હોમપેજદેશશું છે AQI, કઈ રીતે મપાય છે અને દિલ્હીના આંકડાઓમાં આટલો તફાવત...

શું છે AQI, કઈ રીતે મપાય છે અને દિલ્હીના આંકડાઓમાં આટલો તફાવત કેમ

ફટાકડાને કારણે દિવાળીની રાત્રે હવામાં પ્રદૂષક કણોનું પ્રમાણ ચોક્કસ વધે છે. પરંતુ તેની અસર મોટાભાગે કામચલાઉ હોય છે. ઉજવણી પૂરી થયા પછી થોડા કલાકોમાં આ ઉછાળો ઘટવા લાગે છે. દિલ્હીની હવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનાં કારણો અલગ છે.

- Advertisement -

દર વર્ષે દિવાળી આવે એટલે દિલ્હીમાં પ્રદૂષણ માટેનો બધો દોષ હિંદુ તહેવાર પર નાખી દેવાય છે. આ વખતે પણ એમ જ થયું. દિવાળીના લગભગ એક સપ્તાહ પહેલાંથી રાજધાની અને આસપાસના વિસ્તારની હવા બગડવા માંડી હતી અને AQI પહેલેથી ઊંચો જવા માંડ્યો હતો પણ દિવાળીના ફટાકડા ફૂટ્યા પછી સંપૂર્ણ ચર્ચા ત્યાં જ કેન્દ્રિત કરી દેવાઈ. જ્યારે હકીકત એ પણ હતી કે પ્રદૂષણના આંકડા મોટેભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોના હતા, સમગ્ર દેશના બાકીના ભાગોને આવરી લેતા નહીં.

દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે હવાની ગુણવત્તા ખરાબ થવી દર વર્ષની સમસ્યા છે. દિવાળી પહેલાં જ તાપમાન ઘટવા લાગે છે અને પવનની ગતિ ઓછી થઈ જાય છે. પરિણામે વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને ખેતરોમાં પરાળ સળગાવવાથી થતો ધુમાડો હવામાં જ રહે છે. દિવાળી આવે ત્યાં સુધીમાં દિલ્હીનું વાતાવરણ પહેલેથી જ પ્રદૂષિત થઈ ચૂક્યું હોય છે. પણ આ હકીકત પર ક્યારેય પૂરતું ધ્યાન અપાતું નથી.

8 નવેમ્બરે દિવાળી હતી. બીજા દિવસે નવમીએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાર આંકડા મુજબ દિલ્હીની હવા ‘વેરી પુઅર’ શ્રેણીમાં હતી અને કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર કરીને ‘સીવિયર’ શ્રેણીમાં પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ આંકડાઓમાં મોટો વિરોધાભાસ સામે આવ્યો. લોધી રોડ પર હવામાન વિભાગની કચેરી બહાર લગાવવામાં આવેલી પબ્લિક ડિસ્પ્લે સ્ક્રીન પર AQI માત્ર 143 દર્શાવાયો હતો, જ્યારે સરકારી ડેશબોર્ડ પર એ જ વિસ્તારનો આંકડો 343 હતો. બીજી તરફ, ખાનગી મોબાઇલ એપ્સ અને ઘરના એર પ્યુરિફાયરમાં AQI 1,000થી વધુ, કેટલાક વિસ્તારોમાં 2,000 અને 3,000ને પાર દર્શાવાયો.

- Advertisement -

પ્રશ્ન એ છે કે એક જ શહેરમાં આટલો મોટો તફાવત કેમ?

પ્રદૂષણના આંકડા અને રાજકારણ

દિવાળીની રાત્રે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું ત્યારે દિલ્હીનાં 25થી વધુ મોનિટરિંગ સ્ટેશનોનો ડેટા અચાનક મળતો બંધ થઈ ગયો હોવાના અહેવાલો આવ્યા. આ સમયે જ પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ હતું. તેથી સરકારી આંકડાઓમાં ચેડાં થયાની શંકા વ્યક્ત થવા માંડી.

ચૂંટણી હારી ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે સરકાર પર AQIના ડેટા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો. તેમના દાવા મુજબ, દિલ્હીમાં 20 નવા મોનિટરિંગ સ્ટેશનો દૂરના અને હરિયાળા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં, જેથી સરેરાશ પ્રદૂષણ ઓછું દેખાય. તેમણે જહાંગીરપુરી જેવા પ્રદૂષિત વિસ્તારોમાં મોનિટરિંગ મશીનો પર પાણી છાંટવામાં આવતું હોવાનો પણ આરોપ મૂક્યો. નોંધવા જેવી બાબત એ છે કે અગાઉ કેજરીવાલ સરકારના સમયમાં પણ મોનિટરિંગ સ્ટેશનોની આસપાસ પાણી છાંટવાના આરોપો લાગ્યા હતા.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ આરોપોને નકારી કાઢ્યા. બોર્ડના જણાવ્યા મુજબ, ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વચાલિત છે અને તેમાં માનવીય હસ્તક્ષેપ થતો નથી. ડેટા મળતો બંધ થવાનું કારણ જૂનાં મશીનોની મર્યાદા હતી. નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ શરૂ થયો ત્યારે PM માપતાં મશીનોની ક્ષમતા 0થી 1,000 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સુધીની હતી. દિવાળી જેવા પ્રસંગે પ્રદૂષણ આ મર્યાદાથી વધી જાય તો સિસ્ટમ તેને મર્યાદાની બહારનો આંકડો ગણીને કાઢી નાખે છે. એટલે ડેટા ગાયબ થવાનું કારણ જાણીજોઈને કરવામાં આવેલી કાર્યવાહી નહીં, પરંતુ મશીનની મર્યાદા હોવાનું બોર્ડે જણાવ્યું.

આ વિવાદને સમજવા માટે AQI શું છે, તેની ગણતરી કેવી રીતે થાય છે અને અલગ-અલગ મશીનો અલગ આંકડા કેમ આપે છે તે સમજવું જરૂરી છે.

AQI કેવી રીતે માપવામાં આવે છે?

AQI હવામાં રહેલા કોઈ એક પ્રદૂષકનું સીધું માપ નથી. તે એક ગણિતીય માપદંડ છે, જે અલગ-અલગ પ્રદૂષકોની માત્રાને એક જ આંકડામાં રજૂ કરે છે. ભારતની નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ પદ્ધતિમાં આઠ પ્રદૂષકોનું મોનિટરિંગ થાય છે: PM2.5, PM10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, જમીનની નજીકનું ઓઝોન, એમોનિયા અને લેડ.

દરેક પ્રદૂષક માટે અલગ સબ-ઇન્ડેક્સની ગણતરી થાય છે. અંતિમ AQI આ તમામ આંકડાની સરેરાશ નથી. જે પ્રદૂષકનો સબ-ઇન્ડેક્સ સૌથી વધુ હોય છે, તેને જ સમગ્ર વિસ્તારનો AQI ગણવામાં આવે છે. દાખલા તરીકે, સલ્ફર ડાયોક્સાઇડનો સબ-ઇન્ડેક્સ 45 હોય અને PM2.5નો 343 હોય તો અંતિમ AQI 343 રહેશે.

PM2.5ના કણો અત્યંત નાના હોય છે. તે ફેફસાંના અંદરના ભાગ સુધી પહોંચી શકે છે અને લોહીમાં પણ પ્રવેશી શકે છે. PM10માં રસ્તાની અને બાંધકામની ધૂળ જેવા મોટા કણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ વાયુ પ્રદૂષકો પણ હવાની ગુણવત્તાને અસર કરે છે.

સરકારી મશીનો અને ખાનગી સેન્સર વચ્ચેનો તફાવત

સરકારી મોનિટરિંગ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા માપવા માટે મોંઘાં અને પ્રમાણિત સાધનો વપરાય છે. બેટા એટેન્યુએશન મોનિટર ફિલ્ટર પર જમા થતા કણોનું વજન માપે છે. TEOM મશીન કાચની નળીના કંપનમાં થતા ફેરફારના આધારે કણોનું વજન નક્કી કરે છે. આ મશીનોમાં હવાને ગરમ કરવાની વ્યવસ્થા પણ હોય છે, જેથી ભેજ અને ધુમ્મસનાં પાણીનાં ટીપાં માપણીને અસર ન કરે.

ઘર કે ઓફિસમાં વપરાતાં સસ્તાં સેન્સર સામાન્ય રીતે લેસર લાઇટ સ્કેટરિંગ પદ્ધતિથી કામ કરે છે. હવામાં રહેલો કણ લેસરના પ્રકાશને કેટલો વેરવિખેર કરે છે તેના આધારે સેન્સર કણોનું પ્રમાણ ગણે છે. પરંતુ તે ધૂળના કણો અને પાણીનાં ટીપાં વચ્ચે ભેદ કરી શકતું નથી. શિયાળામાં ભેજ અને ધુમ્મસ વધે ત્યારે પાણીનાં ટીપાં પણ પ્રદૂષક કણો તરીકે ગણાઈ શકે છે. તેથી ખાનગી સેન્સરનો આંકડો વાસ્તવિક પ્રદૂષણ કરતાં ઘણો ઊંચો દેખાઈ શકે છે.

સ્થળ અને સમય પણ મહત્ત્વનાં

દિલ્હીનાં તમામ વિસ્તારોની હવાની ગુણવત્તા એકસરખી નથી. લોધી રોડ, નેશનલ સ્ટેડિયમ અને સિરી ફોર્ટ જેવા ખુલ્લા અને હરિયાળા વિસ્તારોના આંકડા આનંદ વિહાર, મુંડકા, બવાના અને જહાંગીરપુરી જેવા પ્રદૂષિત વિસ્તારો કરતાં અલગ હોઈ શકે છે. આનંદ વિહાર જેવા વિસ્તારમાં બસ અને રેલવે ટર્મિનલને કારણે વાહનોની અવરજવર પણ વધારે રહે છે.

સરકારી નેટવર્ક ઉપરાંત SAFAR જેવી વ્યવસ્થા પણ પ્રદૂષણનો ડેટા એકત્રિત કરે છે. ખાનગી પ્લેટફોર્મ IQAir અને AQI.in સરકારી ડેટા સાથે નાગરિકો દ્વારા લગાવવામાં આવેલા સેન્સરનો ડેટા પણ સામેલ કરે છે. કોઈ વ્યક્તિની બાલ્કની કે છત પર લગાવેલું મશીન સ્થાનિક હવાની સ્થિતિ બતાવી શકે છે, પરંતુ તેનો આંકડો આખા શહેરને લાગુ પાડી શકાય નહીં.

સમયનો તફાવત પણ આંકડાઓમાં મોટો ફેરફાર લાવે છે. ભારતની સત્તાવાર પદ્ધતિમાં PM2.5 અને PM10ના આંકડા 24 કલાકની સરેરાશના આધારે ગણવામાં આવે છે. એટલે સવારે 8 વાગ્યે દેખાતો આંકડો અગાઉના 24 કલાકની સ્થિતિ દર્શાવે છે. ખાનગી એપ્સ ઘણીવાર કલાકવાર અથવા રિયલ ટાઇમ આંકડા બતાવે છે. દિવાળીની રાત્રે થોડા કલાકોમાં પ્રદૂષણ વધે તો ખાનગી સેન્સર તરત ઊંચો આંકડો બતાવે, જ્યારે સરકારી 24 કલાકની સરેરાશમાં તેની અસર ધીમે દેખાય. તેથી બંને આંકડા અલગ હોવા છતાં પોતાની ગણતરીની પદ્ધતિ પ્રમાણે સાચા હોઈ શકે છે.

ભારત અને અમેરિકાની ગણતરીમાં તફાવત

ભારતની NAQI અને અમેરિકાની EPA પદ્ધતિમાં પ્રદૂષણની મર્યાદાઓ અલગ છે. ઉદાહરણ તરીકે, PM2.5નું 24 કલાકનું પ્રમાણ 60 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હોય તો ભારતીય પદ્ધતિમાં તેનો ઇન્ડેક્સ 100 થાય છે, જ્યારે અમેરિકાની પદ્ધતિમાં આ જ પ્રમાણનો ઇન્ડેક્સ 150થી વધુ થઈ શકે છે. PM10 માટે બંને પદ્ધતિની મર્યાદાઓ અલગ છે. એટલે એક જ હવાના નમૂનામાંથી અલગ પદ્ધતિઓ અલગ AQI આપી શકે છે.

ભારતીય પદ્ધતિમાં AQIની મહત્તમ મર્યાદા 500 છે. PM2.5નું પ્રમાણ 250 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધી જાય તો પણ ઇન્ડેક્સ 500 જ દર્શાવાય છે. બીજી તરફ, અમેરિકાની ગણતરીના આધારે કામ કરતાં અમુક ખાનગી પ્લેટફોર્મ આ મર્યાદા પછી પણ આંકડો વધારતાં રહે છે. તેથી 800, 1,000 કે 3,000 જેવા આંકડા જોવા મળે છે.

ખાનગી પ્લેટફોર્મ વૈશ્વિક સ્તરે અલગ-અલગ શહેરોની સરખામણી કરવા અમેરિકી પદ્ધતિ અપનાવે છે. ઉપરાંત, આ પદ્ધતિમાં આંકડા પર 500ની મર્યાદા ન હોવાથી કલાકે કલાકે થતા ફેરફાર દેખાય છે. સરકારની દલીલ છે કે AQI 400ને પાર કર્યા પછી જ કડક વહીવટી પગલાં શરૂ થાય છે. 500 અને 1,500 માટે પણ પગલાં લગભગ એકસરખાં જ રહે છે. તેથી હજારોનો આંકડો બતાવવાથી ગભરાટ વધી શકે, પરંતુ વહીવટી કાર્યવાહી બદલાતી નથી.

નાગરિકોનાં સેન્સર કેટલાં ભરોસાપાત્ર?

PurpleAir જેવાં સેન્સર લોકો પોતાની બાલ્કની, છત કે ઘરની બહાર લગાવી શકે છે. તે દર થોડી સેકન્ડે ડેટા અપલોડ કરે છે. Sensor.Community જેવી પહેલ હેઠળ લોકો ચાર હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં જાતે પણ સેન્સર તૈયાર કરી શકે છે. Atmotube Pro જેવાં નાનાં ઉપકરણો વ્યક્તિ સાથે રાખી શકે છે.

આ સાધનોનો ફાયદો એ છે કે સરકારી મોનિટરિંગ નેટવર્ક જ્યાં પહોંચતું નથી ત્યાંથી પણ ડેટા મળી શકે છે. પરંતુ તેમની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો છે. સરકારી મશીનોનું નિયમિત કેલિબ્રેશન થાય છે, જ્યારે સસ્તાં ઘરેલુ સેન્સર સામાન્ય રીતે વ્યાવસાયિક રીતે કેલિબ્રેટ થયેલાં હોતાં નથી. દિલ્હીના શિયાળાના ધુમ્મસમાં રહેલા વિવિધ પ્રદૂષકોનું જટિલ મિશ્રણ અને સામાન્ય ધૂળ વચ્ચે મોટો તફાવત છે. તેથી આવાં સેન્સર ખોટો અંદાજ આપી શકે છે.

તેમની આસપાસની પ્રવૃત્તિ પણ આંકડાને અસર કરે છે. કોઈ પડોશી ધૂળવાળું આંગણું સાફ કરે, કોઈ સિગરેટ પીવે કે રસોડામાંથી ધુમાડો નીકળે તો સેન્સર તરત ઊંચું પ્રદૂષણ બતાવી શકે છે. ખાનગી પ્લેટફોર્મ આવા સ્થાનિક આંકડાઓને પૂરતી ચકાસણી વિના પોતાના નકશામાં સામેલ કરે તો એક ઘરની બાલ્કનીનો આંકડો આખા વિસ્તારની હવાની ગુણવત્તા તરીકે રજૂ થઈ શકે છે.

દિવાળીથી આગળની પ્રદૂષણની સમસ્યા

ફટાકડાને કારણે દિવાળીની રાત્રે હવામાં પ્રદૂષક કણોનું પ્રમાણ ચોક્કસ વધે છે. પરંતુ તેની અસર મોટાભાગે કામચલાઉ હોય છે. ઉજવણી પૂરી થયા પછી થોડા કલાકોમાં આ ઉછાળો ઘટવા લાગે છે. દિલ્હીની હવાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનાં કારણો અલગ છે.

ડિસિઝન સપોર્ટ સિસ્ટમના અંદાજ મુજબ, દિલ્હીના પ્રદૂષણમાં વાહનો અને પરિવહનનો હિસ્સો લગભગ 20 ટકા છે. રસ્તાની ધૂળ, બાંધકામ અને ઉદ્યોગો પણ મોટા ફાળો આપે છે. પડોશી રાજ્યોમાં પરાળ સળગાવવાથી થતું પ્રદૂષણ મોટાભાગના દિવસોમાં પાંચ ટકાથી ઓછું રહે છે. દિવાળીની રાત્રે થતો વધારો પહેલેથી જ પ્રદૂષિત હવાની સ્થિતિમાં ઉમેરાય છે.

દિલ્હીની ભૌગોલિક સ્થિતિ પણ સમસ્યાને ગંભીર બનાવે છે. શિયાળામાં તાપમાન ઘટે અને પવનની ગતિ ઓછી થાય ત્યારે ટેમ્પરેચર ઇન્વર્ઝન સર્જાય છે. ઠંડી હવાનું પડ વાહનોનો ધુમાડો, ધૂળ અને અન્ય પ્રદૂષકોને જમીનની નજીક જ અટકાવી દે છે. દરિયાકાંઠાનાં શહેરોમાં દરિયાઈ પવન પ્રદૂષિત હવાને ફેલાવવામાં મદદ કરે છે. દિલ્હીને આવો લાભ મળતો નથી.

દિવાળીના ધુમાડાને કારણે તહેવાર પર વધારે ધ્યાન જાય છે, પરંતુ ફટાકડા પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવો એ જાહેર પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવા, ધૂળવાળા રસ્તાઓ પાકા કરવા કે પ્રદૂષિત ઉદ્યોગો પર કાયમી નિયંત્રણ મૂકવા કરતાં સરળ છે. દિવાળીના કામચલાઉ ઉછાળા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી વર્ષભર ચાલતા પ્રદૂષણનાં કારણો નજરઅંદાજ થવાનું જોખમ કાયમ રહે છે.

આંકડાથી આગળની સમસ્યા

દિલ્હીને પ્રદૂષણની સાથે ડેટા અને પારદર્શિતાની પણ સમસ્યા છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન જેવા પગલાં ચોક્કસ આંકડાઓ પર આધારિત છે. જો ડેટા ખોટો હોય અથવા તેની ગણતરીની પદ્ધતિ સ્પષ્ટ ન હોય તો સરકાર જરૂરી પગલાં લેવામાં મોડું કરી શકે છે અથવા ખોટા આંકડાના આધારે બિનજરૂરી પ્રતિબંધો લાદી શકે છે.

જ્યારે એક જ વિસ્તાર માટે ખાનગી એપ 3,000નો આંકડો બતાવે અને સરકારી ડિસ્પ્લે 143 દર્શાવે ત્યારે અસમંજસ પેદા થાય છે. પ્રદૂષણ સામેનાં પગલાં માટે જાહેર સહકાર જરૂરી છે. પરંતુ આંકડાઓમાં જ આટલો મોટો વિરોધાભાસ હોય તો આગળ પ્રશ્ન સૂચનાઓ પર પણ આવે છે.

AQIનો એક આંકડો સંપૂર્ણ હકીકત નથી. તે કયા સેન્સરથી માપવામાં આવ્યો છે, મશીન ક્યાં લગાવેલું છે, કયા સમયગાળાની સરેરાશ લેવામાં આવી છે અને કઈ ગણતરીની પદ્ધતિ અપનાવવામાં આવી છે તેના પર આધાર રાખે છે.

દિલ્હીની હવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચોક્કસ અને પારદર્શક મોનિટરિંગ જરૂરી છે. સરકારી મશીનો અને સસ્તા ખાનગી સેન્સર વચ્ચેનો તફાવત સમજવો એટલો જ જરૂરી છે. વિશ્વસનીય ડેટા વિના ન તો પ્રદૂષણની વાસ્તવિક સ્થિતિ જાણી શકાય અને ન તો તેના ઉકેલ માટે યોગ્ય પગલાં લઈ શકાય.

(વધુ વિગતવાર લેખ અહીંથી વાંચી શકાશે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં