રાજસ્થાનના ભરતપુર શહેરમાંથી એક મહિલાનું અપહરણ કરીને ગેંગરેપ બાદ હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે. મૃતક મહિલાના પિતાએ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવવામાં આવ્યું હોવાનો અને નમાઝ પઢવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના પણ આરોપ લગાવ્યા છે. આ મામલે ઇરશાદ નામના એક ઈસમ સહિત છ આરોપીઓ સામે કેસ દાખલ થયો છે.
મૃતકના પિતાએ ભરતપુરના સીકરી પોલીસ મથકે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે 9 મહિના પહેલાં તેમની પુત્રીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું, ત્યારથી તેઓ તેની શોધખોળ કરી રહ્યા છે. 4 મહિના પહેલાં તેમની પુત્રીએ અજાણ્યા નંબર પરથી ફોન કરીને જણાવ્યું હતું કે તેને ઈર્શાદ, ફવાદ, વહીદ, ઉસ્માન, અલી અને કાસમ બળજબરીથી કિડનેપ કરીને લઇ ગયા હતા.
ભરતપુર પહોંચેલા મૃતકના પિતાએ આરોપ લગાવતાં કહ્યું કે, આ તમામે મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પિતાએ કહ્યું કે, તેમની પુત્રીએ ફોન પર તેમને જણાવ્યું હતું કે, આરોપીઓએ તેને બળજબરીથી ધમકાવીને ગૌમાંસ ખવડાવતા હતા અને નમાઝ પઢવા માટે પણ દબાણ કરતા હતા.
ઘટના અંગે સીકરી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબરના રોજ મહિલાના સંદિગ્ધ મોત અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ ગામમાં જઈને મહિલાના મૃતદેહને સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલાવવામાં આવ્યો હતો અને તેના પરિજનોને જાણ કરી હતી. જાણ થયા બાદ સ્થળ પર પહોંચેલા તેના પિતાએ કેસ દાખલ કરાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, કેટલાક અજ્ઞાત ઈસમોએ 8-9 પહેલાં તેમની પુત્રીનું અપહરણ કરી લીધું હતું.
પોલીસે આ મામલે આઇપીસીની કલમ 366, 376, 346 અને 302 હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારથી તમામ આરોપીઓ ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જોકે, આ મામલે અન્ય એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે મૃતક મહિલાનાં લગ્ન વર્ષ 2021માં હરસોલી ખાતે થયાં હતાં, જ્યાં તે ઈરશાદના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બંનેએ ભાગીને લગ્ન કરી લીધાં હતાં. ઇરશાદ ટ્રકનો ડ્રાઈવર છે અને પહેલેથી જ પરણિત છે. એવું પણ કહેવાયું છે કે, આ પહેલાં વર્ષ 2020માં મહિલાના પૂર્વ પતિએ અલ્વરમાં પત્નીના અપહરણનો કેસ દાખલ કરાવ્યો હતો પરંતુ મહિલાના નિવેદન બાદ પોલીસે કેસ બંધ કરી દીધો હતો.
પોલીસે કહ્યું- બાળકને જન્મ આપતાં મહિલાનું મોત થયું
બીજી તરફ, પોલીસે આ મામલે અલગ થિયરી રજૂ કરતાં જણાવ્યું હતું કે, પ્રાપ્ત જાણકારી અનુસાર મૃતક મહિલાએ ઇરશાદ સાથે લગભગ દોઢ વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં હતાં અને બંને પતિ-પત્ની તરીકે રહેતાં હતાં. 4 દિવસ પહેલાં મહિલાની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી થઇ હતી, પરંતુ તબીબો અનુસાર રક્તસ્ત્રાવ વધુ થવાના કારણે તેની તબિયત લથડી અને ત્યારબાદ તે મૃત્યુ પામી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તબીબો પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી છે. પોલીસ તમામ પાસાં ચકાસી રહી છે.