હોમપેજફેક્ટ-ચેકબેને જામીન મળ્યા બાદ કોર્ટે પક્ષ ન સાંભળ્યો હોવાનો બિલકિસ બાનોનો દાવો,...

બેને જામીન મળ્યા બાદ કોર્ટે પક્ષ ન સાંભળ્યો હોવાનો બિલકિસ બાનોનો દાવો, દોષિતોના વકીલે નકાર્યો: વાંચો ઑપઇન્ડિયાને શું જણાવ્યું

વકીલના જણાવ્યા મુજબ, બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાને આ કેસમાં ઘણા સમય પછી આરોપી તરીકે જોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોઈ નક્કર પુરાવા વિના, માત્ર કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં પીડિતાએ આપેલા મૌખિક નિવેદનોના આધારે જ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

- Advertisement -

બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતો, બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ મોઢિયાની આજીવન કેદની સજા સ્થગિત કરીને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર આ સમગ્ર મામલે ‘મીડિયા ટ્રાયલ’ ચલાવીને ન્યાયતંત્ર પર દબાણ લાવવાના અને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો શરૂ થયા છે. ગત 28 ઑક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ બંને વ્યક્તિઓને જામીન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનો કેસમાં બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ મોઢિયા એ 11 વ્યક્તિઓમાં સામેલ હતા, જેમને CBI કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC), 1860ની કલમ 143, 147 (હુલ્લડ), કલમ 302 (હત્યા – કલમ 149 સાથે) અને કલમ 376(2)(e) તથા 376(2)(g) (સામૂહિક દુષ્કર્મ) હેઠળ ગુના નોંધાયા હતા.

બૉમ્બે હાઇકોર્ટે 4 મે 2017ના રોજ તેમની દોષસિદ્ધિ અને આજીવન કેદની સજાને યથાવત રાખી હતી, જેની સામે આ બંને વ્યક્તિઓએ કાયદાકીય રીતે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાએ 15 ઑગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી હતી. ત્યારબાદ આ કેસની કાર્યવાહી લગભગ 1 વર્ષ સુધી ચાલી હતી.

- Advertisement -

આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ કોર્ટે ગંભીર હકીકતો પર ધ્યાન આપ્યું કે આ બંને અપીલકર્તાઓ 17 વર્ષથી વધુ સમયથી જેલની સજા ભોગવી રહ્યા છે અને તેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે દિવ્યાંગ (શારીરિક રીતે અક્ષમ) છે. વધુમાં, બચાવ પક્ષ તરફથી એવા ગંભીર કાયદાકીય મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા કે શરૂઆતના નિવેદનોમાં તેમનાં નામ નહોતાં, તેમને પાછળથી આરોપી તરીકે જોડવામાં આવ્યા હતા અને નક્કર પુરાવા વિના માત્ર મૌખિક નિવેદનોના આધારે સજા થઈ હતી, જેના આધારે સુપ્રીમ કોર્ટે અપીલ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો.

આખરે, 28 ઑક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે કાયદાકીય અને માનવીય પાસાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો. કોર્ટે આદેશ આપ્યો કે અપીલમાં સામેલ મુદ્દાઓ અને ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખીને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવતી શરતોને આધીન બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ મોઢિયાની સજા સ્થગિત કરવામાં આવે છે અને તેમને જામીન આપવામાં આવે છે.

બિલકિસ બાનો અને તેમના વકીલના આક્ષેપો અને મીડિયામાં ભાવુક નિવેદનો

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલકિસ બાનોનું પ્રતિનિધિત્વ કરતા વકીલ શોભા ગુપ્તાએ મીડિયા સમક્ષ આવીને કોર્ટના નિર્ણય પર ભારે હોબાળો મચાવ્યો હતો, જે કાયદાકીય પ્રક્રિયાને બદલે ‘મીડિયા ટ્રાયલ’ ચલાવવાનો જ એક ભાગ હોય તેવું લાગે છે. શોભા ગુપ્તાએ મીડિયામાં એવો આક્ષેપ કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે દોષિતોને જામીન આપતાં પહેલાં પીડિતા બિલકિસ બાનોનો પક્ષ સાંભળ્યો જ નહોતો.

એવો પણ આરોપ લગાવ્યો હતો કે બિલકિસને સુપ્રીમ કોર્ટમાં આ મામલે ચાલી રહેલી કાર્યવાહીની કોઈ જાણકારી જ નહોતી. આ પ્રકારના આક્ષેપો દ્વારા એવો ભ્રમ ઊભો કરવાનો પ્રયાસ કરાયો કે જાણે સુપ્રીમ કોર્ટે કોઈ ગુપ્ત કે એકતરફી નિર્ણય લઈ લીધો હોય.

વકીલ શોભા ગુપ્તાએ મીડિયા સમક્ષ નિવેદનો આપતાં કહ્યું હતું કે બિલકિસને ન્યાય માટે ફરી એકવાર પોતાની લડાઈ શરૂ કરવી પડશે. વધુમાં વકીલે આરોપ લગાવ્યો કે જ્યારે પણ આવું કંઈક બને છે ત્યારે ન્યાયતંત્ર પરના વિશ્વાસને અસર થવાની ચિંતા રહે છે. તેમણે આ કેસને સામાન્ય ગુનાહિત કેસ નહીં પરંતુ સમગ્ર માનવતાની ચેતનાને હચમચાવી નાખનારો કેસ ગણાવીને માહોલ ગરમાવવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે આવા દાવ કરીને જનતાની લાગણીઓ ભડકાવવાની અને સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે જાહેર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ખુદ બિલકિસ બાનોના નામે પણ મીડિયામાં એવા નિવેદનો ચલાવવામાં આવ્યા જેમાં સીધેસીધી સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી અને ન્યાયિક પ્રક્રિયા પર જ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

નિવેદનમાં કહેવાયું હતું કે સુપ્રીમ કોર્ટ આ રીતે સજા કેવી રીતે સ્થગિત કરી શકે, કોર્ટે તેમને જાણ પણ ન કરી અને કોર્ટરૂમમાં તેમનો અવાજ સાંભળવામાં આવ્યો છે કે નહીં તેની ખાતરી કેમ ન કરી? આ પ્રકારના નિવેદનો દ્વારા ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરવાનો અને એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો કે જાણે કોર્ટે નિયમો નેવે મૂકીને કોઈ એકતરફી પગલું ભર્યું હોય.

દોષિતોના વકીલ આયુષ આનંદે પુરાવા સાથે આક્ષેપોની પોલ ખોલી

બિલકિસ બાનો અને તેમના વકીલ શોભા ગુપ્તાના નિવેદનોનો અરજદારોના વકીલ (Advocate on Record) આયુષ આનંદે 20 નવેમ્બર 2026ના રોજ એક વિસ્તૃત સત્તાવાર નિવેદન બહાર પાડીને જવાબ આપ્યો છે. આયુષ આનંદે તમામ દાવાઓને ફગાવી દેતાં તારીખવાર હકીકતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ મોઢિયાએ 15 ઑગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી હતી.

વકીલ આયુષ આનંદે સ્પષ્ટ કર્યું કે એક વર્ષ કરતાં વધુ સમયગાળામાં આ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં કુલ 10 વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબત જ સાબિત કરે છે કે બિલકિસ બાનો અને તેમના વકીલો પાસે આ મામલે કોર્ટ સમક્ષ હસ્તક્ષેપ કરવાની અને પોતાની રજૂઆત મૂકવાની પૂરતી તકો ઉપલબ્ધ હતી.

આનંદે વધુ વિગતો આપતાં જણાવ્યું કે કેસના તથ્યો અને દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે 17 માર્ચ 2026ના રોજ પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત, નોટિસ જારી થયાના તબક્કામાં પણ આ કેસ 16 સપ્ટેમ્બર 2025, 15 ઑક્ટોબર 2025, 10 નવેમ્બર 2025 અને 1 ડિસેમ્બર 2025 એમ ચાર વખત કોર્ટ સમક્ષ લિસ્ટ થયો હતો.

આયુષ આનંદે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બિલકિસ બાનોની અગાઉની કાનૂની ટીમ આ સમગ્ર મામલાથી સંપૂર્ણપણે વાકેફ હતી અને તેમની જાણકારી મુજબ કોર્ટની કાર્યવાહી પર નજર પણ રાખી રહી હતી.

કાનૂની પ્રક્રિયા અને બિલ્કિસ બાનોની ટીમની નિષ્ક્રિયતા

કાયદાકીય નિયમોની સ્પષ્ટતા કરતા વકીલ આયુષ આનંદે જણાવ્યું કે બિલકિસ બાનો હાઇકોર્ટના કેસના મુખ્ય રેકોર્ડમાં (‘કોઝ ટાઈટલ’) પક્ષકાર તરીકે નોંધાયેલ નથી અને ન તો તેમણે સુપ્રીમ કોર્ટમાં અગાઉથી કોઈ ‘કેવિયેટ’ (એટલે કે પોતાને સાંભળ્યા વિના કોઈ આદેશ ન થાય તે માટેની આગોતરી અરજી) દાખલ કરી હતી. આ જ કારણસર, કાયદાની પ્રક્રિયા મુજબ અપીલ કરનારા પક્ષ તરફથી તેમને આ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યાં નહોતાં.

આનંદે કડક શબ્દોમાં કહ્યું કે બિલકિસ બાનોની વકીલોની ટીમ પોતાના અધિકારનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં જોડાવા માટે જરૂરી પગલાં લઈ શકી હોત, પરંતુ તેમણે એવું ન કર્યું. હવે પોતાની જ ટીમે સમયસર પગલાં ન લીધાં તેનો દોષ આરોપીઓ કે સુપ્રીમ કોર્ટ પર નાખીને કોર્ટની નિયત પર શંકા ઊભી કરવી એ બિલકુલ ખોટું અને અયોગ્ય છે.

શરૂઆતના નિવેદનોમાં નામ જ નહોતાં, નક્કર પુરાવા વિના થઈ હતી સજા

ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં વકીલ આયુષ આનંદે જણાવ્યું કે તેઓ સામાન્ય રીતે કોર્ટમાં ચાલી રહેલા કેસ પર જાહેરમાં બોલવાનું ટાળે છે. પરંતુ, બિલકિસ બાનોના વકીલ દ્વારા આ કેસને સનસનાટીભર્યો બનાવીને ‘મીડિયા ટ્રાયલ’ ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી, તેમને સાચી હકીકતો લોકો સામે મૂકવાની ફરજ પડી છે.

આયુષ આનંદે બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાને થયેલી સજા સામેના મહત્વના મુદ્દાઓ પણ સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે બિલકિસ બાનોએ ઘટના બાદ પોલીસ અને મેજિસ્ટ્રેટ સામે આપેલા પોતાના શરૂઆતના નિવેદનોમાં આ બંને વ્યક્તિઓના નામ આરોપી તરીકે આપ્યા જ નહોતા.

વકીલના જણાવ્યા મુજબ, બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાને આ કેસમાં ઘણા સમય પછી આરોપી તરીકે જોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોઈ નક્કર પુરાવા વિના, માત્ર કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં પીડિતાએ આપેલા મૌખિક નિવેદનોના આધારે જ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ જ કાયદાકીય ખામીઓને કારણે સુપ્રીમ કોર્ટમાં અપીલ (SLP) કરીને તેમની સજાને પડકારવામાં આવી છે, જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારીને તેના પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ બંને વ્યક્તિઓ તરફથી દેશના જાણીતા વરિષ્ઠ વકીલો સિદ્ધાર્થ લુથરા, સોનિયા માથુર અને નચિકેતા જોશીએ દલીલો રજૂ કરી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં