કર્ણાટક હાઇકોર્ટે બેંગલુરુના ઐતિહાસિક ગલી આંજનેય સ્વામી મંદિરના વહીવટ અંગે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે મંદિરનું સંચાલન સરકાર હસ્તક લેવાનો આદેશ રદ કરી દીધો છે. જસ્ટિસ સી.એમ. પૂણાચ્ચાની બેન્ચે સ્પષ્ટ સૂચના આપી છે કે સરકારી વહીવટદારે એક અઠવાડિયાની અંદર મંદિરનો તમામ વહીવટ અને સંચાલન તેના ટ્રસ્ટને પરત સોંપી દેવું.
સરકારે મંદિરના નાણાં અને મિલકતોમાં ગેરવહીવટનો આરોપ મૂકીને આ કાર્યવાહી કરી હતી. પરંતુ કાયદાકીય નિયમ મુજબ આવી નોટિસ આપવાની સત્તા માત્ર ‘કમિશનર’ પાસે હોય છે, જ્યારે આ કેસમાં નોટિસ ‘આસિસ્ટન્ટ કમિશનરે’ આપી હતી. આ કાયદાકીય ખામીના કારણે કોર્ટે સરકારનો આદેશ રદ કર્યો છે. જોકે, કોર્ટે સરકારને છૂટ આપી છે કે જો તેઓ ઈચ્છે તો નિયમ મુજબ યોગ્ય અધિકારી મારફતે નવેસરથી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
શું છે આખો કેસ?
બેંગલુરુના મૈસુર રોડ પર આવેલા બ્યાતરાયણપુરા વિસ્તારમાં પ્રસિદ્ધ ગલી આંજનેય સ્વામી મંદિર આવેલું છે. ભગવાન હનુમાનજીને સમર્પિત આ મંદિર સ્થાનિક ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરનું સંચાલન અને દેખરેખ ‘શ્રી ગલી આંજનેય સ્વામી મંદિર ટ્રસ્ટ’ નામક ખાનગી ટ્રસ્ટ કરતું હતું.
મંદિરની આવક અને મિલકતોના સંચાલનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદોના નામે કર્ણાટક સરકારે કાર્યવાહી કરી દીધી હતી. સરકારે 8 જુલાઈ, 2025ના રોજ આ મંદિરનો વહીવટ રાજ્યના ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગ હસ્તક લેવાનો આદેશ કર્યો હતો અને મંદિરના સંચાલન માટે સરકારી વહીવટદાર મૂકી દીધા હતા.
સરકારે એવો દાવો કર્યો હતો કે ભક્તો તરફથી આવતા લાખો રૂપિયાના દાન છતાં ચોપડે પૂરતી બચત દર્શાવવામાં આવતી નથી. આ ઉપરાંત, આવક-ખર્ચના રેકોર્ડમાં અનિયમિતતા અને ટ્રસ્ટના સભ્યો વચ્ચેના કથિત આંતરિક મતભેદોને આગળ ધરવામાં આવ્યા છે.
આટલું જ નહીં, મંદિરની દાનપેટીમાંથી મળતી રકમની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપો પણ લાગ્યા હતા. ઑક્ટોબર 2024માં આ જ આરોપોના આધારે ઉતાવળે તપાસનો આદેશ આપીને ટ્રસ્ટને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. આ તમામ બાબતોને આગળ ધરીને સરકારે મંદિરનો વહીવટ પોતાના હાથમાં લીધો હતો.
સરકારના આ નિર્ણય સામે મંદિરના ટ્રસ્ટ અને તેના હોદ્દેદારોએ કર્ણાટક હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેમની મુખ્ય દલીલ એ હતી કે સરકારે મંદિરનો કબજો લેતી વખતે કાયદા મુજબની નક્કી કરેલી યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી અને કાયદાકીય ભૂલ કરીને આદેશ જાહેર કર્યો છે.
હાઇકોર્ટે ટ્રસ્ટની દલીલ સ્વીકારીને કાનૂની ભૂલના આધારે સરકારનો આદેશ રદ કર્યો છે અને વહીવટ ટ્રસ્ટને પરત સોંપવા કહ્યું છે. જોકે, કોર્ટે આ કેસમાં કથિત ગેરરીતિ કે નાણાકીય દુરુપયોગના આરોપો સાચા છે કે ખોટા તે અંગે કોઈ આખરી નિર્ણય આપ્યો નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાની ખામીને કારણે સરકારી આદેશ રદ કર્યો છે.
હાઇકોર્ટે સરકારનો આદેશ કેમ રદ કર્યો?
આ કેસમાં મુખ્ય મુદ્દો કાયદાકીય પ્રક્રિયાના પાલનનો હતો. કર્ણાટક ધાર્મિક સંસ્થા અધિનિયમ મુજબ, જો કોઈ મંદિરમાં ગેરવહીવટનો આક્ષેપ હોય અને સરકાર તેને પોતાના હાથમાં લેવા માંગતી હોય તો તેની કારણદર્શક નોટિસ આપવાની અને કાર્યવાહી શરૂ કરવાની અધિકૃત સત્તા માત્ર ‘કમિશનર’ પાસે હોય છે.
આ કેસમાં કાયદા મુજબના ‘કમિશનર’ના બદલે ‘આસિસ્ટન્ટ કમિશનરે’ ટ્રસ્ટને નોટિસ પાઠવી હતી. હાઇકોર્ટે નોંધ્યું કે જેને કાયદાકીય રીતે સત્તા જ નહોતી તેવા અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેથી આખી કાર્યવાહી શરૂઆતમાં જ ગેરકાયદે બની ગઈ હતી. આ જ કાનૂની ખામીના કારણે સરકારે બહાર પાડેલો આદેશ કોર્ટમાં ટકી શક્યો નહીં.
નિયમ કહે છે કે કમિશનરે યોગ્ય કારણો દર્શાવીને નોટિસ આપવી પડે અને ટ્રસ્ટને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવી પડે. ગલી આંજનેય સ્વામી મંદિરના કેસમાં યોગ્ય અધિકારી દ્વારા કાયદેસરની પ્રક્રિયા અનુસરવામાં આવી ન હોવાથી કોર્ટે સરકારના આદેશને ફગાવી દીધો હતો.
મંદિરનો વહીવટ એક અઠવાડિયામાં ટ્રસ્ટને સોંપવાનો આદેશ
સરકારનો આદેશ રદ થતાં જ સરકારી વહીવટદારનો હોદ્દો અને સત્તા બંને સમાપ્ત થઈ ગયા હતા. આથી હાઇકોર્ટે ચુકાદાની નકલ મળ્યાના એક અઠવાડિયાની અંદર મંદિરનો તમામ વહીવટ, હિસાબ અને સંચાલન મૂળ ટ્રસ્ટને પાછું સોંપી દેવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે.
હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી સુધારણા પગલાં
હાઇકોર્ટના આદેશ બાદ મંદિરના વહીવટને વધુ પારદર્શક બનાવવા માટે ટ્રસ્ટ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યું છે. દાનપેટીમાં આવતાં નાણાંની ગણતરી પર ચુસ્ત નજર રાખવા માટે વધુ CCTV કેમેરા લગાવવાની યોજના છે. આ ઉપરાંત, ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની વિગતો જાહેર કરવાની તેમજ આવક-ખર્ચના હિસાબો સ્પષ્ટ રાખવાની પણ વાત કરવામાં આવી છે.
મંદિરના વિકાસ અને વહીવટી કાર્યો માટે દર બે-ત્રણ મહિને ટ્રસ્ટની બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી કામકાજમાં પારદર્શિતા જળવાઈ રહે. સાથે જ, વર્ષમાં ઓછામાં ઓછી એક વાર મંદિરની આવક અંગે જાહેરમાં ચર્ચા કરવાના પગલાં પણ લેવાયા છે, જેથી ભક્તોમાં વિશ્વાસ વધે અને નાણાકીય બાબતોમાં કોઈ શંકા ન રહે.


