Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી ઉઠી તાજમહલનું નામ બદલવાની માંગ: નગરનિગમ સમક્ષ 'તેજો મહાલય' કરવાનો પ્રસ્તાવ...

    ફરી ઉઠી તાજમહલનું નામ બદલવાની માંગ: નગરનિગમ સમક્ષ ‘તેજો મહાલય’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો

    આગ્રા સ્થિત તાજમહલનું નામ બદલવાની માંગ ફરી ઉઠી રહી છે, આ વખતે ભાજપ કોર્પોરેટરે પ્રસ્તાવ રજૂ કર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત તાજમહલને લઈને ફરીથી વિવાદ શરૂ થઇ ગયો છે. આગ્રા નગર નિગમના ભાજપના એક કોર્પોરેટરે તાજમહલનું નામ બદલીને તેજોમહાલય કરવાની માંગ કરી છે. તેમણે આ માટે આજે પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, જોકે વિપક્ષી પાર્ટીઓએ ખૂબ હોબાળો મચાવવાના કારણે પ્રસ્તાવ પર ચર્ચા થઇ શકી ન હતી. 

    આગ્રાના મેયરે આ પ્રસ્તાવની પુષ્ટિ કરી છે. ભાજપના કોર્પોરેટર શોભારામ રાઠોડે તાજમહલનું નામ બદલવા માટે એક પ્રસ્તાવ નગર નિગમની ગૃહની બેઠક સમક્ષ રજૂ કર્યો હતો. આ અંગે મેયર નવીન જૈને કહ્યું કે, તાજમહલનું નામ બદલીને તેજો મહાલય કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. પ્રસ્તાવ ગૃહ સમક્ષ વાંચનમાં લાવવામાં આવશે અને તેની ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ નગરનિગમના ક્ષેત્રાધિકારનો વિષય નથી પરંતુ કાયદાકીય પાસાં પર ચર્ચા કર્યા બાદ પ્રસ્તાવ ગૃહને મોકલવામાં આવી શકે છે.

    આગ્રામાં જ્યાં તાજમહલ સ્થિત છે તે ક્ષેત્રના કોર્પોરેટર શોભારામ રાઠોડ છે. તેમણે કહ્યું કે, નગર નિગમે છેલ્લાં સાડા ચાર વર્ષમાં માર્ગો અને ચોકનું નામકરણ કર્યું છે જેથી હવે તાજમહલનું નામ પણ તેજો મહાલય કરવામાં આવે. તેમણે કહ્યું કે, તાજમહલ તેજો મહાલય હોવાના તેમની પાસે પુરાવા છે. તેમણે એમ પણ કહ્યું કે, તાજમહલની અંદર કળશ અને નાગનાગણનું જોડું હોવાના પણ પ્રમાણ છે. 

    - Advertisement -

    શોભારામ રાઠોડે કહ્યું કે, તાજમહલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા તમામ નિશાન છે જેનાથી આ વાત સાબિત થઇ શકે કે તાજમહલ પહેલાં શિવમંદિર હતું. તેમણે કહ્યું, “મુગલ આક્રાંતાઓએ તેને બદલીને તાજમહલ કરી દીધો હતો અને આ રાજા જયસિંહની સંપત્તિ હતી. તેમણે એમ પણ દાવો કર્યો કે શાહજહાંની બેગમ મુમતાઝનું સાચું નામ અંજુમ બાનો હતું અને તેનું મોત તાજમહલના નિર્માણના 22 વર્ષ પહેલાં થયું હતું. તેને બુરહાનપૂરમાં દફન કરવામાં આવી પરંતુ પછીથી તેની કબર તાજમહલની અંદર બનાવી દેવામાં આવી.

    જોકે, તાજમહલનું નામ તેજોમહાલય કરવાની માંગ હમણાં જ ઉઠી હોય તેમ નથી, અગાઉ પણ ઘણીવાર આ પ્રકારની માંગ ઉઠતી રહી છે. વર્ષ 2020માં ઓરિસ્સાના પુરી સ્થિત ગોવર્ધન મઠના શંકરાચાર્યે ઉત્તરપ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે સ્થિત તાજમહલને લઈને કહ્યું હતું કે, પ્રાચીનકાળમાં અહીં શિવમંદિર હતું, જેનું નામ તેજો મહાલય હતું. 

    તેમણે કહ્યું હતું કે, જયપુરના રાજપરિવાર પાસે તાજમહલનો સંપૂર્ણ ઇતિહાસ સુરક્ષિત છે. વિદેશી યાત્રીઓએ પણ પોતાની યાત્રાને લઈને લખેલાં સંસ્મરણોમાં તાજમહલનું વાસ્તવિક નામ તેજોમહાયલ જ લખ્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આગ્રામાં છેલ્લાં સાડા ચાર વર્ષોમાં આઝમ ખાન રોડનું નામ બદલીને અશોક સિંઘલ માર્ગ, મુઘલ રોડ, કમલા નગરનું નામ બદલીને મહારાજા અગ્રસેન માર્ગ, લોહામંડીના નૌબસ્તા ચારરસ્તાનું નામ બદલીને ગુરુ નાનક દેવ ચૌક, ધૂલિયાગંજ ચોકનું નામ બદલીને વીર સાવરકર ચોક અને મંટોલા કંગાલપાડાનું નામ બદલીને વીરાંગના ઝલકારી બાયના નામ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગ્રાના સૌથી જાણીતા સ્થળ તાજમહલનું નામ બદલવાની માંગ ઉઠી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં