ જીસસ છે.

    પીએમ મોદી અને પોપની આ તસવીર હાલમાં જ સંપન્ન થયેલી G7 સમિટ દરમિયાન લેવામાં આવી હતી, જેમાં પીએમ નરેન્દ્ર મોદીને ભાગ લેવા માટે ઈટલી આમંત્રિત કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, કારણ કે તેમને AIના પક્ષ અને વિપક્ષ વિષે વાત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.