Friday, April 3, 2026
More
    Home Blog Page 282

    ‘નમાજ પઢવાની છૂટ, તિલક કરવાની મનાઈ’: એર ઇન્ડિયાની હિંદુ મહિલા કર્મચારીનો અધિકારી મહજબીન પર ભેદભાવનો આરોપ, PM મોદી-ગૃહમંત્રી સમક્ષ કરી ન્યાયની માંગ

    દિલ્હીના (Delhi) ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યરત એર ઇન્ડિયાની (Air India) મહિલા કર્મચારી ચંચલ ત્યાગીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને પોતાની મુસ્લિમ મહિલા અધિકારી પર ધાર્મિક ભેદભાવનો (Religious Discrimination) આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, એર ઇન્ડિયાની મુસ્લિમ અધિકારી મહઝબીન અખ્તર તેમને તિલક લગાવવાથી રોકી રહી છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, તિલક લગાવવાથી તેમને વર્કપ્લેસ પર ખૂબ પરેશાન પણ કરવામાં આવે છે.

    એર ઇન્ડિયા STSમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં ચંચલ ત્યાગીએ PCM મહઝબીન અખ્તર પર ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, મુસ્લિમ કર્મચારીઓને દિવસમાં અનેક વાર નમાજ પઢવાની છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ તેમને માત્ર તિલક લગાવવા પર હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું છે કે, તેઓ લાંબા સમયથી તિલક લગાવી રહ્યા છે, પરંતુ તેમને આ કારણોસર વર્કપ્લેસ પર હેરાન કરવામાં આવી રહ્યાં છે.

    ચંચલ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું એર ઇન્ડિયા સેટ્સમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. PCM મહઝબીન અખ્તર દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે. મને પૂજા કર્યા બાદ તિલક લગાવવાથી પણ રોકવામાં આવી રહી છે, જ્યારે મુસ્લિમ કર્મચારીઓને ડ્યુટી પર અનેક વખત નમાજ પઢવાની છૂટ આપવામાં આવી છે.” તેમણે સવાલ કર્યો છે કે, આખરે આવો ભેદભાવ શા માટે?

    આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, તેમના વરિષ્ઠ અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવવા અને પોલીસ કમિશનરને આવેદન આપવા છતાં પણ અખ્તર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમણે બાળપણથી જ સનાતન પરંપરાઓનું પાલન કર્યું છે અને શરૂઆતના દિવસોમાં કંપનીમાં કોઈને તેમના તિલક લગાવવાને લઈને વાંધો પણ નહોતો, પરંતુ અધિકારી તરીકે મહજબીનના આવ્યા બાદથી તેમણે વાંધો ઉઠાવવાનો શરૂ કર્યો હતો.

    PM મોદી, અમિત શાહને મદદ માટે કરી વિનંતી

    ચંચલે આરોપ લગાવ્યો છે કે, નવરાત્રિના સમયથી મહજબીન તેમને ટાર્ગેટ કરી રહી છે. આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, તિલક લગાવવાના કારણે તેમના અધિકારી દરેક વાત પર તેમને હેરાન કરી રહ્યા છે અને વારંવાર ટોકી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીની રજા પણ મંજૂર ન કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે આ ઘટનાની ફરિયાદ એરપોર્ટ ઓથોરીટી અને દિલ્હી પોલીસ કમિશનરને કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ચંચલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને તેમની વ્યથા ઠાલવી છે.

    વિડીયોમાં તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, નોકરી છોડવા સિવાય તેમના પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી, કારણ કે મહઝબીન વારંવાર તેમને હેરાન કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહઝબીનને આ ઘટનાને લઈને સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, કંપનીમાં તમામ ધર્મોના લોકો કામ કરે છે અને બધા માટે નિયમો પણ સમાન છે.

    ચંચલ ત્યાગીનો વિડીયો વાયરલ થયા બાદ આ મામલો વધુ વેગ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ચંચલના સમર્થનમાં સામે આવ્યા છે અને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આ વિવાદ પર હજી સુધી એર ઇન્ડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી, પરંતુ મહજબીન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમણે કોઈપણ રીતે ભેદભાવ કર્યો નથી.

    મેકેનિકલ એન્જિનિયરિંગ બાદ બન્યાં કોર્પોરેટર, હવે પ્રિયંકા ગાંધીને આપશે ટક્કર: કોણ છે નવ્યા હરિદાસ, જેમને ભાજપે વાયનાડથી બનાવ્યાં છે ઉમેદવાર

    આગામી 13 નવેમ્બરના રોજ કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ યુદ્ધના ધોરણે ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. રાહુલ ગાંધીએ બેઠક છોડી દીધા બાદ કોંગ્રેસ તરફથી નક્કી જ હતું કે, પ્રિયંકા વાડ્રાને અહીંથી લોકસભા ચૂંટણી લડાવાશે. જ્યારે બીજી તરફ ભાજપે વાયનાડ લોકસભા માટે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે, નવ્યા હરિદાસ અને પ્રિયંકા વાડ્રા વચ્ચે પેટાચૂંટણીમાં ખરાખરીની ટક્કર થશે. નોંધનીય છે કે, આ પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થવાના છે.

    કોણ છે નવ્યા હરિદાસ?

    જ્યારથી ભાજપે વાયનાડ લોકસભા માટે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કર્યા છે, ત્યારથી લોકો તેમના વિશે જાણવા તત્પર બન્યા છે. બહુ ઓછો જાણીતો અને યુવા ચહેરો હોવાના કારણે તેમજ વાયનાડ જેવી મહત્વપૂર્ણ બેઠકના લીધે હાલ આખા દેશમાં તેમના નામની ચર્ચાઓ ચાલી રહી છે. જેટલી માહિતી જાહેર કરવામાં આવી છે, તે અનુસાર નવ્યા હરિદાસની ઉમર માત્ર 39 વર્ષ છે અને તેમના પતિનું નામ શોભીન શ્યામ છે. તેમના પતિ એન્જિનિયર છે, જયારે નવ્યા હરિદાસે પણ વર્ષ 2007માં KMCT એન્જિનિયરિંગ કોલેજ, કાલીકટ યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

    નવ્યા હરિદાસ કોઝીકોડમાં કોર્પોરેટર છે અને વર્તમાન સમયમાં તેઓ ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ પણ છે. તેમના પર ભાજપના સંસદીય દળના નેતા અને BJMMના રાજ્ય મહાસચિવની જવાબદારી પણ છે. આ તમામ માહિતી તેમણે પોતાના X હેન્ડલ અને ફેસબુક પ્રોફાઈલ પર પોતે જ આપી છે. ADR (એસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રીફોર્મ્સ) મુજબ પોલીસના ચોપડે નવ્યા હરિદાસનું નામ બેદાગ છે. તેમના પર કોઈ જ અપરાધિક ગુના દાખલ નથી થયા. સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ ₹1,29,56,264ની સંપત્તિ છે. આ ઉપરાંત તેમના પર ₹1,64,978નું બેન્કનું દેવુ પણ છે.

    રાજકીય અનુભવની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં કોઝીકોડ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી અને 24,873 મત મેળવ્યા હતા. જોકે, તેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર ઇન્ડીયન નેશનલ લીગના અહેમદ દેવરકોવિલ જીત્યા હતા.

    કોંગ્રેસ પરિવાર લોકોની જરૂરિયાત પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો: નવ્યા હરિદાસ

    ભાજપે ઉમેદવાર ઘોષિત કર્યા બાદ નવ્યા હરિદાસે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પોતાની ઉમેદવારી નોંધાયા બાદ મીડિયા સાથે વાત કરતા વાયનાડના નાગરિકોની જરૂરિયાતો પર વધુ ભાર આપતી વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, “વાયનાડના લોકોની પ્રગતિ અને ઉન્નતિ જરૂરી છે. કોંગ્રેસ પરિવાર વાસ્તવમાં વાયનાડના લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ ચૂંટણી થકી વાસ્તવમાં વાયનાડના લોકોને એક વધુ સારા સાંસદની જરૂર છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકે.”

    મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે સ્થાનિક સમુદાયોની પ્રાથમિક જરૂરિયાતો પર વધુ ભાર આપ્યો હતો. તેમણે સ્થાનિક શાસનમાં પોતાના અનુભવો વિશે પણ જણાવ્યું અને તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે તે વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “મને વહીવટી અનુભવ છે. જેમ કે હું કેરળમાં બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી છું. છેલ્લા આઠ વર્ષોથી હું રાજકારણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું અને લોકોની સેવા કરી રહી છું. હું તેમની સમસ્યાઓને નજીકથી સમજી શકું છું અને તેમની સાથે રહીને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયત્નશીલ રહું છું.”

    કોંગ્રેસ ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ

    નોંધવું જોઈએ કે, રાહુલ ગાંધી ગત લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી એમ બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા. જીત બાદ તેમણે વાયનાડ બેઠકને છોડી દેવાનો નિર્ણય કરતા આ પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઉભી થઈ હતી. બીજી તરફ CPIએ LDF ઉમેદવાર તરીકે સત્યન મોકેરીને પણ મેદાને ઉતાર્યા છે. જોકે, ભાજપે નવ્યા હરિદાસને ઉમેદવાર ઘોષિત કરતા વાતાવરણ ગરમાયું છે. નવ્યા હરિદાસને પાર્ટીએ યુવા અને સશક્ત નેતા તરીકે દર્શાવ્યા છે. યુવા હોવાના કારણે નવ્યા હરિદાસ યુવાઓ વચ્ચે સારી એવી પકડ બનાવી શકે તેવી શક્યતાઓ છે.

    મહત્વનું છે કે ગત મહિને ભયંકર અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનની ઘટના બાદ વાયનાડની જનતા કોંગ્રેસથી ખાસ્સી નારાજ હતી. રાહુલ ગાંધી જયારે ત્યાં પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરીને સવાલોનો વરસાદ વરસાવી દીધો હતો. તેવામાં આ પેટાચૂંટણી કોંગ્રેસ માટે રસાકસીનો ખેલ બની જઈ શકે છે. આ પેટાચૂંટણી આગામી 13 નવેમ્બર 2024ના રોજ યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ દસમાં દિવસે એટલે કે 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.

    ઈંટ મારીને મૂર્તિ ખંડિત કરી, DJવાળાને ખેંચીને માર માર્યો, પછી મસ્જિદમાંથી થયું એલાન….નજરે જોનારાઓએ જણાવ્યું બહરાઈચમાં શું-શું બન્યું હતું

    ઉત્તર પ્રદેશના બહરાઇચમાં (Baharaich) 13 ઑક્ટોબર, 2024ના રોજ થયેલી હિંદુ યુવાન રામગોપાલ મિશ્રાની હત્યાએ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જી છે. ઘટનાને લઈને હિંદુ સમુદાયમાં ભારે રોષ અને અસુરક્ષાની લાગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો પૂર્વનિયોજિત કાવતરાં હેઠળ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક એલાનો કરવામાં આવ્યાં હતાં, જેનાથી ટોળું ઉશ્કેરાયું હતું.

    મૂર્તિ પર હુમલો થયો ને થઇ ઝઘડાની શરૂઆત, મસ્જિદમાંથી થયું ‘બધાને’ મારવાનું એલાન

    કટ્ટરપંથીઓની હિંસાનો ભોગ બનેલા વિનોદકુમાર મિશ્રાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાને યાદ કરી હતી અને પોતાની આપવીતી વર્ણવી હતી. વિનોદ મિશ્રાએ શરૂઆતથી લઈને હિંસા સુધીના ઘટનાક્રમ અને કેવી રીતે શાંત ધાર્મિક યાત્રામાં ખલેલ પહોંચાડવામાં આવતાં અચાનક હિંસા ફાટી નીકળી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે અમે મૂર્તિ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ મૂર્તિ પર ઇંટો ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે મૂર્તિનો હાથ તૂટી ગયો હતો અને ત્યારબાદ બીજી મૂર્તિ પણ ઇંટ-પથ્થરના કારણે તૂટી ગઈ હતી. આ પછી ડીજે વગાડનાર ઘસડીને લઈ જવામાં આવ્યો અને તેને ઢોર માર મારવામાં આવ્યો.”

    મિશ્રાએ આરોપ લગાવ્યો કે, આ વિવાદ અબ્દુલ હમીદના પુત્રએ શરૂ કર્યો હતો અને તેણે જ ધાબા પરથી પથ્થરો ફેંકીને વાતાવરણ બગાડ્યું હતું. જેને પગલે હિંદુ સમાજે ધરણાં પર બેસવાનો નિર્ણય કર્યો હતો અને વહીવટી તંત્ર પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. જોકે પોલીસ અને પ્રશાસને હિંદુઓને આ મામલાને સંભાળવાની ખાતરી આપી હતી, પરંતુ હિંસા રોકાવાને બદલે વધી ગઈ હતી. વિનોદ કુમાર મિશ્રાએ કહ્યું, “મુસ્લિમોએ જે કર્યું તે અન્યાય છે. અમે માફીની માંગ કરી હતી પરંતુ પોલીસે અમારી માંગણીઓ સ્વીકારી ન હતી.”

    હિંસા રોકવાના પ્રયાસમાં વિનોદ કુમાર મિશ્રા અને અન્ય હિંદુ નેતાઓએ અબ્દુલ હમીદ સાથે પણ વાત કરી હતી. જોકે, હમીદે પોતાના પુત્રનો બચાવ કરતાં કહ્યું હતું કે ડીજે પર પાકિસ્તાનનું ગીત વગાડવામાં આવી રહ્યું હતું, જેની સામે મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો હતો. વિનોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, “અબ્દુલ હમીદ મારી સાથે જ ભણ્યો હતો, તેથી મેં તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કહ્યું કે તેનો પુત્ર હવે તેના નિયંત્રણમાં નથી.”

    વિનોદે ભાવુક થઈને કહ્યું કે, તેનો બાળપણનો મિત્ર અબ્દુલ હમીદ પણ હિંસામાં સામેલ હતો. તેમણે કહ્યું, “અબ્દુલ હમીદ બાળપણનો મિત્ર હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવું કરશે. આ બાબત મારા માટે એક મોટા આંચકા સમાન હતી.”

    તેમણે કહ્યું હતું કે અબ્દુલ હમીદ સાથે વાતચીત કરવા છતાં હિંસા અટકાવનું નામ નહોતી લઈ રહી. ત્યારબાદ મસ્જિદમાંથી ‘અલ્લાહ-હુ-અકબર’નું એલાન કરવામાં આવ્યું હતું, લાઉડસ્પીકર પર કહેવામાં આવ્યું હતું કે ‘જે જ્યાં પણ મળે મારી નાખો, કાપી નાખો.’ ત્યારબાદ તરત જ લગભગ 150-200 લોકોનું ટોળું હથિયારો સાથે બહાર આવ્યું અને હુમલો કરી દીધો હતો.

    બાઈકથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો ટાયર કાપી નાખ્યું

    વિનોદ કુમાર મિશ્રાએ આ સમગ્ર ઘટના દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તેમનો જીવ પણ જોખમમાં મૂકાઈ ગયો. તેઓ જ્યારે તેઓ તેમની બાઇક પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક મુસ્લિમ ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, “બાઈક હજુ શરૂ થઈ જ હતી કે તે લોકોએ મારા પર હુમલો કર્યો. 5-7 લોકો આવ્યા અને મને મારા અંગૂઠા અને માથા પર ઊંડા ઘા માર્યા.” તેમણે જણાવ્યું કે, તેઓ આ હુમલામાં લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમની બાઈકને આગ હવાલે કરી દેવામાં આવી હતી.

    વિનોદે આગળ કહ્યું કે, પોલીસની નિષ્ક્રિયતા આ સમગ્ર પ્રકરણમાં ખૂબ જ ચોંકાવનારી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી મુસ્લિમ ટોળું હુમલો કરતું રહ્યું ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની જોઈ રહી હતી. જ્યારે હિંદુઓ એકઠા થયા અને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. તેમણે કહ્યું, “પોલીસે અમારી ફરિયાદ પણ ન લીધી.” વિનોદના જણાવ્યા અનુસાર આ હિંસામાં 7-8 હિંદુઓ ઘાયલ થયા હતા, પરંતુ પ્રશાસન તરફથી કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

    માત્ર ઝંડો ઉતારી દેવા પર હત્યા કરી દેશો?

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સ્થળ પર હાજર ચંદ્રપાલ મિશ્રાએ જણાવ્યું કે કેવી રીતે ઓમ પ્રકાશની હત્યા ઝંડો નીચે કરવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “તે છોકરાનો શું વાંક હતો? તેણે કોઇની હત્યા કરી નથી, તેણે માત્ર લીલો ઝંડો નીચે ઉતાર્યો હતો, જે પણ પથ્થરમારા બાદ ઉતારવામાં આવ્યો હતો.”

    ચંદ્રપાલે એમ પણ કહ્યું હતું કે જ્યારથી રામ મંદિર બન્યું છે ત્યારથી મુસ્લિમોમાં રોષ છે, ત્યારથી આ પ્રકારની ઘટનાઓ વધી છે. મુસ્લિમો રામ મંદિર નિર્માણ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તાજીયા વિશે પણ વાત કરી હતી. ચંદ્રપાલે કહ્યું, “અમે તાજિયામાં પણ સામેલ હતા, પરંતુ કોરોના દરમિયાન તાજિયા ન ઉપાડવાની ઘટનાથી મુસ્લિમ સમુદાય ગુસ્સે હતો અને તેથી જ તેઓએ હિંદુ ધાર્મિક યાત્રાને નિશાન બનાવી હતી. ચંદ્રપાલે કહ્યું કે, “મુસ્લિમોએ કહ્યું હતું કે જો અમારા તાજિયાને નહીં ઉઠાવવામાં આવે તો હિંદુઓની મૂર્તિ પણ નહીં ઉઠાવવા દઈએ.”

    ભૂતકાળમાં પણ ઘટી ચૂકી છે આ પ્રકારની ઘટનાઓ

    નોંધવું જોઈએ કે આ કોઈ પહેલીવારની ઘટના નથી. આવી જ સાંપ્રદાયિક ઘટનાઓ બહરાઇચમાં 1994-95માં બની હતી. તે સમયે પણ મુસ્લિમ સમુદાયે મૂર્તિ સહિતની યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મિશ્રાએ આ ઘટનાની તુલના તે હિંસા સાથે કરતાં કહ્યું હતું કે આ વખતની હિંસા વધુ સંગઠિત અને ભયાનક હતી. તેમણે કહ્યું કે, “જો પ્રશાસન કડક હોત તો આ ઘટના ન બની હોત. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે હિંદુ સમાજ આ ઘટનાથી ડરવાનો નથી. તેમણે દૃઢતાપૂર્વક કહ્યું, “અમે આવતા વર્ષે પણ યાત્રા કાઢીશું, પછી ભલે અમારે બલિદાન જ કેમ ન આપવું પડે.”

    બહરાઇચમાં થયેલી આ સાંપ્રદાયિક હિંસાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે સાંપ્રદાયિકતાની આગ યોગ્ય સમયે કાબૂમાં ન આવે ત્યારે તે કેટલી ઘાતક હોઈ શકે છે.

    ‘તહેવારો પર લોકો પાસેથી વધુ પૈસા વસૂલાશે, ST વિભાગે ભાડું 25% વધાર્યું’: કોંગ્રેસ નેતાના દાવાના આધારે દિવ્ય ભાસ્કરે છાપી માર્યો અહેવાલ, GSRTCએ કરી દીધું ‘ફેક્ટચેક’

    ‘સાચી વાત બેધડક’ લખવાનો દાવો કરતા અખબાર દિવ્ય ભાસ્કરે (Divya Bhaskar) શનિવારે (19 ઑક્ટોબર, 2024) ગુજરાતના સ્ટેટ ટ્રાન્સપોર્ટ (GSRTC) વિભાગ વિશે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં ભાસ્કરે એક કોંગ્રેસ નેતાને ટાંકીને દાવો કર્યો હતો કે દિવાળીનો તહેવાર નજીક આવતાંની સાથે જ ગુજરાતના એસટી વિભાગે ભાડાંમાં 25%નો વધારો ઝીંક્યો છે. દાવો એવો પણ કરવામાં આવ્યો કે વિભાગે ખાનગી બસ સંચાલકોની જેમ નફાખોરી માટે થઈને તહેવારના સમયમાં ભાડું વધાર્યું છે.

    ‘ખાનગી બસ સંચાલકોની પેઠે સરકારની નફાખોરી, ST ભાડામાં 25%નો વધારો’– શીર્ષક સાથેના અહેવાલમાં લખવામાં આવ્યું કે, તહેવારોના સમયે વધુ બસો દોડાવવાના નિર્ણય સાથે-સાથે ભાડાંમાં પણ 25%નો વધારો ઝીંકી દીધો. અખબારે કોંગ્રેસને ટાંકીને તેવો પણ આક્ષેપ કર્યો છે કે, “તહેવારોના સમયે નફાખોરી કરતા ખાનગી બસ સંચાલકો ભાડા વધારી દે છે, તેવી રીતે સરકારે પણ રોકડી કરવાના આશયથી ભાડાં વધાર્યાં છે.” મહત્વનું છે કે દિવ્ય ભાસ્કરે આ આક્ષેપોની બંદૂક કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના ખભે ફોડી હતી.

    અહેવાલમાં મનિષ દોશીને ટાંકીને ભાસ્કરે લખ્યું છે કે, “ભાડાંમાં વધારાનો માર 25 લાખ મુસાફરોને સહન કરવો પડશે.” દાવો તેવો પણ કરવામાં આવ્યો છે કે, તહેવારો દરમિયાન જે બસો મૂકવામાં આવી છે તેમાં યાત્રી દીઠ 25થી લઈને 45 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ST વિભાગ દ્વારા વસૂલવામાં આવશે. અહેવાલમાં કોંગ્રેસ નેતાના નામે આરોપ લગાવવામાં આવ્યો છે કે થોડા સમય પહેલાં જ્યારે ઇંધણના ભાવ વધ્યા ત્યારે પણ 25%નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ભાવ ઘટવા છતાં સરકારે ભાડાંમાં ઘટાડો નથી કર્યો. દાવો તેવો પણ કરાયો છે કે 25 ટકા ભાવ વધારા બાદ નિગમને 687.42 કરોડની વધારાની આવક થઈ છે.

    ST વિભાગે સ્પષ્ટતા કરી

    અખબારોએ છાપેલા સમાચાર બાદ ST વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. વિભાગે આ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, “ST વિભાગ દરરોજ 8000થી વધુ બસો દોડાવીને 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખ યાત્રીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. ચાલુ વર્ષે વિભાગ દ્વારા 8340 ટ્રીપ વધારાની સંચાલિત કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. તેવામાં દિવાળી જેવા તહેવારમાં પણ વિભાગના કર્મચારીઓ પોતાના પરિવારથી દૂર રહીને યાત્રીઓને સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ રહેશે.”

    ભાડામાં વધારાને લઈને નિગમે કહ્યું કે, વાર-તહેવાર કે ખાસ દિવસોમાં વિભાગ સામાન્ય સેવાઓ કરતા 4500 જેટલી વધારાની સેવાઓ સંચાલિત કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં તેવું બનતું હોય છે કે મુસાફરો માત્ર એક તરફના જ હોય. વિભાગના કહેવા અનુસાર દૂર ગામડાંમાં વસતા લોકો જ્યારે વારતહેવારે વતન પરત ફરે ત્યારે વિભાગે એક તરફની ટ્રીપમાં જ મુસાફરો મળતા હોય છે. ઘણી વાર બસો ખાલી પરત ફરતી હોય છે. તેવામાં વર્તમાન સમયમાં વિભાગને પ્રતિ કિલોમીટર 42.47 રૂપિયાનો ખર્ચ આવે છે. જો ભાડું 25% વધારવામાં આવે તો પણ નિગમને એક ટ્રીપ પર મુસાફર દીઠ માત્ર 18.82 રૂપિયાનું જ વળતર મળે છે. નિગમના જણાવ્યા અનુસાર દર ટ્રીપમાં વિભાગ મુસાફર દીઠ 23.65 રૂપિયાનું નુકસાન વેઠીને પણ સેવા પૂરી પડી રહ્યું છે.

    ખાનગી બસ સંચાલકો સાથેની સરખામણી પણ કરી બતાવાઈ

    ભાસ્કરમાં કોંગ્રેસ નેતાને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે જે રીતે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયે ભાડાંમાં ધરખમ વધારો કરીને રોકડી કરી લેતા હોય છે, તે જ રીતે ગુજરાતનો એસટી વિભાગ પણ ભાડામાં વધારો કરીને રોકડી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ આક્ષેપો સામે વિભાગે સીધો અને સરળ હિસાબ સામે લાવીને મૂકી દેતાં તમામ આરોપો ઉઘાડા પડી ગયા છે. વિભાગ પોતે કેટલું ભાડું વસૂલે છે અને ખાનગી બસ સંચાલકો કેટલું ભાડું વસૂલે છે તેની વિગતો આપી છે.

    સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે સુરતથી અમદાવાદના રૂટમાં તહેવારો દરમિયાન ખાનગી બસોના સંચાલકો સરેરાશ 1000થી 1500 રૂપિયા યાત્રીઓ પાસેથી વસૂલે છે. જેની સામે ગુજરાત એસટી વિભાગ માત્ર 285 રૂપિયાનાં ભાડાં સાથે યાત્રીઓને તેમના ગંતવ્ય સુધી પહોંચાડે છે. વિભાગના જણાવ્યા અનુસાર ખાનગી સંચાલકો કિલોમીટર દીઠ 70 રૂપિયાથી વધુ ભાડું વસૂલે છે. આમ ખાનગી સંચાલકો સાથેની સરખામણીમાં એસટી વિભાગ 250% ઓછા ભાડામાં યાત્રીઓને મુસાફરી કરાવે છે.

    વિભાગે આ કોષ્ટક દ્વારા ખાનગી અને સરકારી બસના ભાડાં વચ્ચેનું અંતર સમજાવવા પ્રયાસ કર્યો છે.

    સાભાર GSRTC

    2023 પછી થયો જ નથી કોઈ વધારો, આક્ષેપો ખોટા

    વિભાગ દ્વારા ભાવ વધારાને લઈને તેમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે 10 વર્ષ બાદ 68%ની સામે વર્ષ 2023માં ભાડામાં વધારો કર્યો છે. તેમાં પણ વિભાગે ધ્યાન રાખ્યું છે કે આ વધારાથી મુસાફરોના ખિસ્સા પર વધારાનું ભારણ ન આવે. આથી વિભાગે માત્ર 25%નો જ વધારો કર્યો હતો. ભાસ્કર અને કોંગ્રેસના દાવાને તદ્દન પાયાવિહોણા જણાવતાં વિભાગે કહ્યું છે કે વર્તમાન સમયમાં ગુજરાત એસટી દ્વારા કોઈ જ ભાવ વધારો નથી કરવામાં આવ્યો. ઉલટાનું વિભાગે છેલ્લા દોઢ વર્ષમાં 2685 નવાં વાહનો મુસાફરોની સહુલિયત માટે ફાળવ્યાં છે.

    GSRTCના જણાવ્યા અનુસાર વર્ષ 2012થી લઈને અત્યાર સુધીમાં સરકારે 186 નવાં અધ્યતન બસ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. આગામી સમયમાં વધુ 10 નવાં બસ સ્ટેન્ડ લોકોની સેવામાં કાર્યરત કરવામાં આવશે. નોંધવું જોઈએ કે PPP મોડેલના અંકે બસ સ્ટેશનો પણ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવ્યાં છે, જેમાં અમદાવાદ ગીતામંદિર, રાણીપ, વડોદરા સેન્ટ્રલ, મકરપુરા, મહેસાણા, સુરત, રાજકોટ, પાલનપુર, ભરૂચ અમરેલી અને ભુજ સહિતનાં કેટલાંક બસ સ્ટેન્ડનો સમાવેશ થાય છે. આ સિવાય પણ PPP મોડલ હેઠળ અન્ય 4 બસ સ્ટેન્ડ કાર્યરત કરવાનું લક્ષ્ય પણ છે.

    ‘કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સિર’: ત્રણ પુત્રીઓ સાથે અમૃતા દેવીએ આપ્યું હતું બલિદાન, 363 લોકોને કાપી નખાયા હતા કુહાડીથી; વાત બિશ્નોઈ સમાજના નરસંહારની

    कटे हुए पेड़ से ज्यादा सस्ता है कटा हुआ सिर

    વૃક્ષોને બચાવવા માટે પોતાનું બલિદાન આપનાર મહિલાના આ છેલ્લા શબ્દો હતા. તેમનું નામ હતું- અમૃતા દેવી બિશ્નોઈ(Amrita Devi Bishnoi). તેમની ત્રણ દીકરીઓએ પણ પોતાનું બલિદાન આપ્યું હતું. કુલ 363 લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. દરેકને કુહાડી વડે કાપી નાખવામાં આવ્યા હતા, જે આજે પણ ખેજરલી નરસંહાર (khejarli Massacre) તરીકે ઓળખાય છે. આ તમામ બલીદાનીઓ એ જ બિશ્નોઈ સમુદાયના હતા, જે સમુદાયનો ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) હાલ ખૂબ ચર્ચામાં છે.

    અમૃતા દેવીનું બલિદાન

    આ ઘટના 11 સપ્ટેમ્બર 1730ના રોજ બની હતી. રાજસ્થાનના સૂકા રણમાં, વિપુલ પ્રમાણમાં ખેજરી વૃક્ષોથી ભરેલું બિશ્નોઈ સમુદાયનું ખેજરલી ગામ છે. શરૂઆતથી જ આ ગામના લોકો વનસ્પતિને પવિત્ર માને છે અને તેની પૂજા કરે છે. તથા પોતાના પ્રાણની આહુતિ આપીને પણ વૃક્ષોનું રક્ષણ કરે છે. અમૃતા દેવી બિશ્નોઈ અને અન્ય 362 લોકોએ પણ એ જ કર્યું હતું. આજે સમગ્ર બિશ્નોઈ સમુદાય દરેક બાળકને તેમના પૂર્વજોના બલિદાનની વાર્તા કહે છે. દુનિયા એ ઘટનાને ખેજરલી નરસંહાર તરીકે ઓળખે છે.

    આ નરસંહાર પાછળનું કારણ જોધપુરના તત્કાલિન મહારાજા અભય સિંઘે આપેલ આદેશ હોવાનું કહેવાય છે. 1730માં મહારાજા તરફથી નવા મહેલના નિર્માણ માટે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, ખેજરલી ગામમાં ખેજરીના ઝાડ કાપી નાખવામાં આવે… આદેશ સાંભળીને, રાજાના સંદેશવાહકો મોટી કુહાડીઓ સાથે ગામ તરફ આગળ વધવા લાગ્યા હતા. જ્યારે અમૃતા દેવીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પોતાની ત્રણ પુત્રીઓ સાથે રાજાના લોકોની સામે આવીને ઉભા રહી ગયા હતા.

    હાથમાં કુહાડી લઈને વૃક્ષ કાપવા આવેલા પુરુષો આશ્ચર્યચકિત થઈ ગયા કે, મહિલા ઝાડના બદલે પોતાની દીકરીઓ સહિત પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ ગઈ હતી. તેમની બહાદુરી જોઈને સમાજના સેંકડો લોકો તેમની પાછળ ઉભા રહ્યા. અમૃતા દેવીને સમજાવવામાં આવ્યા હતા પરંતુ પર્યાવરણ પ્રત્યેનો તેમનો અતૂટ પ્રેમ તેમના જીવન કરતાં વધુ હતો. તેમણે તેમના છેલ્લા સમયમાં પણ એ જ કહ્યું જે તમે શરૂઆતમાં વાચ્યું- ‘કટે હુએ પેડ સે જ્યાદા સસ્તા હૈ કટા હુઆ સિર’. તે એક ઝાડને વળગી રહ્યા અને આખરે સૈનિકોએ તેમનું માથું કાપીને આખું શરીર ચીરી નાખ્યું. આ જોઈને તેમની દીકરીઓ સ્તબ્ધ રહી ગઈ પરંતુ તેમણે પણ એ જ કર્યું જે તેમણે એમની માતાને કરતા જોયા હતા.

    જ્યારે સમાજના અન્ય લોકોને અમૃતા દેવી બિશ્નોઈ અને તેમની પુત્રીઓના આ બલિદાનની જાણ થઈ ત્યારે વિરોધ વધી ગયો. 83 ગામોના બિશ્નોઈ સમુદાયના લોકો વૃક્ષોને બચાવવા ખેજરલી પહોંચ્યા અને કોઈએ પણ પોતાના જીવનની ચિંતા કરી નહીં. તેમણે અહિંસક માર્ગ અપનાવીને પોતાની વનસ્પતિ બચાવવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે, ત્યારપછી 49 ગામોના 362 લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું, આ બલિદાન ઇતિહાસમાં ખેજરલી નરસંહાર તરીકે ઓળખાય છે.

    રાજાએ બિશ્નોઈ સમુદાયની માંગી માફી

    આ દરમિયાન રાજા અભય સિંઘને ગામમાં ચાલી રહેલા સંઘર્ષની જાણ થઈ, ત્યારે તેમણે તરત જ ઝાડ કાપવાના આદેશ પર રોક લગાવી દીધી હતી. રાજાએ ન માત્ર બિશ્નોઈ સમુદાયના લોકોની માફી માંગી પરંતુ એક આદેશ પણ બહાર પાડ્યો જેના પછી આ સમુદાયના લોકોના ગામની આસપાસના ઝાડ કાપવા અને પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

    વર્ષો વીત્યા, દાયકાઓ વીત્યા, સદીઓ વીતી. પરંતુ રાજસ્થાનના લોકો 1730ની આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નથી. પરિણામે ખેજરી વૃક્ષને રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક માનવામાં આવ્યું અને 2013માં, પર્યાવરણ અને વન વિભાગે 11 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે જાહેર કર્યો.

    રાજસ્થાનની બહારના અન્ય સમુદાયના લોકો પણ જાણે છે કે, બિશ્નોઈ સમુદાય માટે દરેક છોડ અને પ્રાણી એક મનુષ્ય સમાન છે. તેમની સુરક્ષા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. બિશ્નોઈઓના તે પ્રદર્શનનું પરિણામ હતું કે લોકો પ્રકૃતિની જાળવણી માટે સજાગ બન્યા અને પછીથી ઇતિહાસમાં આપણે ટિહરી ગઢવાલમાં ચિપકો આંદોલન (1973), બિહાર-ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન (1982), કર્ણાટકના પશ્ચિમ ઘાટમાં અપ્પિકો ચલુવાલી (1983) જેવા વિરોધ થયા. જેની અસર વિદેશમાં પણ જોવા મળી હતી.

    બિશ્નોઈ સમાજનો પરિચય

    ઉલ્લેખનીય છે કે, બિશ્નોઈ સમુદાય પશ્ચિમી થાર રણ અને ભારતના ઉત્તરી રાજ્યોમાં જોવા મળતો સમુદાય છે. તેના સ્થાપક જમ્ભોજી મહારાજ છે. બિશ્નોઈ સમુદાય તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે અને તેમની પૂજા કરે છે. આ સમાજ તેમના ઉપદેશોને અનુસરીને જીવન નિર્વાહ કરે છે અને આ જ કારણ છે કે તેઓ કાળા હરણનું આટલું સન્માન કરે છે. એવું કહેવાય છે કે ગુરુ જમ્ભેશ્વરે તેમના અનુયાયીઓને કાળા હરણને પોતાનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવાનું કહ્યું હતું. આ જ કારણ છે કે, બિશ્નોઈ સમાજ ખાસ કરીને કાળા હરણની પૂજા કરે છે. બિશ્નોઈ સમુદાયનું મુખ્ય મંદિર ‘મુક્તિધામ મુકામ’ પણ રાજસ્થાનના બિકાનેરમાં છે.

    નોંધઃ આ અહેવાલમાં જે ખેજરી વૃક્ષ વિશે વાત કરવામાં આવી છે તેને શમી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે રણમાં જોવા મળે છે, પરંતુ તેની ખાસ વાત એ છે કે આ વૃક્ષ રણના શુષ્ક વાતાવરણમાં પણ લીલુંછમ રહે છે. રણમાં, તે માત્ર ઠંડો છાંયો આપીને લોકોને ગરમીથી બચાવે છે એટલું જ નહીં, પરંતુ તેના પાંદડા પ્રાણીઓ માટે ખોરાક પણ બને છે.

    GST કૌભાંડમાં પકડાયેલા ‘પત્રકાર’ મહેશ લાંગા સહિતના આરોપીઓ હવે સાબરમતી જેલની હવા ખાશે, કોર્ટે મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડી

    તાજેતરમાં જ ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા (The Hindu’s Journalist Mahesh Langa) સહિતના આરોપીઓની GST કૌભાંડ (GST Scam) મામલે ધરપકડ (Arrested) કરવામાં આવી હતી. વામપંથી-લિબરલ્સે આ ધરપકડને ખોટી ઠરાવવાના પ્રયત્નો કર્યા હતા. જોકે લાંગા સહિતના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા હતા અને તેમની વધુ પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે મહેશ સહિતના 8 આરોપીઓના રિમાન્ડનો સમય પૂરો થતા તેમને ન્યાયિક કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દેવામાં આવ્યા છે.

    મહેશ લાંગા સહિતના આરોપીઓ પર 220થી વધુ બોગસ કંપની બનાવીને બોગસ બિલીંગ દ્વારા લગભગ 200 કરોડના GSTની ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે આ મહિનાની શરૂઆતમાં ડાયરેક્ટર જનરલ ઑફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે ગુજરાતના વિવિધ સ્થળો પર દરોડા પાડી સમગ્ર કૌભાંડને ઉજાગર કરી લાંગા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

    8 ઑક્ટોબરે ધરપકડ કરાયેલા 4 આરોપીઓના 10 દિવસ રિમાન્ડ મંજૂર થયા હતા, જેની સમયાવધિ પૂર્ણ થતાં આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. જેમાં ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગા, એજાઝ ઉર્ફે માલદાર ઇકબાલ હબીબભાઈ માલદાર, અબ્દુલ કાદર ઉર્ફે બાપુ સમદભાઈ જૈનમીયા કાદરી અને જ્યોતિષ મગનભાઈ ગોંડલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયેલા અન્ય ચાર આરોપીઓના પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેની સમયાવધિ પણ લાંગા સહિતના આરોપીઓ સાથે જ પૂર્ણ થઈ ચૂકી છે. તેથી તમામ 8 આરોપીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

    આ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગણી પણ કરી નહોતી. જે બાદ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે આઠેય આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દીધાં હતા. બીજી તરફ આ મામલે 17 ઑક્ટોબરે EDએ પણ તપાસ ચાલુ કરી હતી. અહેવાલો અનુસાર EDએ પણ અલગ-અલગ 23 જગ્યાએ દરોડા પાડીને બોગસ કંપનીઓ બનાવવા સહિતના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે EDએ આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

    ઉલ્લેખનીય છે કે, GST વિભાગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને મહેશ લાંગા સહિતના અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 13 ફર્મ અને તેના પ્રોપરાઇટર્સ વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ માટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સાથે મળી ગુનાહિત ષડ્યંત્ર રચીને બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને દેશની કરોડોની આવકને નુકસાન પહોંચાડ્યું હોવાના મામલે તપાસ ચાલી રહી છે. 

    UP સરકારે રેસ્ટોરન્ટ માલિકોને નામ પ્રદર્શિત કરવા કહ્યું તો વિદેશી અખબાર ‘ધ ગાર્ડિયન’ શોધી લાવ્યું ‘ડરા હુઆ મુસલમાન’

    ભારતમાં મોદીના રાજમાં લઘુમતી મુસ્લિમો સામે અન્યાય અને અત્યાચાર થતો હોવાનું સદંતર અને હળાહળ જુઠ્ઠાણું ફેલાવવામાં વિદેશી અખબારો પાવરધા બની ચૂક્યાં છે. સરકાર એક ડગલું ભરે નહીં કે તરત તેને મારીમચડીને ‘ઇસ્લામોફોબિક’ ગણાવી દેવામાં આવે છે. પછી ભલે તેને સીધી કે ક્યારેક આડકતરી રીતે પણ કોઈ સમુદાય સાથે કશું લગતું-વળગતું ન હોય. CAA તેનું ઉદાહરણ છે. 

    આવું જ એક અખબાર છે ‘ધ ગાર્ડિયન.’ આ અખબારે હમણાં 13 ઑક્ટોબરે એક લેખ પ્રકાશિત કર્યો છે. જેનું શીર્ષક છે-‘મુસ્લિમ્સ ઇન ઇન્ડિયા ફેસ ડિસ્ક્રિમિનેશન આફ્ટર રેસ્ટોરન્ટ્સ ફોર્સ્ડ ટૂ ડિસ્પ્લે વર્કર્સ નેમ્સ.’ આનું ગુજરાતી થાય- ભારતમાં રેસ્ટોરન્ટ્સને કારીગરોનાં નામ દર્શાવવા માટે આદેશ અપાયા બાદ ભેદભાવનો સામનો કરી રહ્યા છે મુસ્લિમો.

    લેખમાં ચર્ચા કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારના એ આદેશની, જેમાં ખાણીપીણીની દુકાનો ધરાવનારાઓને સરકારે નામ પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો હતો. ખાણીપીણીમાં થૂંક ભેળવવાના અને અન્ય પદાર્થો મિશ્રિત કરવાના કેસો છાશવારે આવી રહ્યા હતા, જેની વચ્ચે યોગી સરકારે આ આદેશ પસાર કર્યો, જેથી ગ્રાહકોનો વિશ્વાસ જળવાય રહે અને આવા ધંધાને કોઈ સ્થાન ન મળે. 

    આ આદેશમાં ‘ધ ગાર્ડિયન’ને ઇસ્લામોફોબિયા દેખાય રહ્યો છે. લેખમાં જોકે હિમાચલ પ્રદેશ સરકારે પણ આવો આદેશ પસાર કર્યો હોવાનું કહેવામાં આવ્યું છે પરંતુ વાચકોને જાણ થાય કે ત્યાંના મંત્રી વિક્રમાદિત્ય સિંઘે મોટા ઉપાડે આવી જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે લાલ આંખ કરી તો પીછેહઠ કરવી પડી હતી અને આખા મામલાને ટાઢો પાડી દેવામાં આવ્યો હતો. 

    લેખમાં CM યોગી આદિત્યનાથને ‘હાર્ડલાઇન હિંદુ મોન્ક’ ગણાવવામાં આવ્યા છે. તેમની ઉપર સત્તામાં આવ્યા પછી મુસ્લિમોને ટાર્ગેટ કરતી નીતિઓ બનાવવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો છે. વિદેશી મીડિયા ભારત પર કશુંક લખે અને નરેન્દ્ર મોદીને ન વગોવે એવું ન બને. એટલે અહીં વગર વાંકે PM મોદીનો પણ ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તેમના સત્તામાં આવ્યા બાદ છેલ્લા એક દાયકામાં મુસ્લિમવિરોધી ભાવનાઓ ભડકી છે અને તેમની ઉપર હુમલાનું પ્રમાણ પણ વધ્યું છે. આની સાબિતી શું? કશું જ નહીં, વિદેશી મીડિયાના બહાદૂરો લખે એટલે આપણે માની લેવાનું!

    અહીં વિદેશી અખબાર જે બંને નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે તેમની સરકારની એક પણ નીતિ એવી નથી, જેમાં કોઈ સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોય. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બધાને મળે છે, નિઃશુલ્ક અનાજ બધાને મળે છે, બીજી યોજનાઓના લાભો દરેક સમુદાયને મળે છે. એ જ સ્થિતિ UPમાં પણ છે. હવે આ વિદેશી પત્રકારો ‘મુસ્લિમવિરોધી’ નિર્ણયો કોને કહે છે એ સમજ બહારની વાત છે. 

    લેખમાં ‘સ્થાનિકો’ના ખભે બંદૂક ફોડીને કહેવામાં આવ્યું છે કે, આ નવા નિયમો વાસ્તવમાં તો મુસ્લિમ કારીગરો અને તેમનાં એકમો પર એક પ્રકારનો હુમલો જે છે. આગળ અખબાર લખે છે, “ભારતમાં નામો પરથી જાતિ અને ધર્મ-મઝહબ નક્કી થઈ જતા હોય છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ ધંધાદારીઓમાં ભય છે કે આ નિયમોના કારણે તેમની ઉપર ‘ટાર્ગેટેડ એટેક્સ’ અને ઇકોનોમિક બોયકોટ (આર્થિક બહિષ્કાર) થવાની સંભાવના છે. ખાસ કરીને કટ્ટર હિંદુ જૂથો દ્વારા, જે રાજ્યમાં ઘણાં સક્રિય છે.” 

    આગળ એક-બે ઉદાહરણો આપવામાં આવ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું કે નવા નિયમોના કારણે અમુક માલિકોએ પોતાના મુસ્લિમ કારીગરોને કાઢી મૂક્યા. જોકે આના માટે કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. 

    લેખમાં અમુક ઉદાહરણો આપીને વાતને ગમેતે રીતે ગંભીર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ક્યાંક મુસ્લિમ માણસને કામ પરથી કાઢી મૂક્યો હોવાની વાત છે તો ક્યાંક કોઈ પર હુમલો થયાની. કોઈકે મઝહબના કારણે નોકરી ગુમાવવાની વાત કરવામાં આવી છે. 

    અહીં લખવામાં એવું પણ આવ્યું છે કે, રાજ્યમાં મુસ્લિમોના આર્થિક બહિષ્કારની માંગ છેલ્લાં પાંચ વર્ષમાં વધુ પ્રબળ બની છે અને મુસ્લિમ ફેરિયાઓ પર હુમલાની ઘટનાઓ પણ વધી છે. પરંતુ ઘટનાઓ તો હિંદુ યાત્રાઓ પર હુમલાની પણ વધી છે, તે કેમ યાદ નથી આવતું? ઘટનાઓ તો નિર્દોષ હિંદુઓને માત્ર તેઓ હિંદુ હોવાના કારણે મારી નાખવાની પણ વધી છે. ઘટનાઓ તો દર યાત્રા પર પથ્થરમારાની પણ વધી છે. આ ઘટનાઓ ઘટી હોવાના એક નહીં અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે, હવામાં માત્ર લખી દેવાયેલી વાત નથી. 

    બહુ લાંબી કથા કર્યા બાદ ગાર્ડિયને છેલ્લે એક ફકરામાં એ વાત લખી છે, જે વાસ્તવમાં આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. એ છે- થૂંક જેહાદ વિશે. પહેલાં ગાર્ડિયન શું લખે છે એ જોઈએ- રાજ્યમાં ઘણા બનાવો એવા બન્યા, જેમાં ફેરિયાઓ ભોજનમાં થૂંક અને યુરિન ભેળવતા હોય. જેમાં ધરપકડ પણ થઈ. જોકે, રાઈટ વિંગ હિંદુ જૂથો દ્વારા જે પ્રકારે આરોપ લગાવવામાં આવે છે અને ‘થૂંક જેહાદ’ માટેનું ષડ્યંત્ર ગણાવે છે, તેને સાબિત કરવા માટે એવી કોઈ ઘટના સામે ન આવી જેમાં માત્ર ‘હિંદુઓને’ ટાર્ગેટ કરવા માટે આમ કરવામાં આવ્યું હોય.

    આ કેટલી હાસ્યાસ્પદ વાત થઈ ગઈ! પહેલાં અખબારે અનેક વાતો લખી નાખી, જેના કરતાં ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ તદ્દન અલગ છે. મોટાભાગની વાતો  પરંતુ જ્યારે ભોજનમાં થૂંક ભેળવવાના કિસ્સાઓની વાત આવી ત્યારે વાત પુરાવા પર ચાલી ગઈ. ન આવી ઘટનાઓનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો, તે કેટલા પ્રમાણમાં અને કેટલી બધી વખત બની છે તે જણાવવામાં આવ્યું કે તેમાં આરોપીઓ કોણ હતા તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો. માત્ર એક લીટીમાં લખીને પતાવી દેવામાં આવ્યું અને છેલ્લે કહી દેવામાં આવ્યું કે માત્ર હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. 

    ટૂંકમાં અખબાર શું એમ કહેવા માંગે છે કે ભોજનમાં થૂંક તો ભેળવવામાં આવ્યું હતું, પણ તે વિશેષપણે હિંદુઓને જ ટાર્ગેટ કરવા માટે ન હતું. કોઈ માણસ અન્ય માટે બનાવવામાં આવેલા ભોજનમાં થૂંકતો હોય તેનું આવું વાહિયાત જસ્ટિફિકેશન ક્યારેય નથી જોયું. 

    અને અહીં મૂળ વાત જ એ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આદેશમાં તો ન કોઈ ધર્મનો ઉલ્લેખ કર્યો છે કે ન મઝહબનો. તમામ ખાણીપીણીની દુકાનોના માલિકોને નામ પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવ્યું છે. એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ-પારસી કોઈ પણ હોય. તો શા માટે માત્ર એક જ સમુદાયને આનાથી ‘ભેદભાવ’ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ ગાર્ડિયને આપ્યો નથી. 

    બીજું, એ પણ નોંધવું જોઈએ કે એક ગ્રાહક જો ક્યાંકથી કશુંક ખાઈ-પી રહ્યો છે તો જે-તે હોટેલ કે રેસ્ટોરન્ટ કે ધાબા વિશે જાણવાનો તેને પૂરેપૂરો અધિકાર છે. શા માટે તેને ખબર ન હોવી જોઈએ? અને આખરે એક ધંધો કરનાર વ્યક્તિને જણાવવામાં પણ શું વાંધો હોય? ઘણા એવા હિંદુઓ હોય છે જેઓ નોનવેજ જ્યાં બનતું હોય ત્યાં વેજ પણ નથી ખાતા. તેઓ નથી ખાતા તો એ તેમની ઈચ્છાની વાત છે. તેના માટે જો નામ પ્રદર્શિત કરવાનું કહેવામાં આવે તો શું વાંધો હોય શકે? 

    અહીં મુસ્લિમોના આર્થિક બહિષ્કારની વાત કરવામાં આવી છે, પરંતુ તેના માટે કોઈ ઠોસ તથ્યો રજૂ કરવામાં આવ્યાં નથી. જ્યારે બીજી તરફ મુસ્લિમ સ્કોલરોએ હિંદુઓના બહિષ્કારની વાત કરી હોય તેવી ઘણી ઘટનાઓ તમને મળશે. હમણાં જ AIMIMના શોએબ જમઈએ આવું કહ્યું હતું, પણ પછી બહુ વિવાદ થયો તો નિવેદન પરત ખેંચી લઈને વાતનો વીંટો વાળી દીધો. પણ ગાર્ડિયનને એ બધું દેખાતું નથી. 

    મુસ્લિમ સમુદાયે આવા એજન્ડાબાજોની વાતમાં આવ્યા વગર એ ચિંતન કરવાની જરૂર છે કે આખરે આ પ્રકારના નિયમો શા માટે બનાવવામાં આવી રહ્યા છે? એવી કઈ ઘટનાઓ બની, જેના કારણે આ ચર્ચાઓને વેગ મળ્યો? કેમ ભોજનમાં થૂંકતા માણસના વિડીયો વાયરલ થાય છે તો મોટાભાગના સમુદાય વિશેષમાંથી જ નીકળે છે. 

    વિદેશી અખબારોમાં લેખો લખાવાથી ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ બદલાવાની નથી. હવે એ દિવસો ગયા જ્યારે અખબારો કાલ્પનિક વાર્તાઓ લખીને નરેટિવ બદલી નાખતાં હતાં. હવે વાચકો પણ આગળ વધી ગયા છે અને બે આંખ ખુલ્લી રાખીને જોતા થયા છે. 

    ભગવાન શિવ પર અપમાનજનક ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા વિરુદ્ધ નોંધાઈ FIR: હિંદુ સંગઠનોએ કર્યો હતો વિરોધ

    મધ્ય પ્રદેશ (Madhya Pradesh) શ્યોપુરના કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલ (Congress MLA Babu Jandel) વિરુદ્ધ હિંદુ દેવતા માટે અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કરવા અને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) સહિતના હિંદુ સંગઠનોએ આ મામલે વિરોધ નોંધાવી 18 ઑક્ટોબરે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલનો ભગવાન શિવ માટે અપશબ્દોનો ઉપયોગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે જોઈને હિંદુ સંગઠનો અને હિંદુઓની લાગણીઓ દુભાઈ હતી. પરિણામે VHP સહિતના હિંદુ સંગઠનો આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તે સાથે જ વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલના માળવા પ્રાંત (ઈન્દોર-ઉજ્જૈન વિભાગ)ના કન્વીનર અને વકીલ અનિલ નાયડુએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    VHPએ નોંધાવી FIR

    તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 299 (ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો હેતુ) અને 302 (ઈરાદાપૂર્વક કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR બાદ હિંદુ સંગઠનોએ તેમનું પ્રદર્શન બંધ કર્યું હતું.

    અહેવાલો અનુસાર, તુકોગંજ પહેલાં 17 ઑક્ટોબરે શ્યોરપુરમાં ભગવાન શિવ વિશેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. ભાજપે પણ જંડેલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. FIR નોંધાયા બાદ જંડેલે દાવો કર્યો હતો કે, વિવાદાસ્પદ વિડીયોને એડિટ કરીને તેની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જંદેલે પોતાને ‘શિવ ભક્ત’ ગણાવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓ હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વારંવાર ટિપ્પણીઓ કરી તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડતા આવ્યા છે. કોંગ્રેસના મોટા નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતે પણ હિંદુ દેવી-દેવતાઓને લઈને આવા નિવેદનો આપતા રહે છે.

    ભાજપના મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ લોકસભામાં રાહુલ ગાંધીને પ્રશ્નો કર્યા હતા કે શું સનાતનનું અપમાન કરવું એ જ કોંગ્રેસનો એજન્ડા છે? કોંગ્રેસ ધારાસભ્ય જે પ્રકારેની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ મામલે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરવું જોઈએ કે આ મુહબ્બતની દુકાન છે કે ગાળોની. તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું કોંગ્રેસ બાબુ જંદેલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે.

    હિંદુ ઓળખ ધારણ કરીને હોટેલ ચલાવતો હતો મુબીન, વેજના નામે ખવડાવ્યું નોનવેજ: બજરંગ દળના વિરોધ બાદ ચાલ્યું બુલડોઝર, UPના કાનપુરનો મામલો

    ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, કાનપુરના એક મુસ્લિમ શખ્સે હિંદુ ઓળખ ધારણ કરીને હોટેલ ખોલી હતી અને તે હોટેલમાં શાકાહારી ભોજનના નામે લોકોને માંસાહારી ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. મહત્વની વાત એ છે કે, આરોપી હોટેલ માલિક મુબીન અહેમદે હિંદુ ઓળખ ધારણ કરી હતી અને મસ્તક પર તિલક કરીને હોટેલ પર કામ કરતો હતો, જેના કારણે તેના પર કોઈપણ શંકા કરી શકતા નહોતા. આ ઉપરાંત તે હોટેલ ગેરકાયદેસર રીતે બની હોવાનું પણ સામે આવ્યું હતું. બજરંગ દળના કાર્યકર્તાઓને આ ઘટના વિશે માહિતી મળ્યા બાદ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આખરે યોગી સરકારે તે હોટેલ પર બુલડોઝર ફેરવી દીધું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાનો ખુલાસો સ્થાનિક બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો હતો. આ જ હોટેલમાં કામ કરતા છોટુ વર્મા નામના એક વ્યક્તિને ખબર પડી ગઈ હતી કે, હોટેલનો માલિક મુસ્લિમ છે અને તે પોતે તિલક વગેરે કરીને પોતાની ઓળખ છુપાવીને હોટેલ ચલાવી રહ્યો હતો. બજરંગ દળનો તેવો પણ આરોપ છે કે, વેજ હોટેલનું બોર્ડ મારેલું હોવા છતાં અહીં નોનવેજ ભોજન પીરસવામાં આવતું હતું. અન્ય એક મહત્વની વાત તો તે સામે આવી કે, આ હોટેલ મેઈન રોડના ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરીને ઉભી કરી દેવામાં આવી હતી.

    નોંધવું જોઈએ કે, થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે હોટેલ અને દુકાન માલિકોએ પોતાની ઓળખ જાહેર કરવા નિર્દેશ આપ્યા હતા. તે સમયે સરકારનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને દલીલો આપવામાં આવી હતી કે, આખરે ઓળખ જાહેર કરવાની જરૂર શું છે. ત્યારે આ પ્રકારની ઘટના તે તમામ વિરોધ કરનારાઓ માટે જવાબ સમાન છે. વાસ્તવમાં ઘટના કાનપુરના કિદવઈ નગરથી બારહદેવી ચોક તરફ જતા રસ્તા પર ઘણા સમયથી કાર્યરત ‘મામા ભાંજા’ રેસ્ટોરન્ટની છે. આરોપ છે કે, આ હોટેલનો માલિક મુબીન અહેમદ મુસ્લિમ હોવા છતાં પોતાની મઝહબી ઓળખ છુપાવી રહ્યો હતો. તે તિલક કરીને હોટલ પર આવતો હતો અને કામ કરતો હતો.

    શાકાહારી ભોજનના બદલે માંસાહાર પીરસાતું હોવાના આરોપ

    હોટેલ માલિક મુબીન અહેમદના જ એક કર્મચારીએ આ માહિતી બજરંગ દળના કાર્યકર્તાઓ સુધી પહોંચાડતા ભાંડો ફૂટી ગયો હતો. ગત મહિનાની 26 તારીખે બજરંગ દળે હોટલ પર જઈને વિરોધ પણ કર્યો હતો. આરોપ છે કે, સંપૂર્ણ શાકાહારી હોટેલનું બોર્ડ મારેલું હોવા છતાં અહીં માંસાહારી ભોજન પીરસવામાં અને વેચવામાં આવતું હતું અને લોકોનો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવતો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ આ વાતને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

    આ મામલે બજરંગ દળના જિલ્લા સંયોજક વિશાલ બજરંગીનું કહેવું છે કે, મુબીન અહેમદ માથા પર હિંદુઓની જેમ તિલક કરીને પોતાની ધાર્મિક ઓળખ છુપાવતો હતો. આ વાત તેમને છોટુ વર્મા નામના તેના જ એક કર્મચારીએ કહી હતી. ભારે હોબાળા બાદ પોલીસ અને પ્રશાસન દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક હોટેલને તાળા મારી દેવામાં આવ્યા હતા. બીજી તરફ હોટેલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવી હોવાની પણ ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવતા પ્રશાસન તરત જ એક્શનમાં આવ્યું હતું.

    આ મામલે નગર નિગમના ઝોનલ અધિકરી ચંદ્રપ્રકાશ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, IGRS પોર્ટલ પર વિકાસ અને અશોક ત્રિપાઠી નામના વ્યક્તિઓએ ફરિયાદ કરી હતી કે, આ વિવાદિત ‘મામા-ભાંજા’ હોટેલ સરકારી રોડના ફૂટપાથ પર કબજો કરીને ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે. આ ફરિયાદ મળ્યા બાદ જયારે પ્રશાસન દ્વારા તપાસ અધિકારી નિયુક્ત કરીને તપાસ કરાવવામાં આવી, તો તે વાત સાચી નીકળી હતી. મુબીન અહેમદે વાસ્તવમાં સરકારી જગ્યા પર દબાણ કરીને હોટલ ઉભી કરી દીધી હતી. ગેરકાયદેસર બાંધકામનો ખુલાસો થતાની સાથે જ આ હોટલ પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું હતું. હાલ આ જગ્યા સમતલ કરી દેવામાં આવી છે.

    જે અબ્દુલ હમીદના ઘરે થઈ હતી રામગોપાલ મિશ્રાની હત્યા, ત્યાં લાગી ગઈ નોટિસ: બુલડોઝર ફરે તે પહેલાં જ સામાન સમેટવાનું ચાલુ, મસ્જિદ પાસેની દુકાનો પણ ખાલી થવા માંડી

    બહરાઈચ (Baharaich) જિલ્લાના મહારાજગંજમાં વહીવટીતંત્ર ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરી શકે છે. કુલ 23 મકાનો પર નોટિસ (Notice) લગાવવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી અબ્દુલ હમીદનું ઘર પણ સામેલ છે. તેના જ ઘરમાં રામગોપાલ મિશ્રાને ઘસડી લઇ જઈ મારી નાખવાનો આરોપ છે. 13 ઑક્ટોબર, 2024ના રોજ દુર્ગા વિસર્જન યાત્રા પર ઇસ્લામિક ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન મિશ્રાની હત્યા કરવામાં આવી હતી.

    નોટિસ લગાવ્યા પછી, ઘણા લોકો 19 ઑક્ટોબર 2024ના રોજ તેમનો સામાન એકઠો કરતાં જોવા મળ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા ઑપઇન્ડિયાના રિપોર્ટરે જોયું કે, કેટલાક એવા લોકો પણ તેમની દુકાનો ખાલી કરી રહ્યા હતા, જેમને નોટિસ પણ મળી નથી. જે મસ્જિદમાંથી મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ હતો તે જ મસ્જિદની આસપાસ આવેલી તમામ દુકાનો પણ ખાલી થતી જોઈ શકાઈ હતી.

    જે 23 ઘરો પર નોટિસ લગાવવામાં આવી છે, તેમાંથી 19 મુસ્લિમોના અને 4 હિંદુઓનાં હોવાનું કહેવાય છે. 17 ઑક્ટોબરે જારી કરાયેલી આ નોટિસ PWD અને પોલીસ પ્રશાસન દ્વારા 18 ઑક્ટોબરે ઘરો પર લગાવવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે, ત્રણ દિવસની અંદર પોતાની રીતે ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવું, નહીં તો તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બહરાઈચ હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ હમીદના ઘર વિશે કહેવાઈ રહ્યું છે કે, આ ઘર પહેલાં કોઈ હિંદુ પરિવારનું હતું, પરંતુ બાદમાં અબ્દુલ પરિવારે તેને ખરીદી લીધું હતું.

    ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી, બુલડોઝર એક્શનની તૈયારી

    PWDના અધિકારીઓએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ આ ગેરકાયદે બાંધકામોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે પણ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ફરી તપાસ કર્યા બાદ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ બાંધકામો નિયમો વિરુદ્ધ સરકારી રોડની વચ્ચોવચથી 60 ફૂટના અંતરે ખાતાકીય પરવાનગી વગર બાંધવામાં આવ્યા હતા.

    નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત વિષયના સંબંધમાં, એ જણાવવાનું છે કે કુંડાસર મહસી નાનપરા રોડ એ મુખ્ય જિલ્લા માર્ગ શ્રેણીનો માર્ગ છે. વિભાગીય ધોરણો અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય જિલ્લા માર્ગ પર વિભાગીય પરવાનગી વિના રસ્તાના મધ્યબિંદુથી 60 ફૂટના અંતરમાં કરવામાં આવેલ કોઈપણ બાંધકામ ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં આવે છે. તેથી, તમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે, જો તમે આ બાંધકામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બહરાઇચની પરવાનગી અથવા પૂર્વ વિભાગીય પરવાનગીથી કર્યું છે, તો તરત જ તેની અસલ નકલ પ્રદાન કરો અને ત્રણ દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરો. અન્યથા પોલીસ અને વહીવટીતંત્રની મદદથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીમાં થયેલો ખર્ચ તમારી પાસેથી વસૂલવામાં આવશે.”

    બુલડોઝર એક્શનની નોટિસ (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    વહીવટીતંત્રએ બુલડોઝર કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. PWDના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધરશે. લોકોને ત્રણ દિવસમાં તેમની મિલકતોના માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી શકાય. મહસી એસડીએમ અખિલેશ કુમાર સિંઘે જણાવ્યું છે કે, આ અગાઉ પણ અતિક્રમણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અતિક્રમણ કરનારાઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ વખતે જો સૂચનાનું પાલન નહીં થાય તો ત્રણ દિવસ બાદ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

    કોણ છે અબ્દુલ હમીદ?

    બહરાઇચ હિંસામાં મુખ્ય આરોપી તરીકે અબ્દુલ હમીદનો નામજોગ ઉલ્લેખ છે. તેના પર અને તેના પરિવાર પર 13 ઑક્ટોબરે મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં રામગોપાલ મિશ્રાને ગોળી મારીને તેમની હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં અબ્દુલ હમીદ ઉપરાંત અન્ય 6 વ્યક્તિઓ સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે હમીદ સહિત તમામ નામજોગ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

    કહેવાંઆ આવી રહ્યું છે કે, જે ઘરમાં અબ્દુલ હમીદ તેના પરિવાર સાથે રહે છે, તે ઘર પહેલા હિંદુ પરિવારનું હતું, પરંતુ અબ્દુલ હમીદના પરિવારે તેને ખરીદી લીધું હતું અને હિંદુ પરિવાર બીજે ક્યાંક રહેવા લાગ્યો હતો. ઑપઇન્ડિયા સાથે વાત કરતા તે પરિવારે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.

    આ દરમિયાન પ્રશાસને એવો પણ સંકેત આપ્યો છે કે, હિંસામાં સામેલ આરોપીઓની સંપત્તિની તપાસ પણ કરવામાં આવશે. રામગોપાલ મિશ્રાની હત્યા કેસમાં સામેલ તમામ આરોપીઓની સંપત્તિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં 87 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    મહારાજગંજમાં હાલ શાંતિ, પરંતુ તણાવ યથાવત

    ઉલ્લેખનીય છે કે, 13 ઑક્ટોબર 2024ના રોજ બહરાઈચના મહારાજગંજ કસ્બામાં દુર્ગાપૂજા વિસર્જન યાત્રા દરમિયાન ડીજે પર ગીતો વગાડવાને લઈને વિવાદ શરૂ થયો હતો. પછીથી આ વિવાદ સાંપ્રદાયિક હિંસામાં પરિણમ્યો હતો, જેમાં 22 વર્ષીય રામગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હિંસક ટોળાએ ઘણાં ઘરો, દુકાનો, બાઇકો અને કારને સળગાવી દીધી હતી, જેનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

    13 ઑક્ટોબર 2024ના રોજ થયેલી હિંસા બાદ હાલ મહારાજગંજ બજારમાં શાંતિ છે, પરંતુ તણાવ હજુ પણ અનુભવી શકાય છે. બજારમાં હજી પણ પોલીસ બંદોબસ્ત યથાવત છે, પરંતુ ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. હિંસા બાદથી લોકો પોતાના ઘરોમાં ભરાયેલા છે અને બજાર એકદમ ખાલી જોવા મળી રહી છે.