હોમપેજગુજરાતભારતના 1 ટ્રિલિયન ડૉલરના નિકાસ લક્ષ્યમાં ગુજરાતની ભૂમિકા કેટલી નિર્ણાયક?

ભારતના 1 ટ્રિલિયન ડૉલરના નિકાસ લક્ષ્યમાં ગુજરાતની ભૂમિકા કેટલી નિર્ણાયક?

ભારતની વૈશ્વિક વેપારની યાત્રામાં ગુજરાતનું સ્થાન એટલા માટે પણ નિર્ણાયક છે કે અહીં દેશની ઔદ્યોગિક શક્તિ માત્ર ઊભી થતી નથી, તે બંદરો મારફતે દુનિયા સુધી પણ પહોંચે છે.

- Advertisement -

જામનગરમાં રિફાઇન થયેલું પેટ્રોલિયમ દુનિયાના કોઈ દેશમાં ઇંધણ બનીને પહોંચે છે. સુરતમાં ઘસાયેલો હીરો વિદેશના ઝવેરીની દુકાનમાં ઝળહળે છે. મોરબીમાં બનેલી ટાઇલ્સ હજારો કિલોમીટર દૂર કોઈ નવા મકાનની દીવાલને શોભાવે છે. ભરુચમાં તૈયાર થયેલું કેમિકલ કોઈ વિદેશી કારખાનાની ઉત્પાદન પ્રક્રિયાનો હિસ્સો બને છે. આ બધાં ઉત્પાદનો અલગ છે, તેમના ખરીદદારો અલગ છે અને તેમને બનાવતી ઔદ્યોગિક પ્રક્રિયાઓ પણ અલગ છે. પરંતુ આ બધાને જોડતી એક કડી છે, ગુજરાત. ભારતના વૈશ્વિક વેપારની વાત આવે ત્યારે ગુજરાતને માત્ર એક ઔદ્યોગિક રાજ્ય તરીકે જોવું પૂરતું નથી. તે ભારતની ઉત્પાદન ક્ષમતા અને વિશ્વના બજારો વચ્ચે ઊભેલી એવી વ્યવસ્થા છે, જેના દ્વારા દેશનો માલ વિદેશ સુધી પહોંચે છે.

ભારત અત્યારે નાણાકીય વર્ષ 2026-27માં માલસામાન અને સેવાઓની કુલ નિકાસ 1 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યનો અર્થ માત્ર વધુ માલ વેચવાનો નથી. વૈશ્વિક બજારમાં ભારતની હાજરી કેટલી વિસ્તરે છે, દેશના ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં કેવી રીતે મજબૂત બને છે અને ભારતીય ઉત્પાદન માટે વિદેશી બજારોમાં કેટલી નવી તકો ઊભી થાય છે, તેની સાથે પણ આ લક્ષ્ય જોડાયેલું છે. આ સમગ્ર ચિત્રમાં ગુજરાતનું સ્થાન કેટલું મહત્વનું છે તે સમજવા માટે એક આંકડો પૂરતો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ માલસામાનની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 25.04 ટકા હતો. એટલે કે દેશમાંથી વિદેશમાં મોકલાતા માલના દર ચાર ડૉલરમાંથી લગભગ એક ડૉલર ગુજરાતના ખાતામાં આવતો હતો. રાજ્યમાંથી થયેલી માલસામાનની નિકાસનું મૂલ્ય આશરે 110.634 અબજ ડૉલર હતું.

ગુજરાતની નિકાસશક્તિની શરૂઆત ક્યાંથી થાય છે?

ગુજરાતની આર્થિક ઓળખમાં વેપાર નવો નથી. દરિયાઈ માર્ગે વેપાર, બંદરો સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ, ઉદ્યોગસાહસિકતા અને દૂરના બજારો સાથે સંબંધો વિકસાવવાની પરંપરા રાજ્યના આર્થિક જીવનનો લાંબા સમયથી હિસ્સો રહી છે. આધુનિક સમયમાં આ પરંપરાએ ઔદ્યોગિક સ્વરૂપ ધારણ કર્યું. કાચા માલની ઉપલબ્ધતા, મોટાપાયે ઉત્પાદન, ઉદ્યોગોને અનુકૂળ માળખું અને દરિયાઈ માર્ગે વિદેશ સુધી પહોંચવાની ક્ષમતા એકબીજા સાથે જોડાતાં ગુજરાતની નિકાસશક્તિ ઊભી થઈ.

- Advertisement -

રાજ્યના ઔદ્યોગિક નકશા પર નજર કરીએ તો દરેક પ્રદેશની પોતાની ઓળખ છે. જામનગર પેટ્રોલિયમ રિફાઇનિંગ માટે જાણીતું છે. સુરત હીરા અને કાપડના વૈશ્વિક વેપાર સાથે જોડાયેલું છે. ભરુચ અને દહેજ કેમિકલ્સ તથા પેટ્રોકેમિકલ્સનાં મહત્વનાં કેન્દ્રો છે. મોરબી સિરામિક્સ માટે ઓળખાય છે, જ્યારે રાજકોટ એન્જિનિયરિંગ અને ઓટો કમ્પોનન્ટ્સ જેવાં ક્ષેત્રોમાં મહત્વ ધરાવે છે. અમદાવાદ અને વડોદરા પણ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ અને અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો છે. આ શહેરો માત્ર અલગ-અલગ ઉદ્યોગોના સરનામાં નથી. તેઓ મળીને એવું ઔદ્યોગિક માળખું બનાવે છે, જેમાં ઉત્પાદનથી લઈને નિકાસ સુધીની અનેક કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે.

આ વ્યવસ્થાની વિશેષતા એ છે કે ગુજરાત માત્ર એક પ્રકારનો માલ બનાવીને વિદેશમાં વેચતું નથી. રાજ્યના નિકાસ માળખામાં ઊર્જા, રસાયણો, રત્નો, દવાઓ, એન્જિનિયરિંગ ઉત્પાદનો, કાપડ અને સિરામિક્સ જેવાં અલગ-અલગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ક્યાંક વિશાળ રિફાઇનરીની ઉત્પાદન ક્ષમતા છે તો ક્યાંક પેઢીઓથી વિકસેલી કારીગરી. ક્યાંક ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન છે તો ક્યાંક મશીનરી અને ઘટકોનું. આ વિવિધતા ગુજરાતને વૈશ્વિક વેપારનાં અનેક ક્ષેત્રોમાં સ્થાન આપે છે.

જામનગરની રિફાઇનરીઓ અને પેટ્રોલિયમનું વૈશ્વિક મહત્વ

ગુજરાતની નિકાસની ગાથામાં જામનગર એક વિશાળ ઔદ્યોગિક પ્રકરણ છે. અહીંની રિફાઇનરીઓ ક્રૂડ ઓઇલને પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઉપયોગી પેટ્રોલિયમ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયામાં વિશાળ માળખું, અદ્યતન ટેક્નોલોજી, ઊર્જા, કુશળ કર્મચારીઓ અને જટિલ ઔદ્યોગિક વ્યવસ્થાપનની જરૂર પડે છે. રિફાઇનરીમાં તૈયાર થતો માલ દેશની અંદર વપરાશ માટે જાય છે, પરંતુ તેનો મોટો હિસ્સો વિદેશી બજારો સુધી પણ પહોંચે છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ગુજરાતનું મહત્વ રાષ્ટ્રીય આંકડાઓમાં પણ દેખાય છે. નીતિ આયોગના એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2024 અનુસાર, ગુજરાત દેશના પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન ધરાવે છે. રાજ્યની વિશાળ રિફાઇનિંગ ક્ષમતા તેને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા જથ્થામાં ઉત્પાદનો પૂરા પાડવાની ક્ષમતા આપે છે. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતની પેટ્રોલિયમ નિકાસનું મૂલ્ય આશરે ₹5.2 લાખ કરોડ હતું.

પરંતુ રિફાઇનરીનું મહત્વ માત્ર પેટ્રોલ અને ડીઝલ પૂરતું નથી. પેટ્રોકેમિકલ ઉદ્યોગ પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા, પેકેજિંગ સામગ્રી અને અન્ય અનેક ઔદ્યોગિક ઉત્પાદનો માટે કાચો માલ પૂરો પાડે છે. આ ઉત્પાદનો આગળ બીજા ઉદ્યોગોમાં વપરાય છે. એટલે પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સની આસપાસ એક વિશાળ ઔદ્યોગિક શૃંખલા વિકસે છે. તેના કારણે પરિવહન, જાળવણી, ઔદ્યોગિક સેવાઓ અને સહાયક ઉત્પાદન ક્ષેત્રોમાં પણ પ્રવૃત્તિ વધે છે. જામનગરનું ઉદાહરણ ગુજરાતની એક વિશેષતા સમજાવે છે. અહીં કાચા માલને માત્ર પ્રાથમિક સ્વરૂપમાં વેચવાને બદલે તેને ઔદ્યોગિક પ્રક્રિયામાંથી પસાર કરીને વધુ ઉપયોગી ઉત્પાદનમાં ફેરવવામાં આવે છે. ઉત્પાદનનું પ્રમાણ, ટેક્નોલોજી અને વૈશ્વિક બજારો સુધી પહોંચવાની ક્ષમતા એકસાથે કામ કરે છે. ભારતના નિકાસ લક્ષ્ય માટે આ પ્રકારની ઔદ્યોગિક ક્ષમતા અનિવાર્ય છે.

મુંદ્રા અને કંડલા

કોઈ ઉદ્યોગ લાખો ટન માલનું ઉત્પાદન કરી શકે, પરંતુ તે માલ સમયસર વિદેશી ખરીદદાર સુધી ન પહોંચે તો ઉત્પાદનની ક્ષમતા નિકાસમાં રૂપાંતરિત થઈ શકતી નથી. અહીં ગુજરાતનાં બંદરોની ભૂમિકા સમજાય છે. મુંદ્રા, કંડલા અને પીપાવાવ જેવા બંદરો રાજ્યના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો સાથે જોડે છે. નીતિ આયોગ અનુસાર ગુજરાતનાં 42 બંદરોનો ધમધોખાર ચાલે છે અને રાજ્યના વેપાર તથા નિકાસ માળખામાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે. મુંદ્રા બંદર આ વ્યવસ્થાનું જાણીતું બંદર છે. અહીં કન્ટેનરથી લઈને વિવિધ પ્રકારના ઔદ્યોગિક માલની હેરફેર થાય છે. બંદરની કામગીરીને માત્ર જહાજોના આવાગમન સુધી મર્યાદિત રાખી શકાય નહીં. તેની પાછળ માલને બંદર સુધી પહોંચાડતો માર્ગ અને રેલવે નેટવર્ક, સંગ્રહ માટેનાં વેરહાઉસ, કસ્ટમ્સ પ્રક્રિયા અને કન્ટેનર હેન્ડલિંગ જેવી સેવાઓનું મોટું માળખું હોય છે. આ બધું મળીને નિકાસકાર માટે સમય અને ખર્ચનું ગણિત નક્કી કરે છે.

ગુજરાતના બંદરોનું મહત્વ રાજ્યની ભૌગોલિક સીમાઓથી પણ આગળ જાય છે. અન્ય રાજ્યોમાં બનેલો માલ પણ ગુજરાતનાં બંદરો મારફતે વિદેશી બજારો સુધી પહોંચે છે. આ રીતે ગુજરાતનું બંદરીય માળખું દેશના વિશાળ વેપાર નેટવર્કનો ભાગ બને છે. ઉત્પાદન કેન્દ્રો અને બંદરો વચ્ચેની કડી જેટલી કાર્યક્ષમ હોય, તેટલી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવાની ક્ષમતા વધે છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં દરિયાકિનારો માત્ર ભૌગોલિક વિશેષતા નથી રહ્યો. તે ઉત્પાદનને વૈશ્વિક વેપાર સાથે જોડતું આર્થિક સાધન બન્યો છે. જામનગરની રિફાઇનરીથી નીકળતો માલ હોય કે મોરબીની ટાઇલ્સ, તેને દુનિયાના બજારો સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં બંદરોનું સ્થાન પાયાનું છે.

સુરતના હીરા: કારીગરીનું વૈશ્વિક મૂલ્ય

ગુજરાતની નિકાસની વાત માત્ર મોટા કારખાનાં અને રિફાઇનરીઓથી પૂરી થતી નથી. સુરતનો હીરા ઉદ્યોગ એ બતાવે છે કે માનવકૌશલ્ય અને પેઢીઓથી વિકસેલી નિપુણતા પણ વૈશ્વિક વેપારમાં મોટી આર્થિક શક્તિ બની શકે છે. કાચા હીરાને કાપીને, ઘસીને અને પોલિશ કરીને તૈયાર રત્નમાં ફેરવવાની પ્રક્રિયા ચોકસાઈ માગે છે. હીરાના કદ, આકાર, સ્વચ્છતા અને પ્રકાશના પરાવર્તન પર તેની બજારની કિંમત નિર્ભર હોય છે. આ કામ માટે કુશળ કારીગરો, વિશિષ્ટ મશીનો અને લાંબા અનુભવની જરૂર પડે છે. નીતિ આયોગના અહેવાલ અનુસાર વિશ્વના પ્રોસેસ્ડ હીરા ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો આશરે 72 ટકા છે અને ભારતની હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો લગભગ 80 ટકા છે. આ આંકડા સુરતના ઉદ્યોગની વૈશ્વિક સ્થિતિ કહી જાય છે. દુનિયાના અનેક બજારોમાં વેચાતા હીરાની કિંમત વધારવાની પ્રક્રિયામાં સુરતની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

હીરા ઉદ્યોગની પાછળ માત્ર મોટા નિકાસકારો નથી. તેમાં નાના એકમો, કુશળ કારીગરો, વેપારીઓ, કટિંગ અને પોલિશિંગની વિશિષ્ટ સેવાઓ તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે જોડાયેલી વ્યવસ્થા પણ સામેલ છે. આ એક એવું ક્ષેત્ર છે જેમાં ગુજરાતે કુદરતી સંસાધન પર નિયંત્રણ કરતાં વધુ તેને મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં ફેરવવાની ક્ષમતા વિકસાવી છે. આ જ વાત ગુજરાતની વ્યાપક નિકાસશક્તિને સમજવા માટે ઉપયોગી છે. વૈશ્વિક બજારમાં સ્થાન મેળવવા માટે માત્ર સસ્તું ઉત્પાદન પૂરતું નથી. ગુણવત્તા, ચોકસાઈ, વિશ્વસનીયતા અને વિશિષ્ટ કૌશલ્ય પણ સ્પર્ધાત્મક લાભ આપી શકે છે. સુરત આનું જીવતું ઉદાહરણ છે.

મોરબીની ટાઇલ્સથી કેમિકલ ક્લસ્ટર સુધી

મોરબીનું સિરામિક્સ ક્ષેત્ર ગુજરાતની ઔદ્યોગિક ગાથામાં બીજું અનોખું સ્થાન ધરાવે છે. અહીં ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોનું મોટાપાયે ઉત્પાદન થાય છે. ભારતની સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો આશરે 80 ટકા છે. મકાન બાંધકામ, આંતરિક સજાવટ અને વ્યાપારી ઇમારતો માટેનાં ઉત્પાદનો વિશ્વના અનેક બજારોમાં પહોંચે છે. આ ઉદ્યોગની સફળતા ઉત્પાદનના પ્રમાણ સાથે ડિઝાઇન, ગુણવત્તા, ભાવ અને ગ્રાહકની જરૂરિયાત મુજબ માલ તૈયાર કરવાની ક્ષમતા પર પણ આધારિત છે. મોરબીની આસપાસ વિકસેલી ઔદ્યોગિક વ્યવસ્થામાં ઉત્પાદકો ઉપરાંત મશીનરી, પેકેજિંગ, પરિવહન અને અન્ય સહાયક વ્યવસાયો પણ જોડાયેલી છે. આ પ્રકારના ક્લસ્ટરનો લાભ એ છે કે એક જ વિસ્તારમાં સંબંધિત સેવાઓ અને ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ હોય છે. તેના કારણે ઉદ્યોગો માટે કામકાજનું આયોજન સરળ બને છે અને આંતરરાષ્ટ્રીય ઓર્ડર પૂરા કરવાની ક્ષમતા વિકસે છે.

ભરુચ અને દહેજના કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્લસ્ટર ગુજરાતની નિકાસમાં બીજી મહત્વપૂર્ણ કડી ઉમેરે છે. અહીં બનતાં વિવિધ રસાયણોનો ઉપયોગ કૃષિ, દવાઓ, કાપડ, પ્લાસ્ટિક અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોમાં થાય છે. કોઈ રસાયણ વિદેશી કારખાનામાં બીજા ઉત્પાદન માટે કાચા માલ તરીકે વપરાય ત્યારે ગુજરાતનું ઉત્પાદન તે દેશની સપ્લાય ચેઇનનો ભાગ બની જાય છે. એટલે કેમિકલ્સની નિકાસનો પ્રભાવ ઘણી વખત અંતિમ ગ્રાહકને દેખાતો નથી, છતાં તે અનેક ઉદ્યોગોની કામગીરી માટે જરૂરી હોય છે. ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રો પણ આ જ ઔદ્યોગિક ચિત્રને વિસ્તારે છે. દવાઓના ઉત્પાદનમાં ગુણવત્તા નિયંત્રણ, નિયમનકારી ધોરણો અને વિશ્વસનીય પુરવઠો નિર્ણાયક છે. એન્જિનિયરિંગ ઉત્પાદનોમાં મશીનરી, પંપ, વાલ્વ અને ઔદ્યોગિક ઘટકો વિદેશી કારખાનાંઓ માટે ઉપયોગી બને છે. આ ક્ષેત્રો ગુજરાતની નિકાસને વિવિધ પ્રકારના બજારો સાથે જોડે છે.

હવે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સનો વારો

ગુજરાતના નિકાસ માળખાનો આગામી અધ્યાય વધુ ટેક્નોલોજી આધારિત હોય શકે છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં રાજ્યમાં થઈ રહેલાં રોકાણો ભારતની ઔદ્યોગિક ક્ષમતાને નવા સ્તરે લઈ જવાની સંભાવના ધરાવે છે. સેમિકન્ડક્ટર ચિપ્સ આધુનિક અર્થતંત્રના લગભગ દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રમાં વપરાય છે. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, વાહનો, ટેલિકોમ સાધનો, ઔદ્યોગિક મશીનો અને ડેટા સેન્ટર સુધી તેની જરૂરિયાત છે. આથી ચિપ્સના ઉત્પાદન અને એસેમ્બલી સાથે જોડાયેલી ક્ષમતા વિકસાવવી ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગ માત્ર એક ફેક્ટરી સ્થાપવાથી વિકસતો નથી. તેમાં વિશિષ્ટ મશીનરી, ગુણવત્તાવાળા રસાયણો, સ્વચ્છ વાતાવરણ, સ્થિર વીજ પુરવઠો, કુશળ ટેક્નિકલ માનવબળ અને સપ્લાયરોના મજબૂત નેટવર્કની જરૂર પડે છે. ગુજરાત પાસે ઔદ્યોગિક ઉત્પાદન, બંદરો, લોજિસ્ટિક્સ અને રોકાણને આકર્ષતું માળખું પહેલેથી અસ્તિત્વમાં છે. આ પાયાનો ઉપયોગ કરીને રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સંબંધિત ઉત્પાદન માટે વધુ ઊંડું સ્થાનિક નેટવર્ક ઊભું કરી શકે છે. આ ક્ષેત્રોનું મહત્વ ભવિષ્યની નિકાસમાં તેમના સંભવિત યોગદાનથી આગળ જાય છે. જો ગુજરાતમાં ઊંચી ટેક્નોલોજી ધરાવતાં ઉત્પાદનોનું ઉત્પાદન વધે અને સ્થાનિક સપ્લાયરો તેમાં જોડાય તો રાજ્યના ઔદ્યોગિક માળખામાં વધુ જટિલ ઉત્પાદન પ્રક્રિયાઓ ઉમેરાશે. નવીનીકરણીય ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ અને એગ્રી-ટેક જેવા ક્ષેત્રોમાં પણ નિકાસની તકો વિકસી શકે છે. નીતિ આયોગે ગુજરાત માટે આ ક્ષેત્રોને નિકાસ વૈવિધ્યકરણની સંભાવનાઓ તરીકે ઓળખાવ્યાં છે.

ભારતના 1 ટ્રિલિયન ડૉલરના લક્ષ્યમાં ગુજરાતનો અર્થ

ભારતના નિકાસ લક્ષ્યની પ્રગતિ સમજવા માટે ચાલુ નાણાકીય વર્ષના આંકડા પણ મહત્વના છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના 15 ઑક્ટોબર 2026ના આંકડા અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતની માલસામાન અને સેવાઓની સંયુક્ત નિકાસ 476.20 અબજ ડૉલર રહી હતી. પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ 13.84 ટકાની વૃદ્ધિ હતી. આ છ મહિનામાં માલસામાનની નિકાસ 259.89 અબજ ડૉલર રહી હતી.

આ રાષ્ટ્રીય આંકડાઓની પાછળ અનેક રાજ્યોના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ નેટવર્કનું યોગદાન છે. ગુજરાતની ખાસિયત એ છે કે તે આ વ્યવસ્થામાં એક જ ક્ષેત્ર મારફતે નહીં, પરંતુ અનેક ઔદ્યોગિક મોરચે ભાગ લે છે. પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ્સ મોટા જથ્થાની નિકાસ આપે છે. સુરતના હીરા અને મોરબીના સિરામિક્સ વિશિષ્ટ બજારોમાં ભારતની હાજરી મજબૂત બનાવે છે. કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોની સપ્લાય ચેઇન સાથે ગુજરાતને જોડે છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ જેવાં નવાં ક્ષેત્રો આ ઔદ્યોગિક માળખાને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાની તક આપે છે.

ગુજરાતની નિકાસશક્તિનું ખરું મહત્વ અહીં છે. રાજ્ય પાસે માત્ર માલ બનાવવાની ક્ષમતા નથી, પરંતુ તેને મોટાપાયે તૈયાર કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ છે. જામનગરની રિફાઇનરીઓ, સુરતના હીરા, મોરબીના સિરામિક્સ, ભરુચનું કેમિકલ્સ અને ગુજરાતનાં બંદરોને એક જ ચિત્રમાં મૂકીએ તો સમજાય છે કે વૈશ્વિક વેપાર માટે જરૂરી અનેક કડીઓ ગુજરાતમાં એકબીજાની નજીક વિકસેલી છે.

ભારતનું 1 ટ્રિલિયન ડૉલરનું નિકાસ લક્ષ્ય આખરે ઉત્પાદન અને વૈશ્વિક બજાર વચ્ચેના આ સંબંધને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. ગુજરાત આ સંબંધનું પહેલેથી જ એક મુખ્ય કેન્દ્ર છે. હવે આ પરંપરાગત ઔદ્યોગિક તાકાત સાથે ઊંચી ટેક્નોલોજી ધરાવતા નવા ઉદ્યોગો કેટલા અસરકારક રીતે જોડાય છે, તેના પર રાજ્યની આગામી નિકાસગાથાનો મોટો હિસ્સો નિર્ભર રહેશે. ભારતની વૈશ્વિક વેપારની યાત્રામાં ગુજરાતનું સ્થાન એટલા માટે પણ નિર્ણાયક છે કે અહીં દેશની ઔદ્યોગિક શક્તિ માત્ર ઊભી થતી નથી, તે બંદરો મારફતે દુનિયા સુધી પણ પહોંચે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં