બિસલેરી પાણીનું સેમ્પલ ‘અનસેફ’, FSSAIએ કેસ ચલાવવાની આપી મંજૂરી

(Photo: Gemini)

ભારતમાં પીવાના પાણીની બોટલની વાત આવે ત્યારે સૌથી પહેલાં બિસલેરીનું નામ મનમાં આવે છે. વર્ષોથી લોકો મુસાફરી દરમિયાન કે બહાર હોઈએ ત્યારે આ કંપનીના પાણી પર વિશ્વાસ કરતા આવ્યા છે. પરંતુ હવે બિસલેરીના પેકેજ્ડ પાણીની ગુણવત્તા પર મોટા પ્રશ્નો ઊભા થયા છે. દેશની ફૂડ સેફ્ટી સંસ્થા FSSAIએ બિસલેરી ઇન્ટરનેશનલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે, કારણ કે તપાસમાં લીધેલા પાણીના સેમ્પલને પીવા માટે અસુરક્ષિત માનવામાં આવ્યું છે.

ફૂડ સેફ્ટીના અધિકારીઓએ બિસલેરીના પાણીનો એક નમૂનો લઈને તપાસ કરી હતી. આ તપાસમાં પાણીમાં બ્રોમેટ નામનું રસાયણ નિયમ કરતાં વધારે જોવા મળ્યું. જેના કારણે ફૂડ સેફ્ટી એક્ટ, 2006 હેઠળ આ પાણીને અસુરક્ષિત જાહેર કરાયું. નોંધનીય છે કે બ્રોમેટ એક એવું રસાયણ છે, જે પાણીની કેટલીક શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે બને છે. જો તેની માત્રા વધી જાય તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

બીજી લેબોરેટરીમાં પણ સેમ્પલ નીકળ્યું જોખમી

બીજી તરફ કંપનીએ આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવીને અપીલ કરી હતી, જેના પગલે નિયમ મુજબ એ જ નમૂનાને બીજી રેફરલ લેબોરેટરીમાં મોકલાયો હતો. પરંતુ બીજી લેબમાં પણ પાણીમાં ખામીઓ જોવા મળી. વધુમાં બીજી તપાસમાં તો પાણીમાં પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs) નામના રસાયણો મળી આવ્યા. આ રસાયણો જો લાંબા સમય સુધી શરીરમાં જાય તો કેન્સરનું જોખમ વધી શકે છે.

બંને લેબોરેટરીના રિપોર્ટ અસુરક્ષિત આવ્યા બાદ FSSAIએ બિસલેરી સામે પ્રોસિક્યુશન એટલે કે કાયદાકીય કેસ ચલાવવાની મંજૂરી આપી છે. એક મહત્વની વાત એ છે કે FSSAIએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ ખામી કયા ચોક્કસ પ્લાન્ટ, બોટલના કયા પ્રકાર કે કયા બેચના પાણીમાં મળી હતી.

કંપનીએ કરેલ સ્પષ્ટતા

જોકે કંપનીએ પણ આ મામલે પોતાની વાત મૂકી છે અને કહ્યું છે કે ગ્રાહકોની સુરક્ષા તેની પ્રાથમિકતા છે તથા ગુણવત્તા જાળવવા કડક તપાસ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગોવાના પ્લાન્ટમાંથી અગાઉ લેવાયેલા એક સેમ્પલમાં બ્રોમેટ 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર નોંધાયું હતું, જ્યારે મર્યાદા 10 માઇક્રોગ્રામ પ્રતિ લિટર છે, જોકે કંપનીની પોતાની અન્ય તપાસમાં તે મર્યાદામાં હોવાનું કહેવાયું છે.

હાલમાં કંપનીએ FSSAIને સહકાર આપવાની અને કાયદાકીય રીતે જવાબ આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી FSSAI ખાદ્યપદાર્થો અને પીણાંની ગુણવત્તાને લઈને ખૂબ કડક બની છે. બિસલેરી સિવાય બીજી ઘણી કંપનીઓ સામે પણ કાયદાકીય પગલાં લેવાયાં છે અને નિયમો તોડનારી કેટલીક સંસ્થાઓના લાઇસન્સ પણ બંધ કરાયાં છે, જેથી લોકોને બજારમાં સુરક્ષિત ચીજો મળે.