બેલેટ પેપરથી ચૂંટણી થઈ તોપણ કોંગ્રેસના સુપડાં સાફ, 4 રાજ્યોની 28 MLC બેઠકોમાંથી એક પણ ન જીતી શકી પાર્ટી

હાલમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં વિધાન પરિષદની (MLC) કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચાર રાજ્યોમાં યોજાયેલી આ ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે, જે પક્ષ માટે મોટો આંચકો છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓથી આ ચૂંટણી થોડી અલગ હોય છે. તેમાં સામાન્ય જનતાને બદલે શિક્ષકો અને સ્નાતકો (ગ્રેજ્યુએટ્સ) પોતાના ખાસ પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાન કરે છે. આ ચૂંટણીમાં EVM મશીનને બદલે જૂની પદ્ધતિ મુજબ ‘બેલેટ પેપર’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર છતાં હાર

કોંગ્રેસને સૌથી મોટો ઝટકો કર્ણાટકમાં લાગ્યો છે, જ્યાં વર્ષ 2023થી કોંગ્રેસની જ સરકાર છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના નેતૃત્વમાં પાર્ટીએ પોતાની સ્થિતિ મજબૂત કરવા પૂરો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં રાજ્યની ચારેય બેઠકો પર ભાજપ અને જેડીએસના (JD(S)) ગઠબંધને વિજય મેળવ્યો છે.

આ ઉપરાંત કર્ણાટકની બેંગલુરુ બેઠક પર કોંગ્રેસના વર્તમાન MLC પુટ્ટન્ના ચૂંટણી હારી ગયા છે. તેમને જેડીએસના ઉમેદવાર એ.પી. રંગનાથે 908 મતોના માર્જિનથી હરાવ્યા છે. અગાઉ આ નેતા જેડીએસમાં હતા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ આ વખતે તેઓ પોતાની બેઠક બચાવી શક્યા નહીં.

ભાજપનું મજબૂત પ્રદર્શન

બેંગલુરુ ઉપરાંત કર્ણાટકની અન્ય ત્રણ બેઠકો—ઉત્તર-પૂર્વ શિક્ષક બેઠક, દક્ષિણ-પૂર્વ સ્નાતક બેઠક અને પશ્ચિમ સ્નાતક બેઠક પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. ભાજપે પોતાની અગાઉની ત્રણેય બેઠકો જાળવી રાખી છે, જે દર્શાવે છે કે ભાજપ અને જેડીએસનું ગઠબંધન આ બેઠકો પર ખૂબ અસરકારક રહ્યું.

માત્ર કર્ણાટક જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં યોજાયેલી MLC ચૂંટણીમાં પણ કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. આ તમામ રાજ્યોમાં અલગ-અલગ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળ્યો હતો, પરંતુ ક્યાંય પણ કોંગ્રેસ સફળ થઈ શકી નહીં.

નોંધનીય છે કે વિપક્ષી દળો ઘણા વર્ષોથી EVMની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવતા રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ જ્યારે પણ હારે ત્યારે દોષનો ટોપલો EVM પર ઢોળી દેતી હતી. પણ હવે બેલેટ પેપરથી થયેલી આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થતાં ભાજપના નેતાઓએ કટાક્ષ કર્યો છે કે બેલેટ પેપરના પરિણામો કોંગ્રેસના દાવાઓની પોલ ખોલે છે.