Saturday, September 21, 2024
More
    Home Blog Page 1035

    સત્તા હાથમાંથી જતી દેખાતા સંજય રાઉતે ધમકી ઉચ્ચારી, “શિવસૈનિકો હજી રસ્તા પર નથી ઉતર્યા!”

    જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ શિવસેનાના એક પછી એક ધારાસભ્યો એકનાથ શિંદે (Eknath Shinde) સાથે જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના સંગ્રામમાં હાલ એકનાથ શિંદેનો હાથ ઉપર જોવા મળી રહ્યો છે. ઉદ્ધવની ભાવનાત્મક અપીલની કોઈ અસર ના થતાં શિંદે ગ્રુપના ધારાસભ્યો પર ઉશ્કેરાયેલા સંજય રાઉતની ધમકી સામે આવી છે.

    આજે (24 જૂન) સવારે મીડિયા કર્મીઓના સવાલોના જવાબ આપતી વખતે શિવસેનાના રાજ્યસભાના સંસદ સભ્ય અને પ્રવક્તા એક સંજય રાઉતે (Sanjay Raut) ધમકીના સ્વરમાં કહ્યું હતું કે તેમને ટક્કર આપતા પહેલા એકનાથ શિંદે ગ્રુપના ધારાસભ્યોએ જાણવું જોઈએ કે હજુ તેમના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નથી ઉતાર્યા.

    શિવસેના નેતા સંજય રાઉતની ધમકી દરમિયાન આગળ જણાવ્યુ કે, “12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા ચાલી રહી છે (એકનાથ શિંદે જૂથના), તેમની સંખ્યા માત્ર કાગળ પર છે. શિવસેના એક મોટો મહાસાગર છે આવા મોજા આવે છે અને જાય છે.” એટ્લે કે સંજય રાઉતને હજુ આશા છે કે આ પૂરો મામલો હજુ તેમની બાજુ ઢળી શકે છે.

    ઉદ્ધવે કરી હતી ભાવનાત્મક અપીલ

    નોંધનીય વાત છે કે 2 દિવસ પહેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ થઈને શિંદે ગ્રુપના નેતાઓને ભાવનાત્મક અપીલ કરી હતી.

    શિવસેના નેતા એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસમાં ફેસબુક પર લાઈવ થઈને ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરતાં કહ્યું કે “ધારાસભ્યોએ મારી સામે આવીને પોતાની વાત કહેવી જોઈએ. મને મુખ્યમંત્રી પદમાં કોઈ રસ નથી. હું મારું રાજીનામું આપવા તૈયાર છું. હું મુખ્યમંત્રી આવાસ વર્ષા બંગલો છોડવા પણ તૈયાર છું, પરંતુ આ બધી વાતો મારી સામે થવી જોઈએ અને દૂરથી બેસીને વાત કરવી યોગ્ય નથી.”

    પરંતુ તેમની તે ભાવનાત્મક અપીલનો શિંદે ગ્રુપના ધારાસભ્યો પર કોઈ અસર ના થતાં હવે સંજય રાઉત પોતાના મૂળ રૂપમાં પાછા ફર્યા છે અને શિવસૈનિકોના નામ પર શિંદે ગ્રુપના ધારાસભ્યો સામે રસ્તા પર ઉતારવાની ધમકી આપી દીધી છે.

    આ પહેલા ગઈ કાલે પણ એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે સંજય રાઉતે એકનાથ શિંદે અને તેમની સાથે ગયેલા ધારાસભ્યોને ધમકી આપી હતી.

    એકનાથ શિંદેની આગેવાની હેઠળના પક્ષના વિધાનસભ્યો દ્વારા બળવો કરવા અંગે ગઇકાલે NDTV સાથે વાત કરતી વખતે રાઉતે ધમકીભર્યું નિવેદન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન રહેશે કે નહીં તે અંગેના ચોક્કસ પ્રશ્નના જવાબમાં, શ્રી રાઉતે કહ્યું હતું કે, “તમામ ધારાસભ્યોને ગૃહના ફ્લોર પર આવવા દો. અમે પછી જોઈશું. આ ધારાસભ્યો જેઓ છોડી ગયા છે… તેઓ કરશે. મહારાષ્ટ્રમાં પાછા ફરવું અને ફરવું મુશ્કેલ લાગે છે.”

    ત્યારપછી સેનાએ પોતાનું વલણ નરમ કર્યું હતું. પરંતુ આજે ફરી સંજય રાઉત પોતાના ગુસ્સા પર કાબૂ કરવામાં અસફળ રહ્યા હતા.

    ગુજરાત રમખાણો મામલે પીએમ મોદીને મળેલી ક્લીન ચિટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

    2002નાં ગુજરાત રમખાણો મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્મિત SITએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને આપેલ ક્લીન ચિટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી.

    અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તપાસમાં કાયદાના ઉલ્લંઘન સબંધિત અરજદારની દલીલ સ્વીકારી શકતા નથી. જેથી કોર્ટ એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલ અંતિમ રિપોર્ટને સ્વીકાર કરવા અને વિરોધ કરતી અરજીને નકારી કાઢવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને યથાવત રાખે છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ઝાકિયા જાફરીની અરજી રદ કરવા લાયક છે. 

    ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ક્લીન ચિટને પડકારતી અરજી દાખલ કરી હતી. અરજી દાખલ કરીને ગુજરાતનાં રમખાણોના કેસમાં એસઆઈટી દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 64 વ્યક્તિઓને આપવામાં આવેલ ક્લીન ચિટને પડકારી હતી. તેમણે અરજીમાં કહ્યું હતું કે, SITએ સરકારના દબાણ હેઠળ તપાસ કરી હતી અને પુરાવાઓની યોગ્ય તપાસ કરવામાં આવી ન હતી. જાફરી તરફથી પૂર્વ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ કોર્ટમાં કેસ લડ્યા હતા. 

    આ મામલાની સુનાવણી દરમિયાન ગત ડિસેમ્બરમાં SIT તરફથી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં ગુજરાત સરકારનો કોઈ હાથ ન હતો. સરકારે વ્યાપકપણે અને પૂરેપૂરી ક્ષમતા સાથે કામ કર્યું હતું. એસઆઈટીએ એમ પણ કહ્યું હતું કે, તમામ આરોપોની ગહન તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ ક્યાંય મોટું ષડયંત્ર હોવાના પુરાવાઓ મળ્યા ન હતા. 

    એસઆટીએ એમ પણ કહ્યું હતું કે, એવું કહેવું અયોગ્ય છે કે રમખાણોને રોકવા તત્કાલીન રાજ્ય સરકારે કોઈ પગલાં લીધાં ન હતાં. હિંસા 28 ફેબ્રુઆરીના રોજ થઇ હતી અને ત્યારબાદ તુરંત જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક બેઠક કરીને તમામ પગલાં લેવા માંડ્યાં હતાં.

    SITએ કોર્ટને કહ્યું હતું કે, આ અરજી માત્ર મુદ્દાને ગરમ રાખવા માટેનો પ્રયાસ છે અને તેનાથી કશું સાબિત થતું નથી. જે બાદ કોર્ટે ગત 9 ડિસેમ્બરના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. 

    શું બાપ-દીકરો જ બચશે?: રાત્રે શિંદેસેના વધુ મજબૂત થઇ; 2/3નો આંકડો પસાર કર્યો અને MLC અને અપક્ષો પણ જોડાયા

    ગુવાહાટીની હોટેલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા હવે 40 નજીક પહોંચી ગઈ છે. તેમજ અપક્ષ ઉમેદવારો મળીને કુલ સંખ્યા 50 સુધી પહોંચવાના અણસાર છે, કારણ કે વધુ ધારાસભ્યો ગુવાહાટી જઈ રહ્યા છે. બીજી તરફ, શિવસેનાએ શિંદે જૂથના 12 ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાની માંગ સાથે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે.

    શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને પાર્ટીએ બોલાવેલી બેઠકમાં સામેલ ન થનારા 12 ધારાસભ્યોને વિધાનસભામાંથી બરખાસ્ત કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે એકનાથ શિંદેએ પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ જૂથ તેમને ડરાવવાના પ્રયત્નો માંડી વાળે અને કાયદા તેઓ પણ જાણે છે. 

    એકનાથ શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે, “તમે કોને ડરાવો છો? કાયદો અમે પણ જાણીએ છીએ. વ્હીપનો ઉપયોગ માત્ર વિધાનસભા પૂરતો કરી શકાય છે, બેઠકો માટે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદા ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, 12 ધારાસભ્યો વિરુદ્ધ પત્ર લખીને તેઓ તેમને ડરાવી શકશે નહીં કારણ કે તેઓ બાળાસાહેબના શિવસૈનિકો છે. તેમજ તેમણે સંખ્યા ન હોવા છતાં જૂથ બનાવવા બદલ ઉદ્ધવ જૂથ વિરુદ્ધ જ કાર્યવાહીની માંગ કરી હતી. કારણ કે હાલ એકનાથ શિંદે પાસે શિવસેનાના વધુ ધારાસભ્યો છે.

    એકનાથ શિંદેએ NDTV સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેમને (ઉદ્ધવ જૂથ) આ પ્રકારની કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે તેઓ લઘુમતીમાં છે અને બહુમતી સભ્યો અમારી પાસે છે. તેથી કોઈ બરતરફ થશે નહીં. આ ડરાવવાની વાત છે, પણ કોઈ ડરવાનું નથી. 

    એકનાથ શિંદે જૂથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 37 કરતાં વધી ગઈ છે. જેથી ગઈકાલે શિંદે જૂથના નેતાઓએ એકનાથ શિંદેને સર્વાનુમતે પોતાના નેતા જાહેર કર્યા હતા. જે બાદ શિંદેએ આડકતરી રીતે ભાજપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, એક મોટી પાર્ટી છે, મહાશક્તિ છે જેણે પાકિસ્તાનને પણ પાઠ ભણાવ્યો છે. તેમણે મને કહ્યું છે કે આપણે લીધેલો નિર્ણય ઐતિહાસિક છે અને જરૂર પડશે ત્યારે તેઓ આપણી મદદ કરશે. જોકે, તેમણે પાર્ટીનું નામ લીધું ન હતું પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ હતો. 

    એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોની સંખ્યા 50 નજીક પહોંચવાની તૈયારી છે. જેમાંથી 40 શિવસેનાના ધારાસભ્યો છે. જ્યારે બાકીના અપક્ષ ધારાસભ્યો છે. બીજી તરફ, હજુ આજે પણ ગુવાહાટીમાં નવાં એડમિશન ચાલુ જ છે. તેને જોતાં ઉદ્ધવ સેના હજુ વધુ તૂટશે અને સામે શિંદે સેના વધુ મજબૂત થશે તે નક્કી છે. 

    બીજી તરફ, મુંબઈમાં શિવસેનાએ પાર્ટીના તમામ જિલ્લા પ્રમુખોની એક બેઠક બોલાવી છે. આજે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આ તમામ શિવસેના નેતાઓની બેઠક મળશે. જોકે, બેઠકનો એજન્ડા શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

    અગ્નિવીરો માટે ગુજરાતમાં જ રોજગારીની અસંખ્ય તક: બનાસ ડેરી અને CREDAI હજારો અગ્નિવીરોની ભરતી કરશે

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના દેશમાં થઇ રહેલા વિરોધ વચ્ચે અનેક કંપનીઓએ યુવાનો માટે પોતાના દરવાજા ખોલ્યા છે અને રોજગારની તકો આપવાની ઘોષણા કરી છે. જેની વચ્ચે ગુજરાતની બનાસ ડેરીએ પણ અગ્નિવીરો માટે અગત્યની જાહેરાત કરી છે. બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. 

    શંકર ચૌધરીએ જાહેરાત કરતા કહ્યું કે, બનાસ ડેરી અગ્નિવીર યુવાનો માટે તાલીમનું આયોજન કરશે. જેમાં અગ્નિવીર યુવાનોને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને આર્મીની નોકરીના ચાર વર્ષ બાદ બનાસ ડેરી યુવાનોને નોકરીની તકોમાં પણ પહેલી પ્રાથમિકતા આપશે તેવી જાહેરાત તેમણે કરી હતી. બનાસ ડેરીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

    બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું કે, અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ નોકરી કર્યા બાદ યુવાનો બનાસ ડેરીમાં જોડાશે તો ડેરીને પણ એક મજબૂત નેતૃત્વ મળશે અને આ નવા યુવાનો થકી બનાસ ડેરીનો પણ સારો વિકાસ થશે. તેમણે ઉમેર્યું કે, 18 વર્ષના યુવાન 23 વર્ષ સુધી નવા અનુભવો કરશે અને તેનામાં સેનાની દરેક લાક્ષણિકતાઓ હશે. સાથે ડેરીમાં 21-22 વર્ષની ઉંમરના લોકોને ભરતી કરવામાં આવે છે. તેથી અલગ સ્કિલવાળા અને આર્મીમાં અનુભવ હોય તેવા યુવાનો આવશે તો બનાસ ડેરીને પણ ચોક્કસ લાભ થશે. તેમણે એમ પણ કહ્યું કે, આર્મીની અંદર જે ગ્રેડ પર હોય તેનાથી એક ગ્રેડ વધુ આપી યુવાનોની આવડતનો ઉપયોગ કરવામાં આવશે.

    વધુમાં, ગુજરાત સ્થિત ડેવલપર્સ એસોશિએશન ક્રેડાઈ (CREDAI) દ્વારા પણ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને આવકારવામાં આવી હતી તેમજ CREDAI તરફથી અગ્નિવીર યુવાનોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં દર વર્ષે 3 હજાર નોકરીઓ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.  

    CREDAI ના હોદ્દેદારોએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે એક બેઠક કરી હતી અને અગ્નિપથ યોજના અંગે માહિતી મેળવી હતી. જે બાદ CREDAI ગુજરાતના પ્રમુખ અજય પટેલે કહ્યું હતું કે, “અમે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને આવકારીએ છીએ. આપણી સેનાએ શિસ્ત અને સમર્પણ માટે જાણીતી છે અને આ યોજના થકી દર વર્ષે પચાસ હજાર યુવાનોને શારીરિક અને કૌશલ્યલસખી તાલીમ આપવામાં આવશે. તેમજ સરકારે આ યુવાનોને ચાર વર્ષની સેવા દરમિયાન આકર્ષક પેકેજ પણ આપશે તેમજ તેમને અગ્નિવીર ગ્રેજ્યુએટ ડિગ્રી પણ મળશે.

    તેમણે જાહેરાત કરતા કહ્યું કે, CREDAI ગુજરાત દ્વારા દર વર્ષે 3 હજાર અગ્નિવીરોને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે CREDAI ની હાર્ટમાં 26 શાખાઓ છે અને ગુજરાતની ટીમ આ તમામ શાખાઓને યોજના વિશે સમજ આપશે અને પ્રયાસ કરશે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં યુવાનોને રોજગારની તકો મળશે તે માટેના પ્રયાસો કરશે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટાટા, મહિન્દ્રા જેવા દેશના મોટા ઉદ્યોગ સમૂહો પણ અગ્નિપથ યોજનાના સમર્થનમાં આવ્યા છે અને અગ્નિવીર યુવાનો માટે રોજગાર પૂરો પાડવાનું એલાન કરી ચૂક્યા છે. 

    ટાટા સન્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “અગ્નિપથ દેશના સુરક્ષાબળોમાં સેવા આપવા માટે યુવાનોને મોટી તકો પૂરી પાડશે, તેમજ તેનાથી ટાટા સમૂહ સહિતના ઉદ્યોગોને પણ તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીઓ પણ મળશે.” મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ પણ કહ્યું હતું કે, અગ્નિવીરોને જે શિસ્ત અને કૌશલ્ય મળશે એ તેમને રોજગાર માટે વધુ કાબેલ બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ પ્રકારના પ્રશિક્ષિત અને સક્ષમ યુવાનોને ભરતી કરી તેમને તક આપશે.”

    શું એકનાથ શિંદેની મુઠ્ઠીમાં છે 37નો જાદુઈ આંકડો, શિવસેનાનું ચિન્હ પણ ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવાઈ જશે: જાણો પક્ષપલટા વિરોધી કાયદો શું કહે છે

    મહારાષ્ટ્રમાં રાજકીય વાવંટોળ માત્ર રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારને જ જોખમી નથી,પરંતુ પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે ‘શિવસેના’ પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી નીકળી શકે છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એકનાથ શિંદે પણ પાર્ટીના નિશાન પર દાવો કરી શકે છે. તેમણે આ સંકેત બુધવારે (22 જૂન 2022) ત્યારે જ આપ્યો હતો જ્યારે પાર્ટીના વ્હીપ પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. બળવાખોર ધારાસભ્યોએ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા હતા. તેમજ નવા વ્હીપની નિમણૂક કરવામાં આવી હતી.

    પક્ષપલટા વિરોધી કાયદા વિષેની જોગવાઈઓ અનુસાર, જો શિંદે બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન મેળવે તો તેઓ પક્ષ પર પોતાનો દાવો કરી શકે છે. મહારાષ્ટ્રમાં હાલમાં શિવસેનાના 55 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદેને પાર્ટીના 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. જો આવું થાય તો તેઓ શિવસેનાનું નામ, પ્રતીક, ધ્વજ અને રંગ સોંપવાનો દાવો કરી શકે છે.

    હાલમાં શિંદેને સમર્થન આપતા ધારાસભ્યોની સંખ્યાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલમાં 42 ધારાસભ્યો તેમની સાથે છે. તેમાંથી 8 અપક્ષ છે, જ્યારે 34 શિવસેનાના છે. જો આ માહિતી સાચી હોય તો શિંદે અત્યારે જાદુઈ આંકડા એકત્ર કરવામાં અસમર્થ જણાય છે. પરંતુ શિંદેએ પોતે 46 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાંથી 6-7 અપક્ષ છે. જો તેમનો દાવો સાચો હોય તો શિવસેના પણ ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી બહાર જઈ શકે છે.

    જો કે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શિંદેના સમર્થકોની સંખ્યા સતત વધી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પણ મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. શિંદેને તેમના નેતા તરીકે પસંદ કર્યા બાદ બળવાખોર શિવસેના ધારાસભ્યોએ રાજ્યપાલ અને મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર પણ લખ્યો છે.

    શિવસેનામાં સર્જાયેલું આ સંકટ હવે માત્ર ધારાસભ્યો પૂરતું સીમિત નથી રહ્યું. પાર્ટીના કેટલાક સાંસદો પણ ઉદ્ધવની કાર્યશૈલીથી નારાજ હોવાનું કહેવાય છે. પાર્ટીના 19 સાંસદો છે. જેમાંથી 9 નારાજ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ શિવસેનાને પણ અલવિદા કહી શકે છે. જો કે, આમાંથી કોઈ પણ સાંસદ હજુ સુધી ખુલીને પોતાના મનની વાત નથી કરી રહ્યા અને સમયની રાહ જોઈ રહ્યા છે.

    મહારાષ્ટ્રના રાજકીય ગરમાવા વચ્ચે હવે કોંગ્રેસમાં ઉથલપાથલ: કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ટ્વિટર પર ગરમાવો, કોંગ્રેસ કરતાં બીજાની ચિંતા વધુ

    મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં ખળભળાટ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણન વચ્ચે સોશિયલ મીડિયા પર બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પણ કોંગ્રેસના નેતાઓ વચ્ચેના ટ્વિટર યુદ્ધની મજા લેતા જોવા મળ્યા હતા. જે બાદ કોંગ્રેસ નેતાઓમાં ઘમાસાણ થવા પામ્યું હતું.

    વાસ્તવમાં, આચાર્ય પ્રમોદ ક્રિશ્નને મહારાષ્ટ્રની રાજનીતિ પર કહ્યું કે, સત્તાને ઠોકર મારનાર સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના વારસાને માન આપતા, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ છોડીને મરાઠા ગૌરવની રક્ષા માટે નૈતિક મૂલ્યોનું પાલન કરવામાં ક્ષણ વિલંબ કરવો જોઈએ નહીં.

    તેના જવાબમાં જયરામ રમેશે કહ્યું કે આ ન તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે અને ન તો આચાર્ય પ્રમોદ કૃષ્ણન કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા છે.

    આચાર્ય પ્રમોદે જયરામ રમેશના ટ્વિટ પર ટોણો માર્યો અને લખ્યું કે, “જે અધિકૃત હોય તો તે “અસ્થાયી” હોય છે, હું “કાયમી” છું, છતાં તમને કોઈ સમસ્યા હોય તો તમને “જયરામ” જી.” બંનેના ટ્વીટ પર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે જો કોંગ્રેસ પોતાના ઘરની લડાઈને હલ કરી શકતી નથી તો તે સત્તામાં રહેલી નરેન્દ્ર મોદી સરકારનો સામનો કેવી રીતે કરશે.

    નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં જે પણ ઉથલપાથલ થઈ રહી છે તેનાથી પૂરી સંભાવના છે કે 2019માં કોંગ્રેસનાં મોઢામાં કોઈ પણ મહેનત વગર આવી પડેલું પતાસું પાછું ખેંચાઇ જાય, એટ્લે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સમર્થનવાળી MVAની સરકાર પડી જાય. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પૂરી થવાની નામ નથી લઈ રહી. હમણાં જ પૂરી થયેલ ઇડીની લાંબી પૂછપરછ બાદ હાલમાં તેમને કામચલાઉ વિરામ મળ્યો છે પણ તપાસ તો ચાલુ જ છે.

    ઉપરાંત લગભગ પાંચેક માહિનામાં જ હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને ત્યાં પણ કોંગ્રેસની કોઈ એવી સારી સ્થિતિ નથી દેખાઈ રહી કે નથી કોંગ્રેસ એ સ્થિતિને સુધારવા કોઈ પ્રયત્ન કરી રહી.

    એવામાં પોતાનું અને પોતાના પક્ષનું અસ્તિત્વ કઈ રીતે બચાવવું એ ચર્ચા અને ચિંતન કરવાની જગ્યાએ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમએ શું કરવું શું ના કરવું એ બાબતે લડી રહેલ કોંગ્રેસનાં બે મોટા નેતાઓ હાલ ટ્વિટર યુઝર્સના નિશાના પર છે અને તેને કોંગ્રેસ નેતાઓમાં ઘમાસાણ ગણાવી રહ્યા છે.

    મહારાષ્ટ્રના રાજકારણની અજાયબી: પુત્ર રાત જાગીને ઉદ્ધવને સમર્થન કરતો રહ્યો અને દિવસ ઉગતાં જ ધારાસભ્ય પિતાએ ખેલ ઉલટો પાડી દીધો

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એક પછી એક શિવસેના ધારાસભ્યો ગુવાહાટી જઈને શિંદે જૂથ સાથે જોડાઈ રહ્યા છે. તાજા સમાચાર મુજબ એકનાથ શિંદે પાસે 42 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે બોલાવેલી બેઠકમાં માત્ર 13 જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પણ એક આદિત્ય ઠાકરે હતા. છેલ્લા બે દિવસમાં પણ ઘણા નેતાઓ મુંબઈથી આસામ ગયા હતા. તેમાંથી કેટલાક નેતાઓ તો એવા છે જેઓ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે સાથે હતા, પરંતુ અચાનક શિંદે જૂથ સાથે જોડાઈ ગયા હતા.

    22 જૂનના રોજ શિવસેના ધારાસભ્ય સદા સરવણકર મુંબઈથી ગુવાહાટી પહોંચ્યા હતા અને એકનાથ શિંદે કૅમ્પમાં સામેલ થઇ ગયા હતા. જોકે, તેઓ ગુવાહાટી ગયા તેના થોડા જ કલાકો પહેલાં તેમના પુત્ર અનિકેત સરવણકરે કેટલાંક ટ્વિટ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે અમુક સભ્યો છોડી જાય તેનાથી પાર્ટીને કોઈ નુકસાન નથી.

    22 જૂનના રોજ 1:24 AM વાગ્યે પોસ્ટ કરેલ ટ્વિટમાં શિવસેના ધારાસભ્યના પુત્રે મરાઠી ભાષામાં લખ્યું કે, “છગન ભુજબળ પાર્ટી છોડી ગયા, પાર્ટી ખતમ ન થઇ. ગણેશ નાઈક પક્ષ છોડી ગયા, પાર્ટી ખતમ ન થઇ. નારાયણ રાણેએ પાર્ટી છોડી, પાર્ટી ખતમ ન થઇ. રાજ ઠાકરેએ પાર્ટી છોડી, પણ પાર્ટી ખતમ મન થઇ. કોઈ પાર્ટી છોડી જાય તેનાથી પાર્ટી ખતમ થઇ જતી નથી. કારણ કે પાર્ટી કાર્યકરો અને કાર્યકરોના કારણે ચૂંટાતા ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓના કારણે ચાલતી હોય છે.”

    તેની દસ મિનિટ બાદ 1:34 વાગ્યે તેણે સંજય રાઉતને ટાંકીને પૂછ્યું હતું કે તેમણે શું ખોટું કહ્યું છે? અનિકેતે લખ્યું, “એ વિચાર કરો કે ભાજપ સાથેની સરકારમાં તમારી પાસે કયું મંત્રાલય હતું અને હમણાં કયું છે?- સંજય રાઉત. મને કહો આમ ખોટું શું છે?”

    જે બાદ 1:37 વાગ્યે અન્ય એક ટ્વિટમાં તેણે એક વોટ્સએપ મેસેજને ટાંકીને લખ્યું હતું કે, “થાણેનો દરેક દાઢીવાળો વ્યક્તિ આનંદ દીધે નથી હોતો.” આનંદ દીધે શિવસેનાના દિગ્ગજ નેતાઓ પૈકીના એક હતા. એકનાથ શિંદેને રાજકારણમાં લાવવા પાછળ તેમનો મોટો હાથ હતો. 

    તે પહેલાં 21 જૂનની સવારે અનિકેતે અન્ય એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, “જેઓ અહીં દેખાય છે, પણ ખરેખર ત્યાંના છે. આવા લોકો જીવન અને રાજકારણમાં પણ ઘણા ઘાતક હોય છે.” તેણે શિવસેનાના ધારાસભ્યો તરફ ઈશારો કર્યો હતો જેઓ હાલ મુંબઈમાં છે પરંતુ એકનાથ શિંદેના જૂથમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. 

    જોકે, નોંધવું જોઈએ કે અનિકેત સરવણકરે ઉદ્ધવ ઠાકરે જૂથને સમર્થન આપતાં ટ્વિટ કર્યાના થોડા કલાકો પછી જ તેના પિતા અને શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકર ગુવાહાટી ઉપડી ગયા હતા અને શિંદે જૂથમાં સામેલ થઇ ગયા હતા. જોકે, તેના પિતા ગુવાહાટી ગયા પછી અનિકેતે કંઈ પોસ્ટ કર્યું નથી.

    અહીં એ પણ નોંધનીય છે કે શરૂઆતમાં તો એકનાથ શિંદે અમુક જ ધારાસભ્યોને લઈને સુરત અને ત્યાંથી ગુવાહાટી ગયા હતા. પરંતુ આ ત્રણ દિવસમાં આંકડો ધીમે-ધીમે 42 સુધી પહોંચી ગયો છે. એટલે કે હવે સ્થિતિ એ સર્જાઈ છે કે પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કરતા એકનાથ શિંદે પાસે વધુ ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે મુંબઈમાં એક પછી એક બેઠકો થઇ રહી છે.

    કેટલાક ધારાસભ્યો સોમવારે એકનાથ શિંદે સાથે ગયા ન હતા, પરંતુ પાછળથી જૂથમાં જોડાયા હતા. જેમાંથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગુલાબરાવ પાટીલ પણ એક છે. ગુલાબરાવ પાટીલ સંપર્કવિહોણા બની જતાં શિવસેનાએ તેમને શોધવા માણસો લગાડ્યા હતા. આખી રાતની શોધખોળ બાદ સવારે પાટીલ મળ્યા તો ખરા પરંતુ પછી શિવસૈનિકોને ચકરાવે ચડાવીને પાછલા રસ્તેથી છટકી ગયા હતા અને ગુવાહાટી ઉપડી ગયા હતા.

    બીજી તરફ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આજે વધુ બે ધારાસભ્યો અને એક વિધાન પરિષદ સભ્ય એકનાથ શિંદે કેમ્પમાં જોડાવા માટે ગુવાહાટી જવા રવાના થયા છે. જ્યારે તેમની સાથે શિવસેના MLC રવિન્દ્ર ફાટક પણ ગયા છે. ફાટક એ જ નેતા છે જેમને ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મનાવવા માટે પોતાના વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે સુરત મોકલ્યા હતા. તેમના સિવાય દાદાજી ભઉસે અને સંજય રાઠોડ પણ ચાર્ટડ વિમાનથી ગુવાહાટી જઈ રહ્યા છે.

    વડોદરાની નફીસા બની આયેશા: અમદાવાદ રિવરફ્રન્ટ પરથી કુદવાની હિંમત ન ચાલતા વિડીયો રેકોર્ડ કરી પરત ફરી, વડોદરાના ઘરે ફાંસો ખાધો

    અમદાવાદની આયેશા જેવો જ કિસ્સો વડોદરામાં બનેલો જોવા મળ્યો છે. અમદાવાદના રમીઝ શેખ સાથે પ્રેમ કરનારી વડોદરાની નફીસા દ્વારા બે દિવસ પહેલા આત્મહત્યા કરી લેવામાં હતી. આત્મહત્યા પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર તેણે રેકોર્ડ કરેલો વિડીયો વાઇરલ થયો છે.

    વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાના પ્રયાસ કર્યા બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો તેણે બનાવ્યો હતો. જોકે ત્યાર બાદ વડોદરા પરત ફરી યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે અમદાવાદના આ જ રિવરફ્રન્ટ પરથી આયેશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. જે બાદ આ વર્ષે જ તેના આરોપી પતિ આરીફ ખાનને કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી.

    હવે ફરી એકવાર એવી જ ઘટના બની છે, જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ નફીસાએ રિવરફ્રન્ટ પર જે વીડિયો બનાવ્યો હતો એ પણ મીડિયા સમક્ષ આવ્યા છે.

    રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વિડીયો બનાવતી વખતે વડોદરાની નફીસા કહી રહી છે કે “રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા.”

    વડોદરાની નફીસા આગળ કહેતી સંભળાય છે કે, “મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.”

    બીજા વિડીયોમાં નફીસા રડતાં રડતાં આગળ કહેતી દેખાય છે કે, “કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.”

    કાનપુરના પથ્થરબાજોને 500-1000 રૂપિયા મળ્યા હતા, બાબા બિરિયાનીમાં ઘડવામાં આવ્યું હતું સમગ્ર કાવતરું

    ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે બેકનગંજ વિસ્તારમાં 3 જૂન, 2022ના રોજ થયેલી હિંસા મામલે ધરપકડ કરાયેલ બાબા બિરયાનીના માલિક મુખ્તાર અહેમદે પોલીસ પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે. પોલીસને મુખ્તાર પાસેથી ક્રાઉડ ફંડિંગને લઈને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે. આ સાથે પૂછપરછમાં પથ્થરબાજોના દરનો પણ ખુલાસો થયો છે. બીજી તરફ, બાબા બિરયાનીના માલિકને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુખ્તાર અહેમદ પર મંદિરનો કબજો લઈને બિરયાનીની દુકાન ખોલવાનો પણ આરોપ છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન મુખ્તારે કાનપુર હિંસા મામલે ખુલાસા કરતા જણાવ્યું કે પથ્થરબાજોને બહારથી 500 થી 1000 રૂપિયા આપીને બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે ખુલાસો કર્યો છે કે હિંસાનું ષડયંત્ર બાબા બિરયાનીની દુકાનમાં ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં હિંસા ફેલાવવા માટે 15 થી 16 યુવકોને અલગ-અલગ કામ આપવામાં આવ્યા હતા. પથ્થરમારો દરમિયાન આરોપી વીડિયો કોલ કરીને સમગ્ર હંગામો જોઈ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે અન્ય ઘણા આરોપીઓના નામ પણ પોલીસને જણાવ્યા છે.

    રિપોર્ટ અનુસાર, પોલીસે મુખ્તારના નાણાકીય સ્ત્રોત વિશે પણ માહિતી એકઠી કરી છે. મુખ્તારને કરોડપતિ બનાવવામાં એક બેંક મેનેજરનું નામ પણ સામે આવી રહ્યું છે. આ માટે મેનેજર પણ છેતરપિંડીમાં સામેલ હોવાનું કહેવાય છે. તેના પર નિયમોની વિરુદ્ધ જઈને મુખ્તારને મનસ્વી રીતે લોન આપવાનો આરોપ છે. જોકે બાદમાં બેંક મેનેજરને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર, પોલીસ દ્વારા બનાવવામાં આવેલ SIT ટૂંક સમયમાં તે બેંક મેનેજરની પણ પૂછપરછ કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે મુખ્તાર અહેમદને 22 જૂન 2022 (બુધવાર) ના રોજ કાનપુરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી તમામ પૂછપરછની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. જોકે તેણે શરૂઆતમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ વધુ માહિતી માટે મુખ્તાર અહેમદના કસ્ટડી રિમાન્ડ પણ લઈ શકે છે.

    એ પણ નોંધવું જોઈએ કે કાનપુર પોલીસના મીડિયા સેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે એક પ્રેસનોટ જારી કરીને તમામ અપડેટ્સ વિશે સત્તાવાર જાહેરાત કરીએ છીએ. બાબા બિરયાનીના પથ્થરમારા અને બેંક મેનેજરના કેસમાં હજુ સુધી અમે કોઈ સત્તાવાર પ્રેસનોટ જારી કરી નથી. તેથી અમે અત્યારે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી શકતા નથી.” આ ઉપરાંત, ડીસીપી પશ્ચિમ ઝોનનો પણ સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

    યુપીના કાનપુરમાં 3 જૂનના રોજ શુક્રવારની નમાઝ બાદ હિંસા અને પથ્થરમારો થયા હતા. ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામના પયગંબર મોહમ્મદના કથિત અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાની આડમાં આ હિંસા ફેલાવવામાં આવી હતી. જે બાદ સામે આવ્યું હતું કે આ હિંસા પૂર્વનિયોજિત કાવતરું હતું અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તે દિવસે રાજ્યમાં હોવાના કારણે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. 

    યુપીના પીલીભીતમાં ગૌહત્યા, ખેતરમાં આવી જતાં ભાલો મારી દીધો: શીખ યુવક મનપ્રીત સિંહની ધરપકડ 

    ઉત્તરપ્રદેશમાં એક ખેતરમાં ઘૂસીને ગૌહત્યા કરવાનોનો મામલો સામે આવ્યો છે. જે મામલે પોલીસે આરોપી શીખ યુવકની બુધવારના (22 જૂન 2022) રોજ ધરપકડ કરી હતી. તેની ઓળખ મનપ્રીત સિંહ ઉર્ફે મન્ના તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ ભાલા વડે ગાયની હત્યા કરી નાંખવાનો આરોપ લાગ્યો છે.

    ઘટના ઉત્તરપ્રદેશમાં સ્થિત પીલીભીતના ચક્ષશિવપુરી ગામની છે. દિયોરિયા કલા પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા બાબુરામે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, “ગામના ધર્મપાલ નામના વ્યક્તિનું ખેતર ગામના જ સરદાર જોગિન્દર સિંહ ઉર્ફ બિટ્ટુને ખેતી કરવા માટે ગણોતે આપવામાં આવ્યું છે. આ ખેતરમાં શેરડી રોપવામાં આવી છે. 20 જૂનના રોજ એક કાળા રંગની ગાય ઘાસ ચરતી-ચરતી ધર્મપાલના ખેતરમાં ચાલી ગઈ હતી. ત્યારે જ જોગિન્દર સિંહના પુત્ર મનપ્રીત સિંહે પેટમાં ભાલો મારીને ગૌહત્યા કરી નાંખી હતી.

    ફરિયાદ મુજબ ભાલા વડે ઘા મારવાના કારણે ગાયનું આંતરડું પણ બહાર આવી ગયું હતું. જે બાદ ગાય ગામના પશ્ચિમ બાગમાંથી ગાય મૃત હાલતમાં મળી આવી હતી. ચોકીદાર બાબુરામની ફરિયાદ પર પોલીસે મનપ્રીત વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ કાઉ સ્લોટર એક્ટ, ઉત્તર પ્રદેશની કલમ 3/8 અને પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કલમ 11 હેઠળ FIR દાખલ કરી છે. આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો છે. 

    ભૂતકાળમાં રાજસ્થાનમાંથી પણ આવી પ્રાણી ક્રૂરતા સામે આવી હતી. જયપુરમાં એક ખેડૂતે એર ગન વડે એક શ્વાન પર 22 ગોળીઓ ચલાવી હતી જે બાદ તેનું મોત થયું. કૂતરાના વારંવાર ખેતરમાં ઘૂસવાથી તે ગુસ્સે ભરાયો હતો. જે બાદ તુંગા પોલીસ સ્ટેશનમાં ખેડૂત વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

    રિપોર્ટ અનુસાર, ખેડૂતે પોતાની એર ગન વડે શ્વાન પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે શ્વાનના શરીરમાં 22 છરા ઘૂસી ગયા હતા. તે ખેતરમાં લગભગ 2 કલાક સુધી દર્દથી પીડાતો રહ્યો, પરંતુ ખેડૂતને દયા આવી ન હતી. પછી ત્યાંથી જતી વખતે એક માણસની નજર કૂતરા પર પડતાં તે તેને નજીકની એક ગૌશાળામાં લઇ ગયો હતો, જ્યાં તેની ગંભીર સ્થિતિ જોતાં ડોકટરોએ તેને પાંચ બત્તી સ્થિત એનિમલ હોસ્પિટલ રિફર કર્યો હતો. જોકે, સારવાર દરમિયાન લગભગ બે કલાક બાદ તે મૃત્યુ પામ્યો હતો.