હોમપેજરાજકારણબીકાનેર હાઉસમાં નિયમો નેવે મૂક્યા, 74 તસવીરો હટાવાઈ તો વિક્ટીમ કાર્ડ: રેહાન...

બીકાનેર હાઉસમાં નિયમો નેવે મૂક્યા, 74 તસવીરો હટાવાઈ તો વિક્ટીમ કાર્ડ: રેહાન વાડ્રા વિવાદને ગાંધી પરિવારે સરકાર વિરુદ્ધના રાજકારણમાં કેવી રીતે ફેરવ્યો?

ઘટનાની પસંદગીની વિગતોને આગળ ધરીને રાજકીય નેરેટિવ ઊભો કરવો કેટલો સરળ છે. પરંતુ નેરેટિવથી અલગ રહીને તથ્યો જાણવામાં આવે તો મૂળ સવાલો સામે આવે જ છે. રેહાનના પ્રદર્શનના કિસ્સામાં પણ પ્રસ્તાવ શું હતો, નિયમો શું હતા, નોટિસમાં શું લખ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસી નેતાઓએ શું કહ્યું હતું, આ ચાર બાબતોને સાથે રાખીને જોવામાં આવે તો આખા વિવાદની દિશા સમજવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી.

- Advertisement -

ગાંધી પરિવારના રાજકીય પ્રભાવની વાત આવે ત્યારે નિયમો, જવાબદારી અને સામાન્ય નાગરિક માટે લાગુ પડતા માપદંડો કરતાં વિશેષ છૂટની અપેક્ષા વધારે મહત્વની બની જાય છે! દિલ્હીના બીકાનેર હાઉસમાં રેહાન વાડ્રાના ફોટોગ્રાફી પ્રદર્શનને લઈને સર્જાયેલા વિવાદે ફરી એકવાર આ સવાલ ઊભો કર્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાના દીકરા રેહાન વાડ્રાએ ‘No Idea Is Final’ નામે પ્રદર્શન યોજવાનું આયોજન કર્યું હતું. પ્રદર્શનના મૂળ પ્રસ્તાવમાં નેચર, વાઇલ્ડલાઇફ, એબ્સ્ટ્રેક્ટ આર્ટ, પોટ્રેટ અને શિલ્પો જેવા વિષયોનો ઉલ્લેખ હતો. પરંતુ પ્રદર્શન માટે મૂકવામાં આવેલી 105 તસવીરોમાંથી 74 તસવીરો સામે બીકાનેર હાઉસના સંચાલકોએ વાંધો ઉઠાવ્યો. સંસ્થાએ પોતાની લેખિત નીતિનો હવાલો આપીને આ તસવીરો હટાવવા માટે કહ્યું. ત્યારબાદ રેહાને તિરંગાની તસવીરોનો મુદ્દો ઉઠાવ્યો, પ્રિયંકા ગાંધી પોતાના દીકરાના બચાવમાં ઊતર્યાં અને કોંગ્રેસ ઇકોસિસ્ટમે સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવાના આરોપો લગાવવાનું શરૂ કર્યું.

પરંતુ આ આખી ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે બીકાનેર હાઉસના નિયમો અને રેહાનના મૂળ પ્રસ્તાવમાં શું લખેલું હતું. કારણ કે રાજકીય નાટક શરૂ થાય એ પહેલાં જ આ બંને દસ્તાવેજો ઘટનાના મૂળ સ્વરૂપ વિશે ઘણું કહી દે છે. એક તરફ રેહાનના પોતાના પ્રદર્શનના પ્રસ્તાવમાં રાજકીય વિરોધ પ્રદર્શનોની તસવીરોનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો. બીજી તરફ, બીકાનેર હાઉસની નીતિમાં રાજકીય સામગ્રી પર પ્રતિબંધ હતો. આમ છતાં જ્યારે 74 તસવીરો હટાવવાનો નિર્ણય લેવાયો ત્યારે કોંગ્રેસે આ ઘટનાને સરકાર વિરુદ્ધના પ્રોપગેન્ડામાં ફેરવવાનો પ્રયાસ કર્યો. આખરે શું થયું હતું અને આ વિવાદમાં કયા તથ્યોને બાજુ પર રાખીને રાજકીય નેરેટિવ ઊભો કરવામાં આવ્યો, એ શરૂઆતથી સમજીએ.

રેહાન વાડ્રાનું ‘No Idea Is Final’ પ્રદર્શન અને તેનો મૂળ પ્રસ્તાવ

રેહાન વાડ્રાનું ‘No Idea Is Final’ નામનું પ્રદર્શન દિલ્હીના બીકાનેર હાઉસ ખાતે યોજાવાનું હતું. આયોજન પ્રમાણે, પ્રદર્શન 22 ઑક્ટોબર 2026થી 25 ઑક્ટોબર સુધી ચાલવાનું હતું. તેના માટે 20 અને 21 ઑક્ટોબરે તૈયારીઓ કરવાની હતી અને 22 ઑક્ટોબરની સાંજે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાવાનો હતો. પ્રદર્શન માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં તેની વિષયવસ્તુ સ્પષ્ટ કરવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે આ ફોટોગ્રાફ્સ મલ્ટિમીડિયા આર્ટવર્ક અને ઇન્સ્ટોલેશનનું પ્રદર્શન હશે. તેમાં નેચર, વાઇલ્ડલાઇફ, એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક, પોટ્રેટ, શિલ્પો અને ઇમર્સિવ ઇન્સ્ટોલેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રસ્તાવમાં રેહાનને વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને ક્યુરેટર તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. તેની કલાકૃતિઓમાં વાઇલ્ડલાઇફથી લઈને સ્ટ્રીટ અને કમર્શિયલ ફોટોગ્રાફી સુધીના વિષયોનો સમાવેશ થતો હોવાનું પણ જણાવાયું હતું.

- Advertisement -

પછી જ્યારે પ્રદર્શનમાં મૂકવામાં આવેલી તસવીરોનો મોટો હિસ્સો દિલ્હીમાં થયેલાં કથિત આંદોલનો સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું ત્યારે બીકાનેર હાઉસે વાંધો ઉઠાવ્યો. રેહાનના જણાવ્યા પ્રમાણે આ તસવીરો છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલાં વિરોધ પ્રદર્શનોનું દસ્તાવેજીકરણ કરતી હતી. પરંતુ અહીં મૂળ સવાલ એ છે કે જો આટલી મોટી સંખ્યામાં રાજકીય વિરોધ પ્રદર્શનોની તસવીરો પ્રદર્શનનો ભાગ બનવાની હતી તો શું મંજૂરી માટેના પ્રસ્તાવમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કેમ ન કરવામાં આવ્યો? વધુમાં બિકાનેર હાઉસની સ્પષ્ટ નીતિ પણ છે કે કોઈપણ રાજકીય સામગ્રી પ્રદર્શનમાં સામેલ થઈ શકશે નહીં.

કોઈ કલાકાર માટે વિરોધ પ્રદર્શનોની તસવીરો પાડવી કે તેને કલાકૃતિ તરીકે રજૂ કરવી એ અલગ બાબત છે. પરંતુ કોઈ ચોક્કસ સ્થળે પ્રદર્શન યોજવા માટે મંજૂરી લેતી વખતે તે સ્થળની નીતિ અને નિયમોનું પાલન કરવાની જવાબદારી પણ હોય છે. આ બંને બાબતોને એકબીજાથી અલગ રાખીને જોવામાં આવે તો જ આખો વિવાદ સમજાય છે.

બીકાનેર હાઉસની નીતિમાં રાજકીય સામગ્રી પર સ્પષ્ટ પ્રતિબંધ હતો

બીકાનેર હાઉસ મેનેજમેન્ટ સોસાયટીની નીતિમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ત્યાં યોજાતા કાર્યક્રમો અને પ્રદર્શનોમાં મૂકવામાં આવતાં ચિત્રો, શિલ્પો, ઇન્સ્ટોલેશન અને અન્ય કલાકૃતિઓમાં નગ્નતા, કોમવાદી વિષયવસ્તુ કે રાજકીય સામગ્રી હોવી જોઈએ નહીં. આવી કોઈ સામગ્રી પ્રદર્શિત કરવામાં આવે તો તેને તાત્કાલિક હટાવવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર આયોજકનો કાર્યક્રમ કોઈપણ રિફંડ આપ્યા વિના રદ કરવાની જોગવાઈ પણ હતી.

બીકાનેર હાઉસના નિયમ

આ નિયમો રેહાન માટે ખાસ બનાવવામાં આવ્યા હોય એવું નથી. તે બીકાનેર હાઉસમાં યોજાતા તમામ કાર્યક્રમો અને પ્રદર્શનો માટેની સામાન્ય નીતિ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. બીકાનેર હાઉસના અધિકારીઓએ પણ આ જ વાત સમજાવી હતી. NDTV સાથેની વાતચીતમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળ પર યોજાતાં પ્રદર્શનોનો હેતુ કલા, સંસ્કૃતિ અને વાઇલ્ડલાઇફને પ્રોત્સાહન આપવાનો છે. રેહાને અગાઉ પણ ત્યાં પ્રદર્શનો યોજ્યાં હતાં, પરંતુ આ વખતે જે તસવીરો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, તે આ શ્રેણીમાં આવતી નહોતી અને તેમાં રાજકીય સંદેશ હતો.

સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે નીતિ સાથે સુસંગત તસવીરો પ્રદર્શનમાં ચાલુ રાખવામાં આવી હતી. એટલે તમામ કલાકૃતિઓ સામે વાંધો નહોતો. વાંધો 74 તસવીરો સામે હતો, જેને સંસ્થાએ પોતાની નીતિ સાથે અસંગત ગણાવી હતી. અહીં એક વાત સ્પષ્ટ છે. કોઈ વ્યક્તિને કોઈ નિયમ સામે વાંધો હોય તો તે નિયમની ટીકા કરી શકે છે, તેમાં ફેરફારની માગણી કરી શકે છે કે નિયમને પડકારી શકે છે. પરંતુ નિયમોનું પાલન કર્યા વિના પોતાની ઇચ્છા મુજબ સામગ્રી પ્રદર્શિત કરવાનો આગ્રહ રાખવો અને પછી કાર્યવાહી થાય ત્યારે આખી ઘટનાને સરકારના માથે નાખવી એ આ કોંગ્રેસીઓની ‘આવડત’ છે.

બીકાનેર હાઉસે આપી લેખિત નોટિસ, 74 તસવીરો હટાવવા કહ્યું

21 ઑક્ટોબર 2026ના રોજ બીકાનેર હાઉસ મેનેજમેન્ટ સોસાયટીએ રેહાન વાડ્રાને સત્તાવાર નોટિસ પાઠવી હતી. તેનું શીર્ષક હતું, ‘Notice of Non-Compliance with BHMS Policy and Cancellation of Exhibition’. એટલે કે, સંસ્થાની નીતિનું પાલન ન કરવા અને પ્રદર્શન રદ કરવા અંગેની નોટિસ. નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે રેહાને રજૂ કરેલા પ્રસ્તાવ પ્રમાણે પ્રદર્શનનો વિષય નેચર, વાઇલ્ડલાઇફ, એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક, પોટ્રેટ, શિલ્પો અને ઇમર્સિવ ઇન્સ્ટોલેશનનો હતો. જોકે, પ્રદર્શનના ભાગરૂપે મૂકવામાં આવેલી 74 તસવીરો બીકાનેર હાઉસ મેનેજમેન્ટ સોસાયટીની નીતિ સાથે સુસંગત નહોતી.

સંસ્થાએ રેહાનને 21 ઑક્ટોબરે સાંજે 4 વાગ્યા સુધીમાં આ તસવીરો હટાવી દેવા જણાવ્યું હતું. જો તેમ કરવામાં નહીં આવે તો સાંજે 5 વાગ્યાથી પ્રદર્શન માટે ફાળવવામાં આવેલી જગ્યા રદ કરવામાં આવશે, એવું નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું. નોટિસ પર બીકાનેર હાઉસના ડેપ્યુટી રેસિડન્ટ કમિશનર મનોજ સિંઘની સહી હતી. આ દસ્તાવેજ આખા વિવાદનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સંસ્થાએ લેખિતમાં જણાવ્યું હતું કે કઈ તસવીરો સામે વાંધો છે, તસવીરો હટાવવા માટે કેટલી સમયમર્યાદા છે અને તેમ ન થાય તો શું કાર્યવાહી થશે. એટલે આ નિર્ણય કોઈ કારણ વગર અચાનક લેવામાં આવ્યો નહોતો. બીકાનેર હાઉસની નીતિમાં રાજકીય સામગ્રી પર પ્રતિબંધ હતો અને નોટિસમાં 74 તસવીરોને તે નીતિ સાથે અસંગત ગણાવવામાં આવી હતી. નોટિસમાં તિરંગાની તસવીરોનો ઉલ્લેખ નહોતો.

આખું પ્રદર્શન રદ થયું નહોતું, 74 તસવીરો હટાવવામાં આવી હતી

આ વિવાદની ચર્ચામાં એક બીજી બાબત પણ સ્પષ્ટ રાખવી જરૂરી છે. બીકાનેર હાઉસે આખું પ્રદર્શન રદ કર્યું નહોતું. પ્રદર્શન માટે ફાળવવામાં આવેલી જગ્યા રદ કરવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આખરે લગભગ 74 તસવીરો હટાવવામાં આવી અને બાકીની તસવીરો સાથે પ્રદર્શન ચાલુ રહ્યું. રેહાનના પ્રદર્શન માટે કુલ 105 તસવીરોનું આયોજન હતું. તેમાંથી 74 તસવીરો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પરિણામે આશરે 30થી 40 તસવીરો પ્રદર્શનમાં રહી. આ તસવીરોમાં વાઇલ્ડલાઇફ, એબ્સ્ટ્રેક્ટ આર્ટ અને અન્ય વિષયોનો સમાવેશ થતો હતો.

બીકાનેર હાઉસના જણાવ્યા પ્રમાણે, નીતિ સાથે સુસંગત તસવીરો પ્રદર્શનમાં ચાલુ રાખવામાં આવી હતી. એટલે આ કાર્યવાહીનો અર્થ એવો નહોતો કે રેહાનની દરેક કલાકૃતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંસ્થાએ જે તસવીરોને પોતાની નીતિ સાથે અસંગત ગણાવી હતી, તે હટાવવા માટે કહ્યું હતું. આ સમજવું જરૂરી છે. કારણ કે રાજકીય સ્ટંટમાં ઘટનાને તેના મૂળ સ્વરૂપ કરતાં વધુ વ્યાપક રીતે રજૂ કરવામાં આવે છે. અહીં પણ 74 તસવીરો હટાવવાનો વિવાદ એવી રીતે જ રજૂ થયો કે જાણે રેહાનને કલા રજૂ કરવાની જ મનાઈ ફરમાવી દેવામાં આવી હોય. હકીકતમાં પ્રદર્શન ચાલુ રહ્યું હતું.

નિયમોનું ઉલ્લંઘન થયું તો તિરંગાની તસવીરોનો મુદ્દો ઉઠાવ્યો

બીકાનેર હાઉસની કાર્યવાહી બાદ રેહાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે પ્રદર્શન શરૂ થવાના થોડા કલાકો પહેલાં સંચાલકોએ તેના મોટાભાગનાં આર્ટવર્ક હટાવવા માટે કહ્યું હતું. તેણે આ તસવીરોને દિલ્હીમાં થયેલાં વિરોધ પ્રદર્શનોનું ‘દસ્તાવેજીકરણ’ ગણાવ્યું. ત્યારબાદ રેહાને તિરંગાની બે તસવીરોનો મુદ્દો ઉઠાવ્યો. તેના જણાવ્યા પ્રમાણે તેને ભારતીય રાષ્ટ્રધ્વજની બે તસવીરો હટાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે તે તિરંગાની તસવીર હટાવશે નહીં અને વિરોધ પ્રદર્શનોની તસવીરોનો આખો સંગ્રહ પ્રદર્શિત કરવા માટે અન્ય સ્થળ શોધશે.

આ નિવેદન બાદ વિવાદનો કેન્દ્રબિંદુ બદલાવા લાગ્યો. બીકાનેર હાઉસે રાજકીય સામગ્રીને લઈને આપેલી નોટિસની ચર્ચા થવાને બદલે તિરંગાની તસવીરોનો મુદ્દો સામે આવ્યો. રેહાનના દાવાને આધારે એવી છાપ ઊભી કરવાનો અવકાશ મળ્યો કે જાણે રાષ્ટ્રીય ધ્વજની તસવીર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય! પરંતુ આગળ આપણે જોયું તેમ બીકાનેર હાઉસની સત્તાવાર નોટિસમાં તિરંગાનો ઉલ્લેખ નહોતો. તેમાં 74 તસવીરોને સંસ્થાની નીતિ સાથે અસંગત ગણાવવામાં આવી હતી. તિરંગાની બે તસવીરો હટાવવાનું કહેવામાં આવ્યું હોવાનો દાવો રેહાનનો હતો. બંને બાબતો વચ્ચેનો આ તફાવત સમજવો જરૂરી છે.

અહીં જ આખા વિવાદનો રાજકીય વળાંક દેખાય છે. સંસ્થાની નોટિસમાં જે કારણ દર્શાવવામાં આવ્યું હતું, તેના બદલે તિરંગાની તસવીરોનો મુદ્દો આગળ આવ્યો. ત્યારબાદ આ ઘટનાને સરકાર વિરુદ્ધના રાજકીય આરોપોમાં ફેરવવાનું શરૂ થયું.

પ્રિયંકા ગાંધી વાડ્રા દીકરાના બચાવમાં ઉતર્યાં

રેહાનના નિવેદન બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના દીકરાનો બચાવ કર્યો. તેમણે લખ્યું કે જ્યારે સત્તા ધરાવતી વ્યક્તિ અન્યની અભિવ્યક્તિથી ડરવા લાગે છે ત્યારે તેને ખ્યાલ પણ રહેતો નથી કે પોતાની સત્તા બચાવવાના પ્રયાસમાં તે પોતે જ સત્તા ગુમાવી રહી છે. તેમણે રેહાનને ‘સત્ય’ની સાથે ઊભા રહેવા પ્રોત્સાહિત કર્યો અને કહ્યું કે તેમને પોતાના દીકરા પર હંમેશાં ગર્વ રહેશે. પરંતુ પ્રિયંકા ગાંધીના નિવેદનમાં બીકાનેર હાઉસની નીતિ કે રેહાનના મૂળ પ્રસ્તાવનો ઉલ્લેખ નહોતો. તેના બદલે ઘટનાને સત્તા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેના સંઘર્ષ તરીકે રજૂ કરવામાં આવી.

અહીં એક સવાલ ઊભો થાય છે. જો પ્રદર્શનના પ્રસ્તાવમાં રાજકીય વિરોધ પ્રદર્શનોની તસવીરોનો સ્પષ્ટ ઉલ્લેખ નહોતો અને સંસ્થાની નીતિમાં રાજકીય સામગ્રી પર પ્રતિબંધ હતો તો પ્રિયંકા ગાંધીએ આ બંને બાબતો અંગે શું કહ્યું? તેમણે સંસ્થાની નોટિસમાં દર્શાવાયેલા કારણનો જવાબ આપ્યો? તેમણે સમજાવ્યું કે પ્રસ્તાવ અને પ્રદર્શનમાં મૂકવામાં આવેલી તસવીરો વચ્ચેનો તફાવત કેમ ઊભો થયો?

તેમના જાહેર નિવેદનમાં આ સવાલોના જવાબ જોવા મળતા નથી. તેના બદલે તેમણે સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવાનો આરોપ લગાવ્યો. એટલે મૂળ વિવાદની વિગતો કરતાં રાજકીય આરોપો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા. એ જ તો આ ઇકોસિસ્ટમ કરવા માંગતી હતી. પ્રિયંકા ગાંધીએ જેવી મશાલ સળગાવી કે તેમની પાછળ રહેલી ઇકોસિસ્ટમની નાની-મોટી સૌ જીવાતો તેમના પર કૂદાકૂદ કરવા લાગી.

પવન ખેડા અને સુપ્રિયા શ્રીનેતે પણ સરકાર વિરુદ્ધ પ્રોપગેન્ડા આગળ ધપાવ્યો

પ્રિયંકા ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ રેહાનના સમર્થનમાં નિવેદનો આપ્યાં. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે સરકાર અસુવિધાજનક સત્યનો સામનો કરવાને બદલે તેને દબાવવા માગે છે. તેમણે લેખો, તસવીરો, કલાકૃતિઓ અને પુસ્તકોનો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે સરકારને પડકારતી દરેક બાબતને શાંત કરી દેવામાં આવે છે. કોંગ્રેસની પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ આરોપ લગાવ્યો કે સરકાર રેહાનની તસવીરોમાં કેદ થયેલા સત્ય, ગુસ્સા અને નિરાશાથી ડરે છે!

આ નિવેદનોમાં એક સામ્ય હતું. ઇકોસિસ્ટમના આ નેતાઓએ બીકાનેર હાઉસની નીતિ અને રેહાનના મૂળ પ્રસ્તાવ વચ્ચેના તફાવતની ચર્ચા કરવાને બદલે આ ઘટનાને સરકાર દ્વારા વિરોધના અવાજને દબાવવાના ઉદાહરણ તરીકે રજૂ કરી. પરંતુ બીકાનેર હાઉસના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે રેહાને અગાઉ પણ ત્યાં પ્રદર્શનો યોજ્યાં હતાં. આ વખતે વાંધો એવી તસવીરો સામે હતો, જે સંસ્થાની નીતિ સાથે સુસંગત નહોતી અને તેમાં રાજકીય સંદેશ હતો. સંસ્થાએ નીતિ સાથે સુસંગત તસવીરોને પ્રદર્શનમાં ચાલુ રાખી હતી.

અગાઉ પણ રેહાનનાં પ્રદર્શનો યોજાયાં હતાં તો આ વખતે વાંધો શા માટે?

બીકાનેર હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેહાને અગાઉ પણ આ સ્થળે અનેક પ્રદર્શનો યોજ્યાં હતાં. આ બાબત મહત્વપૂર્ણ છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, આ વખતે રજૂ કરવામાં આવેલી કેટલીક તસવીરો તેની નીતિ સાથે સુસંગત નહોતી. તેથી તસવીરો હટાવવા માટે કહેવામાં આવ્યું. નિયમોનું પાલન ન થતાં પ્રદર્શન રદ કરવાની ચેતવણી આપવામાં આવી, પરંતુ આખરે પ્રદર્શન આંશિક રીતે ચાલુ રહ્યું.

અહીં સવાલ વ્યક્તિનો નહીં, નિયમોનો છે. અગાઉ કોઈ કલાકારને એક સ્થળે પ્રદર્શન કરવાની મંજૂરી મળી હોય તો શું ભવિષ્યમાં તે સ્થળના નિયમોનું પાલન કર્યા વિના પોતાની ઇચ્છા પ્રમાણે કોઈપણ પ્રકારની સામગ્રી પ્રદર્શિત કરવાનો અધિકાર મળી જાય? જો જવાબ ના હોય તો રેહાનના કિસ્સામાં પણ નિયમોના પાલનનો સવાલ ઊભો થવાનો જ હતો. રાજકીય પરિવાર સાથે જોડાયેલા હોવાને કારણે કોઈને નિયમોમાંથી વિશેષ છૂટ મળી શકે નહીં. પરંતુ આ ઘટનામાં ઇકોસિસ્ટમના નેતાઓએ મૂળ નિયમોની ચર્ચા કરવાને બદલે સરકાર સામે આરોપો લગાવવાનું પસંદ કર્યું!

અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે દરેક નિયમને નકારી શકાય?

આખા વિવાદમાં સૌથી વધુ ચર્ચાયેલો મુદ્દો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો છે. રેહાનનું કહેવું હતું કે તેની તસવીરો માત્ર વિરોધ પ્રદર્શનોનું દસ્તાવેજીકરણ કરતી હતી અને તેમાં કોઈ રાજકીય સંદેશ નહોતો. બીજી તરફ, બીકાનેર હાઉસના અધિકારીઓએ આ તસવીરોને રાજકીય સંદેશ ધરાવતી ગણાવીને પોતાની નીતિ સાથે અસંગત ગણાવી હતી. આ બંને પક્ષોના દાવા છે, પરંતુ એક બાબત મહત્વની છે. બીકાનેર હાઉસની નીતિમાં રાજકીય સામગ્રી પર પ્રતિબંધ હતો અને સંસ્થાએ 74 તસવીરો હટાવવા માટે લેખિત નોટિસ આપી હતી. એટલે આ ઘટનાને સમજવા માટે માત્ર રેહાનના નિવેદનને અંતિમ સત્ય માની લેવું યોગ્ય નથી.

કોઈ કલાકારને વિરોધ પ્રદર્શનોની તસવીરો પાડવાનો અને તેને કલાકૃતિ તરીકે રજૂ કરવાનો અધિકાર હોય શકે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક સંસ્થાએ પોતાની જાહેર કરેલી નીતિથી વિપરીત સામગ્રી પ્રદર્શિત કરવાની મંજૂરી આપવી જ પડે. કોઈ નિયમ સામે વાંધો હોય તો તેને પડકારી શકાય છે, પરંતુ નિયમોનો અમલ થાય ત્યારે તેને આપમેળે રાજકીય દમન ગણાવી શકાય નહીં.

ગાંધી પરિવાર માટે અલગ નિયમો હોવા જોઈએ?

રેહાન વાડ્રા કોઈ સામાન્ય કલાકાર તરીકે જ આ વિવાદમાં ચર્ચામાં આવ્યો નથી. તે પ્રિયંકા ગાંધી વાડ્રાનો દીકરો છે અને ગાંધી પરિવાર સાથે જોડાયેલો છે. આ જ કારણે તેની સાથે જોડાયેલી ઘટના રાજકીય ચર્ચાનો વિષય બની છે. પરંતુ કોઈ વ્યક્તિ ગાંધી પરિવાર સાથે જોડાયેલી હોય એટલે તેને નિયમોમાંથી છૂટ મળવી જોઈએ, એવું માની શકાય નહીં. બીકાનેર હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ રેહાનનાં પ્રદર્શનો ત્યાં યોજાયાં હતાં. આ વખતે કાર્યવાહીનું કારણ ચોક્કસ તસવીરોને સંસ્થાની નીતિ સાથે અસંગત ગણાવવામાં આવી હતી.

જો નિયમો બધા માટે સરખા હોય, તો તેમનો અમલ પણ સરખી રીતે થવો જોઈએ. કોઈ વ્યક્તિનું રાજકીય જોડાણ, પરિવારનો પ્રભાવ કે જાહેર ઓળખ તેને નિયમોથી ઉપર મૂકી શકતા નથી. આ જ સામાન્ય સિદ્ધાંત કોઈપણ જાહેર સંસ્થા માટે લાગુ પડે છે. પરંતુ અહીં કોંગ્રેસના નેતાઓએ જે રીતે ઘટનાને સરકાર વિરુદ્ધના મુદ્દામાં ફેરવી, તેમાં મૂળ સવાલો પાછળ રહી ગયા. પ્રસ્તાવમાં રાજકીય તસવીરોનો સ્પષ્ટ ઉલ્લેખ કેમ નહોતો? સંસ્થાની નીતિમાં રાજકીય સામગ્રી પર પ્રતિબંધ હોવા છતાં આવી તસવીરો શા માટે મૂકવામાં આવી? અને નોટિસમાં દર્શાવાયેલા કારણને બદલે તિરંગાની તસવીરોનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં કેમ આવ્યો? આ સવાલોના જવાબ આપ્યા વિના માત્ર સરકાર પર આરોપો લગાવવાથી મૂળ વિવાદ ઉકેલાતો નથી.

પ્રસ્તાવથી રાજકીય નેરેટિવ સુધી

રેહાન વાડ્રા અને પ્રિયંકા ગાંધી વાડ્રાના આ પ્રકરણમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે તે વાત એ છે કે સત્તાવાર નોટિસમાં જે મુદ્દો હતો, તેના કરતાં જાહેર નિવેદનોમાં એક અલગ જ મુદ્દો આગળ આવ્યો. આ ઘટનાને સરકાર વિરુદ્ધના રાજકીય આરોપોમાં ફેરવવાનો પ્રયાસ થયો. કોંગ્રેસ ઇકોસિસ્ટમના નેતાઓએ પોતાના દાવા કર્યા, પરંતુ બીકાનેર હાઉસના લેખિત નિયમો અને નોટિસમાં નોંધાયેલી વિગતોનો જવાબ આપવો પણ એટલો જ જરૂરી હતો. જો કોઈ પ્રદર્શનના નિયમોનું પાલન ન થયું હોય તો તેના માટે જવાબદારી નક્કી થવી જોઈએ. જો નિયમો અયોગ્ય હોય તો તેને બદલવાની માગણી થવી જોઈએ. પરંતુ નિયમોના ઉલ્લંઘનના સવાલને બાજુ પર રાખીને માત્ર રાજકીય આરોપો લગાવવામાં આવે તો તેનાથી મૂળ વિવાદ ઉકેલાતો નથી.

આ વિવાદે ફરી એકવાર બતાવ્યું કે કોઈ ઘટનાની પસંદગીની વિગતોને આગળ ધરીને રાજકીય નેરેટિવ ઊભો કરવો કેટલો સરળ છે. પરંતુ નેરેટિવથી અલગ રહીને તથ્યો જાણવામાં આવે તો મૂળ સવાલો સામે આવે જ છે. રેહાનના પ્રદર્શનના કિસ્સામાં પણ પ્રસ્તાવ શું હતો, નિયમો શું હતા, નોટિસમાં શું લખ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસી નેતાઓએ શું કહ્યું હતું, આ ચાર બાબતોને સાથે રાખીને જોવામાં આવે તો આખા વિવાદની દિશા સમજવામાં કોઈ મુશ્કેલી રહેતી નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં