હોમપેજએક્સપ્લેઇનર12 મહિના, એક પણ ઑપરેશનલ ડેથ નહીં: CRPFએ 47 વર્ષ બાદ બનાવ્યો...

12 મહિના, એક પણ ઑપરેશનલ ડેથ નહીં: CRPFએ 47 વર્ષ બાદ બનાવ્યો રેકોર્ડ, તેની પાછળ જવાબદાર છે આ કારણો

આ સિદ્ધિ દર્શાવે છે કે માત્ર દુશ્મનને હરાવવો જ નહીં, પરંતુ ઑપરેશન પૂરું કરીને આપણા દરેક વીર જવાનને સુરક્ષિત પાછા લાવવા એ જ સાચી સફળતા છે.

- Advertisement -

એક સમય હતો જ્યારે છાશવારે થતા નક્સલીઓના અને આતંકવાદીઓના હુમલામાં દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દળોમાંના એક સીઆરપીએફના જવાનોના જીવ જતા હતા. પાછલાં વર્ષોમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો અને ઉત્તર-પૂર્વ-કાશ્મીર વગેરે ઠેકાણે થયેલા હુમલાઓ અને ઑપરેશનોમાં સીઆરપીએફ જવાનો વીરગતિ પામ્યા છે. પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે એક વર્ષમાં સીઆરપીએફના એક પણ જવાને ઑપરેશન દરમ્યાન જીવ ગુમાવ્યો નથી.

2 નવેમ્બરએ CRPFના ડિરેક્ટર જનરલ (DG) જી.પી. સિંઘે આ અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર છેલ્લે 30 ઑક્ટોબર, 2025ના રોજ એક ઑપરેશન દરમિયાન CRPFનો એક જવાન બલિદન થયો હતો. ત્યારબાદ 30 ઑક્ટોબર, 2026 સુધી એક પણ ઑપરેશનલ ફેટાલિટી નોંધાઈ નથી. નોંધનીય છે કે CRPFના ઇતિહાસમાં 47 વર્ષમાં પહેલી વાર આવો સમય આવ્યો છે. આ પહેલાં જાન્યુઆરી 1979માં આવી ઘટના બની હતી.

આ સિદ્ધિ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે CRPFના જવાનો હજુ પણ નક્સલવાદ પ્રભાવિત વિસ્તારો, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર ફરજ બજાવી રહ્યા છે. હાલ પણ અનેક હાઈરિસ્ક ઑપરેશનો થાય છે, જવાનો સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફરજ પર તહેનાત રહે છે, પરંતુ તેમ છતાં એક પણ ઑપરેશનલ ડેથ નોંધાઈ નથી.

- Advertisement -

પ્રશ્ન થાય કે આખરે એવું શું બદલાયું કે આવા સતત જોખમો વચ્ચે કામ કરતા જવાનો હવે વધુ સુરક્ષિત રીતે ઑપરેશન પાર પાડી રહ્યા છે. તેની પાછળ સુરક્ષા નીતિથી લઈને ટેક્નોલોજી અને મેડિકલ વ્યવસ્થા સુધીના અનેક ફેરફારો જવાબદાર છે.

CRPF શું છે અને તેના માટે આ સિદ્ધિ કેમ મહત્વપૂર્ણ છે?

CRPF એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતું એક અર્ધલશ્કરી દળ છે. તેની સ્થાપના 1939માં બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. તે સમયે દળને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ્સ પોલીસ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ સ્વતંત્રતા બાદ 1949માં તેનું નામ બદલીને CRPF કરી દેવામાં આવ્યું. આજે આ ફોર્સમાં આશરે 3.25 લાખ જવાનો છે.

દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં આ દળની મોટી ભૂમિકા છે. નક્સલવાદીઓ સામેનાં ઑપરેશન, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી, પૂર્વોત્તરનાં રાજ્યોમાં બળવાખોરીનો સામનો, ચૂંટણી દરમિયાન સુરક્ષા અને રમખાણો જેવી પરિસ્થિતિઓમાં CRPFના જવાનો જ તહેનાત હોય છે. CRPFના સત્તાવાર અહેવાલો અનુસાર, અત્યાર સુધી દળના 2,268થી વધુ જવાનો અને અધિકારીઓ ઑપરેશનલ ફરજ દરમિયાન બલિદાન થયા છે.  

અહેવાલ અનુસાર 2010નું વર્ષ CRPF માટે અત્યંત મુશ્કેલ રહ્યું હતું. આંકડાઓ મુજબ 2010માં 143 જવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત છત્તીસગઢના દંતેવાડામાં માઓવાદીઓએ કરેલા એક મોટા હુમલામાં 75 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. આ આંકડાઓ જોતાં સતત એક વર્ષ સુધી ઑપરેશનમાં એક પણ જવાનનું મૃત્યુ ન થવું એ દળ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, અને આ સિદ્ધિ પાછળ ઘણાં પરિબળો, ફેરફારો અને સુધારાઓ જવાબદાર છે.

નક્સલવાદ સામેની લડાઈમાં ભારતે વ્યૂહરચના બદલી

નક્સલવાદ સામેની લડાઈમાં ભારતે પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. CRPF જવાનોની સુરક્ષામાં આ પણ એક કારણ છે. અગાઉ ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોમાં છુપાયેલા માઓવાદીઓ રસ્તાઓ પર IED વિસ્ફોટકો ગોઠવીને અચાનક હુમલા કરતા જેની સુરક્ષા દળોને જાણ પણ નહોતી થતી.

જવાનોના આ સ્થિતિથી બચાવવા માટે કેન્દ્ર સરકારે 2015માં ‘નેશનલ પોલિસી એન્ડ એક્શન પ્લાન’ અમલમાં મૂક્યો. આ યોજના હેઠળ માત્ર દળો મોકલવાને બદલે ગુપ્તચર માહિતી મજબૂત કરવા, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળો વચ્ચે સંકલન વધારવા અને ચોક્કસ આયોજન સાથે ઑપરેશન કરવા પર ભાર મૂકવામાં આવ્યો.

હાલમાં નક્સલવાદ સામેની લડાઈમાં હવે ગુપ્તચર માહિતીનું નેટવર્ક અત્યંત મજબૂત બન્યું છે. અગાઉ નક્સલવાદીઓ ક્યાં છુપાયેલા છે અને ક્યારે હુમલો કરવાના છે તેની ચોક્કસ માહિતી મેળવવી મુશ્કેલ હતી, પરંતુ હવે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ વધવાથી જવાનો અજાણ્યા વિસ્તારોમાં અચાનક મુશ્કેલીમાં મુકાવાનું જોખમ ઘણું ઘટી ગયું છે.

આ અભિયાનમાં સ્થાનિક પોલીસ અને DRGની (ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ) ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. DRGમાં સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને જંગલના રસ્તાઓથી સારી રીતે માહિતગાર સ્થાનિક જવાનો હોવાથી તેઓ CRPFની સાથે મળીને નક્સલવાદીઓની હલનચલન સમજવામાં અને સુરક્ષિત રીતે આગળ વધવામાં સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

આ ઉપરાંત, સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કેમ્પોની સંખ્યામાં પણ મોટો વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2014 પછી સેંકડો નવા કેમ્પ સ્થાપવામાં આવ્યા છે, જેના કારણે ફોર્સના જવાનોને વારંવાર મુસાફરી નથી કરવી પડતી અને તેઓ જે-તે વિસ્તારમાં જ લાંબા સમય સુધી હાજર રહી શકે છે.

ડ્રોન અને આધુનિક ટેક્નોલોજીથી ઑપરેશનની પદ્ધતિ બદલાઈ

આ સિવાય અગાઉ સુરક્ષા દળોએ ગાઢ જંગલોમાં જાતે જઈને સ્થિતિ તપાસવી પડતી હતી, જેના કારણે નક્સલવાદીઓના હુમલાનું જોખમ ઘણું વધારે રહેતું હતું. આ જોખમને ઘટાડવા માટે હવે સેના અને સુરક્ષાબળો ડ્રોન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ડ્રોન અને UAVની (અનમેન્ડ એરિયલ વ્હીકલ) મદદથી જંગલના દુર્ગમ વિસ્તારો પર ઉપરથી નજર રાખવામાં આવે છે. આ હાઇટેક થર્મલ ઇમેજર અને નાઇટ વિઝન કેમેરાથી રાતના અંધારામાં કે ઓછી લાઇટ હોય તો પણ ગરમીના આધારે શંકાસ્પદ હલનચલન સરળતાથી પકડી શકાય છે.

ગૃહ મંત્રાલયે 4 ઑગસ્ટ, 2026ના રોજ સંસદમાં આપેલી માહિતી મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં CAPFને ડ્રોન, નાઇટ વિઝન ગોગલ્સ, આધુનિક હથિયારો અને સુરક્ષિત સંચાર સાધનો પૂરા પાડવામાં આવ્યાં છે. આ આધુનિક સાધનોને કારણે ઑપરેશન અગાઉ માહિતી મેળવવી અને જવાનો વચ્ચે પરસ્પર સંકલન જાળવવું ખૂબ જ સરળ બન્યું છે.

બુલેટપ્રૂફ જેકેટ, આધુનિક હથિયારોથી લઈને અન્ય સુવિધાઓ સુધી

આ ઉપરાંત પહેલાં નક્સલવાદીઓના હુમલા અને સામસામેના ગોળીબારમાં જવાનોને ભારે જોખમ રહેતું હતું, પરંતુ સમય સાથે સુરક્ષા સાધનોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે જવાનોને આધુનિક બુલેટ રેઝિસ્ટન્ટ જેકેટ, બેલિસ્ટિક હેલ્મેટ, અત્યાધુનિક એસોલ્ટ રાઇફલ અને સુરક્ષિત વાહનો પૂરાં પાડવામાં આવે છે, જેથી જીવનું જોખમ ઘણું ઘટી ગયું છે.

જોકે બુલેટપ્રૂફ જેકેટ અમુક પ્રકારની ગોળીઓ સામે જ રક્ષણ આપે છે, જ્યારે લેન્ડમાઇન કે IED જેવા મોટા વિસ્ફોટો સામે વિશેષ વાહનો અને સાધનોની જરૂર પડે છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે.

ગૃહ મંત્રાલયની ‘મોર્ડનાઇઝેશન પ્લાન-IV’ યોજના હેઠળ CRPF અને અન્ય દળોને અત્યાધુનિક હથિયારો અને સર્વેલન્સ સિસ્ટમ આપવા માટે 2025-26માં અંદાજે ₹140.17 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પરિણામે આજે આપણા જવાનો પાસે દુશ્મનના હુમલાથી બચવા અને જોખમને અગાઉથી જ ઓળખી લેવા માટેનાં ઉત્તમ સાધનો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અગાઉ નક્સલવાદીઓ એવા વિસ્તારોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા જ્યાં રસ્તાઓ કે મોબાઈલ કનેક્ટિવિટી નહોતી, જેના કારણે સુરક્ષા દળોને સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડતી હતી. હવે સરકારે આ જ દુર્ગમ વિસ્તારોમાં વિકાસની કાયાપલટ કરી દીધી છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે.

ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, આ વિસ્તારોમાં અત્યાર સુધીમાં આશરે 9,983 કિલોમીટર ગ્રામીણ રસ્તાઓ, 2,304 કિલોમીટર રાજ્ય ધોરીમાર્ગો અને 9,561 ટેલિકોમ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાઓના કારણે હવે જવાનોની અવરજવર અત્યંત ઝડપી બની છે, સંચાર વ્યવસ્થા મજબૂત થઈ છે અને જરૂર પડ્યે તાત્કાલિક મદદ પહોંચાડવાની ક્ષમતા અને તાકાત પણ અનેકગણી વધી ગઈ છે.

CoBRA બટાલિયન

નક્સલવાદ સામેની લડાઈમાં CRPFની વિશેષ ‘CoBRA’ બટાલિયનની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. CoBRA એટલે કે ‘કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન‘ (Commando Battalion for Resolute Action). આ સ્પેશિયલ કમાન્ડો ફોર્સની વિશેષતા છે કે તે ગાઢ જંગલોમાં ગુરિલ્લા યુદ્ધ પદ્ધતિથી દુશ્મનોને માત આપી શકે છે. વર્ષ 2008થી 2011ની વચ્ચે માઓવાદીઓ સામે લડવા માટે આ ફોર્સની રચના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય સુરક્ષા દળો કરતા આ જવાનોની તાલીમ બિલકુલ અલગ હોય છે. CRPFના ‘કોબ્રા સ્કૂલ ઓફ જંગલ વોરફેર એન્ડ ટેક્ટિક્સ’ ખાતે જવાનોને દુર્ગમ જંગલોમાં લાંબા સમય સુધી રહેવાની તાલીમ આપવામાં આવે છે. આ સિવાય દુશ્મનની નજરથી કેવી રીતે બચવું તે પણ શીખવવામાં આવે છે. વધુમાં પ્રિ-ઇન્ડક્શન અને એડવાન્સ કોમ્બેટ જેવી જોખમી તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળે.

CRPFના 31 ઑગસ્ટ, 2026 સુધીના આંકડા મુજબ, CoBRA કમાન્ડોએ અત્યાર સુધીમાં 40,000થી વધુ સફળ ઑપરેશન પાર પાડ્યાં છે. આ દરમિયાન અનેક નક્સલવાદીઓ ઝડપાયા છે અને અનેકે આત્મસમર્પણ કર્યું છે. જોકે આ દરમિયાન લગભગ 78 વીર જવાનોએ પોતાનું બલિદાન પણ આપ્યું છે. આ વિશેષ બટાલિયન આજે નક્સલવાદ વિરોધી અભિયાનની તાકાત બની ગઈ છે.

ઑપરેશન પહેલાંનું આયોજન

સાથે જ જવાનોની સુરક્ષા વધારવા માટે ઑપરેશન કરવાની પદ્ધતિમાં પણ મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ, CRPFના અધિકારીએ જણાવ્યા મુજબ હવે સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોની સામાન્ય અવરજવરને પણ ગંભીરતાથી લઈને ઑપરેશનલ મૂવમેન્ટની જેમ જ જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

આ યોજના હેઠળ હવે કોઈપણ ઑપરેશન માટે જેટલા જવાનોની જરૂર હોય તેના કરતાં આશરે દોઢ ગણા જવાનોને મેદાનમાં ઉતારવામાં આવે છે. આ ખાસ પદ્ધતિનો મુખ્ય હેતુ એ છે કે જો ઑપરેશન દરમિયાન અચાનક કોઈ એક ટુકડી મુશ્કેલીમાં ફસાય તો બીજી વધારાની ટુકડી તાત્કાલિક મદદે પહોંચી શકે.

આ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ ગયા વર્ષે છત્તીસગઢના કરેગુટ્ટાલુ પહાડ પર થયેલું ‘ઑપરેશન બ્લેક ફોરેસ્ટ’ છે. આ સફળ ઑપરેશનમાં ફોર્સે 21 ખતરનાક નક્સલવાદીઓ ખાત્મો બોલાવ્યો હતો, છતાં સુરક્ષા દળોની ચોક્કસ રણનીતિને કારણે CRPFના એક પણ જવાનને આંચ સુદ્ધાં નહોતી આવી.

ઘાયલ જવાનોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા

CRPFના આ નવા રેકોર્ડ પાછળ એક એવું મહત્વપૂર્ણ કારણ પણ છે જેની ઘણીવાર ઓછી ચર્ચા થાય છે, અને તે છે ઘાયલ જવાનોને સમયસર અને ઉત્તમ સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા. ઑપરેશન દરમિયાન જો કોઈ જવાન ગોળીબાર કે વિસ્ફોટમાં ઘાયલ થાય, તો તેને હોસ્પિટલ પહોંચાડવામાં લાગતાં સમય પર જવાનનું જીવન ટકેલું હોય છે.

ખાસ કરીને બસ્તર જેવા ગાઢ જંગલો અને ખરાબ રસ્તાઓવાળા વિસ્તારોમાં એમ્બ્યુલન્સ કે વાહનોથી ઘાયલ જવાનને બહાર લાવવો અત્યંત મુશ્કેલ હોય છે. આ ગંભીર સમસ્યાને ઉકેલવા માટે હવે હેલિકોપ્ટર અને એર એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવે છે, જેથી ઘાયલ જવાનને તાત્કાલિક ધોરણે નજીકની મેડિકલ સુવિધા અને બાદમાં મોટી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.

અહેવાલ મુજબ CRPFના આંતરિક વિશ્લેષણમાં સામે આવ્યું છે કે અગાઉ ઑપરેશન વખતે થતાં કુલ મૃત્યુમાંથી 75 થી 80 ટકા મૃત્યુ ઈજા થયાના થોડા દિવસો બાદ થતાં હતાં. એટલે કે હુમલામાં ગંભીર ઈજા થયા પછી સમયસર સારવાર ન મળવાથી પણ જીવ જતો હતો. પરંતુ હવે ઝડપી મેડિકલ સુવિધાની વ્યવસ્થા અનેક જવાનોના પ્રાણ બચાવી રહી છે.

નક્સલવાદ સામેની લડાઈમાં CRPFની સુરક્ષા સુધરવાનું બીજું મોટું કારણ નક્સલવાદી સંગઠનોની ઘટતી તાકાત અને સરકારી વિકાસકાર્યો છે. અગાઉ 126 જિલ્લાઓ નક્સલવાદથી પ્રભાવિત હતા. પરંતુ ગૃહ પ્રધાન અમિત શાહે મૂકેલા માર્ચ 2026ના ટાર્ગેટ પર સુરક્ષાબળો અને સરકારે એવું અસરકારક કામ કર્યું અને લાલ આતંક હવે નાબૂદ થવા તરફ છે. હવે સંપૂર્ણ નક્સલ પ્રભાવિત જિલ્લો એક પણ રહ્યો નથી. 37 જિલ્લાઓને દેખરેખ હેઠળ હજુ રાખવામાં આવ્યા છે.

અંતે, CRPFનો આ 47 વર્ષનો ઐતિહાસિક રેકોર્ડ એ વાત સાબિત કરે છે કે બદલાયેલી વ્યૂહરચના, ડ્રોન અને આધુનિક હથિયારો જેવા ટેક્નોલોજીકી સાધનો, સચોટ ઑપરેશન આયોજન અને ઘાયલ જવાનો માટે એર એમ્બ્યુલન્સ જેવી ઝડપી મેડિકલ સુવિધાઓએ જવાનોની સુરક્ષામાં મોટો બદલાવ કર્યો છે. આ સિદ્ધિ દર્શાવે છે કે માત્ર દુશ્મનને હરાવવો જ નહીં, પરંતુ ઑપરેશન પૂરું કરીને આપણા દરેક વીર જવાનને સુરક્ષિત પાછા લાવવા એ જ સાચી સફળતા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં