અરુણાચલ સરહદે ચીન સાથે ફરી સામસામે ભારતીય જવાનો, ‘શૌર્ય કમાન્ડો’ આપી રહ્યા છે જડબાતોડ જવાબ: ITBPના DG શત્રુજીત કપૂર

વિસ્તારવાદી નીતિ ધરાવતા ચીનને આ વખતે અરૂણાચલ પ્રદેશની સરહદે ભારે પડી રહ્યું છે. તાજેતરમાં જ ભારત-તિબેટ સીમા પોલીસના (ITBP) ડાયરેક્ટર જનરલ (DG) શત્રુજીત કપૂરે રાજસ્થાનના અલવર ખાતે જવાનોના સન્માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશની સરહદ પર ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે તાજેતરમાં કેટલીક જગ્યાએ સામસામે આમને-સામનેની (Face-offs) સ્થિતિ સર્જાઈ હતી અને હાલ પણ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતીય દળો ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

કપૂરે શૌર્ય કમાન્ડોની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, નવી રચાયેલી આ કમાન્ડો ટુકડીઓએ અરુણાચલ પ્રદેશમાં ઊભી થયેલી પરિસ્થિતિ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. નોંધનીય છે કે ભારતની અરુણાચલ સરહદે ઊંચા પહાડો, કડકડતી ઠંડી અને મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ફરજ બજાવવી એ મોટો પડકાર છે. આવી પરિસ્થિતિમાં ચીનના સૈનિકો સાથે સામનો થાય ત્યારે જવાનોને ઝડપી નિર્ણય લેવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ખાસ તાલીમની જરૂર પડે છે. આ જ હેતુથી ITBPએ શૌર્ય કમાન્ડો ટુકડીઓ તૈયાર કરી છે.

ITBPના વડાએ જણાવ્યું છે કે આ કમાન્ડોએ અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં ઊભી થયેલી ફેસ-ઓફની પરિસ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. આ ટુકડીઓને દરેક સરહદી બટાલિયનમાં સામેલ કરવાની યોજના છે. તેનાથી સરહદે તહેનાત દળની વિશેષ કામગીરી કરવાની ક્ષમતા વધુ મજબૂત બનશે.

ગલવાન જેવી સ્થિતિ માટે ‘સ્ટ્રાઈક’ તાલીમ

આ ઉપરાંત ભારત 2020ના ગલવાન સંઘર્ષમાંથી મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને પણ તૈયારી કરી રહ્યું છે. જૂન 2020માં લદ્દાખના ગલવાન વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આવી સ્થિતિમાં જવાનો વધુ સજ્જ રહે તે માટે ITBPએ ‘સ્ટ્રાઈક’ નામનો ખાસ તાલીમ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેનો હેતુ જવાનોને નજીકથી થતા સંઘર્ષ અને ગલવાન જેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરવાનો છે. ITBPના વડાએ જણાવ્યું છે કે 2027ના અંત સુધીમાં સમગ્ર દળને આ તાલીમ આપવાની યોજના છે.

આ તાલીમથી જવાનોની શારીરિક ક્ષમતા ઉપરાંત તેમની નિર્ણય લેવાની શક્તિ, ટીમ તરીકે કામ કરવાની ક્ષમતા અને મુશ્કેલ સંજોગોમાં જવાબ આપવાની તૈયારી પણ મજબૂત બનશે. સરહદે દરેક પરિસ્થિતિ એકસરખી હોતી નથી, તેથી જવાનોને અલગ-અલગ પ્રકારના પડકારો માટે તૈયાર કરવા જરૂરી છે.

ડ્રોન ટેકનોલોજી પર વિશિષ્ટ ધ્યાન

આ ઉપરાંત ITBPના વડાએ જણાવ્યું હતું કે સેના હવે ડ્રોન અને ડ્રોનનો સામનો કરવા માટેની ટેક્નોલોજી પર પણ ધ્યાન આપી રહી છે. ITBPએ 2030 સુધીમાં ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ માટે આશરે ₹1,000 કરોડની ફાળવણી કરી છે. આ યોજના અંતર્ગત દરેક પ્લાટૂનમાં એક ડ્રોન યુનિટ તહેનાત કરવામાં આવશે. આ સિવાય આપણી જરૂરિયાતના ડ્રોન બનાવવા અને જવાનોને તે ચલાવવાની તાલીમ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે.

વધુમાં ITBPના વડાએ જણાવ્યું હતું કે સરહદે ભૂગર્ભ માળખાં એટલે અંડરગ્રાઉન્ડ શેલટર્સ વિકસાવવાનું કામ પણ ચાલુ છે. આ યોજનાનો હેતુ જવાનોને મુશ્કેલ પરિસ્થિતિમાં સુરક્ષિત જગ્યા પૂરી પાડવાનો છે. આ તમામ પગલાં દર્શાવે છે કે ભારત સરહદ પર લાંબા સમય સુધી તહેનાત રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે.

વાતચીત વચ્ચે ચીનના હુમલા ચાલુ

ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં આ સ્થિતિ એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદી મુદ્દાઓ ઉકેલવા માટે વાતચીત પણ થઈ રહી છે. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ અરુણાચલ પ્રદેશના વાચા-દમાઈ સરહદી બેઠક સ્થળે બંને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. તેનો હેતુ સરહદ પર ઊભા થયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવાનો હતો. તેમ છતાં, ITBPના વડાના તાજેતરના નિવેદન મુજબ ચીને તેની ઘૂસણખોરીની નીતિ ચાલુ જ રાખી છે.

તાજેતરના નિવેદનો અનુસાર ચીન સાથે તણાવ યથાવત છે, પરંતુ ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું અને પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સતત પગલાં પણ લઈ રહ્યું છે. શૌર્ય કમાન્ડોની કામગીરી, ડ્રોન પ્લાટૂન, સ્ટ્રાઈક તાલીમ અને અંડરગ્રાઉન્ડ શેલટર્સ જેવી તૈયારીઓથી સેનાની ક્ષમતા વધારવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે.