
સોમનાથ મંદિરની આસપાસ નોનવેજના વેચાણ, સંગ્રહ અને બનાવટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં ગુજરાત હાઇકોર્ટે હાલની સ્થિતિ યથાવત રાખી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની અપીલ પર સુનાવણી 16 ડિસેમ્બર સુધી મુલતવી રાખતા 30 ઑક્ટોબરના અગાઉના વચગાળાના આદેશને આગામી સુનાવણી સુધી ચાલુ રાખ્યો છે. એટલે કે સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ પરનો પ્રતિબંધ હાલમાં યથાવત છે.
આ સમગ્ર મામલો 10 ઑગસ્ટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલી નોટિફિકેશનથી શરૂ થયો હતો. આ નોટિફિકેશન હેઠળ પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર તરફ જતા નિર્ધારિત માર્ગો પર અને મંદિરથી 500 મીટરના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થો તથા ઈંડાંનું વેચાણ, બનાવટ અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારનો તર્ક હતો કે સોમનાથ દેશના મહત્વપૂર્ણ ધાર્મિક તીર્થસ્થળોમાંનું એક છે અને અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
30 ઑક્ટોબરે હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા આ નોટિફિકેશન રદ કરવામાં આવ્યું હતું. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ આવી રીતે નોનવેજ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સત્તા અંગે પ્રશ્ન ઊભો થાય છે અને વેપારના અધિકારનો પણ મુદ્દો છે. જોકે રાજ્ય સરકારે એ જ દિવસે આ નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી અને ડિવિઝન બેન્ચે સિંગલ જજના આદેશ પર સ્ટે આપી દીધો હતો. તેના કારણે પ્રતિબંધ ફરી અમલમાં રહ્યો હતો.
આ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકોએ સુપ્રીમ કોર્ટનો પણ દરવાજો ખખડાવ્યો હતો. 6 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમની SLP ફગાવી દીધી હતી અને હાઇકોર્ટને રાજ્ય સરકારની અપીલનો બે મહિનામાં નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે હાઇકોર્ટે આગામી સુનાવણી 16 ડિસેમ્બરે રાખી છે અને ત્યાં સુધી અગાઉનો વચગાળાનો આદેશ ચાલુ રહેશે.
રેસ્ટોરન્ટ સંચાલકો તરફથી પ્રતિબંધ હટાવીને વ્યવસાય ફરી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારે તેનો વિરોધ કર્યો છે અને સમગ્ર અપીલ પર સુનાવણી આગળ વધારવાની તૈયારી દર્શાવી છે. સરકાર માટે આ માત્ર રેસ્ટોરન્ટના વ્યવસાયનો મુદ્દો નથી, પરંતુ સોમનાથ જેવા મહત્વપૂર્ણ તીર્થસ્થળની ધાર્મિક ઓળખ અને ત્યાં આવતા શ્રદ્ધાળુઓના અનુભવ સાથે જોડાયેલો મુદ્દો છે.
હાલની સ્થિતિ સ્પષ્ટ છે. સોમનાથ મંદિરના નિર્ધારિત માર્ગો અને 500 મીટરના વિસ્તારમાં નોનવેજ ખાદ્યપદાર્થો તથા ઈંડાં અંગેનો પ્રતિબંધ ચાલુ છે અને હવે આ મામલે હાઇકોર્ટમાં આગામી સુનાવણી 16 ડિસેમ્બરે થશે.

