Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્રના રાજકારણની અજાયબી: પુત્ર રાત જાગીને ઉદ્ધવને સમર્થન કરતો રહ્યો અને દિવસ...

    મહારાષ્ટ્રના રાજકારણની અજાયબી: પુત્ર રાત જાગીને ઉદ્ધવને સમર્થન કરતો રહ્યો અને દિવસ ઉગતાં જ ધારાસભ્ય પિતાએ ખેલ ઉલટો પાડી દીધો

    મહારાષ્ટ્રના એક વિધાનસભ્યનો પુત્ર રાત્રે ઉદ્ધવ ઠાકરે જૂથની તરફેણ કરતી ટ્વિટ કરી રહ્યો હતો અને દિવસ પડતાં જ એના પિતાએ તેની હાલત શરમજનક કરી દીધી.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એક પછી એક શિવસેના ધારાસભ્યો ગુવાહાટી જઈને શિંદે જૂથ સાથે જોડાઈ રહ્યા છે. તાજા સમાચાર મુજબ એકનાથ શિંદે પાસે 42 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે બોલાવેલી બેઠકમાં માત્ર 13 જ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી પણ એક આદિત્ય ઠાકરે હતા. છેલ્લા બે દિવસમાં પણ ઘણા નેતાઓ મુંબઈથી આસામ ગયા હતા. તેમાંથી કેટલાક નેતાઓ તો એવા છે જેઓ અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે સાથે હતા, પરંતુ અચાનક શિંદે જૂથ સાથે જોડાઈ ગયા હતા.

    22 જૂનના રોજ શિવસેના ધારાસભ્ય સદા સરવણકર મુંબઈથી ગુવાહાટી પહોંચ્યા હતા અને એકનાથ શિંદે કૅમ્પમાં સામેલ થઇ ગયા હતા. જોકે, તેઓ ગુવાહાટી ગયા તેના થોડા જ કલાકો પહેલાં તેમના પુત્ર અનિકેત સરવણકરે કેટલાંક ટ્વિટ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે અમુક સભ્યો છોડી જાય તેનાથી પાર્ટીને કોઈ નુકસાન નથી.

    22 જૂનના રોજ 1:24 AM વાગ્યે પોસ્ટ કરેલ ટ્વિટમાં શિવસેના ધારાસભ્યના પુત્રે મરાઠી ભાષામાં લખ્યું કે, “છગન ભુજબળ પાર્ટી છોડી ગયા, પાર્ટી ખતમ ન થઇ. ગણેશ નાઈક પક્ષ છોડી ગયા, પાર્ટી ખતમ ન થઇ. નારાયણ રાણેએ પાર્ટી છોડી, પાર્ટી ખતમ ન થઇ. રાજ ઠાકરેએ પાર્ટી છોડી, પણ પાર્ટી ખતમ મન થઇ. કોઈ પાર્ટી છોડી જાય તેનાથી પાર્ટી ખતમ થઇ જતી નથી. કારણ કે પાર્ટી કાર્યકરો અને કાર્યકરોના કારણે ચૂંટાતા ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓના કારણે ચાલતી હોય છે.”

    - Advertisement -

    તેની દસ મિનિટ બાદ 1:34 વાગ્યે તેણે સંજય રાઉતને ટાંકીને પૂછ્યું હતું કે તેમણે શું ખોટું કહ્યું છે? અનિકેતે લખ્યું, “એ વિચાર કરો કે ભાજપ સાથેની સરકારમાં તમારી પાસે કયું મંત્રાલય હતું અને હમણાં કયું છે?- સંજય રાઉત. મને કહો આમ ખોટું શું છે?”

    જે બાદ 1:37 વાગ્યે અન્ય એક ટ્વિટમાં તેણે એક વોટ્સએપ મેસેજને ટાંકીને લખ્યું હતું કે, “થાણેનો દરેક દાઢીવાળો વ્યક્તિ આનંદ દીધે નથી હોતો.” આનંદ દીધે શિવસેનાના દિગ્ગજ નેતાઓ પૈકીના એક હતા. એકનાથ શિંદેને રાજકારણમાં લાવવા પાછળ તેમનો મોટો હાથ હતો. 

    તે પહેલાં 21 જૂનની સવારે અનિકેતે અન્ય એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, “જેઓ અહીં દેખાય છે, પણ ખરેખર ત્યાંના છે. આવા લોકો જીવન અને રાજકારણમાં પણ ઘણા ઘાતક હોય છે.” તેણે શિવસેનાના ધારાસભ્યો તરફ ઈશારો કર્યો હતો જેઓ હાલ મુંબઈમાં છે પરંતુ એકનાથ શિંદેના જૂથમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. 

    જોકે, નોંધવું જોઈએ કે અનિકેત સરવણકરે ઉદ્ધવ ઠાકરે જૂથને સમર્થન આપતાં ટ્વિટ કર્યાના થોડા કલાકો પછી જ તેના પિતા અને શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકર ગુવાહાટી ઉપડી ગયા હતા અને શિંદે જૂથમાં સામેલ થઇ ગયા હતા. જોકે, તેના પિતા ગુવાહાટી ગયા પછી અનિકેતે કંઈ પોસ્ટ કર્યું નથી.

    અહીં એ પણ નોંધનીય છે કે શરૂઆતમાં તો એકનાથ શિંદે અમુક જ ધારાસભ્યોને લઈને સુરત અને ત્યાંથી ગુવાહાટી ગયા હતા. પરંતુ આ ત્રણ દિવસમાં આંકડો ધીમે-ધીમે 42 સુધી પહોંચી ગયો છે. એટલે કે હવે સ્થિતિ એ સર્જાઈ છે કે પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કરતા એકનાથ શિંદે પાસે વધુ ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે મુંબઈમાં એક પછી એક બેઠકો થઇ રહી છે.

    કેટલાક ધારાસભ્યો સોમવારે એકનાથ શિંદે સાથે ગયા ન હતા, પરંતુ પાછળથી જૂથમાં જોડાયા હતા. જેમાંથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગુલાબરાવ પાટીલ પણ એક છે. ગુલાબરાવ પાટીલ સંપર્કવિહોણા બની જતાં શિવસેનાએ તેમને શોધવા માણસો લગાડ્યા હતા. આખી રાતની શોધખોળ બાદ સવારે પાટીલ મળ્યા તો ખરા પરંતુ પછી શિવસૈનિકોને ચકરાવે ચડાવીને પાછલા રસ્તેથી છટકી ગયા હતા અને ગુવાહાટી ઉપડી ગયા હતા.

    બીજી તરફ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આજે વધુ બે ધારાસભ્યો અને એક વિધાન પરિષદ સભ્ય એકનાથ શિંદે કેમ્પમાં જોડાવા માટે ગુવાહાટી જવા રવાના થયા છે. જ્યારે તેમની સાથે શિવસેના MLC રવિન્દ્ર ફાટક પણ ગયા છે. ફાટક એ જ નેતા છે જેમને ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને મનાવવા માટે પોતાના વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે સુરત મોકલ્યા હતા. તેમના સિવાય દાદાજી ભઉસે અને સંજય રાઠોડ પણ ચાર્ટડ વિમાનથી ગુવાહાટી જઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં