Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેલવાસની મિશનરી શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ: કોચિંગ ક્લાસના બહાને રૂમમાં...

    સેલવાસની મિશનરી શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ: કોચિંગ ક્લાસના બહાને રૂમમાં બોલાવી શિક્ષક-સંચાલકે બળાત્કાર કર્યો, ધરપકડ

    શિક્ષક અને સંચાલકે એક્સ્ટ્રા કોચિંગની જરૂર હોવાનું કહીને 14 વર્ષીય વિદ્યાર્થીનીને પીંખી હતી. બંને સામે પોક્સો અને રેપની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સેલવાસમાં આવેલ એક મિશનરી સ્કૂલમાં સંચાલક અને શિક્ષકે જાનથી મારી નાંખવાની ધમકી આપી એક 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચારવા બદલ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી વિદ્યાર્થીનીને પીંખી હતી.

    સેલવાસમાં આવેલી અવર લેડી ઑફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં અભ્યાસ કરતી એક 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના સંચાલક અને શિક્ષકે એક્સ્ટ્રા ક્લાસના બહાને દુષ્કર્મ આચર્યું હતું અને ઉપરથી આ બાબતની ઘરે પરિવારમાં કે અન્ય કોઈને જાણ ન કરવાની અને તેમ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

    અહેવાલ અનુસાર, બંને આરોપીઓએ પીડિતાનો અભ્યાસ નબળો હોવાનું અને તેને એક્સ્ટ્રા કોચિંગની જરૂર હોવાનું કહીને રૂમમાં બોલાવી હતી અને પછી મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવીને શરીરના અલગ-અલગ ભાગોએ સ્પર્શ કર્યા બાદ બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. 

    - Advertisement -

    ધમકીના કારણે ગભરાયેલી વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે કોઈને જાણ કરી ન હતી. જોકે, થોડા દિવસો બાદ તબિયત બગડતાં તેને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પરીક્ષણ દરમિયાન તે ગર્ભવતી હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર મામલે પરિવારને જાણ થઇ હતી અને પરિજનોએ બાળકીને પૂછતાં તેણે તમામ હકીકતો જણાવી હતી. 

    સમગ્ર મામલે પરિવારના સભ્યોએ ખાનગી મિશનરી સ્કૂલના શિક્ષક અને સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી ફરિયાદ સેલવાસ પોલીસ મથકે રીફર કરવામાં આવ્યા બાદ સેલવાસ પોલીસે બંને આરોપીઓ સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

    પોલીસે આઇપીસી 376 (B) (F) (N) 376 (D), 377, 506 (2) અને પોક્સોની આર/ડબ્લ્યુ 4, 6, 8, 9 (F) અને ઇન્ફોર્મેશન એક્ટની કલમ 67 (B) (A) (E) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંનેની ધરપકડ પણ કરી લીધી છે. જેમાંથી એકની ઓળખ માઈકલ નૂન્સ (ઉં. વ 57) અને બીજા શિક્ષકની ઓળખ લેસ્ટર જોકવિન ડિકોસ્ટા (ઉં.વ 23) તરીકે થઇ હતી. અમુક અહેવાલોમાં આ સંચાલક વાઇસ પ્રિન્સિપાલ પણ હોવાનું કહેવાયું છે. આ બંનેને કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

    મિશનરી શાળા વિવાદમાં આવ્યા બાદ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને સેલવાસના ડેપ્યુટી કલેક્ટરે આગામી આદેશ સુધી શાળા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, શાળાની અન્ય વિદ્યાર્થીઓ પણ આવી ઘટનાઓનો ભોગ બની છે કે કેમ તે અંગે પણ સેલવાસ પોલીસ હાલ તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં