મંદિરમાં જવું એટલે માત્ર કોઈ ઐતિહાસિક ઇમારતની મુલાકાત લેવી કે પ્રવાસન સ્થળની જેમ ત્યાંની કલાકૃતિઓ નિહાળવી એટલું જ છે? કે પછી મંદિર એક એવું ઉપાસનાસ્થળ છે, જ્યાં પ્રવેશથી લઈને પૂજા સુધીની દરેક વ્યવસ્થા પાછળ ચોક્કસ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ રહેલી છે? તમિલનાડુમાં આગમિક મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશને લઈને મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ પહોંચેલા એક કેસમાં આ પ્રશ્ન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. 23 ઑક્ટોબર 2026ના રોજ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે સ્પષ્ટ કર્યું કે સંબંધિત દેવતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત ન કરનારા અને અન્ય પંથનાં ચિહ્નો ધારણ કરનારા બિનહિંદુઓને આગમિક મંદિરોના પરિસરમાં પ્રવેશવા દેવામાં આવી શકે નહીં. કોર્ટે આ માટે મંદિર સંસ્થા દ્વારા નિર્ધારિત ફોર્મેટમાં શ્રદ્ધાની પુષ્ટિ કરવાની શરત પણ મૂકી છે. ઑપઇન્ડિયા પાસે ચુકાદાની નકલ ઉપલબ્ધ છે.
જસ્ટિસ જી. આર. સ્વામિનાથન અને જસ્ટિસ પી. મુરુગનની બેન્ચે થંગમ વેંકટેશ વિરુદ્ધ તમિલનાડુ સરકારના કેસમાં આ આદેશ આપ્યો હતો. જોકે, આ ચુકાદાને સમજવા માટે માત્ર તેનો અંતિમ નિર્દેશ વાંચવો પૂરતો નથી. તેની પાછળ મંદિરપ્રવેશ સંબંધિત જૂના કાયદા, અગાઉના ન્યાયિક ચુકાદાઓ, આગમ શાસ્ત્રોમાં દર્શાવેલી પરંપરાઓ અને તાજેતરમાં રાજકીય નેતાઓના મંદિરપ્રવેશને લઈને ઊભા થયેલા વિવાદોનો સંદર્ભ પણ છે. સૌથી મહત્વની વાત એ છે કે કોર્ટે પોતાના ચુકાદાનો વ્યાપ આગમિક મંદિરો સુધી મર્યાદિત રાખ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ વિવાદની પૃષ્ઠભૂમિમાં તાજેતરમાં TVKના મુસ્લિમ ધારાસભ્ય બદરુદ્દીન મુસ્તફાનો મીનાક્ષી મંદિરમાં પ્રવેશ અને ગોપુરમ પર ચઢવાની ઘટના પણ છે. મુસ્તફાએ મંદિરની સુવિધાઓનું નિરીક્ષણ કરવાના નામે આ પગલું ભર્યું હોવાનો બચાવ કર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં મંદિરની ધાર્મિક પરંપરાઓ અને પ્રવેશના નિયમોના પાલન અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટના બાદ જ અરજદારે 17 ઑક્ટોબર 2026ના રોજ કરેલી ફરિયાદના આધારે મંદિરપ્રવેશ સંબંધિત કાયદાઓનો અમલ કરાવવાની માગ કરી હતી.
મદુરાઈના રહેવાસી થંગમ વેંકટેશે તમિલનાડુ સરકાર અને હિંદુ ધાર્મિક તથા ધર્માદા વિભાગના અધિકારીઓ વિરુદ્ધ રિટ પિટિશન દાખલ કરી હતી. તેમણે 17 ઑક્ટોબર 2026ના રોજ કરેલી ફરિયાદના આધારે તપાસ કરવાની માગ કરી હતી. તેમની અરજીનો મુખ્ય મુદ્દો તમિલનાડુ ટેમ્પલ એન્ટ્રી ઑથોરાઇઝેશન ઍક્ટ, 1947 અને તમિલનાડુ હિંદુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ઍક્ટ, 1959ની જોગવાઈઓના અમલનો હતો. અરજદાર ઇચ્છતા હતા કે મંદિરના પ્રતિબંધિત વિસ્તારો, ગર્ભગૃહ અને મંડપોમાં પ્રવેશને લગતા નિયમોનો કડક અમલ થાય. અન્ય પંથનાં ચિહ્નો ધારણ કરનારા અને હિંદુ ધર્મમાં આસ્થા ન ધરાવતા લોકો મંદિરના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની પણ માગ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ પી. વી. બાલસુબ્રમણ્યમે રજૂઆત કરી હતી કે સંબંધિત કાયદા અને નિયમોમાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે અને આગળ પણ કરવામાં આવશે. જોકે, બેન્ચે માત્ર સરકારની આ ખાતરીના આધારે મામલો પૂરો કર્યો નહીં. ન્યાયાધીશોએ કહ્યું કે આ મુદ્દે અગાઉ પણ ચુકાદાઓ આપવામાં આવ્યા હોવા છતાં તાજેતરની કેટલીક ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ અને અધિકૃત ચુકાદો આપવો જરૂરી છે.
આગમિક મંદિર એટલે શું?
ચુકાદાની ચર્ચા કરતા પહેલાં ‘આગમિક મંદિર’નો અર્થ સમજવો જરૂરી છે. હિંદુ ધર્મમાં આગમ શાસ્ત્રો મંદિરની રચના, મૂર્તિની સ્થાપના, પ્રાણપ્રતિષ્ઠા, દૈનિક પૂજા, ધાર્મિક વિધિઓ અને ઉત્સવો જેવી બાબતો માટે માર્ગદર્શન આપે છે. શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાઓમાં વિવિધ આગમ ગ્રંથોનું વિશેષ મહત્વ છે. જે મંદિરોમાં સ્થાપિત ધાર્મિક પરંપરાઓ અને પૂજાવિધિઓ આગમ શાસ્ત્રો અનુસાર ચાલે છે, તેમને સામાન્ય રીતે આગમિક મંદિરો કહેવામાં આવે છે.
અહીં એક બાબત સમજવા જેવી છે કે હાઇકોર્ટે દરેક હિંદુ મંદિર માટે એકસરખો નિયમ જાહેર કર્યો નથી. ચુકાદાના 11મા ફકરામાં બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે તેનો વ્યાપ આગમિક મંદિરો પૂરતો મર્યાદિત છે. ન્યાયાધીશોએ ભગવાન અય્યપ્પાના એવા ભક્તોનો ઉલ્લેખ કર્યો છે, જેઓ વિવિધ પરંપરાઓમાંથી આવે છે. આ ઉદાહરણો આપીને કોર્ટે પોતાના ચુકાદાની મર્યાદા સ્પષ્ટ કરી હતી.
1972ના ચુકાદાથી શરૂ થતી કાનૂની દલીલ
મદ્રાસ હાઇકોર્ટની બેન્ચે આ મુદ્દે 1972માં આપવામાં આવેલા કલ્યાણ દાસ વિરુદ્ધ તમિલનાડુ સરકારના ચુકાદાનો આધાર લીધો હતો. તે સમયે મંદિર પ્રવેશના નિયમોમાં કરવામાં આવેલા એક સુધારાને પડકારવામાં આવ્યો હતો. આ સુધારા હેઠળ બિનહિંદુઓને પણ મંદિર પરિસરમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
તત્કાલીન જસ્ટિસ ટી. રામપ્રસાદ રાવે આ જોગવાઈને મૂળ કાયદાની મર્યાદાની બહારની ગણાવીને રદ કરી હતી. તેમના ચુકાદા અનુસાર મંદિરપ્રવેશ કાયદાનો મુખ્ય હેતુ એવા હિંદુઓને મંદિરપ્રવેશનો અધિકાર આપવાનો હતો, જેમને જાતિ અને સામાજિક ભેદભાવને કારણે મંદિરોથી દૂર રાખવામાં આવતા હતા. આ કાયદાના આધારે બિનહિંદુઓને પણ આપોઆપ એ જ અધિકાર મળી જાય એવું માની શકાય નહીં.
હાલની બેન્ચે 1972ના ચુકાદાના મુખ્ય નિષ્કર્ષ સાથે સંમતિ દર્શાવી હતી. જોકે, તેમાં મસ્જિદની આસપાસ સંગીત વગાડવા અને સરઘસ કાઢવા અંગે કરવામાં આવેલી એક ટિપ્પણી સાથે અસંમતિ પણ વ્યક્ત કરી હતી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે કોઈ મસ્જિદ કે ચર્ચ રસ્તાની બાજુમાં આવેલું હોય એટલા માટે અન્ય લોકોને કાયદેસર રીતે શોભાયાત્રા કાઢતા રોકી શકાય નહીં. આ જ સિદ્ધાંત હિંદુ મંદિરોની આસપાસના જાહેર માર્ગો માટે પણ લાગુ પડે છે.
2024ના ચુકાદામાં શું કહેવામાં આવ્યું હતું?
હાલના કેસમાં બીજો મહત્વપૂર્ણ આધાર 2024ના ડી. સેન્થિલકુમાર વિરુદ્ધ તમિલનાડુ સરકારના કેસનો હતો. આ કેસ પળણી મંદિર સાથે જોડાયેલી એક ઘટનાના સંદર્ભમાં આવ્યો હતો. ચુકાદા અનુસાર બુરખા પહેરેલી કેટલીક બિનહિંદુ મહિલાઓએ પળણી મંદિરની ટેકરી પર જવાનો પ્રયાસ કર્યો હતો. મંદિર પ્રશાસને તેમને રોકતા મંદિરને પ્રવાસન સ્થળ ગણાવીને પ્રવેશની દલીલ કરવામાં આવી હતી.
આ કેસમાં જસ્ટિસ એસ. શ્રીમથીએ મંદિરપ્રવેશ અંગે કેટલાક નિર્દેશો આપ્યા હતા. મંદિરોમાં સૂચના મૂકવા, હિંદુ ધર્મમાં આસ્થા ન ધરાવતા બિનહિંદુઓને પ્રવેશ ન આપવા અને કોઈ બિનહિંદુ ચોક્કસ દેવતાના દર્શન કરવા માગે તો તેની પાસેથી લેખિત બાંયધરી મેળવવા કહેવામાં આવ્યું હતું. આ બાંયધરીમાં સંબંધિત દેવતા પ્રત્યે આસ્થા હોવાની, હિંદુ ધર્મની પરંપરાઓનું પાલન કરવાની અને મંદિરના રિવાજોનું સન્માન કરવાની ખાતરી સામેલ હતી. આવી મંજૂરી આપવામાં આવે તો તેની નોંધણી રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી.હાલની બેન્ચે આ ચુકાદાનો આધાર લઈને કહ્યું કે મંદિરપ્રવેશ અંગે પહેલેથી જ કાનૂની માર્ગદર્શન ઉપલબ્ધ હોવા છતાં તાજેતરની ઘટનાઓને કારણે વધુ સ્પષ્ટતા જરૂરી બની હતી.
મીનાક્ષી મંદિરથી અરુણાચલેશ્વર મંદિર સુધીની ઘટનાઓનો ઉલ્લેખ
ચુકાદાનો સૌથી ચર્ચાસ્પદ ભાગ એ છે, જેમાં બેન્ચે રાજકીય નેતાઓ અને તેમના સમર્થકોના મંદિરપ્રવેશ અંગે ટિપ્પણીઓ કરી છે. ન્યાયાધીશોએ મદુરાઈના TVK ધારાસભ્ય બદરુદ્દીન મુસ્તફાનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ મીનાક્ષી મંદિરમાં ગયા હતા અને મંદિરની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો પોતાને અધિકાર હોવાનો દાવો કર્યો હતો. ચુકાદા અનુસાર તેઓ કુંભાભિષેકના પ્રસંગે મંદિરના ગોપુરમ સુધી પહોંચી ગયા હતા. બેન્ચે એવું પણ કહ્યું હતું કે આ જ નેતાએ અગાઉ સનાતનનો નાશ કરવાની વાતોનો ઉલ્લેખ કર્યો હતો.
આગળ કોર્ટે તિરુચેન્દુર મંદિરની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. બેન્ચના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી પંથ પાળતા એક મંત્રીએ જરૂરી બાંયધરી આપ્યા વિના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેની સામે કોર્ટે તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયનું ઉદાહરણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ મીનાક્ષી દેવીના દર્શન પહેલાં બાંયધરીપત્ર પર સહી કરી હતી. ન્યાયાધીશોએ આ ઉદાહરણને ‘ઇન્ક્લુઝિવ અભિગમ’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ખ્રિસ્તી પંથ પાળે છે છતાં તેમને હિંદુ ધર્મ અંગીકાર કરવા માટે કહેવામાં આવ્યું નહોતું.
તેમની પાસેથી માત્ર સંબંધિત દેવતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાની અને મંદિરની પરંપરાઓનું પાલન કરવાની બાંયધરી માગવામાં આવી હતી. કોર્ટની દલીલ પ્રમાણે, કોઈ વ્યક્તિએ મંદિરમાં પ્રવેશવા માટે પોતાનો પંથ-મજહબ બદલવો જરૂરી નથી, પરંતુ જો તે આગમિક મંદિરના ધાર્મિક વિસ્તારમાં પ્રવેશવા માગે તો ત્યાંની પરંપરા અને દેવતા પ્રત્યેના આદર અંગેની શરતોનું પાલન કરવું પડે છે.
બેન્ચે તિરુવન્નામલાઈના અરુણાચલેશ્વર મંદિરમાં મજહબી ટોપી પહેરેલા કેટલાક લોકોના પ્રવેશને લઈને સોશિયલ મીડિયા પર ફરતા એક વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચુકાદા મુજબ, ભક્તોના વિરોધ છતાં કેટલાક લોકો મંદિરની અંદર પ્રવેશતા દેખાયા હતા અને મંદિરના કર્મચારીઓ મૂકદર્શક બની રહ્યા હતા. ન્યાયાધીશોએ આ સ્થિતિ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
‘ચમચાગીરી’ અને રાજકીય દેખાડા પર કોર્ટની ટિપ્પણી
ચુકાદામાં રાજકીય નેતાઓની પાછળ ચાલતા કાર્યકરો અંગે પણ ટિપ્પણી કરવામાં આવી છે. ન્યાયાધીશોએ ‘ચમચાગીરી’ શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે પોલિટિકલ કલ્ચરમાં નેતાઓની પાછળ ચાલવાની વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે કેટલાક કાર્યકરો નેતા જ્યાં જાય ત્યાં તેની પાછળ પહોંચી જાય છે. તેઓ એ પણ વિચારતા નથી કે જે સ્થળે તેઓ પ્રવેશી રહ્યા છે ત્યાં પ્રવેશ માટે કોઈ ધાર્મિક નિયમ કે શરત લાગુ પડે છે કે નહીં.
કોર્ટે એક એવા રાજકીય નેતાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે બિનહિંદુ છે છતાં મંદિરમાં જઈને કપાળ પર ધાર્મિક ચિહ્ન ધારણ કરે છે. બેન્ચે કહ્યું કે આવું ક્યારેક મતદારોને આકર્ષવા માટેના દેખાડા સાથે જોડાયેલું હોય છે. આ ચર્ચા બાદ ન્યાયાધીશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મંદિરની પરંપરાઓ અને રિવાજોને રાજકીય દેખાડા કે નેતાઓને ખુશ કરવાની વૃત્તિ સામે ઝૂકવા દેવામાં ન આવે.
બંધારણ, જાતિભેદ અને આગમ શાસ્ત્રો અંગે કોર્ટનો અભિગમ
ચુકાદામાં એક મહત્વપૂર્ણ કાનૂની ભેદ પણ સમજાવવામાં આવ્યો છે. આગમ શાસ્ત્રોના કેટલાક નિયમો ભૂતકાળમાં ચોક્કસ જાતિના હિંદુઓને મંદિરના અમુક વિસ્તારોમાં પ્રવેશતા રોકતા હતા. બેન્ચે સ્વીકાર્યું કે આવા જાતિ આધારિત પ્રતિબંધો બંધારણીય કસોટી પર ટકી શકતા નથી. ન્યાયાધીશોએ સ્પષ્ટ કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે અને જાતિ આધારિત ભેદભાવને સમર્થન આપતા આવા ધાર્મિક નિર્દેશો બંધારણ સામે ટકી શકે નહીં.
આ માટે કોર્ટે 1914ના ગોપાલા મૂપનાર કેસ, 1908ના પ્રિવી કાઉન્સિલના ચુકાદા અને સુપ્રીમ કોર્ટના વેંકટરમણા દેવરુ તથા શેષમ્મલ કેસનો ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદાઓમાં મંદિરની પરંપરાઓ, ધાર્મિક સંસ્થાઓના અધિકારો અને પૂજાવિધિનું મહત્વ ચર્ચાયું હતું. ખાસ કરીને શેષમ્મલ કેસમાં સુપ્રીમ કોર્ટે સમજાવ્યું હતું કે હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર પ્રાણપ્રતિષ્ઠા પછી મૂર્તિમાં દિવ્ય તત્વનું પ્રાગટ્ય થાય છે અને દૈનિક પૂજા તથા ધાર્મિક વિધિઓ દ્વારા તેની પવિત્રતા જાળવવામાં આવે છે. આગમ શાસ્ત્રો અનુસાર પૂજાવિધિના નિયમોનું ઉલ્લંઘન થાય તો શુદ્ધિકરણની વિધિ કરવાની જરૂર પડી શકે છે. આ માન્યતાઓને હિંદુ ધાર્મિક આસ્થાનો ભાગ ગણાવવામાં આવ્યો હતો.
હાલની બેન્ચે આ ચર્ચાના આધારે સમજાવ્યું કે મંદિરની પરંપરાઓનું રક્ષણ કરવાનો મુદ્દો અને હિંદુ સમાજની અંદર જાતિના આધારે પ્રવેશ રોકવાનો મુદ્દો એકસરખો નથી. જાતિ આધારિત ભેદભાવ બંધારણની કસોટી પર ટકી શકતો નથી, પરંતુ ચુકાદામાં દર્શાવ્યા પ્રમાણે બિનહિંદુઓના પ્રવેશને લગતી શરતોનો પ્રશ્ન અલગ કાનૂની સંદર્ભમાં જોવામાં આવ્યો છે.
કાયદાની કઈ જોગવાઈઓનો આધાર લેવાયો?
કોર્ટે તમિલનાડુ હિંદુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ઍક્ટ, 1959ની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કલમ 10 મુજબ, વિભાગના કમિશનરથી લઈને અન્ય કર્મચારીઓ સુધીના સંબંધિત પદાધિકારીઓએ હિંદુ ધર્મ પાળવો જરૂરી છે. કલમ 24(3) અધિકારીઓને મંદિર પરિસરમાં પ્રવેશ સંબંધિત કામગીરી કરતી વખતે ધાર્મિક પ્રથાઓ અને પરંપરાઓનું યોગ્ય ધ્યાન રાખવાની જવાબદારી સોંપે છે. કલમ 24(4)માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જોગવાઈઓ કોઈ બિનહિંદુ વ્યક્તિને સંબંધિત ધાર્મિક સ્થળમાં પ્રવેશવાનો અધિકાર આપતી નથી.
આ જોગવાઈઓ અને અગાઉના ચુકાદાઓના આધારે બેન્ચે કહ્યું કે મંદિરના ટ્રસ્ટીઓની જવાબદારી છે કે તેઓ આગમિક પરંપરાઓનું પાલન કરાવે. જો મંદિરના નિયમોનું પાલન ન થાય તો માત્ર કોઈ વ્યક્તિ રાજકીય રીતે પ્રભાવશાળી છે કે કોઈ નેતાની સાથે આવી છે એટલા માટે તેને છૂટ આપી શકાય નહીં.
અંતે કોર્ટે શું આદેશ આપ્યો?
ચુકાદાના અંતિમ ભાગમાં બેન્ચે કહ્યું કે તમિલનાડુનાં આગમિક મંદિરોના ટ્રસ્ટીઓએ આગમ શાસ્ત્રોના નિયમોનું પાલન કરાવવું જોઈએ. જે બિનહિંદુઓ જરૂરી બાંયધરી આપતા નથી, તેમને ધ્વજસ્તંભની આગળના ભાગમાં પ્રવેશવા દેવા નહીં. કોર્ટે આથી આગળ વધીને કહ્યું કે અન્ય મજહબનાં ચિહ્નો ધારણ કરનારા અને સંબંધિત દેવતા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત ન કરનારા બિનહિંદુઓને મંદિર પરિસરમાં પણ પ્રવેશવા દેવા નહીં. આ શ્રદ્ધાની પુષ્ટિ સંબંધિત મંદિર સંસ્થા દ્વારા નક્કી કરાયેલા ફોર્મેટમાં કરવાની રહેશે. આ નિર્દેશો સાથે અરજદારની રિટ પિટિશન મંજૂર કરવામાં આવી હતી.
મદ્રાસ હાઇકોર્ટે પોતાના આ ચુકાદામાં એક વાત સ્પષ્ટ કરી છે કે આગમિક મંદિરોમાં પ્રવેશને માત્ર પ્રવાસન કે જાહેર મુલાકાતના સામાન્ય અધિકાર તરીકે જોઈ શકાય નહીં. ત્યાં પ્રવેશનો પ્રશ્ન મંદિરની સ્થાપિત ધાર્મિક પરંપરાઓ, સંબંધિત કાયદાઓ અને દેવતા પ્રત્યેની શ્રદ્ધાની પુષ્ટિ સાથે જોડાયેલો છે.


