
મુંબઈની ગિરગાંવ ચોપાટી પર 15-16 નવેમ્બરના રોજ છઠ પૂજાનું આયોજન કરવા માટે મંજૂરી આપવાનો બૉમ્બે હાઇકોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે બંધારણનો આર્ટિકલ 25 નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ આ અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યને લગતી મર્યાદાઓને આધીન છે, એટલે ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં પણ બંધારણીય નિયમો અને જરૂરી મંજૂરીઓનું પાલન કરવું પડે છે.
સનાતન ધર્મના પવિત્ર વ્રત ગણાતા છઠ પૂજા માટે શ્રદ્ધાળુઓએ ગિરગાંવ ચોપાટી ખાતે કામચલાઉ સ્ટેજ અને સૂર્યદેવને અર્ઘ્ય આપવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાની પરવાનગી માગી હતી. સંસ્થાએ 15 નવેમ્બરના બપોરે 3 વાગ્યાથી લઈને 16 નવેમ્બરની સવારે 8 વાગ્યા સુધી પૂજા અર્ચનાનું આયોજન રાખ્યું હતું. પરંતુ સ્થાનિક ડીબી માર્ગ પોલીસ સ્ટેશને 17 સપ્ટેમ્બર 2026ના રોજ જ આ આયોજન માટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે શ્રદ્ધાળુઓએ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.
પોલીસ અને વહીવટી તંત્રે મંજૂરી ન આપવા પાછળ હાઇકોર્ટના જૂના આદેશ હેઠળ રચાયેલી ‘હાઈપાવર કમિટી’ના નિયમોનો હવાલો આપ્યો હતો. સ્થાનિક તંત્રનો દાવો છે કે કમિટીએ ચોપાટી પર માત્ર અમુક ચોક્કસ તહેવારો જેવા કે ગણેશોત્સવ, નવરાત્રિ, રામલીલા, કૃષ્ણલીલા અને ક્રિસમસને જ પરંપરાગત મંજૂરી આપેલી છે. જેથી તંત્રએ ‘છઠ પૂજા’ માટે અલગથી સરકારી વિભાગોની પૂર્વ મંજૂરીઓ લેવી ફરજિયાત હોવાનું કહીને શ્રદ્ધાળુઓની અરજીને ફગાવી દીધી હતી.
વહીવટી તંત્રના આ નિણર્ય બાદ ઉત્તર ભારતીય અને મિથિલા સમાજના શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને સંસ્થાએ 7 ઑક્ટોબર 2026ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હતી. પછીથી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે 21 જૂન 2018ના ‘આદર્શ ચોપાટી પ્રગતિ મંડળ’ કેસના જૂના ચુકાદાનો હવાલો આપ્યો હતો. સરકારે અદાલતમાં જણાવ્યું કે ચોપાટી પર કોઈપણ આયોજન માટે 300 બાય 150 ફૂટનો વિસ્તાર જ નિર્ધારિત કરવામાં આવ્યો છે અને કોઈપણ કાયદાકીય કાર્યવાહીમાં હાઇકોર્ટ દ્વારા નિયુક્ત મોનિટરિંગ કમિટીને પક્ષકાર બનાવવી અનિવાર્ય છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ અદ્વૈત એમ. સેઠના અને જસ્ટિસ રણજિતસિંહ રાજા ભોંસલેની બેન્ચે અરજીકર્તાને મોનિટરિંગ કમિટીની મંજૂરી અને તેને અરજીમાં પક્ષકાર બનાવવા અંગે સવાલો પૂછ્યા હતા. વકીલ તરફથી ટેકનિકલ મુદ્દે સંતોષકારક જવાબ ન મળતાં કોર્ટે માત્ર પ્રક્રિયાત્મક ખામીઓને આધારે છઠ પૂજાના આયોજન માટે તાત્કાલિક રાહત કે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આ કેસની સુનાવણી વખતે બૉમ્બે હાઇકોર્ટે ભારતીય બંધારણના આર્ટિકલ 25નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આર્ટિકલ 25 નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા અને શ્રદ્ધા પાળવાનો અધિકાર આપે છે, પરંતુ આ અધિકાર અમર્યાદિત નથી. ધાર્મિક આયોજનોમાં પણ જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યને લગતી બંધારણીય મર્યાદાઓનું પાલન કરવું પડે છે.
ચોપાટી પર મંજૂરી ન મળતાં સંસ્થાએ પૂજા અર્ચના માટે કોઈ અન્ય વૈકલ્પિક સ્થળ ફાળવવાની પણ વિનંતી કરી હતી. પરંતુ હાઇકોર્ટે તે અંગે પણ કોઈ તાત્કાલિક આદેશ આપ્યો નથી અને મામલાની સુનાવણી દિવાળીની રજાઓ બાદ મુકરર કરી છે.

