2022નું વર્ષ ગુજરાત માટે ઘણી રીતે ખાસ રહ્યું હતું. આ એ જ વર્ષ હતું જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાઈ અને જેમાં ભારતીય જનતા પક્ષે ઐતિહાસિક 156 બેઠકો સાથે વિક્રમ સર્જ્યો હતો. અને આ એ જ વર્ષ હતું જેમાં ઑપઇન્ડિયાનું ગુજરાતી સંસ્કરણ પણ લોન્ચ થયું હતું. ઑપઇન્ડિયા ગુજરાતમાં પહેલા જ દિવસથી પોતાના વિશિષ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને ફેક્ટચેક્સને આધારે એક અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યું છે.
આજે અહીં આપણે 2022 દરમિયાન ઑપઇન્ડિયાએ કરેલ કેટલાક ગ્રાઉન્ડ રિપોર્ટ્સ વિશે વિસ્તારથી વાત કરીશું.
બોટાદના કુખ્યાત સિરો ડોને VHP અધિકારીને કિશન ભરવાડવાળી કરવાની ધમકી આપી
ગત વર્ષના મે મહિનામાં અમારા સૂત્રો તરફથી અમને ઇનપુટ મળ્યા કે બોટાદમાં એક જગ્યાએ કોઈ મુસ્લિમ ડોન સ્થાનિક હિંદુ અગ્રણીને કિશન ભરવાડની જેમ મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી રહ્યો છે. જે બાદ અમે જાતે સ્થળતપાસ દ્વારા ઘટનાનો તાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ દ્વારા ખુલાસો થયો કે બોટાદના VHP કાર્યકર્તા મહેન્દ્રભાઈ માળીને 5 મેનાં રોજ બપો૨નાં ત્રણ વાગે પોતાના ઘરેથી દુકાન તરફ જતા હતા. તે દરમિયાન નગલપર દરવાજા પાસે મેડિકલ નજીક રોડ ઉપર સામેથી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં સિરાજ ઉર્ફે સિરો ડોન ઉર્ફે ડોન હુસેન ખલ્યાણી બોટાદવાળો આવીને તેમને કહેવા લાગ્યો હતો કે ‘ગામમાં તમારા દ્વારા માઈક બાંધેલા છે તે ઉતારી લેજો નહિતર કિશન ભરવાડવાળી થશે. તમને ગાડીમાં બેસાડી અપહરણ કરી જાઉં તો મારૂ કોણ શું ઉખાડી લેશે’ અને તેણે ઊંચા અવાજે વાત કરી તેમને (મહેન્દ્રભાઈને) જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઑપઇન્ડિયા સતત ફરિયાદકર્તા મહેન્દ્રભાઈના સંપર્કમાં રહી અને આ આખા ઘટનાક્રમની પળેપળની ખબર આપ સુધી પહોંચાડતું રહ્યું હતું. અમારા એક્સક્લુઝિવ અને એક્સ્ટેન્સિવ રિપોર્ટિન્ગનું જ પરિણામ હતું કે માત્ર 2 જ દિવસમાં એટલે કે 10 મેના રોજ બુલડોઝર સાથે સ્થાનિક DCP અને PI સહિતનો કાફલો બોટાદ પહોંચ્યો હતો અને મોહંમદપુરામાં આવેલ સિરાજ ડોનની ગેરકાયદેસર સંપત્તિને તોડી પડાઈ હતી.
વડોદરાની MS યુનિવર્સીટીમાં હિન્દૂ દેવી-દેવતાઓના અયોગ્ય ફોટાઓના પ્રદર્શનનો મામલો
મે મહિનામાં જ અન્ય એક સમાચાર વડોદરાથી આવ્યા હતા. વડોદરાની એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી દ્વારા આયોજીત કરવામાં આવનારા એક પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓના કટિંગ્સમાં લાગણી દુભાય તેવા સમાચારો મુકવામાં આવતા હોબાળો મચી ગયો હતો.
આ બાબતે ઑપઇન્ડિયાએ સ્થાનિક સૂત્રોની મદદ લઈને એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ તૈયાર કર્યા હતા. અમારી તપાસમાં સામે આવ્યું હતું કે એમએસ યુનિવર્સીટી ખાતે આવેલ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વાર્ષિક પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર ચિત્રો અને આર્ટ-વર્ક તૈયાર કર્યાં હતાં. પરંતુ તેમાંથી કેટલાંક ચિત્રોએ વિવાદ સર્જ્યો હતો. હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો અને કટ-આઉટ મામલે વિરોધ થયો હતો તો કેટલાંક વિવાદિત નગ્ન ચિત્રો પણ દોરવામાં આવ્યાં હતાં, જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો.
પ્રદર્શનમાં સામેલ ચિત્રો અને આર્ટ વર્ક પૈકી કેટલાંક હિંદુ દેવી-દેવતાઓના કટ આઉટ પણ સામેલ હતાં. જે તૈયાર કરવા માટે ન્યૂઝપેપરના કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હિંદુ દેવી-દેવતાઓનાં કટ-આઉટ બનાવવા માટે જે ન્યૂઝપેપર કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ બળાત્કારની ઘટનાઓના સમાચારવાળા હતા. જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો હતો.
બાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે તે ફેકલ્ટીના ડીનના રાજીનામાની માંગ પણ કરાઈ હતી.
વાપીમાં લિયાકત ખાને કર્યું હતું રાષ્ટ્રધ્વજ અને હિંદુ ધર્મનું અપમાન
મે મહિનામાં જ વલસાડ જીલ્લામાં દેશ અને હિન્દુ ધર્મને અપમાનિત કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ફાટક પાસે હાઇવે પર એક ખુલ્લા ભંગારના ગોડાઉનમાં ભારતના રાષ્ટ્રધ્વજ, ભગવાન શ્રીરામના ફોટાવાળા બેનરો તથા હનુમાનજીના બેનરોનો ઉપયોગ ભંગારના પોટલાં તરીકે કરવાનો બનાવ સામે આવ્યો હતો. આ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું જોઈને સ્થાનિક દેશભકતોની લાગણી દુભાઈ હતી.
અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું કે વાપીથી સુરત જતાં હાઇવે પર મોરાઈ ફાટક પાસે લિયાકત ખાન નામના એક વ્યક્તિનું ભંગારનું ખુલ્લુ ગોડાઉન આવેલું હતું, એક રાતે ત્યાથી પસાર થતાં સ્થાનિક લોકોને ભંગારના ઢગલામાં એક્દમ નવાનક્કોર કાપડમાં બાંધેલા ભંગારના ટોપલા જોવા મળ્યા. દૂરથી જોઈને શંકા જતાં સ્થાનિકોએ પાસે જઈને તપાસ કરી તો એ કાપડ અન્ય કાઇ નહીં પરંતુ આપણાં દેશના રાષ્ટ્રધ્વજ હતા. તો લોકોએ તુરંત જ વાપીના VHP અધ્યક્ષ અને સામાજિક આગેવાન નરેન્દ્ર પાયકને ફોન કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી આ ઘટનાની જાણ કરી.
જે બાદ હિંદુ સંગઠનોએ આ બાબતે પોતાનો વિરોધ દર્શાવીને પોલીસ આગળ ફરિયાદ કરી હતી અને તેના જ આધારે આ ભંગારના ગોડાઉનના સંચાલક લિયાકત ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
ચીખલીમાં ભગવા ધ્વજના અપમાન બાદ હિંદુઓએ વિરોધ કરતા સરપંચે માંગી માફી
થોડા સમય પહેલાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા ચીખલીના રાનકુવા ચાર રસ્તા પર આવેલા સર્કલ ખાતે પ્રભુ શ્રીરામના તેમજ ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા. આ ઝંડાઓ અચાનક ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.
આ બાબતે ઑપઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં રાનકુવા સર્કલ પર લાગેલા ઝંડા હટાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. BTTS રાનકુવા નામના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક યુવાનો રાનકુવા સર્કલ પર લાગેલા ભગવા ઝંડા ઉખાડીને ફેંકી દેવા અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
હિંદુ સંગઠનોના ઉગ્ર વિરોધના કારણે અંતે સ્થાનિક સરપંચે હિંદુઓની માફી માંગી હતી અને હિંદુ સંગઠનોએ ફરીથી એ જ સ્થાને ભગવા ધ્વજ સ્થાપિત કર્યા હતા.
રિલીફ રોડ પર એક મુસ્લિમ વ્યક્તિએ જાહેરમાં નૂપુર શર્મા અને કાજલ હિંદુસ્તાની સામે ઝેર ઓક્યું
જૂન મહિનાની આસપાસ ભારતમાં નૂપુર શર્માના એક નિવેદનને લઈને ખુબ મોટો વિવાદ ચાલી રહ્યો હતો. એ જ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિ હાથમાં પ્લેકાર્ડ લઈને નૂપુર શર્મા અને કાજલ હિંદુસ્તાની સામે મુસ્લિમોને ઉશ્કેરતો દેખાયો હતો.
ઑપઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું હતું કે આ વિડીયો સાચો હતો અને તે અમદાવાદના રિલીફ રોડ ખાતે ફિલ્માવવામાં આવ્યો હતો. પ્લેકાર્ડમાં લખેલું હતું કે, “BJP, નૂપુર શર્મા, કાજલ હિન્દુસ્તાની ઉર્ફ શૈતાન, શૈતાન કી ઓલાદ હૈ.” એટલે કે એ મુસ્લિમ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી, ભાજપ પ્રવક્તા અને મહિલા નેતા નૂપુર શર્મા તથા ગુજરાતના હિંદુવાદી મહિલા આગેવાન કાજલ હિંદુસ્તાની ત્રણેયને શૈતાનની ઓલાદ કહી રહ્યો હતો.
સાથે જ તે “આ શૈતાનોની વિરુદ્ધ છે. મોદી ચોર છે. મુસલમાન જાગી નથી રહ્યા. સ્વર પડતાં જ કૂતરાની જેમ પૈસા પાછળ ભાગે છે મુસલમાન, નબી વિરુદ્ધ બોલાય ત્યારે એક પણ મુસલમાન સામે નથી આવતો. તમારી જિંદગી પે લાનત છે, મુસલમાન હોવા પર લાનત છે તમને.” એમ કહીને આસપાસ જઈ રહેલા મુસ્લિમોને ઉશ્કેરી રહ્યો હતો.
ભારત વિરોધી કોમેડિયન વીર દાસના ગુજરાતના તમામ શૉ રદ્દ કરાવતાં હિંદુ સંગઠનો
વિદેશમાં જઈને કૉમેડીના નામે ભારતવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવનાર ‘કૉમેડિયન’ વીર દાસની જૂન મહિનામાં ગુજરાત ટૂર શરૂ થાય તે પહેલાં જ વિવાદ શરૂ થઇ ગયો હતો. વાપી સહીત રાજ્યના ચાર મહાનગરોમાં વીર દાસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થી પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા વીર દાસના શૉનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે તેના તમામ શૉ રદ્દ કરવાની ફરજ પડી હતી.
આ ઘટનાક્રમ દરમિયાન ઑપઇન્ડિયા દરેક શહેરના ABVP અને VHPના અધિકરીઓ સાથે સતત સંપર્કમાં રહી હતી અને પળેપળની માહિતી આપ લોકો સુધી પહોંચાડી રહી હતી.
નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પોસ્ટ મુકવા બદલ સાગબારાના હિંદુ યુવાન પર મુસ્લિમોનો હુમલો
જૂન મહિનામાં અમને માહિતી મળી હતી કે નર્મદા જીલ્લાના સાગબારામાં એક યુવકે સોશિયલ મિડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતા આસપાસ રહેતા ઇસ્લામીઓએ તેના ઘરે જઈને તેના પર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો.
જે બાદ ઑપઇન્ડિયા ગ્રાઉન્ડ રીપોર્ટિંગમાં સામે આવ્યું હતું કે નર્મદા જિલ્લાના સાગબારા ગામમાં રહેતા પ્રેમ વસાવા નામના એક હિન્દુ યુવાને 6 જૂનના દિવસે ફેસબુક પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ #ISupportNupurSharma સાથે મૂકી હતી. જે બાદ 12 જૂનના દિવસે ઇસ્લામવાદીઓ દ્વારા એમના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ એમને ઇજા પહોચતા હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાર બાદ મોડી રાતે તેમણે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પણ ઑપઇન્ડિયાએ ફરિયાદી પ્રેમ વસાવા સાથે સીધો સંપર્ક રાખ્યો હતો અને સમયે સમયે જે જાણકારીઓ મળી તેને આપ સુધી પહોંચાડી હતી.
ગુજરાત બંધ અસફળ ભાસતા કોંગ્રેસે પાટણમાં કરી હતી દાદાગીરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની મૃતપ્રાય પાર્ટીમાં પ્રાણ પૂરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત તેઓએ 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. પરંતુ હમેશની જેમ તેમની જાહેરાતોને ગુજરાતની જનતાએ કોઈ જ મહત્વ આપ્યું ન હતું અને સમગ્ર ગુજરાત રાબેતા મુજબ ચાલુ જ રહ્યું હતું.
ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન જાણવા મળ્યું કે બંધને નિષ્ફ્ળ જતો જોઈએ કોંગ્રેસ કાર્યકર્તાઓ પાટણમાં ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા. પાટણના બજારમાં આવેલી શ્રદ્ધા ફેબ્રિક નામની દુકાનના માલિક દિનેશભાઇ પ્રજાપતિએ સવારે હજુ ખોલી જ હતી ત્યાં કોંગ્રેસી કાર્યકરો આવી ગયા હતા અને તેમની સાથે મગજમારી કરવા માંડ્યા હતા. તેમણે તેમની સાથે ગાળાગાળી કરી બળજબરીથી શટર બંધ કરાવી દીધું હતું.
દિનેશભાઇએ ઑપઇન્ડિયા સાથે વાત કરીને સમગ્ર ઘટનાની જાણકરી આપી હતી કે કઈ રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમને ગાળો બોલી હતી અને બળજબરીથી દુકાન બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રાચીન હિંદુ મંદિરને બનાવી દીધું ચર્ચ તાપીના સોનગઢમાં
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના એક ગામમાં પ્રાચીન હિંદુ મંદિર ખસેડીને ત્યાં ખ્રિસ્તીઓએ ‘મરિયમ માતાનું મંદિર’ નામે ચર્ચ ઉભું કરી દેતાં હિંદુઓએ વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન, ઓક્ટોબર મહિનામાં જ્યાં હિંદુઓ પૂજાપાઠ કરવા માટે જતાં ખ્રિસ્તીઓનું ટોળું પહોંચી ગયું હતું અને હોબાળો મચાવી હિંદુઓને રોકવામાં આવ્યા હતા.
ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દ્વારા જાણવા મળ્યું હતું કે ખ્રિસ્તીઓની બહુમતી થઇ ગયા બાદ વર્ષ 2019માં તાપી સોનગઢની બંદરપાડા ગ્રામ પંચાયતે ‘ગીધમાડી આયા ડુંગર માતાજી’નું મંદિર ઘણા વર્ષોથી પૂજવામાં આવતું હોવાનું અને ભક્તોની અવરજવર વધુ હોવાના કારણે તેની આસપાસ નવીનીકરણની જરૂર હોવાનું જણાવીને સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. જેમાં ક્યાંય ખ્રિસ્તી ચર્ચ કે અન્ય સ્થાનકનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ નવીનીકરણ બાદ તેને મિશનરીઓએ ‘મરિયમ માતાનું મંદિર’ બનાવી દીધી હતું અને હિંદુને પૂજા કરવા પણ ઘુસવા નહોતા દેવામાં આવતા.
ઑપઇન્ડિયાએ આ વિષય પર એક્સક્લુઝિવ રિપોર્ટિંગ કર્યું અને તેના પરિણામ સ્વરૂપ એક જ અઠવાડિયામાં સ્થાનિક તંત્રએ બંને પક્ષોને બોલાવીને વાતનું સમાધાન કર્યું હતું અને હિંદુઓને ફરીથી ત્યાં પૂજા કરવાનો અધિકાર મળ્યો હતો.
દિવાળીની રાતે વડોદરાના પાણીગેટમાં મુસ્લિમોએ નિર્દોષ હિંદુઓ પર પેટ્રોલ બૉમ્બ ફેંક્યા
વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીની મધરાતે જ વડોદરાના પાણીગેટ નામના સંવેદનશીલ વિસ્તાર પાસે અસામાજિક તત્વોએ તહેવારના રંગમાં ભંગ પાડ્યો હતો. દિવાળીની રાતે જયારે અમુક લોકો ફટાકડાઓ ફોડીને પોતાનો તહેવાર ઉજવી રહ્યા હતા ત્યારે કટ્ટરવાદી મુસ્લિમોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ સ્ટ્રીટ લાઈટ બંધ કરીને તેમના પર પેટ્રોલ બૉમ્બ ફેંકવા સાથે પથ્થરમારો કર્યો હતો. જે બાદ ત્યાં ધમાલ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. પોલીસે ઝડપથી સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.
ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કોઈ અણધારી ઘટના નહિ પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું. પોલીસે પણ અમારી તપાસને બળ આપતા કહ્યું હતું કે “સ્ટ્રીટલાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે રમખાણો પૂર્વ આયોજિત હતા.” સાથે જ પોલીસે 19 કાવતરાખોરોની ધરપકડ પણ કરી હતી.
આમ, વર્ષ 2022 દરમિયાન ઑપઇન્ડિયાએ ઘણા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કર્યા હતા અને તેમાંથી મોટા ભાગના એક્સક્લુઝિવ રહ્યા હતા કેમ કે મુખ્યધારાના મીડિયા આઉટલેટ્સ એ વિષયો પર ફોકસ નહોતા કરી રહ્યા. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ્સ ઘણી જગ્યાઓએ આગળની કાર્યવાહી માટે મદદરૂપ પણ બન્યા હતા.
હવે વર્ષ 2023માં પણ અમારો પ્રયત્ન રહેશે કે અમે આ જ રીતે આવા વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ આપ સુધી પહોંચાડીએ અને જે જરૂરી સમાચારો મેઈનસ્ટ્રીમ મીડિયા આપ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફ્ળ રહે છે તેનાથી આપને અવગત રાખીએ.
સંકલન: લિંકન સોખડીયા અને મેઘલસિંહ પરમાર