
ગુજરાતના પાટણમાં સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે શિક્ષકને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપી રણજીતકુમાર ચૌધરી પાટણની એક શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. કોર્ટે તેને ₹25,000નો દંડ પણ ફટકાર્યો છે.
જો તે દંડ નહીં ભરે તો તેને વધુ છ મહિનાની કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત, જજ એમ. એ. શેખે ભોગ બનનાર સગીરાને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ ચુકાદો પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી તેની છેડતી કરવાના કેસમાં આપ્યો છે.
આરોપીએ પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને બોલાવી
વિગતો અનુસાર ભોગ બનનાર સગીરા આરોપી શિક્ષકની શાળામાં જ અભ્યાસ કરતી હતી. તે આરોપીની દીકરી સાથે બેડમિન્ટન રમવા જતી હોવાથી શિક્ષકના સંપર્કમાં આવી હતી. ફરિયાદ મુજબ, 21 એપ્રિલ 2024ના રોજ આરોપીએ સગીરાના પિતાના મોબાઇલ પર મેસેજ મોકલ્યો હતો. તેમાં ધોરણ-1ના ગુજરાતી વિષયનું પેપર ચેક કરવાનું હોવાનું કહી સગીરાને પાટણના ગુંગડી તળાવ પાસે બોલાવી હતી.
ત્યારબાદ આરોપી સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને તેના ઘરે લઈ ગયો હતો. ફરિયાદ અનુસાર, ઘરે પહોંચ્યા બાદ તેણે સગીરાની છેડતી કરી અને સગીરાએ તેનો વિરોધ પણ કર્યો હતો. ત્યારપછી આરોપીએ પેપર થેલીમાં મૂકવાના બહાને તેને રૂમમાં બોલાવી, પરંતુ સગીરાએ અંદર જવાનો ઇનકાર કર્યો હતો.
આરોપીએ તેનો હાથ પકડીને રૂમમાં ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે સગીરાએ પ્રતિકાર કર્યો અને ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની બહેનપણી અને વાલીને સમગ્ર ઘટના જણાવી હતી. ઘટનાની જાણ થયા બાદ પરિવારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ રજૂ કરી
પોલીસે તપાસ કરીને ઘટનાસ્થળ સંબંધિત પંચનામું, સગીરાનું નિવેદન અને અન્ય જરૂરી પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી. સગીરાની ઉંમર અંગે જન્મના દસ્તાવેજોના આધારે અદાલતે ઘટનાના સમયે તેની ઉંમર 16 વર્ષ, 9 મહિના અને 18 દિવસ હોવાનું માન્ય રાખ્યું હતું.
કેસના ચુકાદા દરમિયાન સ્પેશિયલ પોક્સો જજ એમ. એ. શેખે ગુરુના સ્થાન અને જવાબદારીનો ઉલ્લેખ કર્યો હતો. ચુકાદામાં સંસ્કૃતનો જાણીતો શ્લોક પણ ટાંકવામાં આવ્યો હતો:
“ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ, ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.”
અદાલતના ચુકાદામાં જણાવાયું છે કે, ગુરુની જવાબદારી શિષ્યનું રક્ષણ કરવાની હોય છે. પરંતુ રક્ષણ આપવાને બદલે પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને સ્વાર્થ કે વાસના માટે શોષણ કરવું એ અત્યંત શરમજનક અને અયોગ્ય બાબત છે.
ચાર વર્ષની સખત કેદ અને ₹25,000નો દંડ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી રણજીતકુમાર ચૌધરીને IPCની કલમ 354A(1)(i) અને પોક્સો કાયદાની કલમ 7 તથા 8 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તેને ચાર વર્ષની સખત કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. દંડ નહીં ભરે તો તેને વધારાના છ મહિનાની કેદ ભોગવવી પડશે.
કોર્ટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનાર સગીરાને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

