
2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડમાં દોષિત ઠરેલા લોકોને એક પછી એક સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી રહ્યા છે. આ જ ક્રમમાં હવે વધુ એક દોષિત ઈરફાન સિરાજ પડાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. 23 નવેમ્બર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે તેની હૃદયની બીમારી અને જેલમાં વિતાવેલાં 18 વર્ષથી વધુ સમયને ધ્યાનમાં રાખીને તેની આજીવન કેદની સજા હાલ પૂરતી સસ્પેન્ડ કરી છે. જોકે, આ રાહત માત્ર તબીબી કારણોસર આપવામાં આવી છે અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો નથી. તેની સામેની અપીલ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ પહેલાં પણ ગોધરા ટ્રેન હત્યાકાંડના કેટલાક દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. વર્ષ 2022માં અબ્દુલ રહેમાનને તેની બીવીની ગંભીર બીમારીના આધારે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં ફારૂક નામના દોષિતને પણ જામીન મળ્યા હતા. ત્યારબાદ એપ્રિલ 2023માં અન્ય આઠ દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.
ઈરફાન સિરાજ પડાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે સુનાવણી કરી હતી. ઇરફાનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તે હૃદયની બીમારીથી પીડિત છે અને 18 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. કોર્ટે આ હકીકતોને ધ્યાનમાં રાખીને તેની સજા સ્થગિત કરી હતી. તેને ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનારી શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને ગોધરા રેલવે સ્ટેશન પાસે મુસ્લિમ ટોળાં દ્વારા આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં 59 હિંદુઓનાં મોત થયાં હતાં. મૃતકોમાં મોટી સંખ્યામાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોનો સમાવેશ થતો હતો.
આ કેસની તપાસ અને લાંબી કાનૂની કાર્યવાહી બાદ માર્ચ 2011માં વિશેષ અદાલતે 31 જેહાદીઓને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 11ને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 63 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી
વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી, જ્યારે અન્ય 20 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. ત્યારબાદ દોષિતોએ પોતાની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલો હજુ પેન્ડિંગ છે. ઈરફાન સિરાજ પણ આ જ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેના પર ટ્રેનના કોચ પર પથ્થરમારો કરવા અને આગ લગાવવાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપો હતા.
અહીં એ સમજવું જરૂરી છે કે ઇરફાન સિરાજ પડાને મળેલી જામીનની રાહતનો અર્થ એવો નથી કે તેને કેસમાંથી મુક્તિ મળી ગઈ છે અથવા તેની સજા માફ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે તેની ગંભીર બીમારી અને લાંબા જેલવાસને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી સજા સ્થગિત કરી છે. તેની સામેની અપીલ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.

