Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું બાપ-દીકરો જ બચશે?: રાત્રે શિંદેસેના વધુ મજબૂત થઇ; 2/3નો આંકડો પસાર...

    શું બાપ-દીકરો જ બચશે?: રાત્રે શિંદેસેના વધુ મજબૂત થઇ; 2/3નો આંકડો પસાર કર્યો અને MLC અને અપક્ષો પણ જોડાયા

    ગઈ રાત્રે વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચતા એકનાથ શિંદેએ જરૂરી 2/3 સંખ્યા મેળવી લીધી છે. આ ઉપરાંત અપક્ષો અને MLC પણ ગુવાહાટી પહોંચ્યા છે.

    - Advertisement -

    ગુવાહાટીની હોટેલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સંખ્યા હવે 40 નજીક પહોંચી ગઈ છે. તેમજ અપક્ષ ઉમેદવારો મળીને કુલ સંખ્યા 50 સુધી પહોંચવાના અણસાર છે, કારણ કે વધુ ધારાસભ્યો ગુવાહાટી જઈ રહ્યા છે. બીજી તરફ, શિવસેનાએ શિંદે જૂથના 12 ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાની માંગ સાથે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે.

    શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને પાર્ટીએ બોલાવેલી બેઠકમાં સામેલ ન થનારા 12 ધારાસભ્યોને વિધાનસભામાંથી બરખાસ્ત કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે એકનાથ શિંદેએ પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ જૂથ તેમને ડરાવવાના પ્રયત્નો માંડી વાળે અને કાયદા તેઓ પણ જાણે છે. 

    એકનાથ શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે, “તમે કોને ડરાવો છો? કાયદો અમે પણ જાણીએ છીએ. વ્હીપનો ઉપયોગ માત્ર વિધાનસભા પૂરતો કરી શકાય છે, બેઠકો માટે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદા ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, 12 ધારાસભ્યો વિરુદ્ધ પત્ર લખીને તેઓ તેમને ડરાવી શકશે નહીં કારણ કે તેઓ બાળાસાહેબના શિવસૈનિકો છે. તેમજ તેમણે સંખ્યા ન હોવા છતાં જૂથ બનાવવા બદલ ઉદ્ધવ જૂથ વિરુદ્ધ જ કાર્યવાહીની માંગ કરી હતી. કારણ કે હાલ એકનાથ શિંદે પાસે શિવસેનાના વધુ ધારાસભ્યો છે.

    - Advertisement -

    એકનાથ શિંદેએ NDTV સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેમને (ઉદ્ધવ જૂથ) આ પ્રકારની કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે તેઓ લઘુમતીમાં છે અને બહુમતી સભ્યો અમારી પાસે છે. તેથી કોઈ બરતરફ થશે નહીં. આ ડરાવવાની વાત છે, પણ કોઈ ડરવાનું નથી. 

    એકનાથ શિંદે જૂથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 37 કરતાં વધી ગઈ છે. જેથી ગઈકાલે શિંદે જૂથના નેતાઓએ એકનાથ શિંદેને સર્વાનુમતે પોતાના નેતા જાહેર કર્યા હતા. જે બાદ શિંદેએ આડકતરી રીતે ભાજપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, એક મોટી પાર્ટી છે, મહાશક્તિ છે જેણે પાકિસ્તાનને પણ પાઠ ભણાવ્યો છે. તેમણે મને કહ્યું છે કે આપણે લીધેલો નિર્ણય ઐતિહાસિક છે અને જરૂર પડશે ત્યારે તેઓ આપણી મદદ કરશે. જોકે, તેમણે પાર્ટીનું નામ લીધું ન હતું પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ હતો. 

    એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોની સંખ્યા 50 નજીક પહોંચવાની તૈયારી છે. જેમાંથી 40 શિવસેનાના ધારાસભ્યો છે. જ્યારે બાકીના અપક્ષ ધારાસભ્યો છે. બીજી તરફ, હજુ આજે પણ ગુવાહાટીમાં નવાં એડમિશન ચાલુ જ છે. તેને જોતાં ઉદ્ધવ સેના હજુ વધુ તૂટશે અને સામે શિંદે સેના વધુ મજબૂત થશે તે નક્કી છે. 

    બીજી તરફ, મુંબઈમાં શિવસેનાએ પાર્ટીના તમામ જિલ્લા પ્રમુખોની એક બેઠક બોલાવી છે. આજે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી અને પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આ તમામ શિવસેના નેતાઓની બેઠક મળશે. જોકે, બેઠકનો એજન્ડા શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં