20 નવેમ્બરના રોજ નવી દિલ્હીના પુરાણા કિલ્લામાં એક એવી શરૂઆત થઈ, જે સામાન્ય રાજદ્વારી કાર્યક્રમ કરતાં ઘણી મોટી વાત હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCOના પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ’નું ઉદ્ઘાટન કર્યું. 20થી 22 નવેમ્બર સુધી ચાલનારા આ ફોરમમાં SCO સાથે જોડાયેલા દેશોની સભ્યતાગત પરંપરાઓ, કલા, સ્થાપત્ય, સંગીત, ભોજન, ભાષા, સાહિત્ય અને દાર્શનિક પરંપરાઓ પર ચર્ચા થશે. ઉદ્ઘાટન કાર્યક્રમની થીમ પણ હતી ‘વસુધૈવ કુટુંબકમ્’, એટલે કે આખું વિશ્વ એક પરિવાર.
આ પહેલ કોઈ અચાનક ઊભી થયેલી વાત નહોતી. 2025માં તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન પીએમ મોદીએ જ SCOના માળખામાં સભ્યતાગત સંવાદ માટે એક અલગ મંચ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પછી બિશ્કેક ઘોષણામાં આવકારવામાં આવ્યો. એટલે આજે પુરાણા કિલ્લામાં જે થયું, તેની પાછળ એક સ્પષ્ટ વિચાર હતો. ભારત દુનિયા સાથે માત્ર વેપાર, સુરક્ષા અને રાજનીતિની ભાષામાં વાત કરવા માગતું નથી. ભારત પોતાની સભ્યતાની ભાષામાં પણ દુનિયા સાથે વાત કરવા માગે છે.
હવે સવાલ એ છે કે ભારતને આ કરવાની જરૂર કેમ પડી? ભારત પાસે દુનિયાને બતાવવા માટે શું નવું છે? જવાબ ખૂબ જૂનો છે. ભારત પાસે કંઈ નવું નથી. ભારત પાસે જૂનું છે. એટલું જૂનું કે દુનિયાની ઘણી આધુનિક સંસ્કૃતિઓ ઊભી પણ નહોતી થઈ ત્યારે અહીં જ્ઞાન, દર્શન, ગણિત, ચિકિત્સા, ભાષા, સંગીત, સ્થાપત્ય અને જીવનપદ્ધતિના વિચારો વિકસ્યા હતા.
યોગથી લઈને આયુર્વેદ સુધી, ઉપનિષદોથી લઈને બૌદ્ધ દર્શન સુધી, નાલંદાથી લઈને મંદિર સ્થાપત્ય સુધી અને ‘વસુધૈવ કુટુંબકમ્’થી લઈને સમગ્ર વિશ્વને પરિવાર માનવાની વિચારધારા સુધી ભારત પાસે એવી સભ્યતાગત મૂડી હતી જેને દુનિયાને બતાવવા માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નહોતી. સમસ્યા એ હતી કે ભારતે લાંબા સમય સુધી આ મૂડીને પોતાની શક્તિ તરીકે દુનિયા સામે રજૂ જ કરી નહોતી. પરિણામ એ આવ્યું કે ભારત વિશેની વૈશ્વિક છબી ઘણી વખત ભારતની પોતાની સભ્યતા કરતાં બીજાઓએ અને ખાસ કરીને લેફ્ટ ગેંગે વધારે ઘડી.
ભારત એટલે સાપ-સપેરા, ગરીબી અને અંધશ્રદ્ધા?
આ વાત સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. ભારત વિશે પશ્ચિમમાં બનેલી જૂની છબીમાં સાપ, સપેરા, હાથી, ગરીબી, અંધશ્રદ્ધા અને ‘એક્ઝોટિક’ પૂર્વનો ખ્યાલ લાંબા સમય સુધી જીવતો રહ્યો. 1989ના એક ‘ઇન્ડિયા ટુડે’ લેખમાં સપેરાને ભારતનું સૌથી ટકાઉ પ્રતીક ગણાવીને લખવામાં આવ્યું હતું કે આ છબી અજાણ પ્રવાસીઓના મનમાં ભારત સાથે જોડાયેલી રહી હતી. 2016માં ‘યે હૈ ઇન્ડિયા’ ફિલ્મના પોસ્ટર અંગેના અહેવાલમાં પણ સ્પષ્ટ લખાયું હતું કે પશ્ચિમી દેશોની નજરમાં ભારતને ‘સાપ-સપેરાની ભૂમિ’ તરીકે જોવાની એક સ્ટિરિયોટાઇપ છબી હતી અને ફિલ્મ તેને તોડવાનો પ્રયાસ કરી રહી હતી. એટલે આ કોઈ કલ્પિત આરોપ નથી કે કોઈએ આજે બેસીને બનાવેલો નારો નથી.
અહીં બોલિવૂડની ભૂમિકા સમજવી જરૂરી છે. ફિલ્મો કોઈ દેશની છબી એક દિવસમાં બનાવતી નથી, પરંતુ કરોડો લોકો સુધી પહોંચતી દ્રશ્ય રચના જ્યારે વારંવાર એક જ પ્રકારના ભારતને બતાવે છે ત્યારે તે છબી ધીમે-ધીમે સામાન્ય બની જાય છે. ભારતને ગરીબી, સંકુચિત પરંપરા, અંધશ્રદ્ધા અને ‘વિચિત્ર ધાર્મિક પ્રથા’ઓ સાથે જોવાનો નેરેટિવ માત્ર વિદેશી સિનેમામાં જ નહોતો. ભારતીય ફિલ્મ ઉદ્યોગે પણ ઘણી વખત ભારતની પોતાની પરંપરાઓને કાં તો જૂની અને હાસ્યાસ્પદ બનાવીને રજૂ કરી અથવા આધુનિકતા અને પશ્ચિમીકરણની સામે ઊભેલી વસ્તુ તરીકે બતાવી. ‘બોલિવૂડ’ શબ્દ પોતે જ વિશ્વમાં ભારતની ઓળખનું મોટું માધ્યમ બની ગયો હતો. પ્રશ્ન એ છે કે આ માધ્યમમાંથી દુનિયાએ ભારત વિશે શું જોયું?
આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવી હોય તો હિંદુ ધાર્મિક પરંપરાઓની ફિલ્મી રજૂઆત જુઓ. હિંદુ દેવતાઓ અને માન્યતાઓને લઈને મજાક કે ઉપહાસના આરોપો પર અનેક વખત વિવાદ ઊભા થયા. ‘OMG’ના ટ્રેલરમાં ગણપતિને ‘મોટા પેટવાળા’, હનુમાનને ‘બોડીબિલ્ડર’ અને દેવીને ‘ટાઇગરવાળી’ તરીકે સંબોધતા સંવાદોને લઈને સેન્સર બોર્ડે પણ વાંધા ઉઠાવ્યા હતા. ‘PK’માં હિંદુ દેવતાઓ, પૂજા-પદ્ધતિ અને ધાર્મિક આસ્થાને લઈને રજૂઆત સામે પણ ભારે વિરોધ થયો હતો અને આ મુદ્દો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ફિલ્મને લઈને હિંદુ ધાર્મિક ભાવનાઓના અપમાનનો વિવાદ વાસ્તવિક હતો.
આમાં મુદ્દો એ નથી કે કોઈ ફિલ્મને ટીકા કરવાનો અધિકાર હતો કે નહોતો. મુદ્દો એ છે કે જ્યારે કોઈ દેશની સૌથી મોટી લોકપ્રિય સિનેમા પોતાની જ બહુમતીની ધાર્મિક પરંપરાઓને વારંવાર અંધશ્રદ્ધા, પાખંડ અથવા મજાકના ચશ્માથી બતાવે, ત્યારે એ દેશની પોતાની સભ્યતાની વૈશ્વિક છબી પર તેની અસર પડે છે. હિંદુ ધર્મ દુનિયાના સૌથી જૂના જીવંત ધાર્મિક-દાર્શનિક પરંપરાઓમાંનો એક છે, પરંતુ ફિલ્મી પડદા પર તેની જટિલતા, તત્ત્વચિંતન અને જ્ઞાનપરંપરા કરતાં તેની ઉપર હસવું વધુ સરળ બનાવાયું. આ રીતે ભારતની સૌથી મોટી સભ્યતાગત ઓળખને જ પોતાની સિનેમામાં નાની બનાવવાની પ્રક્રિયા ચાલતી રહી.
પછી ભારતે પોતાની ઓળખને જ પોતાની તાકાત બનાવી
મોદી સરકાર આવ્યા પછી વાર્તા બદલાઈ. સૌથી મોટો ફેરફાર એ થયો કે ભારતે પોતાની સભ્યતાને લઈને સંકોચ રાખવાનું બંધ કર્યું. યોગને માત્ર ભારતની એક જૂની પરંપરા તરીકે યાદ કરવાને બદલે તેને દુનિયાના મંચ પર ભારતની ઓળખ બનાવીને રજૂ કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો અને માત્ર થોડા જ સમયમાં 177 દેશોએ તેને સહ-પ્રાયોજિત કર્યો. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યો. આજે દુનિયાના અલગ-અલગ દેશોમાં લાખો લોકો યોગ કરે છે. 2026માં પણ યોગ દિવસને વિશ્વભરમાં વિશાળ પ્રમાણમાં ઉજવવામાં આવ્યો અને ભારત સરકારના જણાવ્યા મુજબ ત્રણ કરોડથી વધુ લોકોએ દેશભરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ માત્ર યોગનો પ્રચાર નહોતો. આ ભારતની એક પ્રાચીન જીવનપદ્ધતિને વૈશ્વિક ઓળખમાં ફેરવવાનો પ્રયાસ હતો.
અહીંથી ‘સોફ્ટ પાવર’ શબ્દને સમજવો સરળ બને છે. કોઈ દેશ દુનિયામાં માત્ર પોતાની સેના બતાવીને પ્રભાવશાળી બનતો નથી. કોઈ દેશ પોતાની સંસ્કૃતિ, વિચાર, જીવનપદ્ધતિ અને જ્ઞાન દ્વારા પણ લોકોના મનમાં સ્થાન બનાવી શકે છે. ભારત માટે યોગ તેનું સૌથી મોટું ઉદાહરણ બની ગયું. વિદેશ મંત્રાલયના એક પ્રકાશનમાં પણ ભારતની સાંસ્કૃતિક કૂટનીતિને ‘સોફ્ટ પાવર’ સાથે સીધી રીતે જોડવામાં આવી છે અને બુદ્ધ, યોગ તથા બોલિવૂડથી લઈને ભારતની સભ્યતાગત સમૃદ્ધિને તેની સાંસ્કૃતિક શક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. યોગના કિસ્સામાં આ વાત વધુ સ્પષ્ટ છે, કારણ કે મોદી સરકારના પ્રયાસો પછી યોગને દર વર્ષે સમગ્ર દુનિયા એકસાથે ઉજવે તેવો દિવસ મળ્યો.
પરંતુ વાત માત્ર યોગ સુધી અટકી નહોતી. ભારતે પોતાની બીજી સૌથી મોટી સભ્યતાગત શક્તિ એટલે બૌદ્ધ પરંપરાને પણ વૈશ્વિક કૂટનીતિ સાથે જોડવાનું શરૂ કર્યું. બુદ્ધ ભારતમાંથી નીકળેલા એવા મહાન વિચારક હતા જેમના વિચારો ભારતની બહાર એશિયાના વિશાળ ભૂભાગમાં પહોંચ્યા. ભારત માટે બૌદ્ધ વારસો માત્ર ભૂતકાળનો વિષય નથી. તે ભારતને દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડતો જીવંત સાંસ્કૃતિક સેતુ છે. મોદી સરકારના સમયમાં બુદ્ધ અને બૌદ્ધ વારસાને ભારતની વૈશ્વિક સાંસ્કૃતિક રજૂઆતમાં વિશેષ સ્થાન મળ્યું. સંશોધનમાં પણ મોદી સરકારની સોફ્ટ પાવર કૂટનીતિમાં બુદ્ધ, ભારતીય પ્રવાસી સમુદાય અને યોગને મુખ્ય સાધનો તરીકે ઓળખવામાં આવ્યા છે.
નાલંદાથી લઈને ‘વસુધૈવ કુટુંબકમ્’ સુધી
પછી આવે છે નાલંદા. અહીં પણ વાત માત્ર એક યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવાની નથી. જૂની નાલંદાના અવશેષો સામે ઊભા રહીને ભારતે દુનિયાને ફરી યાદ અપાવ્યું કે આ ભૂમિ પર જ્ઞાન માટે દુનિયાના વિવિધ ભાગોમાંથી લોકો આવતા હતા. 2024માં પીએમ મોદીએ રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. તેમણે નાલંદાને માત્ર નામ નહીં પરંતુ ભારતની ઓળખ, ગૌરવ અને જ્ઞાનની પરંપરાનું પ્રતીક ગણાવ્યું. ખાસ વાત એ હતી કે નાલંદાના પુનરુત્થાનને તેમણે માત્ર ભારતના ભૂતકાળના પુનરુત્થાન તરીકે નહીં પરંતુ એશિયા અને દુનિયા સાથે જોડાયેલા વારસાના પુનર્જીવન તરીકે રજૂ કર્યું. આ જ તો સભ્યતાગત શક્તિ છે. પોતાની પરંપરાને દુનિયાથી અલગ કરીને નહીં, પરંતુ દુનિયા સાથેના સંબંધના આધાર તરીકે રજૂ કરવી.
આ જ વિચાર પછી ‘વસુધૈવ કુટુંબકમ્’ સુધી પહોંચે છે. 2023માં ભારતે G20નું અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે તેનો મુખ્ય મંત્ર ‘વસુધૈવ કુટુંબકમ્ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ રાખવામાં આવ્યો. આ કોઈ વિદેશી કન્સલ્ટન્ટે બનાવેલું બ્રાન્ડિંગ સૂત્ર નહોતું. આ મહાઉપનિષદમાંથી આવેલો વિચાર હતો. પીએમ મોદીએ પોતે કહ્યું હતું કે આ માત્ર સૂત્ર નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક ચિંતનમાંથી આવેલું વ્યાપક દર્શન છે. G20 જેવા વિશ્વના સૌથી મોટા આર્થિક મંચ પર ભારતે પોતાની પ્રાચીન વિચારધારાને જ વૈશ્વિક સંવાદની ભાષા બનાવી. એટલે અહીં સોફ્ટ પાવરનો અર્થ માત્ર ભારતીય નૃત્ય કે સંગીત બતાવવો નથી. અહીં ભારત પોતાની વિચારધારાને પણ વિશ્વની ચર્ચામાં મૂકી રહ્યું હતું.
આ બાબતને સમજવા માટે એક સરળ તફાવત યાદ રાખવો પડશે. પહેલાં દુનિયાને ભારત બતાવવામાં આવતું હતું. હવે ભારત દુનિયાને પોતાને બતાવી રહ્યું છે. પહેલાં કોઈ ફિલ્મ, કોઈ વિદેશી મીડિયા અથવા કોઈ સાંસ્કૃતિક માધ્યમ ભારતને પોતાની નજરથી સમજાવતું હતું. હવે ભારત કહે છે કે અમને અમારી પોતાની નજરથી પણ જુઓ. અહીંથી ‘સભ્યતાગત શક્તિ’નો અર્થ સમજાય છે.
હવે SCOમાં સભ્યતા પણ કૂટનીતિનો વિષય બની
અને એટલે જ 20 નવેમ્બર 2026નું SCOનું પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ’ એટલું મહત્વનું બની ગયું. આ ફોરમમાં માત્ર રાજદ્વારીઓ નહીં પરંતુ વિદ્વાનો, શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવ્યા. ચર્ચાના વિષયોમાં સંગીત અને પ્રદર્શનકળા, વસ્ત્રો, ભોજન, પરંપરાગત રમતો, કલા અને સ્થાપત્ય, ભાષા અને સાહિત્ય, લિપિઓ અને હસ્તપ્રતો તથા મઠીય માર્ગો અને દાર્શનિક પરંપરાઓનો સમાવેશ થયો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ‘સિવિલાઇઝેશન્સ ઇન કન્વર્સેશન’ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો, જેની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ રહી. એટલે ભારતે અહીં પણ પોતાની ઓળખને કોઈ એક સાંસ્કૃતિક પ્રદર્શન સુધી સીમિત કરી નહીં. તેણે સમગ્ર સભ્યતાગત સંવાદને જ કૂટનીતિના મંચ પર લાવી દીધો.
આ ફોરમમાં ‘અસ્તિત્વ – ધ એસન્સ ઑફ અવર એક્ઝિસ્ટન્સ’ નામનું પ્રદર્શન પણ રજૂ થશે, જેમાં દિલ્હીના ઇતિહાસને ઈ.સ.પૂર્વે 1200થી ઈ.સ. 1200 સુધીના પુરાતત્વીય પુરાવાઓ, અવશેષો, કલાકૃતિઓ અને સ્થાપત્યના ટુકડાઓ દ્વારા રજૂ કરવામાં આવશે. સાથે 18મી સદીની મહાભારતની એક દુર્લભ ચિત્રિત હસ્તપ્રતનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. એટલે કલ્પના કરો, જે ભારતને ક્યારેક દુનિયા સામે સપેરા અને ગરીબીની છબીમાં જોવામાં આવતું હતું, તે જ ભારત આજે પુરાણા કિલ્લામાં ઉભું રહીને પોતાની હજારો વર્ષ જૂની પુરાતત્વીય, સાહિત્યિક અને કલાત્મક પરંપરા દુનિયાના દેશોને બતાવી રહ્યું છે. આ ફેરફાર માત્ર કાર્યક્રમનો નથી. આ પોતાની ઓળખને જોવાની રીતનો ફેરફાર છે.
અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયાનો આરંભ પણ કોઈ નાના સાંસ્કૃતિક કાર્યક્રમથી થયો નહોતો. પીએમ મોદીએ 2025ની SCO સમિટમાં જ સભ્યતાગત સંવાદ માટે અલગ મંચ બનાવવાનો વિચાર મૂક્યો હતો. એક વર્ષ પછી તે વિચાર નવી દિલ્હીના પુરાણા કિલ્લામાં વાસ્તવિક મંચ બનીને સામે આવ્યો. એટલે આને એક અલગ-અલગ કાર્યક્રમોની યાદી તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ. યોગ દિવસ અલગ ઘટના છે, નાલંદાનું પુનરુત્થાન અલગ ઘટના છે, G20નું ‘વસુધૈવ કુટુંબકમ્’ અલગ ઘટના છે, પણ SCOનું સિવિલાઇઝેશનલ ડાયલોગ અલગ ઘટના નથી. આ બધું એક જ મોટી દિશામાં જતું દેખાય છે. ભારત પોતાની સભ્યતાને પોતાની વૈશ્વિક ઓળખનો સક્રિય ભાગ બનાવી રહ્યું છે.
બોલિવૂડે જે છબી બનાવી, મોદી સરકારે એ જ બદલી
અહીં ફરી બોલિવૂડ તરફ પાછા ફરવું પડે. કારણ કે ભારતની વૈશ્વિક છબીની વાત કરીએ અને બોલિવૂડને છોડીએ તો વાત અધૂરી રહી જાય. બોલિવૂડે દુનિયામાં ભારતને ઓળખ અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો, પરંતુ ભારતની દરેક ઓળખ ગૌરવની ઓળખ બની નહોતી. એક તરફ ભારતીય ગીતો, નૃત્યો અને ફિલ્મોએ ભારતને લોકપ્રિય બનાવ્યું, બીજી તરફ ભારતની ગરીબી, અંધશ્રદ્ધા, વિસંગતતા અને ‘એક્ઝોટિક’ છબી પણ બોલિવૂડમાં વારંવાર દેખાતી રહી. ભારતની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમેરિકામાં તેને ભારત વિશેના એવા ગેરસમજોનો સામનો કરવો પડ્યો હતો જેમાં સપેરા અને હાથી જેવી છબીઓ સામેલ હતી. એટલે આ સ્ટિરિયોટાઇપ કોઈ કલ્પિત વસ્તુ નહોતી.
હવે મોદી સરકારના સમયમાં ભારતે એકદમ અલગ રસ્તો પકડ્યો. ભારતે કહ્યું કે જો દુનિયા ભારતને ઓળખવા માગે છે તો તેને ભારતની પોતાની સભ્યતા પણ જોવી પડશે. અહીંથી યોગ માત્ર કસરત ના રહી, બુદ્ધ માત્ર ઇતિહાસના પાઠનો વિષય નહીં રહ્યા, નાલંદા માત્ર ખંડેર નથી રહી, ‘વસુધૈવ કુટુંબકમ્’ માત્ર સંસ્કૃત વાક્ય નહીં રહ્યું અને ભારતીય મંદિર, સંગીત, કલા, આયુર્વેદ તથા જ્ઞાનપરંપરા માત્ર દેશની અંદરની બાબતો ન રહી. આ બધું ભારતની વૈશ્વિક ઓળખના ભાગ તરીકે આગળ આવ્યું.
આ જ કારણ છે કે ‘સોફ્ટ પાવર’ શબ્દ ભારત માટે હવે થોડો નાનો લાગવા માંડે છે. સોફ્ટ પાવરનો અર્થ સામાન્ય રીતે એવો પ્રભાવ કે જેમાં કોઈ દેશ આકર્ષણ, સંસ્કૃતિ અને વિચારો દ્વારા અન્ય દેશોના લોકો અને સમાજોને પ્રભાવિત કરે. ભારત આ કરી રહ્યું છે, પરંતુ તેની પાસે માત્ર બોલિવૂડ નથી. તેની પાછળ હજારો વર્ષ જૂની સતત સભ્યતાગત પરંપરા છે. એટલે ભારતના કિસ્સામાં સોફ્ટ પાવરની પાછળ જે મૂળ શક્તિ છે, તેને ‘સભ્યતાગત શક્તિ’ કહે છે.
અને આ જ મોદી સરકારના સમગ્ર અભિગમનું સૌથી મોટું પરિવર્તન છે. ભારતને દુનિયાની સામે આધુનિક દેખાડવા માટે પોતાની પરંપરા છુપાવવાની જરૂર નથી. ભારત આધુનિક પણ બની શકે અને પોતાની સનાતન સભ્યતા સાથે ઊભું પણ રહી શકે. વિશ્વ સાથે વેપાર કરી શકે અને ‘વસુધૈવ કુટુંબકમ્’ પણ કહી શકે. અદ્યતન ટેક્નોલોજીની વાત કરી શકે અને નાલંદાને પણ યાદ કરી શકે. વૈશ્વિક મંચ પર વ્યૂહાત્મક ભાગીદારીની વાત કરી શકે અને બુદ્ધની વાત પણ કરી શકે. એટલે વિકાસ અને સભ્યતા વચ્ચે કોઈ વિરોધાભાસ ઊભો કરવાની જરૂર નથી.
આજે પુરાણા કિલ્લામાં SCOના પ્રથમ ‘સિવિલાઇઝેશનલ ડાયલોગ’નું ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ જે મંચ ઊભું કર્યું, તે માત્ર ત્રણ દિવસની પરિષદ નથી. તે એક બદલાયેલી ભારતીય માનસિકતાનું પ્રદર્શન છે. જે દેશની ઓળખ દુનિયાએ ક્યારેક પોતાની નજરથી નક્કી કરી, તે દેશ હવે પોતાની ઓળખની ગાથા પોતે કહી રહ્યો છે. જે સંસ્કૃતિને ક્યારેક જૂની, પછાત અથવા અંધશ્રદ્ધાળુ બતાવવામાં આવી, એ જ સંસ્કૃતિના યોગને દુનિયા અપનાવી રહી છે, બુદ્ધના સંદેશને દુનિયા સાંભળી રહી છે, નાલંદાનું નામ ફરી વૈશ્વિક જ્ઞાન સાથે જોડાઈ રહ્યું છે અને ‘વસુધૈવ કુટુંબકમ્’ વિશ્વના સૌથી મોટા બહુપક્ષીય મંચોમાંથી એકની થીમ બની રહ્યું છે.
આખરે વાત એટલી જ છે. ભારત પાસે શક્તિ પહેલેથી હતી. મોદી સરકારે તેને ઓળખી, તેને વિશ્વ સમક્ષ મૂકવાની ભાષા શોધી અને પોતાની સનાતન સભ્યતાને જ ભારતનો ‘સોફ્ટ પાવર’ બનાવી દીધો. હવે ભારત દુનિયાને માત્ર એ નથી કહી રહ્યું કે અમે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છીએ, મોટી સૈન્ય શક્તિ છીએ અથવા વૈશ્વિક રાજકારણમાં મહત્વ ધરાવીએ છીએ. ભારત એ પણ કહી રહ્યું છે કે અમારી પાસે દુનિયાને આપવા માટે હજારો વર્ષ જૂની એક જીવંત સભ્યતા છે અને આ વખતે ભારતની ગાથા કોઈ બીજું લખી રહ્યું નથી. ભારત પોતે લખી રહ્યું છે.


