Sunday, November 17, 2024
More
    Home Blog Page 1008

    ગતિ પકડી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP દર 13.5% વધ્યો

    નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP દર 13.5% વધ્યો છે. COVID-19 રોગચાળાની વિનાશક અસરો પછી સુધારાનું વલણ જાળવી રાખીને ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 13.5% ની વૃદ્ધિ પામ્યું છે. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત નાણાકીય વર્ષ 2022-23 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના જીડીપી અંદાજમાં આ માહિતી સામે આવી છે.

    મંત્રાલયે જણાવ્યું હતું કે 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થિર (2011-12) કિંમતો પર વાસ્તવિક જીડીપી 13.5 સુધીમાં 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 32.46 લાખ કરોડની સામે રૂ. 36.85 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે. Q1 2021-22 માં 20.1 ટકાની સરખામણીમાં વધારો થયો છે. બીજી તરફ, Q1 2022-23માં વર્તમાન ભાવો પર નજીવી GDP અથવા GDP ₹64.95 લાખ કરોડનો અંદાજ છે, જયારે Q1 2021-22માં ₹51.27 લાખ કરોડ હતો, જે Q1 માં 2021-2232.4 ટકાની સરખામણીમાં 26.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

    રાષ્ટ્રીય ખાતાના ત્રિમાસિક અંદાજો સૂચક આધારિત છે અને અંદાજોના સંકલનમાં વિવિધ મંત્રાલયો/વિભાગો/ખાનગી એજન્સીઓ પાસેથી પ્રાપ્ત ડેટાનો ઉપયોગ મૂલ્યવાન ઇનપુટ તરીકે કરવામાં આવ્યો હતો. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) આ કંપનીઓ માટે ઉપલબ્ધ ત્રિમાસિક નાણાકીય પરિણામોના આધારે ખાનગી કોર્પોરેટ સેક્ટરમાં લિસ્ટેડ કંપનીઓની નાણાકીય કામગીરી 2022-23 માટે પાક ઉત્પાદન લક્ષ્ય, 2022-23 માટે મુખ્ય પશુધન ઉત્પાદનો માટે, મત્સ્ય ઉત્પાદન, સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન/વપરાશ, રેલ્વે માટે ચોખ્ખા ટન કિલોમીટર અને પેસેન્જર કિલોમીટર, નાગરિક ઉડ્ડયન દ્વારા સંચાલિત પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક, મુખ્ય દરિયાઈ બંદરો પર કાર્ગો ટ્રાફિક, વેપારી વાહનોનું વેચાણ, બેંક થાપણો અને થાપણો, કેન્દ્રીય ખાતાઓ અને અન્ય ઉત્પાદન લક્ષ્યાંક જેવા વિવિધ સૂચકાંકોનો ઉપયોગ કરીને ક્ષેત્રવાર અંદાજોનું સંકલન કરવામાં આવ્યું છે.

    મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીડીપી એ મૂળ કિંમતો પર ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ)ના સરવાળો તરીકે વ્યુત્પન્ન થાય છે, ઉપરાંત ઉત્પાદનો પરના તમામ કર, તથા ઉત્પાદનો પરની તમામ સબસિડીને બાદ કરે છે. GDP સંકલન માટે વપરાતી કુલ કર આવકમાં નોન-GST આવક અને GST આવક બંનેનો સમાવેશ થાય છે.

    વિવિધ ક્ષેત્રોમાં, જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવા ક્ષેત્રે સતત ભાવે 26.3% નો સર્વોચ્ચ વૃદ્ધિ દર દર્શાવ્યો હતો, જેમાં વેપાર, હોટેલ્સ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ 25.7% સાથે બીજા સ્થાને છે. ક્વાર્ટરમાં કૃષિ 4.5% અને મેન્યુફેક્ચરિંગ 4.8% વધ્યું છે.

    જોકે, આ અંદાજો માત્ર છે અને ડેટા પછીથી પ્રકાશિત કરવામાં આવનાર સુધારેલા અંદાજોમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે વિવિધ સ્ત્રોત એજન્સીઓ ડેટા રીલીઝ કેલેન્ડર અનુસાર તેમની સંખ્યામાં સુધારો કરશે.

    સમાન સમયગાળા દરમિયાન સરકારની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 20.5% હતી, જે અગાઉના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 21.3% હતી, જે સુધારો દર્શાવે છે. એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન, દેશની રાજકોષીય ખાધ અથવા આવક અને ખર્ચ વચ્ચેનું અંતર ₹3.41 લાખ કરોડ હતું.

    કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ, કર સહિત સરકારની આવક ₹7.85 લાખ કરોડ અથવા 2022-23 માટે બજેટ અંદાજ (BE) ના 34.4% હતી. આ સમયગાળા દરમિયાન ચોખ્ખી કર આવક ₹6.66 લાખ કરોડ હતી જ્યારે કુલ ખર્ચ ₹11.27 લાખ કરોડ હતો.

    કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ માટે જીડીપીના 6.4%ની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક ધરાવે છે. જુલાઈ મહિનો આ બાબતમાં ખાસ કરીને સારો હતો, કારણ કે સરકારે આ મહિના માટે રૂ. 11,040 કરોડની અધીવીશેષ પોસ્ટ કરી હતી.

    આમિર ખાન ફરી ચર્ચામાં: અભિનેતાની કંપનીએ ‘મિચ્છામિ દુકડમ’ કહેવા માટે વિડીયો પોસ્ટ કર્યો, પણ એવી ભૂલો કરી કે હવે ફરી માફી માંગવી પડશે!

    બૉલીવુડ અભિનેતા આમિર ખાનઆ પ્રોડક્શન હાઉસ ‘આમિર ખાન પ્રોડક્શન્સ’ નિર્મિત ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા હાલમાં જ રિલીઝ થઇ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લૉપ સાબિત થઇ હતી અને માંડ 60 કરોડની કમાણી કરી શકી હતી. ત્યારે હવે આમિર ખાન પ્રોડક્શન્સ ફરી ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ એક વિડીયો છે જે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

    આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા ગઈકાલે જૈન ધર્મના પર્યુષણના અંતિમ દિવસ ‘સંવત્સરી’ના દિને ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયો જાણ્યે-અજાણ્યે કોઈએ દુઃખ પહોંચાડવા બદલ માફી માંગવા માટે શૅર કરવામાં આવ્યો હતો. જોકે, ઈમોજી અને ભરપૂર ટાઈપિંગ મિસ્ટેકના કારણે આ વિડીયોને લઈને વિવાદ સર્જાયો છે. 

    27 સેકન્ડના આ વિડીયોમાં ભરપૂર જોડણીની ભૂલો છે, જે સામાન્ય નથી પરંતુ તેના કારણે શબ્દોના અર્થ જ બદલાય જાય છે. તેમજ ઈમોજી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેના વોઇસઓવર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. 

    વિડીયો શરૂ થયા પછી 0:04 સેકન્ડે વોઇસઓવરમાં કહેવામાં આવે છે કે ‘હમ સબ ઇન્સાન હૈ’ પરંતુ વિડિયોમાં લખવામાં આવેલ લખાણમાં અંગ્રેજીમાં Insane શબ્દ વાપરવામાં આવ્યો છે. જેનો અર્થ પાગલ કે વિચિત્ર થાય છે. ત્યારબાદ 0:25 સેકન્ડે ‘ક્ષમા’ની જગ્યાએ ‘સમા’ શબ્દ વાપરવામાં આવ્યો છે. 

    જોકે, અમુક યુઝરોનું કહેવું છે કે આ ભાષા પાકિસ્તાની હિંગ્લીશ (હિંદી અને અંગ્રેજીનું મિશ્રણ) છે. પાકિસ્તાનીઓ સામાન્ય રીતે આવું લખતા-બોલતા હોય છે. 

    આ વિડીયો ટ્વિટર પર વાયરલ થઇ ગયા બાદ નેટિઝન્સ સવાલ ઉઠાવી રહ્યા છે અને આમિર ખા પ્રોડક્શન્સને માફી માંગવા માટે કહી રહ્યા છે. લોકોએ એ પણ સવાલો ઉઠાવ્યા કે હિંદુવિરોધી ફિલ્મો બનાવવા માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે પરંતુ જ્યારે આવી માફી માંગવાની વાત આવે ત્યારે સાવ નબળી કક્ષાનું અને હલકી ગુણવત્તાવાળું પ્રોડક્શન કરવામાં આવે છે.

    આ ઉપરાંત, વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘કલ હોના હો’નું સંગીત વાગી રહ્યું છે તેમજ વોઇસ ઓવર કરનાર અભિનેતા શાહરૂખ ખાનની મિમિક્રી કરતો હોવાનું જણાય છે. લોકોએ તેની ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. 

    અંકિત જૈને આ વિડીયો પર સવાલો ઉઠાવ્યા છે, અને કહ્યું કે એક જૈન તરીકે તેમને આ અપમાનજનક લાગ્યું છે. તેમણે કહ્યું કે, આટલા રૂપિયા હોવા છતાં આમિર ખાનની કંપની એક વિડીયો પણ સારો બનાવી શકી નથી.

    યુઝરોએ એમ પણ કહ્યું કે, ભૂલો માફ કરી શકાય છે, પરંતુ અપમાનની માફી આપી શકાતી નથી.

    લાલ સિંઘ ચઢ્ઢા ફ્લૉપ ગયા બાદ આમિર ખાન પ્રોડક્શને ડેમેજ કન્ટ્રોલ કરવાના પ્રયાસો શરૂ કર્યા હોય તેમ લાગે છે, પરંતુ તે વિડીયોમાં પણ એવી ગડબડો કરી છે કે મામલો વધુ બગડ્યો છે અને હવે લોકો આ માટે પણ માફી માંગવા માટે કહી રહ્યા છે.

    ‘કેજરીવાલ પોતે જ એક ગડબડ છે, આખા દેશને નુકસાન કરશે’: અન્ના હજારેના પત્ર બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ પર નિશાન સાધ્યું

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ જેમની સભાઓ અને આંદોલનો થકી દેશભરમાં ચર્ચામાં આવ્યા એવા અન્ના હજારેએ તેમને પત્ર લખીને તેમની સરકારની નવી શરાબ નીતિની ટીકા કરી હતી. જે બાદ આ પત્ર સતત ચર્ચામાં છે. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ટિપ્પણી કરી હતી. 

    ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “અન્ના હજારેને હવે સમજાયું છે કે તેમણે કેજરીવાલમાં વિશ્વાસ કરીને ભૂલ કરી હતી અને એટલે તેમણે પત્ર લખ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ આવનારા દિવસોમાં આખા દેશને નુકસાન કરવા માટે ગડબડ કરતા રહેશે.

    ભાજપ પ્રમુખે કહ્યું, “પહેલાં દારૂની દુકાનો 31 દિવસ બંધ રહેતી હતી, તે હવે 28 દિવસ ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવ્યા છે. તેની પાછળ મોટો સોદો થયો હોય તેમ લાગે છે. તેમણે દારૂ પીવા માટેની ઉંમર પણ ઘટાડી દીધી છે. સ્વાભાવિક છે કે અન્ના હજારેજીએ કરેલો વિશ્વાસ તૂટ્યો છે, તેથી તેમણે બહુ કડક શબ્દોમાં આ વાત લખી છે.” 

    તેમણે ઉમેર્યું કે, “એક જૂના વિડીયોમાં જોઈ શકાય છે કે અન્ના હજારેની બાજુમાં બેસીને કેજરીવાલ બોલી રહ્યા હતા કે ખુરશીમાં જ કંઈક ગડબડ છે અને જે ત્યાં બેસે છે તે ગડબડ થઇ જાય છે. અને આ આંદોલનથી નીકળનાર જે પણ પાર્ટી હશે કે જે કોઈ નીકળશે તે પણ આ ખુરશી પર બેસશે તો ગડબડ થઇ જશે. તેમની એ વાત જ સાચી પડી રહી છે. અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ગડબડ હતા, આજે પણ ગડબડ છે અને આવનાર દિવસોમાં આખા દેશને નુકસાન કરવા માટે ગડબડ કરતા રહેશે.” 

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના જૂના રાજકીય ગુરુ અન્ના હજારેએ તાજેતરમાં તેમને પત્ર લખીને નવી શરાબ નીતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સત્તાના નશામાં વિચારધારા ભૂલી ગયા છે. 

    અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે, “રાજકારણમાં જઈને મુખ્યમંત્રી બન્યા પછી આપ આ આદર્શ વિચારધારા ભૂલી ગયા હોવ તેમ લાગે છે. તેથી દિલ્હી રાજ્યમાં તમારી સરકારે નવી શરાબ નીતિ બનાવી. એવું લાગે છે કે તેનાથી દારૂનું વેચાણ અને દારૂ પીવાને પ્રોત્સાહન મળી શકે છે. શેરીએ-શેરીએ દુકાનો ખુલી શકે છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ બાબત જનતાના હિતમાં નથી. તેમ છતાં આપે એવી શરાબ નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે. જેથી એવું લાગે છે કે, જે પ્રકારે દારૂનો નશો હોય છે, એ જ પ્રકારે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ આવા જ સત્તાના નશામાં ડૂબી ગયા હોવ એવું લાગે છે.” 

    શાહરૂખના ઘરે ગણપતિ આવ્યા, સોશિયલ મીડિયામાં સાચા મુસ્લિમે શું કરવું જોઈએ તેની સલાહો આવી: જબરદસ્ત ટ્રોલિંગ

    બુધવારે (31 ઓગસ્ટ 2022) દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ હતી. ઠેરઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. દરમ્યાન, બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા પર ગણેશજીની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે તેમણે ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. સાથે શાહરૂખે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, શાહરૂખનું આ પગલું કેટલાક કટ્ટર ઇસ્લામીઓને પસંદ નહીં આવ્યું અને તેમણે સોશિયલ મીડિયા પર શાહરૂખનો ક્લાસ લઇ નાંખ્યો હતો. 

    શાહરૂખ ખાને પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ઘરે મેં અને મારા પુત્રે ગણપતિજીનું સ્વાગત કર્યું. મોદક ખૂબ સ્વાદિષ્ટ હતા. શીખવાનું એ છે કે મહેનત, દ્રઢતા અને ઈશ્વરમાં આસ્થાથી તમે સપનાંઓ સાકાર કરી શકો છો. સૌને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ.’

    શાહરૂખ ખાનના ટ્વિટ અને અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ નીચે ઇસ્લામીઓએ શાહરૂખને શિખામણ આપવાની શરૂ કરી દીધી હતી તો કોઈએ એમ પણ કહ્યું કે શાહરૂખ મુસ્લિમ જ નથી. 

    ટ્વિટર પર શાહરૂખ ખાનના ટ્વિટની નીચે એક યુઝરે શાહરૂખને પ્રશ્ન કરતાં લખ્યું કે, તમે મુસ્લિમ છો કે હિંદુ? ઇસ્લામમાં આપણે માત્ર અલ્લાહમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને પયગમ્બર સંદેશાવાહક છે. 

    એક યુઝરે લખ્યું કે, શાહરૂખે ક્યારેય ઈદમાં નમાઝ પઢતી વખતેનો ફોટો મૂક્યો નથી. જેની નીચે અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તે ‘કાફિર’ છે અને તેની પાસેથી આવી આશા રાખવી જોઈએ નહીં. 

    શહસવાર ખાન નામના એક યુઝરે લખ્યું હતું કે, શાહરૂખ તેના પ્રશંસકોને ખુશ કરવામાં એ ભૂલી જાય છે કે તેણે જે કર્યું છે એ પાપ છે. મને નથી લાગતું કે હવે તે મુસ્લિમ રહ્યો છે. 

    અસદ નામના એક યુઝરે શાહરૂખને મુસ્લિમ ગણવાનો જ ઇનકાર કરી દીધો હતો. 

    માત્ર ટ્વિટર પર જ નહીં, પરંતુ ફેસબુક પર પણ શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટ્સમાં કટ્ટરપંથીઓએ શાહરૂખને શિખામણ આપી હતી. 

    ફેસબુક પર શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટનો સ્ક્રીનશોટ

    એક યુઝરે લખ્યું કે, તમે મુસ્લિમ છો અને આ બધી બાબતો સારી નથી. 

    ફેસબુક પર શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટનો સ્ક્રીનશોટ

    સૈયદ હબીબ નામના એક યુઝરે લખ્યું કે, આપણે મુસ્લિમ છીએ અને આપણાથી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી શકાય નહીં. 

    ફેસબુક પર શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટનો સ્ક્રીનશોટ

    ઇસ્માઇલ નામના યુઝરે લખ્યું કે, હું તો તમને મુસ્લિમ વિચારતો હતો. અલ્લાહ તમને સાચો માર્ગ દેખાડે. 

    ફેસબુક પર શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટનો સ્ક્રીનશોટ

    આદિલ ખાન નામના એક યુઝરે અલ્લાહને જ સર્વસ્વ ગણાવીને કહ્યું હતું કે, મૂર્તિપૂજા એક મોટું પાપ છે. 

    ફેસબુક પર શાહરૂખ ખાનની પોસ્ટ નીચેની કૉમેન્ટનો સ્ક્રીનશોટ

    જોકે, શાહરૂખ ખાને ગણેશ ચતુર્થી પર ઘરે ગણેશજીની સ્થાપના કરવાના કારણે પહેલીવાર ઇસ્લામીઓના રોષનો ભોગ બનવું પડ્યું હોય તેમ નથી. પાંચ વર્ષથી જ્યારે-જ્યારે શાહરૂખ આ પ્રકારની પોસ્ટ કરે છે ત્યારે ઇસ્લામીઓ તેમની ઉપર તૂટી પડે છે. ભુતકાળમાં પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે. 

    ‘આપ’ નેતાઓની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી: હવે ઉપરાજ્યપાલ કરશે કાનૂની કાર્યવાહી, વિધાનસભામાં લગાવ્યા હતા આરોપો

    દિલ્હીનું રાજકારણ હાલ ચર્ચામાં છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શાસક પક્ષ આમ આદમી પાર્ટી સામસામે આવી ગયાં છે ત્યાં હવે બીજી તરફ ઉપ-રાજ્યપાલે પણ એન્ટ્રી કરી છે. કેટલાક ‘આપ’ નેતાઓ દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના વિરુદ્ધ કૌભાંડના આરોપો લગાવી રહ્યા છે. જેને લઈને હવે ઉપરાજ્યપાલે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. 

    આમ આદમી પાર્ટીના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ રહેતાં 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેના પર હવે એલજી હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના ભ્રષ્ટાચારના આરોપો અને માનહાનિ બદલ આપ નેતાઓ સૌરભ ભારદ્વાજ, આતિષી માર્લેના, દુર્ગેશ પાઠક અને જસ્મિન શાહ સહિત અન્ય લોકો સામે કાનૂની કાર્યવાહી કરશે.”

    અહીં નોંધવું જોઈએ કે, આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પર 1400 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. પાઠકે વિધાનસભામાં દાવો કર્યો હતો કે નોટબંધી દરમિયાન ‘ખાદી ગ્રામોદ્યોગ’ના વડા રહેલા વીકે સક્સેનાએ કાળા નાણાને સફેદમાં ફેરવી દીધું હતું. એટલું જ નહીં, તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને ‘ભ્રષ્ટ’ ગણાવીને CBI અને EDની તપાસની માંગ કરી હતી અને કહ્યું હતું કે ઉપરાજ્યપાલ સક્સેનાએ તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

    પાઠકે કહ્યું હતું કે, “આ કૌભાંડ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને ખાદીના નામે થયું છે. ખૂબ જ દુઃખ અને શરમ સાથે હું કહું છું કે આ અન્ય કોઈએ નહીં પણ જ્યારે તેઓ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ હતા ત્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કર્યું હતું.”

    આ સિવાય AAP નેતા આતિશી માર્લેનાએ કહ્યું હતું કે, “હું પૂછવા માંગુ છું કે વિનય સક્સેના સીબીઆઈ તપાસથી કેમ ભાગી રહ્યા છે? જો તમે કંઈ ન કર્યું હોય તો તમે બચી જશો. CBI અને EDને તપાસ કરવા દો.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવેલી 45 જેટલી ફાઈલ પરત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, સીએમઓમાંથી આવેલઈ ફાઈલો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તાક્ષર ન હતા, પરંતુ તેમના જુનિયર અધિકારીઓ દ્વારા નોંધ લખીને ફાઈલો મોકલી આપવામાં આવી હતી. 

    ઉપરાજ્પણ ના કાર્યાલયે જણાવ્યું હતું કે, આ પહેલાં પણ એક સપ્તાહ અગાઉ ઉપરાજ્યપાલે મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખીને તમામ ફાઈલો પર હસ્તાક્ષર કરીને મોકલવાની ભલામણ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ સુધારો ન આવતાં ફાઈલ પરત કરી દીધી હતી. 

    ફરી ઉઠી તાજમહલનું નામ બદલવાની માંગ: નગરનિગમ સમક્ષ ‘તેજો મહાલય’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો

    ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત તાજમહલને લઈને ફરીથી વિવાદ શરૂ થઇ ગયો છે. આગ્રા નગર નિગમના ભાજપના એક કોર્પોરેટરે તાજમહલનું નામ બદલીને તેજોમહાલય કરવાની માંગ કરી છે. તેમણે આ માટે આજે પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, જોકે વિપક્ષી પાર્ટીઓએ ખૂબ હોબાળો મચાવવાના કારણે પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકી ન હતી. 

    આગ્રાના મેયરે આ પ્રસ્તાવની પુષ્ટિ કરી છે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોડે તાજમહલનું નામ બદલવા માટે એક પ્રસ્તાવ નગર નિગમની ગૃહની બેઠક સમક્ષ રજૂ કર્યો હતો. આ અંગે મેયર નવીન જૈને કહ્યું કે, તાજમહલનું નામ બદલીને તેજો મહાલય કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. પ્રસ્તાવ ગૃહ સમક્ષ વાંચનમાં લાવવામાં આવશે અને તેની ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નગરનિગમના ક્ષેત્રાધિકારનો વિષય નથી પરંતુ કાયદાકીય પાસાં પર ચર્ચા કર્યા બાદ પ્રસ્તાવ ગૃહને મોકલવામાં આવી શકે છે.

    આગ્રામાં જ્યાં તાજમહલ સ્થિત છે તે ક્ષેત્રના કોર્પોરેટર શોભારામ રાઠોડ છે. તેમણે કહ્યું કે, નગર નિગમે છેલ્લાં સાડા ચાર વર્ષમાં માર્ગો અને ચોકનું નામકરણ કર્યું છે જેથી હવે તાજમહલનું નામ પણ તેજો મહાલય કરવામાં આવે. તેમણે કહ્યું કે, તાજમહલ તેજો મહાલય હોવાના તેમની પાસે પુરાવા છે. તેમણે એમ પણ કહ્યું કે, તાજમહલની અંદર કળશ અને નાગનાગણનું જોડું હોવાના પણ પ્રમાણ છે. 

    શોભારામ રાઠોડે કહ્યું કે, તાજમહલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા તમામ નિશાન છે જેનાથી આ વાત સાબિત થઇ શકે કે તાજમહલ પહેલાં શિવમંદિર હતું. તેમણે કહ્યું, “મુગલ આક્રાંતાઓએ તેને બદલીને તાજમહલ કરી દીધો હતો અને આ રાજા જયસિંહની સંપત્તિ હતી. તેમણે એમ પણ દાવો કર્યો કે શાહજહાંની બેગમ મુમતાઝનું સાચું નામ અંજુમ બાનો હતું અને તેનું મોત તાજમહલના નિર્માણના 22 વર્ષ પહેલાં થયું હતું. તેને બુરહાનપૂરમાં દફન કરવામાં આવી પરંતુ પછીથી તેની કબર તાજમહલની અંદર બનાવી દેવામાં આવી.

    જોકે, તાજમહલનું નામ તેજોમહાલય કરવાની માંગ હમણાં જ ઉઠી હોય તેમ નથી, અગાઉ પણ ઘણીવાર આ પ્રકારની માંગ ઉઠતી રહી છે. વર્ષ 2020માં ઓરિસ્સાના પુરી સ્થિત ગોવર્ધન મઠના શંકરાચાર્યે ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે સ્થિત તાજમહલને લઈને કહ્યું હતું કે, પ્રાચીનકાળમાં અહીં શિવમંદિર હતું, જેનું નામ તેજો મહાલય હતું. 

    તેમણે કહ્યું હતું કે, જયપુરના રાજપરિવાર પાસે તાજમહલનો સંપૂર્ણ ઇતિહાસ સુરક્ષિત છે. વિદેશી યાત્રીઓએ પણ પોતાની યાત્રાને લઈને લખેલાં સંસ્મરણોમાં તાજમહલનું વાસ્તવિક નામ તેજોમહાયલ જ લખ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આગ્રામાં છેલ્લાં સાડા ચાર વર્ષોમાં આઝમ ખાન રોડનું નામ બદલીને અશોક સિંઘલ માર્ગ, મુઘલ રોડ, કમલા નગરનું નામ બદલીને મહારાજા અગ્રસેન માર્ગ, લોહામંડીના નૌબસ્તા ચારરસ્તાનું નામ બદલીને ગુરુ નાનક દેવ ચૌક, ધૂલિયાગંજ ચોકનું નામ બદલીને વીર સાવરકર ચોક અને મંટોલા કંગાલપાડાનું નામ બદલીને વીરાંગના ઝલકારી બાયના નામ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગ્રાના સૌથી જાણીતા સ્થળ તાજમહલનું નામ બદલવાની માંગ ઉઠી છે.

    નિકાહ કરી નામ બદલ્યું, નમાઝ-કુરાન પઢવા દબાણ: મુસ્લિમ યુવક સાથે પરણેલી અમદાવાદની હિંદુ યુવતી પર પતિ-સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ

    અમદાવાદના નિકોલમાં એક મુસ્લિમ યુવક સાથે પરણેલી હિંદુ યુવતીએ સ્થાનિક પોલીસ મથકે પતિ અને સાસરિયાં વિરુદ્ધ ત્રાસ ગુજારતા હોવાની અને નમાઝ અને કુરાન પઢવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે યુવતીના પતિ આદિલ ખાન સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    ઘટનાની વધુ વિગતો એવી છે કે, નિકોલમાં રહેતી હિંદુ યુવતી ઉત્તરપ્રદેશના આગ્રાની એક હોટેલમાં રિસેપ્સનિસ્ટ કરીકે કામ કરતી હતી તે દરમ્યાન, તે જ હોટેલમાં કામ કરતા ખાલિદ અલી ઉર્ફે આદિલ અલી નામના યુવક સાથે તેનો પરિચય હતો. બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને જે બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી. લાંબો સમય પ્રેમસબંધમાં રહ્યા બાદ યુવકે પ્રસ્તાવ મૂકતાં બંનેએ જાન્યુઆરી 2014માં કોર્ટ મેરેજ કરી લીધાં હતાં. 

    કોર્ટ મેરેજના પાંચ મહિના બાદ ખાલિદ અલીએ ઘરે મૌલવીને બોલાવી ઇસ્લામિક પરંપરા અનુસાર નિકાહ કર્યા હતા અને હિંદુ યુવતીનું નામ પણ બદલી નાંખ્યું હતું. બંનેના લગ્નજીવન દરમિયાન યુવતીએ બે બાળકોને જન્મ પણ આપ્યો હતો. જેના થોડા સમય બાદ આદિલે યુવતીને નોકરી છોડાવી દીધી હતી. 

    રિપોર્ટ અનુસાર, યુવતીની સાસુ અને નણંદ યુવતીને અવારનવાર નમાઝ માટે અને કુરાન પઢવા માટે હેરાન કરતી હતી. તેમજ પતિએ તેના બહાર જવા પર પ્રતિબંધ લગાવી દીધો હોવાનો અને મોડી રાત્રે ઘરે આવીને ઝઘડો કરીને મારઝૂડ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

    યુવતીએ પતિ ઉપર અન્ય સ્ત્રીઓ સાથે સબંધ ધરાવતો હોવાના પણ આરોપ લગાવ્યા છે. જેમાં એક દિવસ તેણે પતિનો ફોન ચેક કરતાં તેમાં અન્ય સ્ત્રીઓ સાથેના સબંધ ધરાવતા ફોટા અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે. જે બાદ ગત ફેબ્રુઆરીમાં યુવતી બીમારીનું બહાનું કાઢીને પિયરમાં અમદાવાદ ખાતે આવી ગઈ હતી. 

    અહેવાલ અનુસાર, હિંદુ યુવતીએ પતિને ફોન કરતાં તેણે તેને ઉત્તરપ્રદેશમાં ચૂંટણી હોવાથી બંદૂક પોલીસ સ્ટેશને જમા છે, જે પરત આવી જાય પછી તને અને તારી માતાને જોઈ લઈશ તેમ કહીને ધમકી આપી હતી. માથાભારે પતિની ધમકીથી ગભરાઈ જઈને યુવતી સાસરે ગઈ ન હતી અને નિકોલ પોલીસ મથકે પતિ તેમજ સાસુ, નણંદ અને જેઠ સહિતનાં સાસરિયાં સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 

    જેહાદી માનસિકતા ધરાવતા શાહરૂખનો શિકાર બનેલી અંકિતાના ઘરે પહોંચી મહિલા આયોગની ટીમ, નિરીક્ષણ કર્યું: કપિલ મિશ્રાએ પરિવારને સોંપ્યો 25 લાખનો ચેક

    ઝારખંડમાં હિંદુ તરૂણી અંકિતાની હત્યા મામલે રાષ્ટ્રીય મહિલા કમિશન એક્શનમાં આવ્યું છે. આજે મહિલા આયોગની એક ટીમ દુમકા સ્થિત અંકિતાના ઘરે પહોંચી હતી અને પરિજનો સાથે વાતચીત કરી હતી. બીજી તરફ, ભાજપ નેતાઓએ પણ દેશભરમાંથી દાન એકઠું કરીને અંકિતાના પરિજનોને સોંપ્યું હતું. 

    NCWનાં લીગલ કાઉન્સિલર શાલિની સિંહે કહ્યું, “સમાચાર મળતાં જ અમે સ્વયં સંજ્ઞાન લઈને કાર્યવાહી કરી અને મામલો ડીજીપી સામે ઉઠાવ્યો હતો. અમે અહીં જે પણ જોયું છે તેને NCW અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં જણાવવામાં આવશે. જે બાદ તેઓ આગળ શું કરવું તે વિશે નિર્ણય લેશે. હાલ અમે કંઈ વધુ જણાવી શકીએ તેમ નથી.”

    શાલિની સિંઘે મૃતક અંકિતા સિંહની ગરિમા જાળવવાની પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા પર લોકો પીડિતાની તસ્વીરો શૅર કરી રહ્યા છે. મહેરબાની કરીને તેને રોકવામાં આવે. મહત્વની જાણકારીનો દુરુપયોગ ન થાય અને મહિલાની ગરિમાની રક્ષા કરવામાં આવે.”

    રાષ્ટ્રીય મહિલા આયોગની બે સભ્યોની ટીમે મૃતક અંકિતાના ઘરે જઈ પરિજનો સાથે વાત કરીને સમગ્ર મામલાની જાણકારી લીધી હતી. આ સાથે જ ટીમે ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી હતી. ટીમે એ રૂમનું પણ ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું જેમાં અંકિતા ઊંઘી રહી હતી અને શાહરુખ હુસૈને બારીમાંથી પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. 

    આ પહેલાં રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ સોમવારે (29 ઓગસ્ટ 2022) ઝારખંડના ડીજીપી નીરજ સિન્હાને નોટિસ આપીને અંકિતાની હત્યા અંગે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો હતો.

    બીજી તરફ ભાજપ નેતા કપિલ મિશ્રાએ પીડિતાના પરિવાર માટે લોકો પાસેથી ફંડ એકઠું કર્યું છે અને દુનિયાભરના લોકોએ અંકિતાના પરિવાર માટે 25 લાખ રૂપિયાથી વધુની રકમ આપી છે. કપિલ મિશ્રાએ દુમકાના સંસદ નિશિકાંત દૂબે સાથે મળીને અંકિતાના પરિજનોને મળીને તેમને 25 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.

    જેહાદી માનસિકતા ધરાવતા શાહરૂખ હુસૈનનો શિકાર બનેલી અંકિતાના મોટ પર ઝારખંડની હેમંત સોરેન સરકારે માત્ર 10 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ટીકા પણ ખૂબ થઇ રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર ધારાસભ્યોને છત્તીસગઢની રિસોર્ટમાં મોકલીને કરોડો રૂપિયા ઉડાવી શકે છે પરંતુ એક હિંદુ પીડિતાને પૂરતું વળતર પણ આપી શકતી નથી.

    ઉલ્લેખનીય છે કે શાહરૂખ હુસૈને હુમલો કર્યા બાદ 90 ટકા દાઝી ગયેલી અંકિતાએ 5 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ 23 ઓગસ્ટ 2022ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ રાજ્યમાં ઠેકઠેકાણે પ્રદર્શનો થઇ રહ્યાં છે. બીજી તરફ, પોલીસની કસ્ટડીમાં શાહરૂખ હુસૈનનો હસતો ફોટો પણ વાયરલ થયો હતો.

    ‘ક્લબની ચૂંટણીમાં પણ આવું થતું નથી…’, ‘ખબર નથી કે કોણ મત આપવાના છે, તો પછી કોંગ્રેસ પ્રમુખ કેવી રીતે ચૂંટાશે?’: પક્ષના વરિષ્ઠ નેતાએ ઉઠાવ્યા પ્રશ્ન

    લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે કોંગ્રેસમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણી માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે જ્યારે બે દિવસ બાદ એટલે કે 19 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જો કે આ ચૂંટણીને લઈને પક્ષના નેતાઓએ બળવાખોર વલણ દાખવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.

    મનીષ તિવારીકહ્યું છે કે મતદાર યાદી વિના કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થશે? તેમણે માંગ કરી છે કે નિષ્પક્ષ ચૂંટણી માટે પાર્ટીના મતદારનું નામ અને સરનામું પ્રસિદ્ધ કરવામાં આવે. વાસ્તવમાં, કોંગ્રેસના ‘સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી’ના વડા મધુસૂદન મિસ્ત્રીના નિવેદન બાદ મનીષ તિવારીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે. મિસ્ત્રીએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવશે નહીં.

    મધુસૂદન મિસ્ત્રીના આ નિવેદન અંગે મનીષ તિવારીએ ટ્વીટ કર્યું અને કહ્યું, “મધુસૂદન મિસ્ત્રી જી, હું ખૂબ જ આદર સાથે પૂછવા માંગુ છું કે જ્યાં સુધી મતદાર યાદી જાહેરમાં ઉપલબ્ધ નથી, ત્યાં સુધી નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી કેવી રીતે થઈ શકે? નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીનો સાર એ છે કે તમામ મતદારોના નામ અને સરનામા પાર્ટીની વેબસાઈટ પર પારદર્શક રીતે પ્રકાશિત કરવામાં આવે.”

    તેમણે એમ પણ કહ્યું, “હું ખૂબ સન્માન સાથે કહેવા માંગુ છું કે ક્લબની ચૂંટણીમાં પણ આવું થતું નથી. નિષ્પક્ષતા અને પારદર્શિતાના હિતમાં, હું તમને વ્યક્તિગત રીતે કોંગ્રેસની વેબસાઇટ પર મતદારોની સંપૂર્ણ યાદી જાહેર કરવા વિનંતી કરું છું.”

    મનીષ તિવારીએ તેમના આગામી ટ્વીટમાં કહ્યું, “જો કોઈ આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માંગે છે, તો નિયમો અનુસાર તેને 10 પ્રસ્તાવકોની જરૂર છે. જો તેમને મતદાર યાદીમાં કોણ છે તેની પણ ખબર ન હોય તો શું તેઓ દેશભરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયો સુધી દોડશે? આવી સ્થિતિમાં, કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળ તેમના નામાંકનને આ આધાર પર રદ કરશે કે પ્રસ્તાવક આ ચૂંટણી માટે માન્ય મતદાર નથી.”

    નોંધનીય છે કે મનીષ તિવારી એવા પહેલા વ્યક્તિ નથી કે જેમણે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હોય. આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે.

    સેલવાસની મિશનરી શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ: કોચિંગ ક્લાસના બહાને રૂમમાં બોલાવી શિક્ષક-સંચાલકે બળાત્કાર કર્યો, ધરપકડ

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સેલવાસમાં આવેલ એક મિશનરી સ્કૂલમાં સંચાલક અને શિક્ષકે જાનથી મારી નાંખવાની ધમકી આપી એક 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચારવા બદલ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી વિદ્યાર્થીનીને પીંખી હતી.

    સેલવાસમાં આવેલી અવર લેડી ઑફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં અભ્યાસ કરતી એક 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના સંચાલક અને શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસના બહાને દુષ્કર્મ આચર્યું હતું અને ઉપરથી આ બાબતની ઘરે પરિવારમાં કે અન્ય કોઈને જાણ ન કરવાની અને તેમ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

    અહેવાલ અનુસાર, બંને આરોપીઓએ પીડિતાનો અભ્યાસ નબળો હોવાનું અને તેને એક્સ્ટ્રા કોચિંગની જરૂર હોવાનું કહીને રૂમમાં બોલાવી હતી અને પછી મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવીને શરીરના અલગ-અલગ ભાગોએ સ્પર્શ કર્યા બાદ બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. 

    ધમકીના કારણે ગભરાયેલી વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે કોઈને જાણ કરી ન હતી. જોકે, થોડા દિવસો બાદ તબિયત બગડતાં તેને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરીક્ષણ દરમિયાન તે ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર મામલે પરિવારને જાણ થઇ હતી અને પરિજનોએ બાળકીને પૂછતાં તેણે તમામ હકીકતો જણાવી હતી. 

    સમગ્ર મામલે પરિવારના સભ્યોએ ખાનગી મિશનરી સ્કૂલના શિક્ષક અને સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રીફર કરવામાં આવ્યા બાદ સેલવાસ પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

    પોલીસે આઇપીસી 376 (B) (F) (N) 376 (D), 377, 506 (2) અને પોક્સોની આર/ડબ્લ્યુ 4, 6, 8, 9 (F) અને ઇન્ફોર્મેશન એક્ટની કલમ 67 (B) (A) (E) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંનેની ધરપકડ પણ કરી લીધી છે. જેમાંથી એકની ઓળખ માઈકલ નૂન્સ (ઉં. વ 57) અને બીજા શિક્ષકની ઓળખ લેસ્ટર જોકવિન ડિકોસ્ટા (ઉં.વ 23) તરીકે થઇ હતી. અમુક અહેવાલોમાં આ સંચાલક વાઇસ પ્રિન્સિપાલ પણ હોવાનું કહેવાયું છે. આ બંનેને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

    મિશનરી શાળા વિવાદમાં આવ્યા બાદ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને સેલવાસના ડેપ્યુટી કલેક્ટરે આગામી આદેશ સુધી શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, શાળાની અન્ય વિદ્યાર્થીઓ પણ આવી ઘટનાઓનો ભોગ બની છે કે કેમ તે અંગે પણ સેલવાસ પોલીસ હાલ તપાસ કરી રહી છે.