Wednesday, April 1, 2026
More
    Home Blog Page 360

    કોલકાતાની ઘટના પર ગુજરાતમાં પડઘા: અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં તબીબોએ નોંધાવ્યો વિરોધ, કરી ત્વરિત ન્યાયની માંગ

    પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જૂનીયર ટ્રેની ડૉકટરની હત્યા અને ત્યાર બાદ હજારોના ટોળાએ હોસ્પિટલમાં ઘૂસી જઈને મચાવેલા આતંકના વિરોધમાં દેશભરમાં તબીબો પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે ગુજરાતની અનેક સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. તબીબોએ OPD તથા અન્ય સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, જયારે ઈમરજન્સી સારવાર ચાલુ રાખવાનું કહ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને વલસાડમાં સરકારી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તમામની માંગ છે કે, કોલકાતાની મૃતક ડૉકટરને ઝડપથી ન્યાય આપવામાં આવે. આ ઉપરાંત તબીબો દ્વારા હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માગ કરવામાં આવી છે. તેમજ CCTV ,સુરક્ષા વધારવા અને લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવાની પણ માગ કરવામાં આવી છે.

    બીજી તરફ અમદાવાદ સિવિલમાં આ હડતાલને લઈને સિવિલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હડતાલની અસર દર્દીઓ પર ન થાય તે માટેના આયોજન કરવામાં આવ્યા છે. હોસ્પિટલનાં R1-R-4 નાં તમામ ડોક્ટર હડતાળ પર છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને સીનીયર રેસીડેન્ટ ડૉક્ટરો OPD અને વોર્ડ સહિતનો તમામ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે.

    બીજી તરફ સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળના કારણે ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જોકે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ભાવનગર અને જામનગરમાં પણ આ પ્રકારની જ પરિસ્થિતિ છે. જામનગરની હોસ્પિટલમાં ડૉક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર ઈમરજન્સી સેવાઓમાં જ ફરજ બજાવવામાં આવી રહી છે. 500થી વધુ જુનિયર અને રેસિડેન્ટ તબીબોએ હડતાલ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, ઘટનાને લઈને કોલકાતા સહિત સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે તો સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સવાલો મમતા બેનર્જીની સરકાર પર પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ, તેઓ ભાજપ અને અન્ય પાર્ટીઓ પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. કોલકાતા પોલીસ પણ સવાલોના ઘેરામાં છે, બીજી તરફ પોલીસ કમિશનર કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં અમુક ખોટી માહિતી ફેલાવાના કારણે તોડફોડની ઘટના બની હતી.

    આ તોડફોડની ઘટના બાદ કલકત્તા હાઈકોર્ટે પણ મમતા બેનર્જીની સરકારનો ઉધડો લીધો હતો. તેમણે સરકારને કહ્યું હતું કે તેમની મશીનરી ફેલ ગઈ છે. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારે વહીવટ કરવા કરતા સરકારે હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવી જોઈએ અને દર્દીઓને અન્યત્ર ખસેડી દેવા જોઈએ.

    જમ્મુ કાશ્મીરમાં ત્રણ અને હરિયાણામાં એક તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી: ઇલેક્શન કમિશને જાહેર કરી તારીખો, 4 ઓક્ટોબરે થશે મતગણતરી

    શુક્રવાર 16 ઑગસ્ટે ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા હરિયાણા રાજ્ય અને જમ્મુ-કાશ્મીર બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની (Legislative Election) તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન 3 તબક્કામાં યોજાશે. જ્યારે હરિયાણામાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

    16 ઓગસ્ટે ભારતીય ચૂંટણી પંચના અધ્યક્ષ રાજીવ કુમારે આ વિશે માહિતી આપવા (Rajeev Kumar) નવી દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે હરિયાણા (Haryana) અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જાહેરાત કરતાં તેમણે માહિતી આપી કે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબર 2024ના રોજ એક જ તબક્કામાં યોજાશે. જ્યારે 4 ઓકટોબરે મતગણતરી કરવામાં આવશે.

    તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંગે માહિતી આપતાં જણાવ્યુ કે, ત્યાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન 3 તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 18 સપ્ટેમ્બરના રોજ, બીજો તબક્કો 25 સપ્ટેમ્બરના રોજ અને ત્રીજો તબક્કો 1 ઓક્ટોબરના રોજ યોજાશે. જેની મતગણતરી પણ 4 ઓકટોબરના રોજ કરવામાં આવશે.

    અધ્યક્ષ રાજીવ કુમારના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરની મતદાર યાદી 20 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે. જ્યારે હરિયાણાની મતદાર યાદી 27 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે. હરિયાણામાં લગભગ 2 કરોડ મતદારો છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 8.70 લાખ મતદારો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં હવે પરિવર્તન આવી રહ્યું છે અને લોકોએ હિંસાને નકારી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદની જાહેરાત કરવામાં આવી ત્યારે એવી અટકળો ચાલી હતી કે, અધ્યક્ષ રાજીવ કુમાર હરિયાણા તથા ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર એમ ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીની તારીખો આપશે, પરંતુ અધ્યક્ષ રાજીવ કુમારે આ પત્રકાર પરિષદમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીર એમ બે જ રાજયોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવામાં થોડો સમય લાગશે.

    નોંધનીય છે કે, વર્ષ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર રાજયનું નવેસરથી સીમાંકન કરવામાં આવ્યું હતું. જે બાદ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ. નવી સીમાંકન પ્રક્રિયા બાદ જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાની 47 બેઠકો છે. જેમાં અગાઉની બેઠકો કરતાં એક બેઠકનો વધારો થયો હતો.

    બાંગ્લાદેશી હિંદુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં નાસિકમાં સનાતનીઓની રેલી પર કટ્ટરવાદીઓનો હુમલો: ભીષણ પથ્થરમારા વચ્ચે સુરક્ષાદળોએ છોડ્યા ટીયર ગેસના સેલ

    મહારાષ્ટ્રથી (Maharashtra) મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધની હિંસાના (Violence on Bangladeshi Hindu) વિરોધમાં હિંદુ સમાજે શુક્રવારે (16 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર બંધની ઘોષણા કરી હતી. દરમિયાન ઠેક-ઠેકાણે હિંદુ સમાજે અનેક શાંતિપૂર્ણ રેલીનું પણ આયોજન કર્યું હતું. તેવામાં નાસિક ખાતે હિંદુઓએ કાઢેલી રેલી પર કટ્ટરપંથી ટોળાએ પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો. પરિસ્થિતિ એ હદે વણસી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર બંધની ઘોષણા બાદ નાસિકમાં (Nasik) હિંદુ સમાજના લોકો એક રેલી કાઢી રહ્યા હતા. દરમિયાન ભદ્રકાળી વિસ્તારમાં કેટલાક મુસ્લિમ દુકાનદારોએ તેમનો વિરોધ કરીને દુકાનો બંધ નહોતી કરી. ત્યારબાદ બંને સમુદાયો વચ્ચે વિવાદ ઉભો થયો. વિવાદ ચાલી જ રહ્યો હતો કે રેલી પર કેટલાક કટ્ટરપંથીઓએ પથ્થરમારો (Stone pelting) કરી દીધો હતો. થોડી જ વારમાં આખા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.

    ઘટનાની જાણ થતા જ ભદ્રકાળી વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પથ્થરમારો એટલો ભયાવહ હતો કે સુરક્ષાદળોને પણ પરિસ્થિતિ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે.

    નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારને લઈને નાસિક રોડ, સુભાષ રોડ, દેવલાલી ગામ સ્ટેશન રોડ, ડૉ. બાબા સાહેબ આંબેડકર રોડ, છત્રપતિ શિવાજી ચોક, બીટકો ચોક, મુક્તિધામ સર્કલ, જેલ રોડ, સિન્નર સહિત અનેક વિસ્તારોમાં લોકોએ બાંગ્લાદેશી હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં બંધને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

    ઘટનાને લઈને આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સાથે જ અન્ય વિસ્તારોમાં પણ ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ અને સુરક્ષા દળો ચોકસાઈ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં સત્તા ઉથલાવ્યા બાદથી જ હિંદુઓ વિરુદ્ધ હિંસા શરૂ થઇ ગઈ હતી. હિંદુઓની હત્યા અને પ્રતાડનાના સેંકડો કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

    દ્વારકાના ભાણવડમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર હિંદુ યુવકની હત્યા મામલે ઈસ્માઈલ અને સુલતાનની ધરપકડ: તપાસમાં ખુલાસો- ઘડ્યું હતું હત્યાનું કાવતરું

    થોડા દિવસો પહેલાં દ્વારકા (Devbhumi Dwarka)ના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા અને મુસ્લિમ યુવતી સાથે પરણેલા એક હિંદુ યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે એક સગીર ઉપરાંત 6 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. પહેલાં ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુવતીના પરિવારના ઈસ્માઈલ અને સુલતાને જ આ આખી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે બંનેને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા ઈસ્માઈલ ઉર્ફે બેરીયો સુલેમાન દેથા અને સુલતાન આમદ દેથા બંને મૃતક યુવકની પત્ની રઝમાના કુટુંબના સભ્યો છે. આ બંને આરોપીઓ પણ શેઢાખાઈ ગામે જ રહે છે. પોલીસે આગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આ બંનેના નામ પણ ખૂલ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવકની હત્યા કરવાનું જે કાવતરું ઘડવામાં આવ્યું, તેમાં આ બંને પણ સરખા ભાગીદાર હતા. હાલ પોલીસે બંનેને જેલમાં મોકલી આપીને ધારા-ધોરણો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ભાણવડ પોલીસે જ અખબારી યાદી જાહેર કરીને માહિતી આપી હતી.

    શું હતી આખી ઘટના

    ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 2024ના રોજ ભાણવડથી (Bhanvad) આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના 24 વર્ષના હિંદુ યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરનાર આરોપીઓ તેની મુસ્લિમ પત્નીના પરિવારના પુરુષો હતા. યુવતીના અબ્બુને આ સંબંધ મંજુર ન હતો અને તે પોતાની ઈચ્છા અનુસાર રઝમાના નિકાહ કરાવવા માંગતા હતા. દરમિયાન રઝમા અને યાજ્ઞિકે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંનેએ ગામ ત્યજી દીધું હતું અને રાજી-ખુશીથી લગ્નજીવન વ્યતીત કરી રહ્યા હતા.

    દોઢ વર્ષથી ગામથી દૂર રહેતા આ યુગલને ત્યાં દોઢ મહિના પહેલાં જ પારણું બંધાયું હતું. તેમના ઘરે દીકરીનો જન્મ થતા બંને ખૂબ ખૂશ હતા. બાળકીના જન્મ બાદ બંને પોતાના વતન શેઢાખાઈ આવી ગયા હતા. દરમિયાન રઝમાના પરિવાર સાથે પણ સંબંધો સામાન્ય થતા જણાઈ રહ્યા હતા. બધું સામાન્ય થઈ ગયું હોવાનું માનીને યુગલે પોતાના વતનમાં જ ઘરસંસાર માંડ્યો હતો.

    બધું સામાન્ય હોવાનું માનીને ઘટનાના દિવસે બપોરે યાજ્ઞિક ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળ્યો હતો અને તેના એક મિત્ર સાથે ગામના બસ સ્ટેશન પાસે ગયો હતો. તેને જોઇને રઝમાનો ભાઈજાન સાજીદ, સગીર આરોપી ઉપરાંત તેના ચાચુ સલીમ હુસૈન, આમદ મુસા, જુમા મુસા, ઓસમાણ મુસા ઉર્ફે ભકો અને હોથી કાસમ નામના કુલ સાત લોકો (Muslim Mob) કુહાડા છરી અને લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારો લઈને ધસી આવ્યા હતા. આ તમામ લોકોએ યાજ્ઞિકની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. યુવક કશું સમજે તે પહેલાં જ તમામે તેને ઘેરી લીધો અને આડેધડ ઘા ઝીંકવા લાગ્યા હતા.

    આરોપીઓ પીડિત યુવકને અધમુઓ કરીને નાસી છૂટ્યા હતા. તેની પત્નીએ તાત્કાલિક 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને યુવકને લોહીલુહાણ હાલતમાં ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત ખૂબ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. પરિવાર તેને લઈને જામનગર જવા નીકળ્યો હતો, પરંતુ સિક્કા ગામ નજીક જ યાજ્ઞિકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જામનગરની જીજી (Jamnagar) હોસ્પિટલના તબીબોએ પણ તેને મૃત ઘોષિત કર્યો હતો. જુવાનજોધ દીકરાની હત્યાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હિંદુ યુવકની હત્યાની ઘટના બાદ શેઢાખાઈ ગામમાં પણ સોંપો પડી ગયો હતો.

    સ્વતંત્રતા દિવસના ભાષણમાં PM મોદીએ શા માટે કર્યો ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ? UCCથી અલગ છે આ નાગરિક સંહિતા?: જાણો તમામ પ્રશ્નોના સરળ-સાચા ઉત્તર

    ગુરુવારે (15 ઑગસ્ટ, 2024) વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનની સાથે પોતાનું હમણાં સુધીનું સૌથી લાંબુ વક્તવ્ય આપ્યું હતું. લાલ કિલ્લા પરથી અપાયેલા ભાષણમાં વડાપ્રધાન મોદીએ અનેક મુદ્દાઓને આવરી લીધા હતા. તેમણે બાંગ્લાદેશમાં થયેલા હિંદુ લઘુમતીઓના દમનને લઈને પણ અવાજ ઊંચક્યો હતો. તે સિવાય તેમણે ‘વન નેશન-વન ઇલેક્શન’ અને ‘સેક્યુલર સિવિલ કોડ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે ‘સેક્યુલર સિવિલ કોડ’ની ખૂબ જરૂરિયાત છે. ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરવાની સાથે જ દેશભરમાં ચર્ચાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકોને પ્રશ્ન થઈ રહ્યા છે કે, શું ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) અને ‘સેક્યુલર સિવિલ કોડ’ અલગ-અલગ છે કે એક જ છે.

    15 ઑગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરીને આડકતરી રીતે UCC વિશેની વાત કરી હતી. તેમણે લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરતાં કહ્યું હતું કે, વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા હોવી અને ભેદભાવપૂર્ણ સાંપ્રદાયિક નાગરિક સંહિતાને સમાપ્ત કરવી એ સમયની જરૂરિયાત છે.” તેમના આ ભાષણ દરમિયાન CJI ચંદ્રચૂડ પણ ત્યાં જ હાજર હતા.

    વડાપ્રધાન મોદીએ આ કાયદાને લઈને થયેલી અનેક ચર્ચાઓ વિશે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતા (UCC) વિશે વારંવાર ચર્ચા કરી છે અને ઘણીવાર તો આદેશ પણ આપ્યા છે. દેશનો એક મોટો વર્ગ માને છે અને તે સત્ય પણ છે કે, જે નાગરિક સંહિતા સાથે આપણે જીવી રહ્યા છીએ, તે વાસ્તવમાં સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે.” તેમના આ ભાષણથી હવે ‘ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા’ (Secular Civil Code)ની ચર્ચા શરૂ થઈ છે.

    સેક્યુલર સિવિલ કોડ અને UCC બંને સમાન છે?

    PM મોદીએ ‘સેક્યુલર સિવિલ કોડ’નો ઉલ્લેખ કરીને શરૂ કરેલી આ ચર્ચા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, UCC અને સેક્યુલર સિવિલ કોડ બંને સમાન સંહિતા છે કે પછી કોઈ તફાવત છે? ભાજપના લઘુમતી પાંખના વડા જમાલ સિદ્દિકીએ આ અંગે ન્યૂઝ18ને ઉત્તર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંને સંહિતાઓ સમાન જ છે. તેમાં કોઈ તફાવત નથી. પરંતુ બંનેનો દ્રષ્ટિકોણ અલગ છે. બંને એક સમાન જ છે, પરંતુ જે રીતે કહેવામાં આવ્યું છે, તે રીતે લોકોને સમજવામાં સરળતા રહે છે. હું નાગરિક સંહિતાના વિમર્શને લોકો માટે સરળ બનાવવાને લઈને વડાપ્રધાનની સરાહના કરું છું.” તેમનો કહેવાનો અર્થ એવો છે કે, બંને કાયદા સમાન જ છે. બસ, શબ્દ અલગ વાપરવામાં આવ્યો છે. દેશની બહુમતી પ્રજા તે સિવિલ કોડને સરળતાથી સમજી શકે, તે માટે તેને અલગ શબ્દ સાથે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે.

    સમાન નાગરિક સંહિતા (UCC)નો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ-4ના અનુચ્છેદ 44માં કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, “રાજ્ય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.” ભારતીય બંધારણના ઘડવૈયાઓએ તે સિવિલ કોડને ભવિષ્ય માટે છોડ્યો હતો, પરંતુ તેના પર કાયદો બની શક્યો નહોતો. તેથી UCC એ કાયદો છે, જે ભારતના તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરશે અને દેશના તમામ લોકોને એક તાંતણે બાંધી દેશે.

    શું છે UCC? શા માટે છે તેની જરૂર?

    UCC (Uniform Civil Code)નો શાબ્દિક અર્થ થાય છે, સમાન નાગરિક સંહિતા. દેશમાં રહેતા તમામ લોકો માટે સમાન કાયદા હોય તેને UCC કહેવામાં આવે છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો તે. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, તલાક, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.

    ભારતમાં વિભિન્ન ધર્મ, મઝહબ અને સંસ્કૃતિના લોકો એકસાથે રહે છે. પરંતુ તેમના વ્યક્તિગત મામલાઓમાં અલગ-અલગ કાયદાઓ લાગુ થયેલા છે. આ જ વ્યવસ્થા ઘણીવાર વિવાદનું કારણ પણ બને છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ તમામ ધર્મ અને મઝહબમાં ચાલી રહેલી તમામ પ્રકારની અસમાનતાને સમાપ્ત કરવામાં આવશે. હાલમાં ઘણા વિવાદિત નિયમો પણ ચાલી રહ્યા છે. જેમ કે, મુસ્લિમ પર્સનલ લૉ પ્રમાણે, મુસ્લિમ મહિલા બાળકને દત્તક લઈ શકે નહીં, મુસ્લિમ પુરુષ એક કરતાં વધુ વખત નિકાહ કરી શકે છે. આ બધી અસમાનતાને દૂર કરવા માટે UCCની જરૂર પડી રહી છે.

    UCC લાગુ થવાથી શું થશે પરિવર્તન?

    UCC લાગુ થયા બાદ અનેક કાયદાઓમાં પરિવર્તન આવી જશે. દેશમાં તમામ પ્રકારના મત, મજહબ અને પંથના લોકો પર તેની સીધી અસર પડશે. વારસદારના કાયદાથી લઈને નિકાહની ઉંમર સુધીના તમામ કાયદાઓ તમામ પ્રકારના લોકો માટે સમાન થઈ જશે. જેના કારણે મુસ્લિમોમાં ચાલી રહેલા બાળનિકાહ કે નાની ઉંમરમાં થઈ રહેલા નિકાહને પણ અટકાવી શકાશે. તે સિવાય પણ ઘણા કાયદાઓમાં પરિવર્તન થવાની સંભાવના છે. આપણે મુદ્દાસર તેના વિશે ચર્ચા કરીશું.

    નાની ઉંમરે થયેલા નિકાહ ગુનો ગણાશે:

    18 વર્ષની કન્યા અને 21 વર્ષના યુવકના લગ્ન કે નિકાહ જ કાયદાકીય રીતે યોગ્ય અને મહત્વના ગણાય છે. તમામ ધર્મ અને પંથમાં લગ્નની ઉંમર આ જ રાખવાની હોય છે. પરંતુ, ઇસ્લામમાં માનનારા લોકોમાં ઘણી નાની ઉંમરે જ બાળકીઓના નિકાહ કરી નાખવામાં આવે છે. તેઓ એવું માને છે કે, બાળકી જ્યારે ‘માસિક ધર્મ’માં આવતી થાય, ત્યારે તેના નિકાહ કરાવી નાખવા જરૂરી છે. જોકે, નિકાહ થયા બાદ તેની સીધી અસર બાળકીના સ્વાસ્થ્ય પર પણ પડે છે. બાળકને જન્મ આપતી વખતે તે બાળકીનું મોત પણ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ બાળનિકાહ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

    તલાકના સમાન નિયમો:

    તમામ પંથ કે ધર્મના લોકો માટે ડિવોર્સના નિયમો અલગ-અલગ છે. હિંદુ, શીખ, ખ્રિસ્તી સમુદાયના લોકોના નિયમો પણ ઘણા અલગ છે. હિંદુઓમાં છૂટાછેડા માટે 6 મહિના સુધીનો સમય લાગે છે. જ્યારે ખ્રિસ્તીઓમાં 2 વર્ષ સુધીનો સમય લાગે છે. બીજી તરફ ઇસ્લામમાં તો તદ્દન ભિન્ન જ નિયમ લાગુ પડે છે. તેમાં કોઈપણ સમયે પુરુષો ત્રણ વખત ‘તલાક.. તલાક.. તલાક..’ કહીને મહિલાઓને તલાક આપી દે છે. જોકે, ભારતમાં હવે તે કુરિવાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ તેમ છતાં ક્યારેક-ક્યારેક આવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેથી UCC લાગુ થયા બાદ તમામ પંથના લોકો માટે સમાન સંહિતા હશે.

    મુસ્લિમ મહિલાઓ દત્તક લઈ શકશે બાળક, બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ:

    મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ કોઈપણ મુસ્લિમ મહિલા કોઈપણ બાળકને દત્તક લઈ શકતી નથી. બીજી તરફ હિંદુ મહિલાઓ બાળકને દત્તક લઈને સંતાન હોવાનું ગર્વ લઈ શકે છે. UCC લાગુ થયા બાદ મુસ્લિમ મહિલાઓને પણ સંતાન દત્તક લેવાનો અધિકાર મળી જશે. તે ઉપરાંત તમામ ધર્મ અને પંથમાં એક જ લગ્ન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ઇસ્લામમાં માનનારા પુરુષોને 4 નિકાહ કરવા સુધીની પરવાનગી આપવામાં આવી છે. UCC લાગુ થયા બાદ બહુપત્નીત્વ પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.

    સંપત્તિ અધિકારના કાયદામાં સમાનતા:

    હાલના કાયદા અનુસાર હિંદુ સ્ત્રીઓને તેમના માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળે છે અને પહેલાં પણ આપવામાં આવતો રહ્યો છે. પરંતુ અન્ય કેટલાક પંથમાં આવું નથી. ત્યાં, જો કોઈ કોઈ કન્યા અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેને મિલકતમાંથી કાઢી મૂકવાની જોગવાઈ છે. UCCના આગમન સાથે, મિલકત સંબંધિત સમાન નિયમો તમામ મત, મઝહબ અને પંથમાં લાગુ થશે.

    ઉપરોક્ત જણાવવામાં આવેલા મુદ્દાઓ સિવાય, અન્ય પણ ઘણા મુદ્દાઓનો તેમાં સમાવેશ થઈ શકે છે. UCC લાગુ થયા બાદ નાગરિકોમાં પણ સમાનતાની ભાવના જાગશે અને ભારતના તમામ નાગરિકોને સમાન અધિકાર અને હક્ક મળી શકશે. ભૂતકાળમાં ઘણીવાર પર્સનલ લૉના કાયદાઓ વિવાદ ઊભો કરનારા રહ્યા હતા. સમાન નાગરિક સંહિતાથી તમામ પંથ, સમાજ, સમુદાય અને મઝહબના લોકોને સમાન કાયદાઓનું પાલન કરવાનું રહેશે.

    ‘સરકારની નાકામી, દવાખાનાને તાળા મારી દો’: જ્યાં મહિલા તબીબના બળાત્કાર અને હત્યાની ઘટના બની, તે હોસ્પિટલમાં હિંસા બાદ કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારનો ઉધડો લીધો

    પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ગત 14 ઓગસ્ટ 2024ના રોજ એક ટોળાએ હિંસા ફેલાવી હતી. આ એ જ હોસ્પિટલ છે, જ્યાં એક ટ્રેની તબીબની બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપ છે કે ઘટનાના પુરાવાઓ નષ્ટ કરવા માટે થઈને ટોળું ત્યાં ધસી ગયું હતું અને તોડફોડ આદરી હતી. આ મામલે કલકત્તા હાઈકોર્ટે રાજ્યની મમતા બેનર્જી સરકારનો ઉધડો લીધો છે. કોર્ટે સખ્ત શબ્દોમાં ટિપ્પણી કરીને કહ્યું છે કે આ હિંસા એ સરકારની ચૂક છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) 14 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) તોડફોડ મામલે મમતા બેનર્જીની (Mamta Banerjee) TMC સરકારનો ઉધડો લેતા આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે. કોર્ટનું માનવું છે કે આ ઘટના એ સરકારી મશીનરીની સંપૂર્ણ નકામીનું મોટું ઉદાહરણ છે. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારે વહીવટ કરવા કરતા સરકારે હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવી જોઈએ અને દર્દીઓને અન્યત્ર ખસેડી દેવા જોઈએ.

    કોર્ટની આ ટિપ્પણી સાંભળીને બંગાળ સરકાર પક્ષે હાજર વકીલે દલીલ આપતા કહ્યું હતું કે ઘટના સમયે ત્યાં પોલીસ દળ હાજર હતું. આ દલીલ સાંભળી ચીફ જસ્ટીસની આગેવાનીવાળી ખંડપીઠે કહ્યું હતું કે તેઓ (પોલીસ) પોતાની જ સુરક્ષા ન કરી શક્યા. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કોર્ટે કહ્યું હતું કે તબીબો આવા વાતાવરણમાં નીડર થઈને કામ કેવી રીતે કરી શકે?

    7000 લોકો ઘૂસી ગયા તે સરકારની વિફળતા

    કોર્ટે સરકારને ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, “ઘટના બાદ તમે શું કરી રહ્યા છો? તકેદારી માટે શું પગલા લેવામાં આવ્યા હતા?” દરમિયાન પોતાની નિષ્ફળતાનું ઠીકરું ટોળા પર ફોડતા સરકારે કહ્યું હતું કે એક સાથે 7000 લોકો ધસી આવ્યા હતા. જેના પર પણ કોર્ટે તેમને અવળા હાથે લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે, “લોકો હોસ્પિટલમાં ઘૂસી આવે તો તેવી સ્થિતિ માટે પોલીસે ત્યાં હાજર રહેવું પડે. જો 7000 લોકો ઘૂસી ગયા હોય તો તે માનવું મુશ્કેલ નથી છે કે રાજ્ય સરકાર અસફળ સાબિત થઇ છે. આટલા લોકો કાંઈ પગે ચાલીને તો નહીં આવ્યા હોય ને? આ રાજ્ય સરકારની મશીનરીની વિફળતા છે.”

    સરકાર પક્ષે હાજર વકીલે દલીલ આપી હતી કે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પર અસંતોષ દર્શાવતા કોર્ટે કહ્યું હતું કે જો 10-15 લોકો ઘૂસ્યા હોય તો સમજી શકાય, પણ 7000 લોકો ઘૂસ્યા હોય તો તે નિષ્ફળતા જ છે. આ દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું હતું કે તેમને આ ઘટના પર બંગાળના નાગરિક હોવાના કરને દુખી થવું જોઈએ. કોર્ટે સરકાને કહ્યું કે, “અમે આપની વાત સાંભળી, તેને રેકોર્ડ પર લો. અમને બર્બરતા થઈ હોવાના અનેક મેસેજ મળ્યા છે. આ ઘટનાઓ શા માટે થઈ. લોકોએ કેમ તોડફોડ કરી? શું આ કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા નથી? તમારે સમજવું જોઈએ કે રાજ્યની જનતા પીડામાંથી પસાર થઇ રહી છે. કોર્ટે સરકારને એવું કશું કરવાનું કહ્યું હતું કે જેનાથી રાજ્યની જનતા અને કોર્ટ બંને તેમના પર ભરોસો કરી શકે.”

    સ્વતંત્રતા દિવસની ઉજવણી પર ‘ભારત માતા કી જય’ના વિરોધમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા: એકની ધરપકડ, તપાસ ચાલુ

    15 ઓગસ્ટે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) ચોંકાવનારી ઘટના સામે આવી છે. મધ્ય પ્રદેશના વિદિશા (Vidisha) જિલ્લાના લાતેરી તાલુકાના મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. તેનો વિડીયો બહોળા પ્રમાણમાં વાયરલ થયા બાદ આ ઘટનાનો વિરોધ થયો હતો. સ્થાનિક BJPના નેતાઓએ આવેદન પણ આપ્યું હતું.

    સ્વતંત્રતા દિન નિમિત્તે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લા પરિસરમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તેની પૂર્ણાહુતિ તરફ હતો. ત્યારે સમાપન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ‘ભારત માતા કી જય’ (Bharat Mata Ki Jai) એવા ​​નારા લગાવ્યા હતા. આ દરમિયાન ‘ભારત માતા કી જય’નો જયઘોષ કરવાની જગ્યાએ કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ (Pakistan Zindabad) એવા દેશ વિરોધી નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

    મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા આવા દેશ વિરોધી નારા લગાવવાના કારણે કાર્યક્રમ સ્થળ પર જ વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર પોલીસે સ્થળ પરથી એક વિદ્યાર્થીને પકડી લીધો હતો. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ પોલીસથી બચીને ભાગવામાં સફળ થયા હતા. આ બાદ હિંદુ સંગઠનોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. જેના પગલે ભાજપના નેતાઓએ પોલીસને આવેદન આપી દેશ વિરોધી નારા લગાવનારાઓની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી.

    આ બાબતે પોલીસનું કહેવું છે કે ઘટના દરમિયાન જ આરોપીમાંથી એક સગીરને પકડી લેવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની ફરિયાદ અને આવેદનના આધારે કેસ નોંધવા અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોના આધારે પોલીસે અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે.

    આ પહેલા પણ મુસ્લિમો લગાવી ચૂક્યા છે આવા નારા

    ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી નારા લગાવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ કર્ણાટકના કોંગ્રેસનાં ઉમેદવાર સૈયદ નસીર હુસૈનની રાજ્યસભાની ચૂંટણીમાં જીત થઈ હતી. આ બાદ વિધાના સૌધામાં મોહમ્મદ શફી નશીપુડી નામક કોંગ્રેસી સમર્થકે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ એવા નારા લગાવ્યા હતા. કરવાના કેસમાં મોહમ્મદ શફી નશીપુડીને પકડવામાં આવ્યો હતો. બાદમાં તપાસમાં સામે આવ્યું હતું કે મોહમ્મદ શફી એક વેપારી અને કોંગ્રેસના સાંસદનો સમર્થક હતો. જીતની ઉજવણીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના રાજકીય સચિવ સૈયદ નાસીર હુસૈન સાથે વિધાના સૌધામાં હાજર હતો. જ્યાં તેણે પાકિસ્તાન તરફી નારા લગાવ્યા હતા.

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં મહિલાઓએ કર્યું પ્રદર્શન: દિલ્હીના મંડી હાઉસથી જંતર-મંતર સુધી ‘નારી શક્તિ ફોરમ’ની મૌન પદયાત્રા

    બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુ વિરોધી હિંસાનો વિરોધ કરવા શુક્રવારે (16 ઓગસ્ટ) દેશની રાજધાની દિલ્હી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાનો બનાવી મંદિરોમાં તોડફોડ, હિંદુઓના ઘરો પર હુમલા, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી હતી. ઉપરાંત હિંદુઓ પર એટ્રોસિટીની ઘટનાઓ પણ સામે આવી હતી. આ મુદ્દે કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન અવાજ નથી ઉઠાવી રહ્યા. ત્યારે દિલ્હીમાં ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા આ હિંસાનો વિરોધ કરવા દિલ્હીમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    16 ઓગસ્ટ શુક્રવારે દેશની રાજધાની દિલ્હી ખાતે ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા મંડી હાઉસથી શરૂ કરી જંતર-મંતર સુધી પ્રદર્શન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં સામાજિક ક્ષેત્રે, તથા દરેક ક્ષેત્રે આગળ વધી પોતાની ભૂમિકા ભજવી રહેલી દરેક મહિલાઓએ ભાગ લીધો હતો. દેશની પ્રખ્યાત યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી સહિત વિવિધ શિક્ષણ સંથાઓના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ઉપરાંત ગૃહિણીઓ, ડોક્ટર, વકીલ, પેરામેડિકલ સ્ટાફ સહિત દરેક ક્ષેત્રના લોકો આ વિરોધ પ્રદર્શનમાં સંમેલિત થયા હતા. પ્રદર્શનમાં અલગ અલગ સ્થાનો પરથી લગભગ 60,000 લોકો જોડાય તેવી સંભાવનાઓ હતી.

    પ્રદર્શન દરમિયાન ‘બાંગ્લાદેશ અલ્પસંખ્યક સમાજ પર અત્યાચાર બંધ કરો’, ‘બાંગ્લાદેશ દલિત સમાજ પર અત્યાચાર બંધ કરો’, જેવા પોસ્ટર પણ જોવા મળ્યા હતા. ઉપરાંત બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યાને લઈને પણ ‘1971 હિંદુ વસ્તી 18%, 2024માં હિંદુ વસ્તી 8%’ એવા પોસ્ટર પણ મહિલાઓના હાથમાં જોવા મળ્યા હતા. સાથે દુર્ગા માતા કી જય, ભારત માતા કી જયની ઘોષણાઓ પણ કરવામાં આવી હતી.

    Zee News સાથે વાતચીતમાં એક મહિલાએ કહ્યું હતું કે “ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે અને તે પ્રમાણે વર્તન પણ કરે છે. સમગ્ર વિશ્વમાં ક્યાય પણ કોઈપણ મુશ્કેલી ઊભી થાય છે ત્યારે ભારત તેમની સાથે ઊભો હોય છે, ખાસ કરીને પાડોશી દેશોની હંમેશા મદદ કરે છે. વર્તમાનમાં બાંગ્લાદેશની જે પરિસ્થિતિ છે, જે રીતે હિંદુઓનાં ઘર સળગાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.” બીજા એક મહિલાએ કહ્યું હતું કે “વિશ્વમાં કોઈ પણ સ્થાને હિંદુઓ પર અત્યાચાર થશે તે અમે સહન નહીં કરીએ. આજે અમે મૌન માર્ચ નીકળી રહ્યા છીએ અને સમગ્ર વિશ્વને સંદેશ આપી રહ્યા છીએ નારીની શક્તિ ખૂબ વિશાળ છે, નારીનું અપમાન સહન કરવામાં નહીં આવે.”

    5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસા બહોળા પ્રમાણમાં વધી ગઈ હતી. મંદિરોમાં તોડફોડ, મહિલાઓના અપહરણ, મહિલાઓ સાથે બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવી હતી. હિંદુ પરિવારોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા, ત્યારે આ મામલે દેશની રાજધાની દિલ્હીમાં ‘નારી શક્તિ ફોરમ’ દ્વારા મૌન પ્રદર્શન યાત્રા યોજવામાં આવી હતી.

    પૂરતી સારવાર બાદ પણ થયું દર્દી યુનુસનું મોત, પરિવારે ડોક્ટર-નર્સ સ્ટાફ પર કર્યો હુમલો: પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 8 સામે ફરિયાદ નોંધીને જૂનાગઢ સિવિલમાં મામલો પાડ્યો થાળે

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં દર્દી યુનુસના પરિવાર દ્વારા ડૉક્ટરો પર બેદરકારીના આક્ષેપ સાથે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ઘટનામાં બે ડૉક્ટરો અને તેમના સ્ટાફને ઇજા થઈ હતી. જેના કારણે સિવિલ હોસ્પિટલનો આખો સ્ટાફ હડતાલ પર ઉતરી આવ્યો હતો. બીજી તરફ સતર્ક જૂનાગઢ પોલીસને ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પહોંચી હતી અને ડૉક્ટરોને આશ્વાસન આપ્યું હતું કે, જેણે પણ ગુનો આચર્યો છે, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. ઉપરાંત પોલીસે 8 લોકો વિરુદ્ધ તાત્કાલિક FIR નોંધાવી દીધી હતી અને 5 લોકોને રાઉન્ડ-અપ પણ કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને માત્ર કલાકોમાં જ આખો મામલો થાળે પાડી દીધો હતો અને ડૉક્ટરોની હડતાલ પણ પૂર્ણ કરાવી હતી.

    ઘટનાની વધુ વિગતો અનુસાર, 15-16 ઑગસ્ટની રાત્રે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને છાતીમાં દુઃખાવો થતાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. તેનું નામ યુનુસ હુસૈન ખત્રી હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટરોએ ઇમરજન્સીમાં દર્દીને તમામ સારવાર પુરી પાડી હતી. જોકે, તેમ છતાં વધુ સારવાર માટે દર્દીને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન દર્દીનું મોત થયું હતું. મૃતક યુનુસના પરિવારે ડૉક્ટરો પર બેદરકારીનો આક્ષેપ કરીને હુમલો કરી દીધો હતો. જેમાં ડૉક્ટર સહિત નર્સિંગનો સ્ટાફ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હુમલાના વિરોધમાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ હડતાલ પર ઉતરી આવ્યો હતો.

    પોલીસ તાત્કાલિક આવી એક્શનમાં

    બીજી તરફ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે ડૉક્ટરો પર હુમલો થયાની ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓ સામે તાત્કાલિક જ ગુનો દાખલ કરી દીધો હતો. ઉપરાંત પોલીસ અધિકારીઓએ ડૉક્ટરોને યોગ્ય અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે જ 5 લોકોને રાઉન્ડ-અપ પણ કરી લેવામાં આવ્યા હતા. પોલીસની તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી બાદ ડૉક્ટરો અને અન્ય સ્ટાફે હડતાલ પણ પરત ખેંચી લીધી હતી અને પોતપોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. પોલીસે આશ્વાસન આપ્યા બાદ તરત જ આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

    સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢ મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્શિયલ ડૉક્ટરો પણ હડતાલ પર ઉતરી આવ્યા હતા. ડૉક્ટરોએ આ ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી હતી. ઉપરાંત હુમલાખોરોને તાત્કાલિક ઝડપી લેવાની માંગણી પણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ પ્રશાસને ડૉક્ટરો પર હુમલો કરનારા 8 લોકો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી દીધો હતો અને માત્ર અમુક કલાકોમાં જ 5 વ્યક્તિઓને રાઉન્ડ-અપ કરી દીધા હતા.

    8 વિરુદ્ધ ગુનો, 5ને કરાયા રાઉન્ડ-અપ

    આ ઘટનાને લઈને ઑપઇન્ડિયાએ જૂનાગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ દ્વારા અમને જણાવવામાં આવ્યું કે, ઘટનાની જાણ થયાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને સંભાળી લીધી હતી. પોલીસની ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફને સમજાવીને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાના માત્ર અમુક કલાકો બાદ જ પોલીસે 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને 5ને રાઉન્ડ-અપ કર્યા છે. હાલ આ મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે.

    સમગ્ર ઘટનાને લઈને DySP હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું છે કે, રાત્રે સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. એક પરિવારના સગા અહીં સારવાર માટે આવ્યા હતા અને ત્યારબાદ તેનું મોત થયું હતું. જેથી પરિવાર દ્વારા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓ વિરુદ્ધ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે પણ હુમલાખોરો છે, તેની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    ઘટનાને પગલે ડૉક્ટરોએ પણ જણાવ્યું છે કે, રાત્રે લગભગ 1:30 કલાકે તેઓ ફરજ પર હાજર હતા. તે દરમિયાન યુનુસ નામના દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયા બાદ તેના પરિવારે ડૉક્ટરો પર હુમલો કરી દીધો હતો અને મારામારી કરવા લાગ્યા હતા. ઘટનાને પગલે પોલીસ તંત્રએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને ડૉક્ટરોની હડતાલને પૂર્ણ કરાવી હતી.

    કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: 17 ઑગસ્ટે આખા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ રહેશે બંધ, IMAએ કરી હડતાલની ઘોષણા; મૃતક સાથે ભણતા વિદ્યાર્થીઓની CBIએ કરી પૂછપરછ

    કોલકાતામાં (Kolkata) ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યા બાદ દેશભરમાં તેના પડઘા પડી રહ્યા છે. તપાસનો ધમધમાટ અને આરોપીની ધરપકડ બાદ ‘ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર એસોસિએશન’ (FORDA) અને ઇન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આંદોલનો આટોપી લેવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં ફરી એક વખત કોલકાતાની આરજી કર મેડીકલ કૉલેજ અને હોસ્પિટલ પર ટોળાએ હિંસા કરતા આંદોલનનું વાવાઝોડું શરૂ થયું છે. ઘટનાને લઈને 17 ઑગસ્ટે આખા દેશમાં તબીબોની હડતાલ રાખવાની IMAએ ઘોષણા કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરજી કર મેડીકલ કૉલેજ અને હોસ્પિટલ (RG Kar Medical College and Hospital)માં તાજેતરમાં જ તોડફોડ અને હિંસા આચરવામાં આવી હતી. મહિલા તબીબની હત્યા અને દુષ્કર્મ મામલે માંડ શાંત પડેલ વિવિધ મેડીકલ એસોસિએશન ઘટના બાદ ફરી હરકતમાં આવ્યા હતા અને આગામી 17 ઑગસ્ટે આખા દેશમાં તબીબોની હડતાલ ઘોષિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, FORDAએ તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ મહિલા તબીબની હત્યા અને બળાત્કાર મામલે પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું. તેવામાં બુધવારે (14 ઓગસ્ટ 2024) કેટલાક લોકો કોલકાતાની એ જ મેડીકલ કૉલેજમાં ધસી આવ્યા હતા અને હુલ્લડ મચાવીને તોડફોડ કરી હિંસા આચરી હતી. આ મામલે 9થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

    આ ઘટના બાદ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા આગામી 17 ઓગસ્ટ 2024ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષના કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા આ મામલે એક પ્રેસ રિલીઝ પણ આપવામાં આવી છે, તેમાં જણાવ્યા અનુસાર, 17 ઑગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 18 ઑગસ્ટના સવારે 6 વાગ્યા સુધી, એટલે કે આખા 24 કલાક સુધી દેશભરમાં તબીબોની હડતાલ રહેશે. એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આ પત્રમાં સરકાર પાસે મેડિકલ ક્ષેત્રોમાં સુરક્ષા માટે સેન્ટ્રલ પ્રોટેકશન એક્ટ લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ FORDAએ પણ જાહેરાત કરી છે કે, તાજી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તેઓ ફરી એક વાર હડતાલ શરૂ કરી શકે છે.

    મૃતક ટ્રેની ડૉ.ના ત્રણ સહપાઠીની CBIએ પૂછપરછ કરી

    બીજી તરફ આ આખી ઘટનાને લઈને સમગ્ર તપાસ CBIને સોંપી દેવામાં આવી છે. તેવામાં એજન્સીએ ગુરુવારે કોલકત્તાની મેડીકલ કૉલેજ અને હોસ્પિટલમાં મૃતક પીડિતા સાથે ભણતા ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જે દિવસે ઘટના ઘટી, તે દિવસે તેના આ જ સહપાઠી નાઈટ ડ્યુટી પર હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ પૂછપરછ લાંબી ચાલી હતી. રિપોર્ટ્સ અનુસાર, એજન્સીએ ફેકલ્ટી તેમ જ અન્ય કેટલાક લોકોની પણ પૂછપરછ કરી હતી.