હોમપેજગુજરાત'દરેક અપમાન એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો ન બને': હાઇકોર્ટે 16 વર્ષ જૂના...

‘દરેક અપમાન એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો ન બને’: હાઇકોર્ટે 16 વર્ષ જૂના કેસમાં આરોપીઓની દોષમુક્તિ યથાવત રાખી– શું હતો મામલો

હાઇકોર્ટે 3 નવેમ્બરના રોજ આપેલા એક ચુકાદામાં બનાસકાંઠામાં 2010માં બનેલા એક કેસમાં ત્રણ આરોપીઓની નિર્દોષ મુક્તિ સામે રાજ્ય સરકારે દાખલ કરેલી અપીલ ફગાવી દીધી હતી.

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપીને સ્પષ્ટ કર્યું કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિનું સામાન્ય અપમાન થયું હોય એટલા માત્રથી એસસી/એસટી (SC/ST) એક્ટ હેઠળ ગુનો સ્થાપિત થતો નથી અને કાયદાની સંબંધિત જોગવાઈઓ લાગુ કરવા માટે ફરિયાદીને તેની જાતિના આધારે ઇરાદાપૂર્વક અપમાનિત કરવામાં આવ્યો હોવાનું સાબિત થવું આવશ્યક છે.

હાઇકોર્ટે 3 નવેમ્બરના રોજ આપેલા એક ચુકાદામાં બનાસકાંઠામાં 2010માં બનેલા એક કેસમાં ત્રણ આરોપીઓની નિર્દોષ મુક્તિ સામે રાજ્ય સરકારે દાખલ કરેલી અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધના આરોપો શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે અને ટ્રાયલ કોર્ટે ત્રણેયને નિર્દોષ ઠેરવવાનો યોગ્ય જ નિર્ણય આપ્યો હતો.

શું હતો કેસ?

કેસ બનાસકાંઠાના દાંતાની એક પ્રાથમિક શાળાનો છે. અહીં ફરિયાદી ભીમજીભાઈ નિનામા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા.

- Advertisement -

તેમણે 16 સપ્ટેમ્બર, 2010ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ શાળામાં બાળકોને મધ્યાહન ભોજન માટે બેસાડવાની વ્યવસ્થા કરી રહ્યા હતા ત્યારે મધ્યાહન ભોજનના મેનેજર તરીકે જવાબદારી સંભાળતા અભેસિંહ વાઘેલાએ આવીને પૂછ્યું હતું કે તમામ બાળકોને કેમ જમવા બેસાડવામાં આવતાં નથી. જેના જવાબમાં પ્રિન્સિપાલે કહ્યું હતું કે જે બાળકો ઇચ્છે તેઓ જમી શકે છે. આરોપ છે કે ત્યારબાદ ઉશ્કેરાયેલા અભેસિંહે તમામ બાળકોને જમવા ન બેસાડવા મુદ્દે માથાકૂટ કરી હતી અને પ્રિન્સિપાલ નિનામાને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા.

ફરિયાદ મુજબ, ત્યારબાદ અભેસિંહ ઘરે જઈને દવાની બોટલ લઈ આવ્યા હતા અને દવા પી લેવાની ધમકીઓ આપી હતી. દરમ્યાન અભેસિંહની પત્ની અને સાળી પણ શાળામાં આવી ચડ્યાં અને પ્રિન્સિપાલ સાથે માથાકૂટ કરી હતી અને દવા તો પ્રિન્સિપાલે પીવી જોઈએ તેમ કહીને તેમની તરફ ધસી જવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન અન્ય શિક્ષકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો અને પછી આરોપીઓ ત્યાંથી ધમકી આપીને ચાલ્યા ગયા હતા.

આ મામલે પછીથી દાંતા પોલીસે આઇપીસી કલમ 332, 504, 506(2), 186 અને 114 અને એસસી/એસટી એક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

કેસમાં સપ્ટેમ્બર 2012માં પાલનપુર કોર્ટે ચુકાદો આપીને ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા હતા, જેની વિરુદ્ધ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલ પર હાલ ચુકાદો આપવામાં આવ્યો.

રાજ્ય સરકારની અપીલ પર સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની અને તપાસના દસ્તાવેજોનું પુનઃમૂલ્યાંકન કર્યું હતું.

દરમ્યાન કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષે જેમને ઘટનાના પ્રત્યક્ષદર્શી તરીકે રજૂ કર્યા હતા તેમાંથી અમુક સાક્ષીઓ આરોપીએ ખરેખર કયા શબ્દો કહ્યા હતા એ સાંભળી શક્યા ન હતા. એક સાક્ષીએ જણાવ્યું હતું કે અંતર અને ઘોંઘાટના કારણે તેઓ વાતચીત સાંભળી શક્યાં ન હતાં. અન્ય એક રમેશભાઈ નામના સાક્ષીએ પણ કહ્યું હતું કે તેઓ શબ્દો બરાબર સાંભળી શક્યા ન હતા.

ઉપરાંત દવાની બોટલ મામલે કોર્ટે ઠેરવ્યું કે તપાસ દરમ્યાન પોલીસે આવી કોઈ બોટલ જપ્ત કરી ન હતી. આરોપી ખરેખર ઘરે જઈને બોટલ લાવ્યો હતો કે કેમ તે સાબિત કરવા માટે પણ કોઈ સ્વતંત્ર પુરાવો ઉપલબ્ધ ન હતો.

આરોપીની પત્ની અને સાળી ઘટનાસ્થળે હાજર રહેવાના આક્ષેપો હતા પણ તેમણે હુમલાનો પ્રયાસ કર્યો હતો તે સાબિત કરવા માટે વિશ્વસનીય પુરાવા મળી ન શક્યા. કોર્ટે નોંધ્યું કે માત્ર ઘટનાસ્થળે હાજર રહેવાથી ગુનામાં સંડોવણી સાબિત થઈ જતી નથી.

તમામ બાબતોને ધ્યાનમાં લઈને કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ કેસને શંકાથી પર સાબિત કરી શક્યો નથી.

જાતિસૂચક અપમાન મુદ્દે કોર્ટે શું કહ્યું?

જાતિસૂચક અપમાન મુદ્દે કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના બે ચુકાદાઓનો આધાર લઈને એસસી/એસટી એક્ટની કલમો હેઠળ ગુનો સ્થાપિત કરવા માટે આવશ્યક તત્ત્વોની ચર્ચા કરી હતી.

2023નો સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ટાંકીને હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક પ્રકારનું અપમાન કે ધમકી આપમેળે એસસી/એસટી એક્ટ હેઠળ ગુનો બનતો નથી. અપમાન કે ધમકી પીડિત વ્યક્તિ અનુસૂચિત જાતિ કે જનજાતિની છે તે કારણે આપવામાં આવી હોય તો આ કાયદા હેઠળ ગુનો બને છે. ટૂંકમાં અપમાનજનક શબ્દો જાતિ આધારિત હોવા જરૂરી છે. કોઈ વ્યક્તિને કશુંક કહેવામાં આવે અને તે વ્યક્તિ એસસી/એસટી સમુદાયની હોય તેટલા માત્રથી અત્યાચાર નિવારણ કાયદાની કલમો લાગુ પડી જતી નથી.

આવો જ એક ચુકાદો 2008માં આપવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે માત્ર ફરિયાદીને તેની જાતિના નામે ગાળો આપવામાં આવી હોવાનો આક્ષેપ પૂરતો નથી અને આરોપીએ ફરિયાદીને જાતિના કારણે ઇરાદાપૂર્વક અપમાનિત કર્યા હોય કે ધમકી આપી હોય અને ઘટના જાહેરમાં બની હોય તો કાયદાના આવશ્યક તત્ત્વો સ્થાપિત થાય છે.

આ કેસોને ટાંકીને હાઇકોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ ફરિયાદ છે કે તેમણે ફરિયાદી પ્રિન્સિપાલને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનિત કર્યા હતા પરંતુ તપાસ કે સાક્ષીઓની જુબાનીમાં કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો એ સ્થાપિત થઈ શક્યું ન હતું. ઉપરાંત સાક્ષીઓએ પણ ચોક્કસ શબ્દો સાંભળ્યા ન હતા કે અન્ય સાક્ષીઓ કથિત જાતિસૂચક શબ્દો અંગે એકસરખી વિગતો આપી શક્યા ન હતા.

કોર્ટે કહ્યું કે માત્ર ફરિયાદી આદિવાસી સમુદાયના છે અને તેમની સાથે બોલાચાલી થઈ હતી એટલા આધારે આરોપીઓ સામે અત્યાચાર નિવારણ કાયદાની જોગવાઈ હેઠળ ગુનો સ્થાપિત ન થઈ શકે.

આખરે કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે ફોજદારી ન્યાયવ્યવસ્થામાં માત્ર શંકાના આધારે કોઈને પણ દોષિત ન ઠેરવી શકાય અને પુરાવામાંથી ઊભી થતી દરેક વાજબી શંકાનો લાભ આરોપીને આપવામાં આવે છે. સાથે કહ્યું કે ટ્રાયલ કોર્ટે ઉપલબ્ધ પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરીને આરોપીઓને શંકાનો લાભ આપ્યો હતો. ટ્રાયલ કોર્ટનો નિર્ણય કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે જેથી હાઇકોર્ટ તેમાં દખલ કરવું યોગ્ય માનતી નથી.

આખરે કોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો હતો. રાજ્ય સરકાર જો સુપ્રીમ કોર્ટ ન જાય તો 16 વર્ષના કેસનો અહીં અંત આવ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં